ગ્રહદશામાં કાયમ માટે મંગળ અને શનિની ગતિને પ્રમુખ માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ, શનિ એ માત્ર ગ્રહ નથી, દેવતા પણ છે! શનિદેવના પ્રકોપને લઈને દરેક વ્યક્તિ ડરે છે. કોઈ એવું નથી ઈચ્છતું હોતું કે શનિદેવના ક્રોધનો તે ભોગ બને. શનિનો અર્થ ‘મંદ ગતિ’ થાય છે. સૂર્યની પરિક્રમા કરતા પણ તેને લગભગ ૩૦ વર્ષ જેટલો સમય લાગે છે! વળી, સૂર્યથી દૂર હોવાને લીધે તેના પર સૂર્યપ્રકાશ બહુધા પડતો નથી. અંધકારમય આવરણને લીધે શનિદેવ ક્રોધાયમાન હોવાનું માનવામાં આવે છે.

પણ સાવ એવું પણ નથી કે કાયમ માટે અને બધા પર શનિદેવ પોતાનો પ્રકોપ નાખે છે કે સાડાસાતી બેસાડે છે. શનિ ખરેખર વિશિષ્ટ છે. એની કૃપા ખરેખર પડે તો બેડો પાર થઈ જાય છે. જરૂર છે માત્ર અમુક ઉપાયની! જો તમારી પર શનિની માઠી દશા બેઠી હોય તો એમાંથી ઉગરવા માટે અને દેવની કૃપાદ્રષ્ટિ પાછી મેળવવા માટે અમુક ઉપાયો અહીં સૂચવવામાં આવ્યા છે, જે કર્યા બાદ પ્રકોપિત શનિદેવ ઉલ્ટાના કૃપા વરસાવવા લાગશે. વાંચો નીચે :

નાળની અંગૂઠી બનાવી પહેરવી:
નિષ્ણાતોના મત મુજબ, કાળા રંગના ઘોડાની નાળ લઈ એની હાથની મધ્યમા આંગળીના માપની અંગૂઠી બનાવવી. શનિવારની આખી રાત આ અંગૂઠી ગરમ કર્યા વગરના દૂધમાં રાખવી. સવારે શ્રધ્ધાપૂર્વક શનિદેવનું નામ સ્મરણ કરી એને હાથની મધ્યમા આંગળીમાં ધારણ કરવી. આ ઉપાયને લીધે તરત લાભપ્રાપ્તિ થાય છે.

નીલમ ધારણ કરો:
નીલમને પંચધાતુમાં ધારણ કરી પહેર્યું હોય તો પણ શનિદેવની સાડાસાતીમાંથી બચી શકાય છે અને તેમની કૃપા પ્રાપ્ત કરી શકાય છે. શનિવારની સવારે બ્રાહ્મણને ઘરે બોલાવી, તેમની ષોડશોપચાર પૂજા અને પ્રાણ પ્રતિષ્ઠા કરીને નીલમ ધારણ કરી શકાય છે. જો આ વિધિ શક્ય ના હોય તો આ રત્નને આખી રાત ગાયના શુદ્વ દૂધમાં રાખી સવારે ગંગાજળથી ધોઈ અને ધારણ કરવું.

દર્ભનાં મૂળનો ઉપાય:
શનિવારના રોજ જ્યારે પુષ્ય નક્ષત્રનો પણ સંયોગ હોય તે દિવસે દર્ભનાં મૂળ લઈ આવી તેને કાળા કપડાંમાં બાંધીને જમણા હાથમાં બાંધવાથી શનિદેવની કૃપા વરસવી શરૂ થઈ જશે. આ વનસ્પતિ(જડીબુટ્ટી)ને લગતો ઉપાય પણ કારગત હોવાનું જણાવાય છે.

પીપળાનાં વૃક્ષ નીચે કરેલી પ્રદક્ષિણા:
શનિવારના રોજ પ્રદોષકાળે અર્થાત્ સાંજના સમયે પીપળાનાં વૃક્ષ નીચે દીવો પ્રગટાવીને સાત વાર પ્રદક્ષિણા કરવી. બાદમાં સાત લાડુ કાળા કૂતરાને ખવડાવવા. આ ઉપરાંત, ભેંસ કે ઘોડાને કાળા ચણા ખવડાવવાથી પણ શનિદેવના દોષકાલમાંથી મુક્તિ મળે છે.

આ ઉપાય પણ છે ફળદાયી:
શનિવારની સવારના ૧૧ વાગ્યા સુધીમાં અહીં જણાવેલો ઉપાય કરી લેવો જોઈએ : લોઢાના વાસણમાં તેલ ભરીને એમાં સાત-સાત દાણા અડદ, જવ અને ચણાના નાખી દેવા. ઉપરથી સવા રૂપિયો પણ નાખવો. આ તેલમાં પોતાનું પ્રતિબિંબ જોઈ કાં તો દાન કરી દો અથવા તેને શનિમંદિરમાં રાખી દો.

કેટલાક અન્ય ઉપાયો:
શનિદેવને પ્રસન્ન કરવાનો એક ઉપાય એ પણ છે કે, ત્રણ વખત સવા કિલો ચણા લઈ તેને શનિવારની આખી રાત પલાળી રાખવા. સવારમાં તેમાંથી સવા કિલો ભેંસ કે ઘોડાને ખવડાવી દેવા, બીજા સવા કિલો નિર્બળોમાં કે રોગીઓમાં વહેંચી દેવા અને ત્રીજા સવા કિલોનો માથેથી થયેલો ઉતાર કોઈને અડચણ રૂપ ના બને તેવી રીતે વેરાન ચારમાર્ગી પર મૂકી આવવા. જાણકારોના મત પ્રમાણે આ ઉપાયને પણ ઉત્તમ માનવામાં આવે છે.

આ બધામાં પણ શનિદેવની આરાધના, પ્રાર્થના કે સ્તુતિને શ્રેષ્ઠ માનવામાં આવે છે. વિધિ-વિધાન સાથે શનિદેવનો થયેલો અભિષેક તમારા માટે સફળતાનાં દ્વાર ખોલનાર હશે. શનિદેવની પૂજા સમયે મનમાં ગરીબો, વંચિતો અને તરછોડાયેલા લોકો, મૂંગાં પશુ-પંખીઓ સહિત જીવસૃષ્ટિ પ્રત્યે પ્રેમ અને કરૂણાનો ભાવ અવશ્ય રાખવો.
નોંધ : ઉપરની માહિતી પ્રામાણિક અને પ્રતિષ્ઠિત સ્ત્રોતમાંથી લેવામાં આવી છે, અમારી ખુદની જોડી કાઢવામાં આવેલી નથી! અહીં કોઈ વાત પર પ્રશ્ન ઉદ્ભવે કે સંશય થાય તો આ બાબતો વિશે કોઈ પ્રામાણિક વિદ્વાનનો મત લેશો એ ઇચ્છનીય રહેશે.
Author: કૌશલ બારડ GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.