સવાર સવારમાં આવી દુઃખદ ખબર ! રજાના દિવસ પણ 40 બાળકોને સ્કૂલ લઈ જઈ રહેલી બસ પલ્ટી, 6 માસુમોએ ગુમાવ્યા જીવ, નશામાં હતો ડ્રાઈવર

School Bus Overturned In Mahendergarh : ગુજરાત સમેત દેશભરમાં અકસ્માતના ઘણા મામલાઓ સતત સામે આવતા રહે છે. આવા અકસ્માતની અંદર ઘણા લોકો પોતાનો જીવ પણ ગુમાવતા હોય છે. ખાસ કરીને મોટાભાગના અકસ્માત માનવ બેદરકારીના કારણે જ થતા હોવાનું સામે આવે છે અને તેમાં પણ જો નશો કરીને વાહન ચલાવે ત્યારે તે વ્યક્તિ પોતાની સાથે અન્યના જીવ પણ  જોખમમાં મુકતા હોય છે. હાલ આવી જ એક ખબર સામે આવી છે, જેમાં સ્કૂલ બસ પલટી જતા 6 બાળકો મોતને ભેટ્યા છે.

આ ખબર સામે આવી છે હરિયાણામાંથી. જ્યાં એક મોટો અકસ્માત થયો. મહેન્દ્રગઢ જિલ્લામાં લગભગ 40 શાળાના બાળકોને લઈ જતી બસ પલટી ગઈ. હૃદયદ્રાવક અકસ્માતમાં છ બાળકોના મોત થયા છે. તે જ સમયે, 15 થી વધુ ઘાયલ થયા છે. તમને જણાવી દઈએ કે ઈદ-ઉલ-ફિત્રની રજા જાહેર કરવામાં આવી હોવા છતાં શાળા ખુલી હતી. આ અંગે વાલીઓ પણ સવાલો ઉઠાવી રહ્યા છે. પોલીસે કહ્યું છે કે બાળકોને લઈ જતી જીએલ પબ્લિક સ્કૂલની બસ નારનૌલના ઉન્હાની ગામ પાસે કાબૂ ગુમાવી દીધી અને પલટી ગઈ.

આ ઘટનામાં છ બાળકોના મોત થયા છે. અન્ય ઘણા લોકો ઘાયલ પણ થયા છે. અકસ્માતને પગલે ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે અકસ્માત સમયે ડ્રાઈવર કદાચ દારૂના નશામાં હતો. બીજી તરફ પોલીસે જણાવ્યું કે અકસ્માતનું કારણ જાણવા તપાસ ચાલુ છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “ઘાયલ વિદ્યાર્થીઓને મહેન્દ્રગઢ અને નારનૌલની વિવિધ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.”

સત્તાવાર દસ્તાવેજો દર્શાવે છે કે બસનું ફિટનેસ પ્રમાણપત્ર છ વર્ષ પહેલાં 2018માં સમાપ્ત થઈ ગયું હતું. મહેન્દ્રગઢના પોલીસ અધિક્ષક અર્શ વર્માએ સમાચાર એજન્સી પીટીઆઈને ફોન પર જણાવ્યું કે બસના ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે તેને તે સમાચાર વિશે પૂછવામાં આવ્યું જેમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે ડ્રાઈવર નશામાં હતો. આના પર તેણે કહ્યું, “અમે ડ્રાઈવરની ધરપકડ કરી લીધી છે અને તેની મેડિકલ તપાસ કરવામાં આવી રહી છે, જેના પછી જ અમે પુષ્ટિ કરી શકીશું કે તે ખરેખર નશામાં હતો કે નહીં.”

Niraj Patel