ભારતમાં આદ્યશક્તિનાં સ્થાનો તો અનેક છે. શક્તિરૂપ જગદંબાનાં દરેક સ્થાનક આમ તો ભાવિકોમાં અનોખી શ્રધ્ધા ભોગવતાં હોય છે. એમાંયે શક્તિપીઠોનું સ્થાન તો અનેરું છે. સતીના દેહના ટુકડા આખા ભારતની ભૂમિ પર જ્યાં વેરાયા ત્યાં આજે શક્તિપીઠો ઊભી છે. એવી જ એક શક્તિપીઠ મધ્યપ્રદેશનાં સતના જિલ્લામાં આવેલ મેહરગઢમાં પણ છે. બીજાં મંદિરો કરતા આ મંદિર એક બાબતે અલગ પડે છે :

રહસ્ય!
મેહરગઢમાં ૬૦૦ ફુટની ઉંચાઈ ધરાવતી ટેકરી પર ‘મૈહરમાતા’નું મંદિર આવેલું છે. મૈહર માતાને બીજાં નામે શારદાદેવી તરીકે પણ ઓળખવામાં આવે છે. ભગવતી દુર્ગાનું જ એક રૂપ છે મૈહરમાતા. આજે આપણે જાણીશું આ મંદિરના એક એવા રહસ્યમય અને રોજ બનતા બનાવ વિશે જેની ખાત્રી તો ઘણાયે કરી છે પણ એનો તાગ પામવામાં એ બધા જ નિષ્ફળ નીવડ્યા છે!
સતીનાં ગળાનો હાર પડ્યો હતો અહીં! —
‘મૈહર’નો અર્થ થાય છે ‘ગળાનો હાર’. ભગવાન શિવ આકાશમાર્ગે સતીનાં મૃતદેહને લઈ જતા હતા ત્યારે માતાજીનાં ગળાનો હાર અહીં પડ્યો હતો. તે દિવસથી આ સ્થળે મૈહર માતાનું સ્થાનક છે. ઘણું પ્રસિધ્ધ દેવીસ્થાન છે. અનેક લોકો રોજ અહીં આવીને માતાનાં ચરણોમાં શિશ ઝૂકાવે છે. માતા શ્રધ્ધેય હ્રદયથી આવેલા સેંકડો ભાવિકોનાં દુ:ખો દૂર કરે છે.

રાત રોકાવવાનો નિષેધ —
મૈહરમાતાનાં સ્થાનકના દરવાજા રાતે આરતી પછી બંધ કરી દેવામાં આવે છે. ૬૦૦ ફુટની ઉંચાઈએ એ પછી પૂજારીઓ પણ નથી રહેતા! અહીં રાત રોકાવાની સદંતર મનાઈ ફરમાવવામાં આવેલી છે. તે છતાં જો કોઈ કારણ વગર છત્રીસની છાતી દેખાડીને અહીં પારખાં કરવાનો પ્રયત્ન કરતો રાત રોકાઈ પણ જાય, તો સવાર થતા એના શા હાલ થાય એ કહેવું મુશ્કેલ છે! માણસ તો શું, જાનવરો પણ અહીં રહેવાની ગુસ્તાખી કરતા નથી!
કોણ કરી જાય છે પૂજા? —
ખરું આશ્વર્ય તો એ વખતે થાય છે જ્યારે સવારના પહોરમાં મંદિરના દરવાજે ફરી ઉઘાડવામાં આવે છે. દરરોજ સવારે કમાડ ખોલવામાં આવે એટલે એક રહસ્ય અહીં વાટ જ જોઈ રહ્યું હોય છે. અગાઉથી જ માતાજીની પૂજા થઈ ગઈ હોય એવાં ચિહ્નો જોવામાં આવે છે! ફૂલો પડ્યાં હોય છે, ધૂપદીપનાં પણ નિશાન દેખાય છે. ચોખ્ખી બાબત જણાઈ આવે છે, કે મૈહરમાતાની પૂજા-અર્ચના કોઈ કરી ગયું છે!
બંધ કમાડે અહીં કોણ માતાની રોજ પૂજા કરી જાય છે? આ સવાલનો જવાબ વૈજ્ઞાનિક અભિગમથી વિચારનારા લોકો કદી પામી શક્યા નથી. એમણે પ્રયાસ કર્યો છે પણ એ માત્ર પ્રયાસ પૂરતો જ સીમિત રહી શક્યો છે. તાગ મેળવવો અઘરો છે! એક કથા આની પાછળનો ખુલાસો કરે છે, જે બે ભાઈઓની છે.

કોણ હતા આલ્હા અને ઉદલ? —
કહેવાય છે, કે માતાજીની રાત્રે પૂજા કરનાર આ બે ભાઈઓ જ છે : આલ્હા અને ઉદલ. પણ આલ્હા અને ઉદલ આજકાલના નથી, પૃથ્વીરાજ ચૌહાણના વખતે તેનું અસ્તિત્વ હતું! મતલબ એક હજાર વર્ષ વીતી ચૂક્યાં છે આલ્હા અને ઉદલને! બુદેલખંડના કાલિંજરના પરમાર રાજવીના સામંતો હતા આલ્હા અને ઉદલ. એકાદ-બે નહી પણ ૫૨ લડાઈઓ લડી હતી આ બંને ભાઈઓએ!
કહેવાય છે, કે એમની અંતિમ લડાઈ પૃથ્વીરાજ ચૌહાણ સામે હતી. એમાં ઉદલ વીરગતિ પામ્યો. આલ્હાને ઘણું લાગી આવ્યું. ગુરૂ ગોરખનાથના કહેવાથી પૃથ્વીરાજને તો એણે જીવનદાન આપી દીધું પણ પછી મનમાં વૈરાગ્ય વ્યાપી ગયો. યુધ્ધગતિઓમાંથી પૂરી રીતે આલ્હાએ નિવૃત્તિ લઈ લીધી અને માતાની તપસ્યા કરવા માંડી. લાગલગાટ ૧૨ વર્ષ આકરી તપસ્યા કરી!

આજ સુધી તલવારની ધાર સીધી નથી કરી શકાઈ! —
માતાએ પ્રસન્ન થઈને આલ્હાને તલવાર મૂકી દેવાનો આદેશ આપ્યો. આલ્હાએ તલવાર માતાના શરણોમાં ધરી દીધી અને તેની ધાર વાળી નાખી. આજે પણ એ ધાર સીધી કરનારો કોઈ જન્મ્યો નથી! મૈહરમાતાના મંદિરની બિલકુલ પાછળ એક મંદિરમાં આલ્હાની પણ ભવ્ય મૂર્તિ છે. એના હાથમાં આજે પણ એ તલવાર જોઈ શકાય છે. કહેવાય છે, કે આલ્હાને તો માતાજીએ અમર થઈ જવાનું વરદાન આપેલું છે! આજે પણ આલ્હા માતાની પૂજા-અર્ચના કરવામાં વ્યસ્ત છે!
મંદિરની પરિસરમાં આજે પણ એવાં નિશાનો જોવા મળે છે, જે એ વાતની ગવાહી પૂરે છે કે અહીં એક સમયે આલ્હા અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે ભયાવહ યુધ્ધ થયું હશે!
Author: કૌશલ બારડ GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.