ગુજરાતના ડાયમંડ કિંગ સવજીભાઈ ધોળકિયા તેમની કંપનીના કર્મચારીઓને મોંઘીદાટ ભેટ આપવાને લઈને જાણીતા છે. હરેકૃષ્ણ ગ્રુપના ચેરમેન પદે રહેલા સવજીભાઈ ધોળકિયા ઘણીવાર એવા એવા કામ કરે છે જેના દ્વારા તેઓ જનતાના પણ દિલ જીતી લેતા હોય છે. ત્યારે હાલ તેઓએ એક દાન કર્યુ છે, જેના કારણને લીધે તેઓ ચર્ચામાં છે. હરેકૃષ્ણ ગ્રુપના નેજા હેઠળ લેઉવા પટેલ ધોળકિયા પરિવાર દ્વારા કંપનીના કેમ્પસમાં સ્નેહમિલનનું આયોજન કરાયું હતું. આ દરમિયાન ડાયમંડ કિંગ સવજી ધોળકિયાએ કુળદેવીના મંદિરના નિર્માણ માટે અનોખી રીતે દાન કર્યું હતું.
તેમણે આ દરમિયાન સ્ટેજ પરથી કહ્યુ હતુ કે ત્યાં જે પણ લોકો બેઠેલા છે તેમાંથી જે લોકો વ્યસન કરે છે તેઓ હાથ ઊંચો કરે, જે બાદ તેમણે કહ્યુ કે, જે લોકો કાયમ માટે વ્યસન છોડવા તૈયાર હશે તે લોકોના નામથી વતનમાં સવજીભાઇ કુળદેવીના મંદિર માટે 51000 રૂપિયાનું દાન કરશે. આમ 31 જેટલા લોકોએ સવજીભાઇની વાત માની અને વ્યસન છોડવા તૈયાર હતા અને સવજીભાઇએ 15.50 લાખ દાનમાં પણ આપ્યા હતા.
ત્યારે ધોળકિયા પરિવારના કુળદેવીનું મંદિર ભાલ વિસ્તારમાં ગાંગાવાડા ગામે છે અને મંદિરના જીણોદ્વાર પ્રસંગે અને પરિવારજનો ત્યાં આવે તો તેમના ઉતારા માટે 2 કરોડના ખર્ચે એક બિલ્ડિંગ પણ બનાવશે. સવજીભાઈ ધોળકીયાએ આ કામ માટે પરિવારના લોકો સમક્ષ ફંડ માટેની વાત મુકતા દાન કરવાની અલગ રીત મૂકી હતી. હરેકૃષ્ણ ગ્રુપના ફાઉન્ડર અને ચેરમેન સવજીભાઇએ કહ્યુ કે, કુળદેવીનું મંદિર નિર્માણ થતું હોય તેમાં પોતાની રીતે આર્થિક સહયોગ તો આપવાનો જ હોય.
જે દિવસે સ્નેહમિલન હતું તે જ દિવસે વિશ્વ તમાકુ વિરોધી દિવસ પણ હતો અને આને કારણે જ સવજીભાઇને આવો વિચાર આવ્યો હતો. તેમણે વધુમાં કહ્યુ- 31 વ્યક્તિએ વ્યસન છોડવાનો સંકલ્પ કરતા મંદિર નિર્માણમાં પહેલો આર્થિક સહયોગ એક્સ્ટ્રા મળ્યો હતો.