કૌશલ બારડ જાણવા જેવું લેખકની કલમે હેલ્થ

શા માટે બજારમાંથી લાવેલાં સફરજનો એકદમ લાલ ચમકતાં હોય છે? કારણ જાણશો તો આંખ ઉઘડી જશે!

હમણાં કેન્દ્ર સરકારના ખાદ્ય અને ગ્રાહક મંત્રી રામવિલાસ પાસવાને બજારમાંથી સામાન્ય આદમી માટે મોંઘા કહેવાય એવાં સફરજન મંગાવ્યાં. મંત્રીજીના બંગલે આવ્યા બાદ એ સફરજન પાછાં ગયાં અને સાથે દુકાનદાર માટે ખાદ્ય અને ઉપભોક્તા મંત્રાલયની ટીમને પણ લેતાં આવ્યાં! આ ધમાચકડી મચવા પાછળનું કારણ હતું સફરજન પર લાગેલ વેક્સ કોટિંગ, જે દુકાન પર મળતાં લાલચટ્ટાક સફરજનો પર લાગેલું હોય છે.

અહીં આપણે જાણીશું વેક્સ કોટિંગ (Wax Coating) વિશેની એ બધી વાતો જે જાણવી જરૂરી છે. એ સાથે તમે એ પણ સમજી જશો કે અમુક સફરજન શા માટે એકદમ ચમકતાં હોય છે અને તેને ખરીદતી વખતે શી બાબતનું ધ્યાન રાખવું જોઈએ.

Image Source

શું છે વેક્સ કોટિંગ? —

ફળોની દુકાનો પર કે રેકડીઓ પરથી આપણે સફરજન લેવા જઈએ ત્યારે જોયું હશે કે, બે-ત્રણ ભાવના મળતાં સફરજનોમાં અમુક સફરજનો એકદમ લાલચટ્ટાક ચળકતાં હોય છે. એનો ભાવ પણ સામાન્ય પડેલાં સફરજનો કરતા વધારે જ હોય છે. આનું કારણ દુકાનદારને પૂછશો તો એ આ સવાલનો કદાચ સંતોષકારક જવાબ ના પણ આપી શકે.

આ લાલ ચળકતાં સફરજનો પાછળનું કારણ એની ઉપર કરવામાં આવતું વેક્સ કોટિંગ છે. વેક્સ કોટિંગ અર્થાત્ શાકભાજી અને ફળો પર લગાડવામાં આવતો એવો પદાર્થ જે ફળ કે શાકભાજી પર એક પ્રકારનું રક્ષણાત્મક આવરણ રચે છે, જેથી ફળો કે શાકભાજી તરત બગડી ન જાય અને બજારમાં આવતા સુધી સલામત રહે.

Image Source

વેક્સ કોટિંગ શરીર પર શી અસર કરે? —

ભારત સરકારની ફૂડ સેફ્ટી અને ઓથોરિટી અને યુરોપિયન ફૂડ ઓથોરિટી જેવી સંસ્થાઓએ અમુક પ્રકારના વેજીટેબલ વેક્સ કોટિંગને મંજૂરી આપી છે. જેથી કરીને ખેડૂતો શાકભાજી અને ફળોને બજારમાં પહોંચવા સુધી સલામત રાખી શકે. આની માત્રા પ્રમાણસરની હોય તો શરીરને કોઈ નુકસાન નથી થતું. બાકી તો એવું બને કે ખેડૂતના ખેતરમાંથી ફળ કે શાકભાજી આપણા સુધી પહોંચી જ ન શકે!

Image Source

ખજૂરના પાનમાંથી બનતું વેક્સ —

સૌથી સલામત અને પ્રતિષ્ઠિત વેક્સ ‘કાર્નોબા વેક્સ’ છે. ‘કિંગ ઓફ વેક્સ’ તરીકે ઓળખાતું આ વેક્સ બ્રાઝિલમાં થાય છે. અહીંના ઉષ્ણકટિબંધીય ખજૂરોનાં પાનમાંથી આ વેક્સ મેળવવામાં આવે છે. ફળો પર લગાવવામાં આવતું વેક્સ આ જ હોય છે.

Image Source

જ્યારે દુકાનદારો આડે પાટે ચડે —

વેક્સ કોટિંગનો તરત નજરે ચડતો દાખલો ફળોની દુકાનો પર બધાં ફળોથી અલાયદું સ્થાન ભોગવતાં ચળકતાં લાલ સફરજનો જ છે. વેક્સ કોટિંગ વેજીટેબલ હોય અને પ્રમાણસરનું હોય ત્યાં સુધી વાંધો નહી, પણ આજે અમુક દુકાનદારો સફરજનને નિખારીને વધારે દામ મેળવવા અને એના પર કેમિકલયુક્ત વેક્સનો પ્રયોગ કરવા માંડ્યા છે. જે નિ:શંકપણે શરીર માટે હાનિકારક છે. વળી, એનું પ્રમાણ પણ હદથી વધારે હોય છે. આપણે એક નોટ વધારે કાઢીને 50 રૂપિયાનાં કિલો સફરજનને બદલે વેક્સ કોટિંગવાળા 150ના કિલો મળતાં સફરજન લઈએ છીએ!

Image Source

તો કરવું શું? —

વધારે કંઈ નહી! ફળો કે શાકભાજી જે પણ બજારમાંથી લાવો એને ગરમ પાણીથી ધોઈ જ નાખવા. આ બાબતે કદી પણ ચૂક કરવી નહી. બાકી, વેક્સ કોટિંગ તો ઠીક પણ જંતુનાશક દવાઓનો જે છંટકાવ તેના પર થયેલો હોય એ વહેલી તકે નુકસાન કરશે! વેક્સ કોટિંગ વિશે અમુક પ્રતિષ્ઠિત સંસ્થાઓ નુકસાનકારક નથી એવું કહે છે તો અમુક ભયંકર નુકસાનકારક છે એવું પણ બતાવે છે. એટલે આ ખોટી માથાખૂટમાં ન પડવું હોય તો ખાલી એટલું યાદ રાખો કે ઘરમાં સફરજન આવે એટલે પહેલા ગરમ પાણીનું તપેલું દેખાવું જોઈએ!

જુઓ વિડિઓ :

Author: કૌશલ બારડ – GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.