ઇલેક્ટ્રિક બાઇક ચાર્જ કરતા સમયે શોરૂમમાં લાગી આગ, 8 લોકો જીવતા થયા ભડથુ, જુઓ PHOTOS

તેલંગાણાની રાજધાની હૈદરાબાદને અડીને આવેલા સિકંદરાબાદમાં ઇલેક્ટ્રિક બાઇકના શોરૂમમાં આગ લાગી હતી. આગ લાગ્યાની જાણ થતા જ ફાયર બ્રિગેડની બે ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. મોડી રાત્રે બનેલી આ ઘટનામાં 8 લોકોના મોત થયા હોવાની ખબર સામે આવી છે. બાકીના લોકોને બચાવી લેવામાં આવ્યા છે. હૈદરાબાદના નોર્થ ઝોનના અપર ડીસીપીએ જણાવ્યું કે અહીં ઇલેક્ટ્રિક બાઇક ચાર્જ કરવામાં આવી રહી હતી. જેના કારણે શોર્ટ સર્કિટ થતાં બાઇક શોરૂમમાં આગ ફાટી નીકળી હતી.

આ શોરૂમ સિકંદરાબાદમાં પાસપોર્ટ ઓફિસ પાસે આવેલો છે. શોરૂમની ઉપર એક લોજ છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયા છે. મૃતકો બહારના રાજ્યોના જણાવવામાં આવી રહ્યા છે.પીએમ મોદીએ હૈદરાબાદમાં ઈલેક્ટ્રિક શોરૂમમાં આગ લાગવાની ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે હું તેલંગાણાના સિકંદરાબાદમાં આગને કારણે થયેલ જાનહાનિથી દુઃખી છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના. ઘાયલો જલ્દી સાજા થાય.

PMNRF તરફથી દરેક મૃતકના નજીકના સંબંધીને રૂ. 2 લાખ અને ઘાયલોને રૂ. 50,000 આપવામાં આવશે તેવું પણ તેમણે જણાવ્યુ હતુ. આગ ઝડપથી હોટેલ (રૂબી લોજ) બિલ્ડિંગમાં ફેલાઈ ગઈ. હોટલમાં લગભગ 23-25 ​​લોકો હતા, આગ અને ધુમાડા અને ગૂંગળામણને કારણે અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયા હોવાની પુષ્ટિ છે, આ આંકડો પહેલા 6 હતો. જેમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. સાથે જ અનેક લોકો ઘાયલ પણ થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આગ જોઈને કેટલાક લોકોએ બારીમાંથી નીચે કૂદવાનો પ્રયાસ કર્યો હતો.

જેના કારણે અનેક લોકો ઘાયલ થયા હતા. મંત્રી ટી શ્રીનિવાસ યાદવ, ગૃહમંત્રી મહમૂદ અલી અને હૈદરાબાદ સીટી પોલીસ કમિશનર આનંદ પરિસ્થિતિનો તાગ મેળવવા પહોંચ્યા હતા. હૈદરાબાદના કમિશનર સીવી આનંદે જણાવ્યું હતું કે કેટલાક લોકો બિલ્ડિંગ પરથી કૂદી પડ્યા હતા અને સ્થાનિક લોકોએ તેમને બચાવ્યા હતા. તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને ફાયર ટેન્ડર ઘટના સ્થળે પહોંચ્યા હતા. જણાવી દઇએ કે, આ પહેલા એપ્રિલ મહિનામાં તમિલનાડુમાં પણ આવી જ ઘટના બની હતી.

અહીંના પોરુર-કુંડારાતુર શોરૂમમાં એક ગ્રાહકે તેની ઈ-બાઈકની બેટરી ચાર્જ પર મૂકી હતી અને તે બાદ થોડી જ વારમાં આગ લાગી ગઈ હતી. ધીમે ધીમે સમગ્ર શોરૂમ આગની લપેટમાં આવી ગયો હતો. આ ઘટનામાં સર્વિસિંગ માટે આવેલા 5 નવા ઈલેક્ટ્રીક સ્કૂટર અને 12 જૂના ઈલેક્ટ્રીક સ્કૂટર બળીને ખાખ થઈ ગયા હતા.આગ લાગ્યા બાદ શોરૂમમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા જેને જોઈને લોકો ભયભીત થઈ ગયા હતા.

આ ઘટના બાદ વિસ્તારમાં લોકો એકઠા થઈ ગયા હતા જેના કારણે ટ્રાફિક જામ થઈ ગયો હતો. બાદમાં પોલીસની મદદથી ભીડને દૂર કરવામાં આવી હતી. જો કે રાહતની વાત એ હતી કે આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. સ્થાનિક લોકોની મદદથી આગને કાબૂમાં લેવામાં આવી હતી, પરંતુ તે પહેલા આખો શોરૂમ બળીને રાખ થઈ ગયો હતો.

Shah Jina