સાસુ વહુ વચ્ચેની લડાઈ તો મોટાભાગના ઘરોમાં થતી જોવા મળે છે, જેના કારણે કેટલાય ઘર પણ તૂટતાં આપણે નજરે જોયા છે, પરંતુ હરિયાણામાં એક એવી ઘટના સામે આવી છે જે ખરેખર માનવતા અને સંબંધોને શર્મસાર કરી નાખે તેવી છે.

હરિયાણાના હિસાર જિલ્લાની અંદર એક વહુએ પોતાના 80 વર્ષના સાસુ સાથે મારઝૂડ કરી અને તેમને સામાન સાથે ઘરની બહાર ફેંકી દીધા. આ કડકડતી ઠંડીની અંદર આ 80 વર્ષની વૃદ્ધ મહિલા દયનિય હાલતમાં પડી રહી હતી.

ત્યારે કોઈએ તેમનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો. પોલીસને પણ આ વાયરલ વીડિયોના આધારે ઘટનાની જાણ થતા જ તેમને આરોપી મહિલા શકુંતલા વિરુદ્ધ 323, 506મ 509ની કલમ હેઠળ ગુન્હો નોંધી અને ધરપકડ કરી લીધી હતી.

આ સમગ્ર ઘટનાને લઈને ડીએસપી જોગેન્દ્ર શર્માએ પણ પોલીસ સ્ટેશનની મુલાકાત લઈને સ્ટેશન ઇન્ચાર્જને આ ઘટના ઉપર કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો.તો આ ઘટના મુદ્દે આઝાદ નગરના પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ રોહતાશે જણાવ્યું કે વૃદ્ધ મહિલા સાથે મારપીટ કરીને તેને ઘરની બહાર કાઢી મુકવામાં આવી છે. જેનો વીડિયો વાયરલ થયો છે. વૃદ્ધ મહિલાએ પણ પોલીસને જણાવ્યું કે તેની સાથે તેની વહુએ મારપીટ કરી ઘરની બહાર કાઢી મૂકી છે તેમજ તેમનો સામાન પણ રસ્તા ઉપર ફેંકી દેવામાંઆવ્યો છે.

આવી કડકડતી ઠંડીમાં આ વૃદ્ધ મહિલા ઘરની બહાર પડી રહેવા માટે મજબુર બની હતી. ત્યારે તેના વાયરલ વીડિયોના કારણે તેની મદદે પોલીસ પણ આવી ચઢી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આરોપી મહિલાની ધરપકડ કરી અને કોર્ટમાં રજૂ કરવામાં આવી છે અને વૃદ્ધ મહિલાને તેના બીજા દીકરાના ઘરે પણ મોકલી દેવામાં આવી છે.