આયશા બાદ અમદાવાદમાં બીજી એક પરિણીતાએ પતિના ત્રાસથી કંટાળીની સાબરમતી નદીના પટમાં જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો, વાંચો સમગ્ર મામલો

હાલમાં અમદાવાદની અંદર આયશાની આત્મહત્યાને લઈને જનાક્રોશ જોવા મળી રહ્યો છે. આયશાએ રિવરફ્રન્ટ ઉપરથી વીડિયો બનાવીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. ત્યારબાદ તેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ પણ થઇ રહ્યો હતો.

એક તરફ લોકો આયશાના ન્યાય માટે માંગણી કરી રહ્યા છે ત્યારે બીજી તરફ અમદાવાદના રાયપુરમાં રહેતી એક પરણીતાએ પોતાના પતિના ત્રાસથી કંટાળીને પોતાનું જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો છે.

મળતી માહિતી અનુસાર અમદાવાદના રાયપુર વિસ્તારમાં રહેતી એક પરણિત મહિલાએ પોતાના પતિના માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળીને અટલ ઘાટ ખાતે સાબરમતી નદીના પટમાં સોમવારે બપોરે પડતું મૂક્યું હતું.

આ ઘટનાની જાણ ફાયરબ્રિગેડની ટીમને થતા જ તે સ્પીડ બોટ લઈને ત્યાં પહોંચ્યા હતા અને નદીમાં તરફડીયા ખાઈ રહેલી મહિલાને બચાવી લેવામાં આવી હતી. મહિલાની પુછપરછ કરતા તે મહિલા રાયપુરમાં રહેતી હોવાનું અને પતિના ત્રાસના કારણે તેને પોતાનું જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું હતું.

રિવરફ્રન્ટ પોલીસ દ્વારા આ મહિલાનું નિવેદન લઈને વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદમાંથી હવે આવા ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ઘણા લોકો પોતાના જીવનથી કંટાળીને રિવરફ્રન્ટમાં જંપલાવી રહ્યા છે.

Niraj Patel