મેકર્સ વિરુદ્ધ તારક મહેતા ઉર્ફે શૈલેશ લોઢાએ લીધુ લીગલ એક્શન, એક વર્ષની ફીસ છે બાકી રાખી દીધી છે, જાણો સમગ્ર મામલો

જુબાની જંગ છોડી શૈલેશ લોઢાએ ખટખટાવ્યો કોર્ટનો દરવાજો, અસિત મોદી સાથે આ વાત પર ચાલી રહી છે તકરાર

ટીવીના પોપ્યુલર સિટકોટ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ જ્યાં એક બાજુ દર્શકોનું મનોરંજન કરવામાં કોઇ કમી નથી રાખતો, ત્યાં બીજી બાજુ કેટલાક સમયથી કોઈના કોઇ કલાકારની શોમાંથી છૂટા થવાની ખબર સામે આવતી રહે છે. ગયા વર્ષે જ ‘તારક મહેતા’ ઉર્ફે શૈલેષ લોઢાએ શો છોડ્યો હતો અને તે બાદ તારક મહેતાનું પાત્ર હાલ અભિનેતા સચિન શ્રોફ નિભાવી રહ્યો છે. શૈલેષ લોઢાએ શો છોડી દીધા બાદ પણ તેને તેની ફી નથી મળી. જો કે, શોના નિર્માતા અસિત કુમાર મોદીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે આવું કંઈ નથી. શૈલેષને અન્ય જગ્યાએ સારી તક મળી છે, તેથી તેણે શોને અલવિદા કહી દીધું છે.

પરંતુ હવે જે રિપોર્ટ્સ સામે આવી રહ્યા છે તેના પરથી લાગે છે કે શૈલેષે સાચી માહિતી આપી હતી. શૈલેષે ગયા વર્ષે એપ્રિલ મહિનામાં છેલ્લો એપિસોડ શૂટ કર્યો હતો. ત્યારબાદ આ વર્ષના જાન્યુઆરી મહિનામાં એવા અહેવાલ આવ્યા હતા કે શૈલેષ 6 મહિનાથી રાહ જોઈ રહ્યો છે, તેને એક વર્ષનો પગાર પૂરો મળ્યો નથી. હવે લેટેસ્ટ અપડેટ મુજબ શૈલેષે શોના મેકર્સ સામે કાયદાકીય સહારો લેવાનું નક્કી કર્યું છે. માર્ચ મહિનામાં શૈલેષે અસિત મોદી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તેણે કહ્યું કે હજુ સુધી તેનો પગાર નથી મળ્યો.

શૈલેષે આ ફરિયાદ ‘નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ’માં કરી હતી. તેણે કહ્યું કે અસિત મોદી સાથે બેસીને વાત કર્યા પછી તેને તેનો પૂરો પગાર જોઈએ છે. આ ફરિયાદ કલમ 9 હેઠળ નોંધવામાં આવી હતી. આ ફરિયાદની સુનાવણી મે મહિનામાં થવાની છે. હિંદુસ્તાન ટાઈમ્સ અનુસાર, જ્યારે અભિનેતાને ફોન પર આ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે આ મામલો કોર્ટમાં છે અને તે આ વિશે કંઈ કહેવા માંગતો નથી. ત્યાં જ્યારે અસિતને ફોન કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે તેઓ મુસાફરી કરી રહ્યા છે અને આ મામલે ટિપ્પણી કરી શકશે નહીં.

આ પછી શોના પ્રોજેક્ટ હેડ સોહિલ રમાનીને ફોન કરવામાં આવ્યો તો તેમણે કહ્યું, “મારે આ મામલે કંઈ નવું કહેવાનું નથી, કારણ કે બધું મીડિયામાં આવી ચૂક્યું છે. શૈલેષ અમારા બધા માટે પરિવાર જેવો છે. જ્યારે તેણે શો છોડી દીધો, અમે બધાએ તેના નિર્ણયનું સન્માન કર્યું અને અમે તેને ઘણી વખત ફોન કરીને ઓફિસમાં આવવા, તમામ કાગળ પૂરા કરવા અને તેનો બાકીનો પગાર એકત્રિત કરવાનું કહ્યું. અમે ક્યારેય પગાર ચૂકવવાની ના પાડી નથી.

તેમણે વધુમાં કહ્યું કે કોઈ પણ કંપની હોય જ્યારે કોઈ વ્યક્તિ ત્યાંથી નીકળે છે ત્યારે સંપૂર્ણ કાગળ વર્ક પૂરા કરવા પડે છે અને પછી ચુકવણી કરવામાં આવે છે. આમાં વાંધો શું છે ? બહાર જઈને ફરિયાદ કરવાને બદલે જો યોગ્ય કાર્યવાહી કરવામાં આવી હોત તો સારું થાત. આ મામલે તેમણે આગળ કહ્યુ કે, અમારી પાસે કોઈ કેસ નથી, કારણ કે અમે ક્યારેય તેનો પગાર આપવાનો ઇનકાર કર્યો નથી. અમે લોઢા સરને આ અંગે જાણ કરી છે. તે કાગળો પર સહી કરવા અને બાકીનો પગાર લેવા માટે ગમે ત્યારે આવી શકે છે.

Shah Jina