મનોરંજન

ડ્રગ કેસમાં પકડાયો દીકરો તો શક્તિ કપૂરની થઇ આવી હાલત, કહ્યું કે મને સમજ નથી આવી….

બોલિવૂડ અને ડ્રગ્સનો હંમેશાથી ગાઢ સંબંધ રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સના કેસમાં બોલિવૂડના ઘણા સેલેબ્સના નામ સામે આવી રહ્યા છે. બોલિવુડ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત ડ્રગ્સ કેસમાં બોલિવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂરનુ નામ સામે આવ્યુ હતુ. જો કે, તેને માત્ર પૂછપરછ માટે જ બોલાવવામાં આવી હતી. ત્યારે હવે શ્રદ્ધાના ભાઈ અને શક્તિ કપૂરના પુત્ર સિદ્ધાંત કપૂરનું નામ હાલમા ડ્રગ્સ કેસમાં ચર્ચામાં છે. સિદ્ધાંત પર ડ્રગ્સ લેવાનો આરોપ છે. સિદ્ધાંત કપૂરને ડ્રગ્સ કેસમાં બેંગલુરુમાં હિરાસતમાં લેવામાં આવ્યો છે.

અહેવાલો અનુસાર, એક રેવ પાર્ટીમાં ડ્રગ્સ લેવા બદલ અભિનેતાની સાથે અન્ય છ લોકોની અટકાયત કરવામાં આવી હતી. આ મામલે હજુ વધુ અપડેટ આવવાના બાકી છે. આ દરમિયાન પુત્રની કસ્ટડીને લઈને શક્તિ કપૂરનું નિવેદન સામે આવ્યું છે. ઇન્ડિયા ટુડે સાથેની વાતચીતમાં આ સમાચાર પર પ્રતિક્રિયા આપતા શક્તિ કપૂરે કહ્યું – મને આ વિશે માત્ર ઈન્ડિયા ટુડેથી જ ખબર પડી છે. મને કોઈ ખ્યાલ નથી. જ્યારે હું સવારે 9 વાગે જાગ્યો તો એવા સમાચાર આવ્યા કે તેની અટકાયત કરવામાં આવી છે. મને કોઈ ખ્યાલ નથી. આખો પરિવાર સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યો છે પરંતુ કોઈ ફોન ઉપાડતું નથી.

મને સમજાતું નથી કે આ શું થઈ રહ્યું છે. શક્તિ કપૂરના પુત્ર સિદ્ધાંત કપૂરને પોલીસે બેંગલુરુમાં દરોડા પાડીને અટકાયતમાં લીધો છે. તેના પર ડ્રગ્સ લેવાનો આરોપ છે. સિદ્ધાંતનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. માહિતી અનુસાર, સિદ્ધાંત કપૂરની સાથે અન્ય 6 લોકોના ડ્રગ્સ ટેસ્ટનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આ લોકો બેંગ્લોરના એમજી રોડ પર સ્થિત એક હોટલમાં પાર્ટી કરી રહ્યા હતા. ત્યાં પોલીસે દરોડો પાડ્યો હતો. સિદ્ધાંત કપૂર પણ તેના પિતા અને બહેનની જેમ ફિલ્મી દુનિયા સાથે જોડાયેલો છે.

સિદ્ધાંતે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. સિદ્ધાંતે બહેન શ્રદ્ધા કપૂર સાથે ફિલ્મ હસીના પારકરમાં સ્ક્રીન પણ શેર કરી હતી. ફિલ્મો સિવાય સિદ્ધાંતે વેબ સિરીઝ અને મ્યુઝિક વીડિયોમાં પણ પોતાનું નસીબ અજમાવ્યું છે. જો કે, તે અભિનેતા તરીકે ઓળખ મેળવી શક્યો ન હતો.