લેખકની કલમે

સેલ્ફી વિથ સૃજાન- નેપાલમાં બનેલી એક સાચી પ્રેમ કહાની જે વાંચી તમે પણ રડી જશો ને સૃજાન માટે જરૂર પ્રાર્થના કરશો !!

સેલ્ફી વિથ સૃજાન…

(નેપાળ દેશની ભૂમિમાં બનેલ એક સત્ય પ્રેમ કથા…)
મારે આજે વાત કરવી છે એક એવી સત્ય ઘટનાની કે જે વાંચીને તમને થશે કે ખરેખર પ્રેમ આવો પણ હોય છે…
આ વાત છે નેપાળની ભૂમિ માં પાંગરેલી એક પ્રેમ કથા ની કે જ્યાં આજે પાગલ બનીને નેપાળની ભૂમિમાં એક યુવાન ફરી રહ્યો છે. પોતાના તેજસ્વી અને યશસ્વી ભૂતકાળથી સાવ અજાણ એ યુવાન આજે નેપાળની પહાડીઓમાં ઘૂમી રહ્યો છે. આવતા જતા મુસાફરો ને પ્રશ્નસુચક દ્રષ્ટિએ નિહાળી રહ્યો છે. જાણે પૂછી રહ્યો છે પોતાના સુખનું સરનામું…
વાત જાણે એમ બની કે મારા નેપાળ પ્રવાસના બીજા દિવસે જ્યારે અમે રાજધાની કાઠમંડુમાં ભગવાન પશુપતિનાથના દર્શન કરી આખું શહેર જાણી અને માણી ભારત આવવા પરત ફરી રહ્યા હતા ત્યારે એ પહાડીઓમાં કાઠમાંડું થી લગભગ સિત્તેર એસી કિલોમીટરના અંતરે પર્વતોમાંજ “મનોકામના દેવી” નું એક સુંદર અને રમણીય સ્થાનક આવ્યું. બપોરનો સમય થઈ ગયો હોવાથી ત્યાંજ બપોરનું ભોજન લેવાનું નક્કી કર્યું. કલાક જેટલા સમયમાં ભોજન બની ગયું અને ભોજન કર્યા બાદ હું એક ચક્કર મારવા રસ્તા પર જઈ રહ્યો હતો ત્યાં મારી નજર પડી એક ભિખારી જેવા લાગતા લઘર વઘર માણસ પર.

માસૂમ ચહેરો. મોં પર આછેરું સ્મિત. ઊંડી ઉતરી ગયેલી આંખો પણ એમાં હજી એજ ચમક. વાંકડિયા વળી ગયેલા અને ઘણા દિવસથી ધોયા વિનાના મેલા અને અડધા કાળા અડધા સફેદ વાળ. ચોમાસાની ઋતુમાં જેમ આકાશ કાળા અને ધોળા વાદળોથી કાબરચિતરું લાગતું હોય એવા ડાઘ પડી ગયેલો લંબગોળ ચહેરો. ઠંડીથી બચવા માપ વિનાના બે ત્રણ શર્ટ ઉપર ઉપરી પહેરેલા અને માપ વિનાની મોરાઈ વાળું ઊંચું પેન્ટ કમર પર દોરી વડે બાંધેલું. ખભા પર એક તૂટવાના વાંકે લટકી રહેલો થેલો. હાથમાં એક લાંબી લાકડી અને લાકડીના ઉપરના છેડે પાણીની ખાલી બોટલ ઊંઘી લગાવેલી. આવા વિચિત્ર પ્રકારના માણસને જોઈ મારાથી સહજભાવે એની તરફ જવાયું અને ભગવાન જાણે કેમ પણ એના વિશે જાણવાની તાલાવેલી થઈ આવી.

એની પાસે જઈ મેં ઘણા બધા પ્રશ્નો પૂછ્યા પણ એકજ એના નામ સિવાય બીજા કોઈ પ્રશ્નનો જવાબ મને ન મળ્યો. એના દ્વારાજ સાવ ધીમા અવાજે એનું નામ જાણવા મળ્યું કે એનું નામ હતું… “શ્રુજાન”. એની સ્થિતિ જોઈ ઉંમરનો અંદાજ લગાવવો શક્ય ન હતો. એની જોડે ઉભા રહી મેં મોબાઈલમાં સેલ્ફી લીધી. મારું આ કૃત્ય એને ગમ્યું હશે કે નહીં એતો એજ જાણે પણ કોઈ વાંધા વિના એ મારી જોડે ઉભો રહી ગયો. થોડી વારે એ ત્યાંથી ચાલતો થયો અને હું પણ સામેની દુકાને ગયો. દુકાનદારને એ અજુગતા માણસ “શ્રુજાન” વિશે મેં પૂછ્યું અને એનો આખો ઇતિહાસ જાણવા મળ્યો. જાણીને ખૂબ દુઃખ થયું અને મનોમન પ્રશ્ન પણ થયો કે…
“પ્રેમ એ માણસના જીવનમાં કેવી ઉથલ પાથલ મચાવી શકે છે…
પ્રેમ એ માણસને શુ માંથી શુ બનાવી દે છે…!!!”

દુકાનદારે કહેલી શ્રુજાન ની કથાને ચાલો આપણે સૌ પણ જાણીએ…બહાદુર નામના એ દુકાનદારના શબ્દોમાં…
ચારેક વર્ષ પહેલાં એક કપલ મનોકામના દેવીના દર્શનાર્થે અહીં આવેલું. મારી દુકાનેથી એમને મંદિરમાં ચડાવવા પ્રસાદ અને બીજી સામગ્રી લીધી. એમના વાણી અને વર્તન પરથી લાગતું હતું કે એમના લગ્ન થયેલ નથી માત્ર સગાઈ જ થઈ હશે. બંને ખૂબ ખુશ હતા. પ્રસાદ લઈ બન્ને, માતાજી જ્યાં ઊંચા પર્વત પર બિરાજમાન હતા ત્યાં પહોંચવા રોપ વે સ્ટેન્ડ પર ગયા અને રોપ વે માં બેસી માતાજીના મંદિરે પહોંચી દર્શન કરી લગભગ બે એક કલાકમાં નીચે પણ આવી ગયા. હું મારી દુકાને જ બેસેલો હતો. ઘેર પરત જવા વાહનની રાહ જોઈ ઉભેલા એ બંને સાથે વાતચીત કરતા જાણવા મળ્યું કે અહીંથી લગભગ પચાસ કિલોમિટરે આવેલ “ભકતાપૂર” ગામના એ રહેવાસી હતા. બંને એકબીજાને ગમાડતા હતા. લગ્ન કરવા હતા પણ એકબીજાનું કુટુંબ રાજી ન હતું. બંને પ્રેમીઓએ જો બંને કુટુંબ એમના સંબંધ માટે રાજી થઈ જાય તો માતા મનોકામના દેવીના દર્શને આવવાની માનતા માનેલી અને કુટુંબ રાજી થઈ જતા એ માનતા પુરી કરવા એ બંને અહીં આવેલા.
મારી દુકાનથી દશેક ફૂટ છેટે શ્રુજાન ની મંગેતર ઉભી હતી. શ્રુજાન મારી દુકાને પાણીની બોટલ લઈ મને એના પૈસા આપી રહ્યો હતો અને ત્યાં અચાનક એક ટ્રક ધસમસતી આવી ચડી અને પળવારમાં શ્રુજાન ની મંગેતર ને કચડી આગળ નીકળી ગઈ. ખૂબ અરેરાટી ભર્યું એ દ્રશ્ય હતું. મિનિટ પહેલા પોતાના ભાવિના સુંદર ખ્યાલમાં ડૂબેલુ એ પ્રેમી જોડું પીખાઈ ગયું. અકસ્માતની આ વાત વાયુવેગે આજુ બાજુ પ્રસરી ગઈ. માણસો ભેગા થઈ ગયા. પોલિશ આવી ગઈ એ ટ્રક નો પીછો કરવામાં આવ્યો અને ટ્રક પકડાઈ ગઈ. ગુનેગાર ને શોધવામાં પોલીસની તો જીત થઈ પણ આ શ્રુજાન ના જીવનની સૌથી મોટી હાર ની એ ક્ષણ હતી. એ સમયે પોતાની મંગેતર ની લોહીથી લથબથ કાયાને વીંટળાઈ શ્રુજાન નું જે રુદન હતું એ જોઈ ભલભલા પથ્થરદીલ માણસો પણ પીગળી જાય.
મહામુસીબતે એમને એમના ગામ રવાના કરવામાં આવ્યા. આ ઘટનાના દસેક દિવસ બાદ સવારે દુકાન ખોલતા મારી નજર એક લઘર વઘર યુવાન પર પડી. પાસે જઈને જોયું તો એ બીજું કોઈ નહિ પણ પોતાની મંગેતર ગુમાવનાર એજ શ્રુજાન હતો. દર્શન કરવા આવ્યા ત્યારે એની હાલત અને એ દિવસની એની હાલત માં જમીન આસમાન નો ફરક હતો. મંગેતર ગુમાવ્યાના દસ દિવસમાતો એને એના મગજનું સંતુલન સાવ ગુમાવી દીધું હતું. એ ગાંડો થઈ ગયો હતો. ન કશું બોલતો હતો બસ જ્યાં એની મંગેતરનો અકસ્માત થયો હતો ત્યાં ચૂપચાપ બેઠો હતો. પોલીસને બોલાવી મેં એનું સરનામું આપી એના ઘેર ભકતાપૂર ફરી મોકલ્યો. પણ વળી પાછા પાંચ દિવસ બાદ એને મેં આ જગ્યાએ પાછો જોયો સાવ પાગલ બની આ રસ્તા પર આંટા મારતો. આવું ત્રણ ચાર વખત બન્યું અને છેલ્લે હવે એ આ જગ્યા છોડી ક્યાંય જતોજ નથી. બસ આમતેમ ભટક્યા કરે છે. ન કોઈ સાથે વાતચીત , ન કોઈ સાથે તકરાર. આવતા જતા મુસાફરો ને જાણે એની આંખો “પોતાની પ્રિયતમાં ક્યાં ચાલી ગઈ ?” એવો પ્રશ્ન પૂછ્યા કરે છે… જાણે શ્રુજાન વર્ષોથી આ રસ્તાઓ પર સદા માટે સાથ છોડી ગયેલી પોતાની મંગેતર ને આમ પાગલ બની શોધી રહ્યો છે…”
એ દુકાનદાર બહાદુર ના મોં એ શ્રુજાન ની કરુણ પ્રેમ કથા સાંભળી અને સાચેજ મેં પણ પર્વત પર બિરાજમાન મનોકામના માતાજી ને પણ પ્રશ્ન કર્યો કે…

“હે મા, તારા દર્શને આવેલ એક આશાસ્પદ જોડકા ને તે કેમ આમ પિંખાવી દેવા દીધું ? શુ વાંક હતો એમનો અને શું વાંક છે આ શ્રુજાન નો કે આજે આમ પાગલ બની આ પહાડીઓમાં ભટકી રાહયો છે આમ તેમ…!!!

એ પાગલ પ્રેમી શ્રુજાન ને આજે પણ યાદ કરું છું અને થાય છે કે “શું પ્રિયતમાની જુદાઈનો ઘા આટલો બધો ધારદાર હોય છે કે પ્રેમીને આમ સાન ભાન પણ ભુલાવી દે…!!!”

લેખક :- અલ્કેશ ચાવડા ‘અનુરાગ’ (શંખેશ્વર)

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks