ઇસ્કોન બ્રિજ બાદ હવે ગોતા બ્રિજ પર તથ્ય પટેલ વાળી થતા થતા રહી ગઈ, પહેલા કાર સાથે આખલો અથડાયો, ગાડીનો કચ્ચરઘાણ વળી ગયો, જુઓ

ગોતા બ્રિજ પર ઇસ્કોન જેવી જ ઘટના સર્જાવવાની હતી, આખલા સાથે ટક્કર થયા બાદ લોહીલુહાણ થયેલા કાર ચાલકે ટોળું ઉભું હોવા છતાં કાર આગળ લીધી અને પછી…

SG Remained ‘factual’ On The Highway : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતના મામલાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. રોજ રોજ કોઈને કોઈ અકસ્માતની ઘટનાઓ સમયે આવતી હોય છે. ત્યારે ગત મહિને ઇસ્કોન બ્રિજ પર થયેલા ગોઝારા અકસ્માતની વાત સાંભળીને જ કોઈનું પણ કાળજું કમ્પી ઉઠે. આ અકસ્માતમાં 10 લોકોના મોત થયા હતા. ત્યારે અકસ્માત પાછળ કસૂરવાર તથ્ય પટેલ નામનો નબીરો હતો, જેને પોતાની જેગુઆર કાર પુરપાટ ઝડપે દોડાવી અને લોકોના ટોળાને અડફેટે લીધું હતું.

ગોતા બ્રિજ પર સર્જાયો અકસ્માત :

ત્યારે આવી જ એક ઘટના એસજી હાઇવે પર જ ગોતા બ્રિજ પર થતા થતા રહી ગઈ હતી. જેમાં એક કાર ચાલકની કાર આગળ એક આખલો ભટકાયો હતો, એટલું જ નહિ આખલો ભટકાઈને કારના બોનેટ પર જ પડ્યો હતો અને કારનો આગળના ભાગનો પણ કચ્ચરઘાણ નીકળી ગયો હતો. જયારે અંદર બેઠેલો કાર ચાલક ગંભીર રીતે ઘાયલ થતા લોહી લુહાણ પણ થઇ ગયો હતો. તો જે આખલા સાથે અકસ્માત સર્જાયો હતો તે આખલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

કાર સામે ટકરાયો આખલો :

અકસ્માત થતા જ આસપાસ રહેલા લોકો પણ બચાવ કાર્ય માટે આવી ગયા હતા અને કાર ચાલકને બહાર નીકળવાનું પણ કહયું હતું. પરંતુ કાર ચાલક ઈજાગ્રસ્ત અને લોહીલુહાણ હોવા છતાં પણ કારને આગળ પાછળ કરતો જોવા મળ્યો હતો. આ ઘટના ગત રોજ રાત્રે 9.20 કલાકની આસપાસ અમદાવાદથી ગાંધીનગર તરફના રસ્તા પર ગોતા બ્રિજ પાસે સર્જાઈ હતી. જયારે અકસ્માત સર્જાયો ત્યારે કાર ગોતા બ્રિજ ઉતરી રહી હતી અને અચાનક કારની સામે જ ટકરાયો હતો.

આખલાનું ઘટના સ્થળે જ મોત :

ટક્કર એટલી જબરદસ્ત હતી કે આખલો પહેલા ઉછળીને કારના બોનેટ પર પટકાયો અને પછી રોડ પર, જેના બાદ તરફડીયા મારીને તેનું મોત ગણતરીના સમયમાં જ થઇ ગયું હતું. આખલાની ટક્કરથી કારની વિન્ડશીલ તૂટી ગઈ હતી અને કાચ કાર ચાલકને વાગતા જ લોહી લુહાણ પણ થયો હતો. રસ્તે જતા લોકો કાર ચાલકની મદદે આવ્યા, પરંતુ કાર ચાલક બહાર ના નીકળ્યો અને કારમાં જ બેસી રહ્યો. આ દરમિયાન લોકોનું ટોળું ઉભું હોવા છતાં તે કારને 10 ફૂટ સુધી આગળ લઇ ગયો.

લોહીલુહાણ હાલતમાં કારને આગળ પાછળ લીધી :

આગળ મૃત આખલો પડેલો હતો, અને કાર ક્ષતિગ્રસ્ત હોવાના કારણે વધારે આગળ ના ચાલી શકી. જેના બાદ તેને કારને રિવર્સ પણ લીધી હતી. પછી લોકોના કહેવા પર તે બહાર આવ્યો અને 108ને જાણ કર્યા બાદ 108 આવતા સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવ્યો. કાર ચાલકે પોતાનું નામ બળદેવ હોવાનું જણાવ્યું અને નજીકમાં જ એક આઇટી કંપીનીમાં કામ કરતો હોવાનું પણ જણાવ્યું હતું.

Niraj Patel