ખેડાનો પટેલ પરિવાર 1 કરોડ રૂપિયા ખર્ચીને અમેરિકા જવા માટે તૈયાર થયું, પરંતુ એરપોર્ટ ઉપર જ ઝડપાયા

અમેરિકા જવા સરકારી નોકરી છોડી, 1 કરોડ ખર્ચીને USA જવા ગયા અને એરપોર્ટ પર જ પકડાઈ ગયાં, રાતા પાણીએ રડવાનો વારો આવ્યો

વિદેશ જવાના સપના ઘણા લોકો જોતા હોય છે, અને તેમાં પણ અમેરિકા, કેનેડા અને લંડન જેવા દેશોમાં જવાનું સપનું તો મોટાભાગના ગુજરાતીઓ જુઓ છે. પરંતુ આ દેશોની કેટલીક નીતિઓના કારણે ત્યાંના વિઝા મળવા એટલા સરળ નથી હોતા, જેના કારણે ઘણા લોકો એવા પણ હોય છે કે ગેર કાયદેસર રીતે અથવા તો કોઈને કોઈ રીતે તે દેશોમાં જવાનું વિચારતા હોય છે. ઘણા લોકો ગેરકાયદેસર અમેરિકા જતા પણ ઝડપાયા છે, ત્યારે હાલ એવો જ એક મામલો સામે આવ્યો છે જેમાં એક દંપતી તેમની ચાર વર્ષની દીકરી સાથે અમેરિકા જતા અમદાવાદ એરપોર્ટથી જ પકડાઈ ગયા.


અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી રવિવારે ગુજરાતના ખેડા જિલ્લાના એક દંપતીની નકલી પાસપોર્ટ સાથે અમેરિકા જવાનો પ્રયાસ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. ખેડા જિલ્લાના મહુધા તાલુકાના સિંગાલી ગામના 32 વર્ષીય ખેડૂત હિતેશ પટેલ અને તેમની 30 વર્ષીય પત્ની બિનલ તેમની ચાર વર્ષની પુત્રી સાથે વિદેશમાં સ્થાયી થવા માટે બેતાબ હતા. અને, તેઓ અમેરિકા જવા માટે કંઈ પણ કરવા તૈયાર હતા.

(પ્રતીકાત્મક તસવીર)

આ દંપતીએ 2018માં યુએસ જવાનો તેમનો પ્રથમ પ્રયાસ કર્યો હતો. પરંતુ ત્યાં સ્થાયી થવાના તેમના સપના ત્યારે તૂટી પડ્યા જ્યારે તેઓને નકલી પાસપોર્ટ પર ઉડાન ભરવા માટે આયર્લેન્ડથી દેશનિકાલ કરવામાં આવ્યા. આમ થયું હોવા છતાં પણ દંપતીએ યુએસમાં રહેવાનું સપનું છોડ્યું નહિ અને તાજેતરમાં, જ્યારે તેઓને એક એજન્ટ દ્વારા ગેરકાયદેસર રીતે યુએસમાં પ્રવેશવાની બીજી તક મળી હતી, ત્યારે પટેલે તેની સાથે રૂ.1 કરોડનો સોદો કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે હિતેશની પત્ની બિનલે પણ સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકેની નોકરીમાંથી રાજીનામું આપી દીધું હતું. જો કે, દંપતી અમદાવાદ એરપોર્ટ પર પકડાયું હતું અને બાદમાં તેમની અગાઉની દેશનિકાલની વિગતો છુપાવવા બદલ અને નકલી પાસપોર્ટનો ઉપયોગ કરીને રવિવારે મોડી રાત્રે દુબઈ જવા માટે ધરપકડ કરવામાં આવી હતી. આ કેસની તપાસ કરી રહેલા સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG)ના અધિકારીઓએ માહિતી આપી હતી કે હિતેશ અને બિનલ દુબઈ-મેક્સિકો માર્ગે અમેરિકા જવાની યોજના બનાવી રહ્યા હતા અને તેઓ એક એજન્ટની મદદથી નવા પાસપોર્ટ મેળવવામાં પણ સફળ થયા હતા.

Niraj Patel