આજે દેશ અને દુનિયામાં ભારતની મહિલાએ નામ રોશન કર્યું છે. આપણા દેશમાં સ્ત્રીને એક શક્તિ માનવામાં આવે છે. સ્ત્રી જયારે ઘરની બહાર હિંમતભેર મૂકે ત્યારે તે પોતાના નિશ્ચિત કરેલ લક્ષ સુધી જરૂર પહોંચી જાય છે.

આજે વાત કરીએ દેશની એક એવી મહિલાની જે છેલ્લા 20 વર્ષથી દેશના જવાનોને મફત તાલીમ આપી રહી છે. અને તાલીમ પણ કઈ સામાન્ય નથી. ખુબ જ મુશ્કેલ અને કઠિન પણ છે. તે છતાં જીવન સાથે સંઘર્ષ કરીને તે તાલીમ આપે છે.

આ મહિલાનું નામ છે ડૉ. સીમા રાવ. સીમા રાવ 7 ડિગ્રી બ્લેક બેલ્ટ મેળવેલ મિલેટ્રી માર્શલ આર્ટમાં ભારતની એકમાત્ર કમાન્ડો ટ્રેનર છે. સીમા છેલ્લા 20 વર્ષથી ભારતીય સેનામાં કમાન્ડો ટ્રેનિંગ આપી રહી છે. જેના બદલામાં તે એકપણ રૂપિયો લેતી નથી.

સીમા વિશ્વની માત્ર દસ મહિલાઓમાં સામેલ છે જે આ અનોખા માર્શલ આર્ટ “જીત કુને દો”થી પ્રમાણિત છે. આ અનોખા માર્શલ આર્ટનું નિર્માણ 1960માં બ્રુસ લીએ કર્યું હતું.

સીમા રાવ સ્વતંત્રતા સેનાની પ્રો. રમાકાંત સિનારીની દીકરી છે. પ્રો. રમાકાંતે પુર્તગાલીઓને ગોઆમાંથી આઝાદ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. સીમા પોતાના પિતા દ્વારા જ વધુ પ્રેરિત થઈ હતી, પિતાની દેશભક્તિ જોઈ તેના મનમાં પણ દેશની સેવા કરવાની ઈચ્છા જાગી હતી અને તેના જ કારણે સીમાએ કમાન્ડોને મફતમાં ટ્રેનિંગ આપવાની શરૂઆત કરી.

સીમાએ મેજર દિપક શર્મા સાથે લગ્ન કર્યા. દિપક પણ 12 વર્ષની ઉંમરથી જ માર્શલ આર્ટની તાલીમ લેતા હતા. જેના કારણે સીમાનું સપનું સાકાર કરવા માટે વધુ એક બળ મળ્યું હતું. દિપક શર્માને પણ 20 વર્ષની સેવા માટે રાષ્ટ્રપતિ પુરસ્કાર મળેલો છે.

દિપક અને સીમા બંનેએ તબીબી શિક્ષા લઈને ડોક્ટરની ડિગ્રી પણ હાંસલ કરી. પોતાની જાતને બધી જ રીતે સક્ષમ કર્યા બાદ સીમાએ વિચાર્યું કે હવે દેશની સેવા કરી શકાશે. ખુબ જ મનોમંથન બાદ તેમને વિચાર્યું કે તેઓ દેશના સૈન્યને કોઈપણ જાતના વળતર વગર મફતમાં તાલીમ આપશે.

1996માં સીમા અને દીપકે આર્મી, નેવી, બીએસએફ અને એનએસજી સેનાના પ્રમુખો સામે તાલીમ આપવો પ્રસ્તાવ મુક્યો. સેના પ્રમુખોએ પણ તેમના આ સમર્પણથી પ્રભાવિત થયા અને આ ટ્રેનિંગ પ્રોગ્રામ શરૂ કરી દીધો. ત્યારથી એમને પાછું વાળીને નથી જોયું. તેમની તાલીમ હેઠળ જ આજે 20 વર્ષથી પણ વધુનો સમય તેમની સેવાને વીતી ગયો.

સરળ લાગતી સિમાની વાર્તા મુશ્કેલીઓથી પણ ભરેલી છે. તેમને ઘણીવાર આ રીતે મફતમાં તાલીમ આપવાના કારણે નાણાકીય સમસ્યાઓનો પણ સામનો કરવો પડ્યો છે છતાં પણ તે આ નિઃશુલ્ક સેવા આપવાના નિર્ણયમાં અડગ જ રહ્યા. દેશના વિભિન્ન કેન્દ્રો ઉપર જઈને સીમાએ ઠંડી, ગરમી અને વરસાદના સમયમાં પણ પોતાના કાર્યને અવિરત ચાલુ જ રાખ્યું જેના કારણે તે તેના પિતાના અંતિમ સંસ્કારમાં પણ ના પહોંચી શકી.

દરેક સ્ત્રીનું સપનું હોય છે મા બનવાનું, પરંતુ સીમાએ દેશ સેવાને જ પોતાનું પહેલું સપનું માન્યું અને ક્યારેય ગર્ભ ધારણ નહિ કરવાનો પણ પ્રણ લીધો. કારણ કે તે પોતાની તાલીમ અટકે એમ નહોતી ઇચ્છતી માટે તેને એક દીકરીને દાપ્તક પણ લઇ લીધી.

મનથી મક્કમ થયેલી ડૉ.સીમાને શારીરિક મુશ્કેલીઓ પણ ઘણી જ આવી તે છતાં તેને ક્યારેય પીછેહઠ નથી કરી. ઘણીવાર ફેક્ચર થયા તો એક સમયે માથામાં વધારે વાગવાના કારણે તેની યાદશક્તિ જ ચાલી ગઈ હતી. આ સમયે સીમા પોતાના પતિ સિવાય કોઈને નહોતી ઓળખતી. ગંભીર ઈલાજ કર્યા બાદ કેટલાય મહિના પછી સીમાની યાદશક્તિ પાછી આવી. છતાં પણ દેશસેવા માટેની તેની તિવ્રઇચ્છા ક્યારેય રોકાઈ નહીં.

સીમાને ઘણા જ સન્માનો મળ્યા છે પરંતુ સીમા માટે સાચું સન્માન તો દેશની સેનામાં તાલીમ આપવાથી મળેલો સંતોષ છે. સીમા જેવી બહાદુર મહિલાઓ માટે હજારો સલામીઓ પણ ઓછી પડે. ખરેખર આવી મહિલાઓ વંદનને હકદાર છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.