રસોઈ

શક્કરીયા નો હલવો અને સ્વીટ શક્કરીયા રેસિપી – નોંધી લો અત્યારે જ અને આજે જ બનાવો

મિત્રો અષાઢ મહિનો શરૂ થઈ ગયો છે, અને અગિયારસ પણ ચાલી ગઈ. અને તમને યાદ હશે છે આ અગિયારસ થી ગૌરીવ્રત નો પ્રારંભ થાય છે. ગૌરી વ્રત એટલે કે તેમાં કુમારિકાઓ ને પાંચ દિવસ મીઠા વગર નું ખાવા નું, એટલે કે મોળી વાનગીઓ જ ખાવાની. પાંચ દિવસ માટે રોજ શું નવું-નવું ખાવું અને ફરાળી કઈ નવીન વાનગી બનાવી ને કુમારિકાઓ ને ખવડાવવી? આ પ્રશ્ન દરેક માતા ઓ ને થતો હોય છે. ક્યારેક મીઠી વાનગી તો ક્યારેક મીઠા વગર ની કોઈ બીજી વાનગી ખાવી પડે. પણ મીઠા વગરની વાનગી માં શું સ્વાદ લાગે? ત્યારે વિચાર આવે કે કોઈ મીઠી વાનગી બનાવી ને કુમારિકાઓ ને ખવડાવીએ.
મીઠી વાનગીઓ માં આપણે દૂધી નો હલવો, રાજગરા નો શીરો, દૂધી ની ખીર, દૂધપાક, વગેરે બનાવીએ છીએ, પરંતુ ક્યારેય તમે શક્કરીયા નો હલવો ખાધો છે? જી હા શક્કરીયા નો હલવો ખૂબ જ સ્વાદિષ્ટ, સ્વીટ અને લચકદાર છે. સાથે સાથે સ્વાસ્થય માટે પણ ફાયદાકારક છે. મીઠી વાનગી માં બનતો આ હલવો એક સ્વાદિષ્ટ અને ખૂબ જ સારી વાનગી છે. આ અનોખા હલવા ને બનાવી ને જુઓ તો ખરા શક્કરીયા થી બનેલો અને એલચી ના પાઉડર થી તેમજ કેસર થી સુશોભિત તથા સ્વાદ થી ભરપુર, માવા થી ભરપુર વ્યંજન છે. આ શક્કરીયા નો હલવો તમને આખા દિવસ માટે સ્ફૂર્તિ પણ પ્રદાન કરે છે. ચાલો તો આપણે બનાવીએ શક્કરીયા નો મજેદાર હલવો.

 • તૈયારી માટે નો સમય -10 મિનિટ
 • બનાવવા નો સમય – 15 મિનિટ
 • કુલ સમય – 25 મિનિટહલવા માટે ની સામગ્રી (ચાર વ્યક્તિઓ માટે)
 • 3 થી 4 – શક્કરીયા
 • 1 ટેબલ સ્પૂન – ઘી
 • ¾ કપ – દૂધ
 • 4 ટેબલ સ્પૂન – ખાંડ કે સાકર
 • ¼ ટેબલ સ્પૂન – એલચી નો પાઉડર
 • થોડુક કેસર
 • 1 ટેબલ સ્પૂન – દૂધ માં પલાળેલું કેસર
 • 2 ટેબલ સ્પૂન – ઝીણો સમારેલો સૂકો મેવો (બદામ, કાજુ, પિસ્તા વગેરે)

હલવો બનાવવા ની રીત
સૌ પ્રથમ શક્કરીયા ને ધોઈ, સાફ કરી ને પ્રેશર કુકર માં બાફવા માટે મૂકી દો, આ કુકર માં 3 થી 4 સિટીઓ કરવી, જેથી કરીને શક્કરીયા ચડી જાય. સિટી થઈ ગયા પછી ઢાંકણાને ખોલતા પહેલા કુકર માં રહેલ બધી ભાપ ને જવા દો, પછી જ કુકર ને ખોલવું.
કુકર માંથી શક્કરીયા કાઢી નાખ્યા બાદ તેની છાલ કાઢી નાખો, ત્યાર બાદ તેને ખૂબ સારી રીતે મસળો અને મસળી નાખ્યા બાદ તેને સાઈડ પર મૂકી દો.
હવે એક નોન સ્ટિક અથવા કોઈ જાડું વાસણ લઈ તેમાં ઘી નાખી ગરમ કરવા મૂકી દો, જાડું વાસણ એટલા માટે લેવું કે જેથી કરી ને હલવો બનાવતી વખતે તે નીચે બેસી ના જાય. હવે આ ઘી ને ગરમ થઈ ગયા પછી તેમાં મસળેલા શક્કરીયા ને નાખી દો, ત્યાર બાદ તેને મધ્યમ તાપે 2 થી 3 મિનિટ માટે હલાવતા રહો.
હવે આ શક્કરીયા ના મિશ્રણ માં દૂધ, ½ કપ પાણી, ખાંડ કે સાકર, અને એલચી નો પાઉડર નાખી સારી રીતે તેનું મિશ્રણ કરી દો. આ મિશ્રણ થઈ ગયા બાદ 1 થી 2 મિનિટ માટે ધીમા તાપે ચડવા દો. યાદ રાખજો કે આ મિશ્રણ થોડુક ઢીલું રાખવું.
હવે આ મિશ્રણ માં કેસર તેમજ સૂકો મેવો જેમકે કાજુ, બદામ, પિસ્તા, કિશમિશ, અંજીર વગેરે નાખી ખૂબ સારી રીતે હલાવો અને મિશ્ર કરી દો, થોડી વાર ધીમા તાપે થવા દો, એકદમ બધુ મિશ્ર થઈ ગયા પછી નીચે ઉતારી લો, તો તૈયાર છે તમારો શક્કરીયા નો હલવો. થોડોક ઠંડો થઈ ગયા પછી પીરસો અને પરિવાર જનો સાથે તેના સ્વાદ ને માણો.

સ્વીટ શક્કરીયા બનાવવા ની રીત
ઘણા લોકો ને આ રીતે હલવો ના ભાવે તો તેઓ એ શક્કરીયા ના ટુકડા કરીને પણ બનાવી શકે છે. તે કઈ રીતે ? ચાલો તો અમે એ પણ બતાવી દઈએ. સૌપ્રથમ શક્કરીયા ને સાફ કરી તેના ગોળ-ગોળ ટુકડા કરી લો. પછી એક વાસણ માં ઘી મૂકી તેમાં ટુકડા કરેલા શક્કરીયા નાખો. થોડી વાર હલાવી તેમાં દૂધ નાખવું અને 10- 15 મિનિટ ચડવા દો.
15 મિનિટ પછી જુઓ કે શક્કરીયા ચડી ગયા છે કે કેમ, જો ચડી ગયા હોય તો તેમાં હવે કેસર, એલચી નો પાઉડર, સૂકો મેવો વગેરે નાખી તેને સારી રીતે મિશ્ર કરી લો, આ મિશ્રણ થઈ ગયા પછી ધીમા તાપે 2 થી 3 મિનિટ ચડવા દો.આમ તૈયાર છે તમારા સ્વીટ શક્કરીયા ના ટુકડા. નીચે ઉતારી ને, ઠંડા થઈ ગયા પછી તેમાં ઉપર થી થોડોક સૂકો મેવો નાખી સજાવી લો, અને સૌ ને પીરસો.
આમ વ્રત માં આ શક્કરીયા નો હલવો ખૂબ જ ભાવતી અને સ્વાસ્થય માટે લાભદાયક અને સ્ફૂર્તિ દાયક છે.

માધવી આશરા ‘ખત્રી’

Author: GujjuRocks Team
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ