TMKOCના તારક મહેતાએ શોને અલવિદા કહ્યા બાદ હવે પ્રોડ્યુસરનો ફોન ઉઠાવવાનો કર્યો બંધ, કલાકારો સાથે પણ વાતચીત કરવા નથી તૈયાર

દર્શકોની પહેલી પસંદ એવા “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” વર્ષોથી દર્શકોનું મનોરંજન કરાવી રહ્યો છે. ટીઆરપીમાં પણ આ શો ટોપ પર રહેતો આવ્યો છે, છેલ્લા થોડા વર્ષોમાં જ આ શોમાંથી ઘણા બધા કલાકારોએ વિદાય લઇ લીધી છે, કેટલાક કલાકારોની જગ્યા કોઈ નવા કલાકારોએ લઇ લીધી છે અને દર્શકો હવે તેમને પસંદ પણ કરવા લાગ્યા છે.

આ દરમિયાન છેલ્લા કેટલાક સમયથી એવી અટકળો ચાલી રહી છે કે શોમાં તારક મહેતાનું પાત્ર નિભાવી રહેલા શૈલેષ લોઢાએ પણ શો છોડી દીધો છે. શૈલેષ લોઢા છેલ્લા 14 વર્ષથી શોમાં તારક મહેતાનું પાત્ર ભજવી રહ્યા હતા. હવે તેમના શો છોડવાની ચર્ચાઓ જોર શોરથી ચાલી રહી છે. જોકે, નિર્માતાઓ અને ખુદ અભિનેતા તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. હવે આ વાર્તામાં નવો વળાંક આવ્યો છે.

ઈ-ટાઈમ્સના અહેવાલ મુજબ શૈલેષ લોઢા શોના નિર્માતા અસિત કુમાર મોદીના ફોન કોલ્સનો જવાબ આપી રહ્યા નથી. આટલું જ નહીં, શૈલેષ લોઢા એવા કલાકારોના કોલ પણ અટેન્ડ કરી રહ્યા નથી જે તેમને શોમાં પાછા ફરવા માટે સમજાવી રહ્યા છે. શોના નિર્માતા અને અભિનેતા વચ્ચે મધ્યસ્થી થાય છે. રિપોર્ટમાં જણાવ્યું છે કે શૈલેષ લોઢા સાથે ફોન પર વાત કરવી ખૂબ જ મુશ્કેલ બની ગઈ છે કારણ કે તેમણે ફોનમાં સેટિંગ એવી રીતે કર્યું છે કે એક રિંગ પછી મોટાભાગના કોલ ડિસ્કનેક્ટ થઈ જાય છે.

મીડિયા રિપોર્ટમાં એવો દાવો કરાયો છે કે નિર્માતા અસિત કુમાર મોદી અભિનેતાને શોમાં પાછા લાવવા માટે સખત પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ તેમના પ્રયાસ ખૂબ જ મુશ્કેલ લાગે છે. હવે જે રીતે શૈલેષ લોઢા શોની ટીમ અને પ્રોડ્યુસરથી દૂરી બનાવી રહ્યા છે તે જોતા લાગે છે કે તેમણે તારક મહેતાને છોડવાનું મન બનાવી લીધું છે. આવી સ્થિતિમાં શૈલેષ લોઢા શોમાં પરત ન ફરે તેવી ઘણી શક્યતાઓ છે. જો આવું થાય છે, તો શોના ચાહકોને મોટો આંચકો લાગી શકે છે.

આમ પણ “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”ના ઘણા સ્ટાર્સે શોને અલવિદા કહી દીધું છે. દિશા વાકાણી છેલ્લા 5 વર્ષથી શોમાં જોવા મળી નથી. તાજેતરમાં જ તે બીજી વખત માતા બની છે. આવી સ્થિતિમાં તેની શોમાં વાપસીની શક્યતા ઓછી છે. નેહા મહેતા, ગુરચરણ સિંહે પણ તારક મહેતાને છોડી દીધા છે. હવે શોમાંથી શૈલેષ લોઢા શોમાંથી નીકળે છે કે  પછી તે શોમાં જ રહે છે તે તો આવનારા દિવસોમાં ખબર પડશે.

Niraj Patel