કૌશલ બારડ દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ પ્રેરણાત્મક રસપ્રદ વાતો લેખકની કલમે

સવજીભાઈ ધોળકિયા: એક દિવસની 18 કલાક તનતોડ મહેનત અને કાઠિયાવાડનો સામાન્ય છોકરો બની ગયો દુનિયાનો ‘ડાયમંડ કિંગ’! વાંચો અદ્ભુત સત્યઘટના

દિવાળી આવે એટલે ગુજરાતમાં એક માણસ વિશેની ચર્ચાઓ વધી જાય છે. કોણ એ? અલબત્ત, સવજીભાઈ ધોળકિયા; કે જેનાં નામની આગળ આજે ‘ડાયમંડ કિંગ’નો ભભકદાર ખિતાબ લાગે છે! હિરાની ગંજાવર કંપનીથી દુનિયામાં ડાયમંડ બિઝનેસ માટે આઇડલ સેટ કરનાર સવજીભાઈની કંપની દિવાળીમાં કર્મચારીઓને ન્યાલ કરી દે એ હદે બોનસ આપે છે. હજુ 2018ની દિવાળીમાં જ કંપનીના 600 કર્મચારીઓને સેલેરિયો અને ક્વિડની ચમકદાર કાર ભેટ આપી હતી!

Image Source

આજે સવજીભાઈ ધોળકિયાની કંપની ‘હરેકૃષ્ણા ડાયમંડ’ની નિકાસનો વાર્ષિક આંક 6000 કરોડનો છે! આ અધધ… કહી શકાય એ હદનો વેપાર કરનાર સવજીભાઈ ધોળકિયા વિશેનું થોડું ‘ફ્લેશબેક’ જોવું છે? કઈ રીતના એક દારૂણ ગરીબીમાં જીવતો કાઠિયાવાડનો છોકરો સુરત આવીને લોઢાના ચણા ચાવીને આટલો પથારો ફેલાવે છે એ જાણવું છે? વાંચો નીચે:

  • ઘરની એક સાંધો ને તેર તૂટે જેવી સ્થિતી ના જોવાઈ —

અમરેલી જીલ્લાના લાઠી પાસે આવેલાં દૂધાળા નામક ગામમાં સવજીભાઈનો જન્મ થયેલો. ઘરની સ્થિતી એકદમ ખરાબ હતી. ખેતી પર નભતો પરિવાર ને વરસાદ પર નભતી ખેતી. પણ વરસાદની અછત! થાય તો થાય શું?

Image Source

સાત ચોપડી ભણીને સવજીભાઈએ નક્કી કરી લીધું કે હવે બહુ થયું, નથી ભણવું આગળ! પિતાને નિર્ણય સંભળાવ્યો તો પહેલા તો પિતાજી બહુ ગુસ્સે થયા.

“ભણવું નથી? તો ઢેફાં ભાંગવા છે?”

“ના, સુરતમાં હિરા ઘસવા છે!”

સને 1978માં સવજીભાઈ સાડા બાર રૂપિયા ખર્ચીને સુરત આવ્યા. આજની આપણી પેઢીને મામૂલી લાગતી આ રકમ એ વખતે લોહીનું પાણી કરીને સવજીભાઈના મા-બાપે મેળવી હતી. હિરાના ધંધા માટે તો સુરત પ્રખ્યાત છે અને હતું. સવજીભાઈ એક કંપનીમાં હિરા ઘસવાનું કામ કરવા લાગ્યા. એકસોને ઓગણસીત્તેર રૂપિયા પગાર મળતો.

Image Source
  • માથે દેવું કરીને પણ હિરા દળવાની ઘંટીઓ લીધી —

1980માં પોતાના બે ભાઈઓ સાથે મળીને પોતાનું કારખાનું ખોલવાનો વિચાર કર્યો. ઘરેથી 3900 રૂપિયા મંગાવ્યા અને હિરા દળવાની બે ઘંટીઓ લીધી. 25 હજાર જેટલી કમાણી થઈ એટલે લાગ્યું કે સાહસ ફળશે. કારખાનું મોટું કરવાની હામ ભીડી અને રૂપિયા 1 લાખ વ્યાજે લઈને વધારે ઘંટીઓ લીધી. એક લાખ એટલે ચાર દાયકાની પહેલાની બહુ મોટી રકમ. હવે આદરી જ દીધું છે તો ઢીલ શા માટે મૂકવી?

Image Source
  • એક દાયકો ‘લિટરલી’ લોઢાના ચણા ચાવ્યા —

પછી સૂવાનું ઓછું ને જાગવાનું વધુ થયું. સવજીભાઈ કહે છે, કે મેં પૂરાં દસ વર્ષ રોજના અઢાર કલાક કામ કર્યું! ઘંટીઓ વધારવા માંડી, વધારવા માંડી… હવે ધંધો જામતો હતો. ડાયમંડ પોલિશિંગ માટે ઓર્ડરો પણ મળતા હતા. પછી તો એટલી ત્રેવડ પણ આવી ગઈ કે ડાયમંડ માટેનો કાચો માલ બેલ્જિયમ જેવા દેશોમાં જઈને જાતે ખરીદી લઈને સુરતમાં લાવી, એના પર કામ કરીને તૈયાર હિરા પણ વેંચવા માંડ્યા. અને આ રીતે થઈ ‘હરેકૃષ્ણા ડાયમંડ’ની સ્થાપના!

આજે સવજીભાઈની આ કંપની વિશ્વના તમામ મોટા દેશોમાં પોતાના ડાયમંડની અને જ્વેલરીની નિકાસ કરે છે. વાર્ષિક 6 હજાર કરોડની નેટવર્થ ધરાવે છે. કંપનીમાં કામ કરતા સાડા છ હજાર લોકોને એની આવડતના બદલમાં જે પગાર અને સુવિધા મળે છે એ લાજવાબ છે. સુરતમાં હિરા ઘસતા કારીગરને સૌરાષ્ટ્રમાં જે નજરેથી જોવાતો એ નજર હવે બદલી ગઈ છે. એમાં ‘હરેકૃષ્ણા ડાયમંડ’નો ઉમદા ફાળો છે.

Image Source
  • કર્મચારીઓને આપે છે અદ્ભુત સવલતો —

સવજીભાઈએ 2014માં કંપનીના 1200 કર્મચારીઓને ફ્લેટ, કાર અને જવેરાત સહિતન કુલ 50 કરોડનું દિવાળી બોનસ આપીને દાખલો બેસાડી દીધો હતો. હરેક દિવાળી એમના કર્મચારીઓ માટે તો નવી ખુશી જ લઈને આવે છે. 2018માં પણ બોનસ વિતરણ યોજાયું ત્યારે 600 કાર આપવામાં આવેલી. ખુદ વડાપ્રધાને વીડિઓ કોન્ફરન્સ વડે સવજીભાઈને અને કર્મચારીઓને અભિનંદન પાઠવ્યાં હતાં. માત્ર કર્મચારીઓ પ્રત્યે જ નહી, આપણા સમાજ પ્રત્યે અને માનવધર્મ માટે પણ સવજીભાઈની ઉદાર સખાવતોએ ભરપૂર પ્રશંસા મેળવી છે.

ઉલ્લેખનીય છે, કે ‘હરેકૃષ્ણા ડાયમંડ’ના દરેક કર્મચારીઓ માટે બપોરનું કંપનીમાં જ આયોજીત કરવામાં આવે છે, જેનો ખર્ચ કંપની ઉપાડે છે! કોઈ પણ કર્મચારીને ફરિયાદ હોય તો એમનું સૂચન ડાયરેક્ટ સવજીભાઈ સુધી પહોંચે તે માટે ‘સૂચન બોક્સ’ની સુવિધાઓ છે, જેમાં આવતી ચીઠ્ઠીઓ સવજીભાઈની નજરે પણ કાયમ આવે છે.

Image Source
  • પ્રાઇવેટ પ્લેન દૂધાળામાં ઉતારીને સિક્કો પાડી દીધો હતો! —

એક સમય એવો હતો જ્યારે સવજીભાઈ પાસે થિયેટરમાં નાટક જોવાના પૈસા નહોતા. એ દિવસ તેઓ ના ભૂલ્યા. એ પછી પ્રગતિ કરીને પૈસો અને પ્રતિષ્ઠા બંને મેળવ્યા અને પછી એક દિવસ પોતાનું પ્રાઇવેટ પ્લેન દૂધાળામાં ઉતાર્યું! અમરેલીમાં એરપોર્ટ ના હોય પણ સવજીભાઈનાં દૂધાળામાં હવાઇજહાજ ઉતરે એ ગામવાસીઓ માટે જેવી તેવી વાત કહેવાય! પોતાના ગામનું નામ રોશન કરનાર સવજીભાઈના માનમાં આ દિવસે તો ગામમાં ઉત્સવ થઈ રહ્યો. પછી સવજીભાઈએ મોટા થિયેટરમાં આખા ગામને મફતમાં ‘રાજા ભરથરી’ નાટક બતાવ્યું! દુનિયાના અનેક દેશોની હજારો દુકાનોમાં જેની ઘરેણાંઓ વેંચાતા હોય, અનેક દેશોમાં જેના ડાયમંડની નિકાસ થતી હોય એ માણસના વતનપ્રેમ અને સંસ્કૃતિ પ્રેમનું આ ઉદાહરણ બેજોડ ના કહેવાય? આજના ઘણા ખરા યુવાનો શહેરમાં જેવી તેવી નોકરી મળી જાય એ પછી ગામમાં આવવાથી જ ભોંઠપ ને નાનપ અનુભવતા હોય છે!

Image Source
  • ઈશ્વરના નામના 11 લાખ જાપ કર્યા! —

સવજીભાઈએ વધારે પ્રગતિ કરવા માટે અને કમાયેલું ધન કઈ રીતે સાચવી શકાય એ માટે પોતાના એક વડીલની સલાહ લીધેલી ત્યારે એમણે ભગવાનના નામના 11 લાખ જાપ કરવાનું કહેલું. સવજીભાઈએ કટકે-કટકે કરીને ત્રણ વર્ષે જાપ પૂરા કર્યા! તેઓ કહે છે, કે લોકો આ જોઈને હસતા પણ મેં જ્યારે જાપ પૂરા કર્યા ત્યારે અદ્ભુત વિશ્વાસ આવી ગયેલો અને લાગેલું કે હવે હું ગમેતેવા સાહસમાં ઝંપલાવવાને તૈયાર છું.

‘સિધ્ધી તેને જઈ વરે જે પરસેવે ન્હાય’ – એ ઉક્તિ સવજીભાઈના કિસ્સામાં યથાર્થ ઠરે છે. આજે વિશ્વભરમાં પોતાની અલાયદી ઓળખ ઊભી કરનાર આ માણસની આટલી ઊંચી સફળતા પાછળ એની અડધી જીંદગીની કાંડાતોડ મહેનત જ ખરી જવાબદાર છે, કે જેને લીધે એક વખતે પાંચ માણસમાં ના પૂછાતો માણસ આજે દુનિયાના અનેક દેશોમાં ધરખમ નામ ધરાવવા લાગ્યો. સવજીભાઈએ પોતાનું, પરિવારનું, ગામનું અને ગુજરાતનું નામ દેશ-દુનિયામાં ખરા અર્થમાં રોશન કર્યું છે.

Image Source

આ સવજીભાઈની એક ટકોર તાજેતરમાં આવેલી. તેમણે કહેલું કે, “સ્માર્ટફોનને લીધે થોડા વર્ષો બાદ ઘરઘરમાંથી એક ગાંડો નીકળવાનો!”

[તમને આ પ્રેરણાદાયક સ્ટોરી કેવી લાગી? ગમી હોય તો કમેન્ટમાં અભિપ્રાય જણાવશો અને આપના મિત્રોને લીંક શેર કરવાનું ના ભૂલશો, ધન્યવાદ!]

Author: Kaushal Barad GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks