ભારતમાં ઘણા એવા મંદિરો છે જ્યાં એ મંદિરનો પોતાનો એક ઇતિહાસ હોય છે, જ્યાં સ્વયંભૂ દેવી દેવતાઓ પ્રગટ થયા હોવાનું આજે પણ માનવામાં આવે છે, ઘણા મંદિરોમાં આજે પણ એવા ચમત્કાર થતા જોવા મળે છે કે જે માનવામા પણ નથી આવતા, પરંતુ આંખે જોયું હોય એ વિશ્વાસ પણ કરે છે અને શ્રદ્ધા પણ રાખે છે. આવા રહસ્યોને શોધવામાં ઘણા લોકો લાગેલા હોય છે, વૈજ્ઞાનિકો પણ આ રહસ્ય ઉકેલવા માટે મહેનત કરે છે, પરંતુ કહેવાય છે કે ને ઈશ્વરના ચમત્કારનો કોઈ ઉકેલ ના મળી શકે, એમ જ એ લોકોને પણ આ ચમત્કારો પાછળનું રહસ્ય શોધવામાં સફળતા નથી મળતી.

ભારતમાં જ આવેલું એક એવું મંદિર જ્યાં મંદિરના દ્વારા ખુલતા પહેલા જ મંદિરમાં રહેલી દેવીની પૂજા થઇ જાય છે, બંધ મંદિરની અંદરથી આરતી તથા ઘંટ વાગવાનો આવાજ પણ સંભળાય છે, પરંતુ આજ સુધી કોઈ જાણી શક્યું નથી કે મંદિરની અંદર રાત્રે 2 થી 5માં બ્રમ્હ મુહૂર્ત પહેલા કેવી રીતે અને કોણ આવીને પૂજા કરી જાય છે.

આપણે જે મંદિરની વાત કરી તે મંદિર તે માધ્ય પ્રદેશના સતના જિલ્લામાં આવેલું મૈહર માતાજીનું મંદિર છે, જેને લોકો શારદા દેવીના મંદિર તરીકે પણ ઓળખે છે. આ મંદિરની શ્રદ્ધા અને દેવીની ભકતો ઉપરની કૃપા અપરંપાર છે. વર્ષ દરમિયાન લાખો લોકો આ મંદિરના દર્શને આવે છે. આ મંદિર સવારે 5 વાગ્યાથી લઈને રાત્રીના 2 વાગ્યા સુધી ખુલ્લું હોય છે પરંતુ રાત્રે 2 થી 5ની અંદર બંધ મંદિરની અંદર છેલ્લા ઘણા વર્ષોથી કોઈ આવી અને પૂજા કરતું હોવાનું માનવામાં આવે છે. શારદા દેવીના મંદિરની અંદર રાત્રે 2 થી 5માં બ્રમ્હ મુહૂર્ત પહેલા થતી આ પૂજાના રહસ્ય પાછળ એક કથા રહેલી છે. જે આજે પણ લોકો માને છે, અનુભવે છે.

મંદિરના પુજારીના કહ્યા અનુસાર મંદિરની અંદર રાત્રે 2 થી 5માં જે પૂજા થાય છે તે માતાજીના પરમભક્ત આલ્હા દ્વારા કરવામાં આવે છે. માતાજીને સૌથી પહેલો શ્રુંગાર આલ્હા દ્વારા કરવામાં આવે છે, માતાજીની પહેલી આરતી પણ આલ્હા અને ઉદલ જ કરે છે. પરંતુ આજ સુધી કોઈએ આલ્હા અને ઉદલને જોયા નથી.

આલ્હા અને ઉદલની બુંદેલખંડમાં ઘણી જ વાર્તાઓ પ્રચલિત છે. આલ્હા અને ઉદલ બંને ભાઈઓ હતા જે બુંદેલખંડના માહોબાના વીર યોદ્ધાઓ અને પરમારના સામંત હતા. કવિ જગનિક જે કલિંગરના રાજા પરમારના દરબારી હતા તેમને આલ્હાનાં નામથી એક ખંડ કાવ્યની પણ રચના કરી હતી. જેમાં આલ્હા એની ઉદલના 52 યુધ્ધોની વાત કરી છે. એ ખંડકાવ્યમાં લખ્યું છે કે આલ્હાનું છેલ્લું યુદ્ધ પૃથ્વીરાજ ચૌહાણ સાથે હતું.

એવી માન્યતા પણ છે કે પૃથ્વીરાજ સાથેના યુદ્ધમાં આલ્હા પૃથ્વીરાજ ઉપર ભારે પડ્યો હતો અને પૃથ્વીરાજની સેનાને પીછેહઠ કરવાની ફરજ પડી હતી. પરંતુ આલ્હાએ આ મંદિરમાં માતાજીના કહેવાના કારણે પોતાના હથિયાર મૂકી દીધા હતા અને પોતાની તલવારની ધાર પણ વાંકી કરી દીધી હતી જેને આજસુધી કોઈ સીધી કરી શક્યું નથી. મંદિરમાં રહેલા કેટલાક આવશેષો આજે પણ પૃથ્વીરાજ અને આલ્હાની લડાઈની સાબિતીઓ આપે છે.

આલ્હા જ માતાજીને શારદા નામ દ્વારા બોલાવતો હતો જેના કારણે મંદિરમાં રહેલા દેવીનું નામ શારદા દેવી પાડવામાં આવ્યું છે.

એક ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન શંકર જયારે માતા સતીને પોતાના ખભે રાખીને તાંડવ નૃત્ય કરતા હતા ત્યારે માતાના ગાળામાં રહેલો હાર આ જગ્યા ઉપર આવીને પડ્યો હતો જેના કારણે આ જગ્યાને મૈહર તરીકે ઓળખવામાં આવે છે અનેઆ સ્થાનકને માતાજીનું શક્તિપીઠ પણ માનવામાં આવે છે.

ભલે કોઈ માને કે ના માને પણ મૈહર મંદિરના બંધ દરવાજા પાછળ થતી માતાજીની આરતીનું સત્ય હજુ સુધી કોઈ પારખી નથી શક્યું. આજે પણ ભક્તો એમ જ માને છે કે રાત્રિના અંધકારમાં થતી માતાજીની પૂજા અર્ચના આલ્હા દ્વારા જ કરવામાં આવે છે. શોધકર્તાઓ પણ આનું કારણ શોધવા ઘણી જ મહેનત કરી પરંતુ એમને પણ નિરાશ જ થવું પડ્યું છે.