ગુજરાત રાજયમાં ઘણીવાર સિંહ અને તેના પરિવારનો આરામ ફરમાવતો કે પછી તેમની આંટાફેરા મારતો વીડિયો અને તસવીર વાયરલ થતા હોય છે. ત્યારે હાલ આવું જ કંઇક સાવરકુંડલામાં જોવા મળ્યુ છે. અમરેલીના ધારી, રાજુલા, સાવરકુંડલાના રહેણાક વિસ્તારમાં સિંહ પરિવારના આંટાફેરા સામાન્ય બની ગયા છે. ત્યારે સાવરકુંડલા રેન્જમાં એક વાડી વિસ્તારમાં ખાટલા પર આરામ ફરમાવતા ચાર બાળસિંહની તસવીરો સામે આવી છે. આ તસવીરો ઘણી જ મનમોહક છે.
ઉલ્લેખનીય છે કે, ગીર જંગલ વિસ્તારમાં પેટ્રોલિંગમાં રહેતા ફોરેસ્ટર દ્વારા આ તસવીર કેમેરામાં કેદ કરવામાં આવી હતી. તમને જણાવી દઇએ કે, અમરેલી જિલ્લાના સાવરકુંડલા રેન્જ વિસ્તારમાં આવેલી એક ખેડૂતની વાડીમાં ખાટલા પર ત્રણ બાળસિંહ અને એક બાળસિંહ ખાટલા નીચે આરામ ફરમાવતા જોવા મળી રહ્યાં છે. ચારેયને જોઇને એવું લાગી રહ્યુ છે કે તેમને ઠંડી લાગતી હોય અને એનાથી બચવા માટે તેમણે ખાટલાનો સહારો લીધો હોય એમ લાગી રહ્યું છે.
આ તસવીરો સાવરકુંડલા રેન્જના ફોરેસ્ટ યાસિન જુણેજાએ પોતાના કેમેરામાં ખેંચી હતી. સામાન્ય રીતે આ તસવીરો ક્યારેય જોવા ના મળે એવી છે. આમ તો બાળસિંહ તેમની માતાથી અલગ નથી દેખાતા હોતા પરંતુ આ તસવીરમાં આસપાસ ક્યાંય સિંહણ જોવા મળી ન હતી.