એવું કહેવામા આવે છે કે જો એક સારો મિત્ર સાથે હોય તો આખી દુનિયા સામે લડી શકાય છે. પરંતુ આજના સમયમાં સારો મિત્ર મળવો એટલે દરિયામાં સોયા શોધવા બરાબર છે. પરંતુ હાલ જે મિત્રતાનો કિસ્સો તમને જણાવવા જઈ રહ્યા છે તે સાંભળીને તમને પણ આવી મિત્રતા ઉપર ગર્વ ચોક્કસ અનુભવાશે.
પ્રાપ્ત માહિતી અનુસાર સાવરકુંડલાના શિવલાલ ગોવિંદજી મહેતા અને કાઠી દરબાર બદરૂભાઇ ખુમાણની આ ભાઇબંધી આ સમગ્ર વિસ્તારમાં ખુબ જ જાણીતી હતી. શિવલાલભાઇ અહી બચુભાઇ ગોર તરીકે પણ ઓળખાય છે અને તેમની ઉંમર 90 વર્ષની છે અનેબદરૂભાઇની 83 વર્ષની છે.
શિવલાલ અને બદ્રભાઈ બાળપણના મિત્રો હતા અને વૃદ્ધાવસ્થા સુધી પણ તેમની મિત્રતા અકબંધ હતી. બચુભાઇનો પરિવાર છેલ્લા થોડા સમયથી મહારાષ્ટ્રના પુનામા સ્થાયી થયો હતો. આ સ્થિતિમા પણ અતિ વૃધ્ધ અવસ્થાના આ બંને મિત્રો રવિવારે કલાકો સુધી ટેલીફોન પર સંપર્કમા રહેતા અને એકબીજા સાથે વીડિયો કોલમાં પણ વાતો કરતા રહેતા હતા. આ ઉપરાંત બે મહિને એકાદ વાર બચુભાઇ પુનાથી સાવરકુંડલા રોકાવવામાં માટે પણ આવતા અને બે દિવસ રહેતા.
પરંતુ ૧૪ એપ્રિલના રોજ અચાનક બચુભાઇની તબીયત લથડી અને હાર્ટએટેકથી તેમનું અવસાન થઇ ગયું. વળી કુદરત એવી રૂઠી કે બીજા અઠવાડિયામાં તેમના પત્ની પણ અવસાન પામ્યા. પરંતુ કાળ જાણે તેમના પરિવાર પાછળ પડ્યો હોય તેમ થોડા દિવસોમાં બચુભાઇના ભાઇ અને ભાભી પણ મૃત્યુ પામ્યા. આ બધી ઘટનાઓનો ખુબ જ માનસીક આઘાત, નિવૃત પોલીસ ઇન્સ્પેકટર એવા બદરૂભાઇ ખુમાણને પણ લાગ્યો.
ત્યારે બદરૂભાઇએ પણ જાણે પોતાના મિત્રના ગયા બાદ જીવવાની ઈચ્છા છોડી દીધી હોય તેમ ખાવા પીવાનુ પણ છોડી દીધુ અને તેમની તબીયત પણ લથડવા લાગી. થોડા જ દિવસોમા તેમણે પોતાના મિત્રની જેમ અનંતની વાટ પકડી લીધી. 90 વર્ષની ઉંમરે પણ બંનેએ નિસ્વાર્થ અને નિર્દોષ દોસ્તી જાળવી રાખી હતી. આજે પણ તેમની મિત્રતાના કિસ્સાઓ યાદ કરવામાં આવે છે. ઘણા લોકો માટે તેમની મિત્રતા પ્રેરણા સમાન બની ગઈ છે.