હીરાના વેપારી સૌરાષ્ટ્રના વડીલોને પ્લેનમાં બેસાડી લાવ્યા સુરત, 9 વડીલોની પ્લેનમાં બેસવાની ઇચ્છા પૂર્ણ થતા ખુશખુશાલ

હીરા વેપારીએ પોતાના ગામના વડીલોને અમરેલી-સુરત હવાઇ યાત્રા કરાવી હતી. અમરેલીના ધામેલ ગામના વડીલો ગત ગુરુવારના રોજ અમરેલી-સુરત ફ્લાઇટમાં સુરત આવ્યા હતા. તેઓને સુરતમાં જે પણ જોવાલાયક સ્થળો છે ત્યાં ફેરવવામાં આવી રહ્યા છે. જેમણે આખુ જીવન ખેતરમાં ખેતી કરી છે તે વડીલોની વિમાનમાં બેસવાની ઇચ્છા એક હીરા વેપારીએ પૂરી કરી હતી. સૌરાષ્ટ્રના અમરેલી, રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, સુરેન્દ્રનગર, પોરબંદર તેમજ ગીર સોમનાથ, બોટાદ વગેરે જિલ્લાના લાખો લોકોએ સુરતને પોતાની કર્મભૂમિ બનાવી છે.

ઘણા વર્ષોથી તેઓ સુરતમાં રહે છે તેમ છતાં પણ તેઓ પોતાના વતનનું ઋણ અદા કરવાનું ચૂકતા નથી. કતારગામ ગજેરા સર્કલ પાસે ભવાની હાઇટ્સમાં રહેતા છગનભાઇ કે જે 15 વર્ષ પહેલા અમરેલીના લાઠીના ધામેલ ગામમાં ખેતીકામ કરતા હતા. ત્યાર બાદ તેઓ હીરાનો વેપાર કરવા માટે સુરત આવ્યા હતા. તેઓ સુરત અને બેલ્જિયમમાં હીરાની ઓફિસ ધરાવે છે. સુરતમાં હીરાને વેપારમાં સાધન સંપન્ન બન્યા બાદ વતનનું ઋણ અદા કરવાનું ચૂક્યા નથી. તેમણે ગામના 9 વડીલોને પોતાના ખર્ચે ફ્લાઇટમાં સફર કરાવવાનું નક્કી કર્યુ હતુ.

તેમણે અમરેલી-સુરત ફ્લાઇટની 9 વડીલોની ટિકિટ બુક કરાવી હતી અને ગુરુવાર સવારનો રોજ તેઓ અમરેલીથી ફ્લાઇટમાં બેસી 10 વાગ્યા આસપાસ સુરત એરપોર્ટ પર ઉતર્યા હતા અને તે બાદ તેઓએ ઘર સુધી વાહનની વ્યવસ્થા પણ કરાવી હતી. સુરત પહોંચ્યા બાદ તેઓને સુરતના જોવાલાયક સ્થળો પર ફેરવવામાં આવી રહ્યા છે અને પછી તેઓ સુરતમાં રહેતા પોતાના સ્વજનોના ઘરે જઇ અનુકૂળતા અનુસાર વતન ફરવાના છે. વડીલોએ સૌપ્રથમવાર જીવનમાં હવાઇ યાત્રા કરી હતી, જેને લઇને તેઓ ઘણા ખુશ હતા.

છગનભાઇની વાત કરીએ તો, તેઓ ગામમાં ઘણી મહેનત કરતા હતા અને ખેતી કરતા હતા. ખેતરમાં કામ કરતી વખતે તેઓએ વડીલોની મહેનતને નિહાળી હતી અને આ વડીલો સાથે છગનભાઇ ખેતરમાં કામ પણ કરતા અને ખેતીકામમાં મદદ કરનાર વડીલોનું ઋણ ચૂકવવાનું છગનભાઇએ નક્કી કર્યુ હતુ, જેના કારણે તેમણે વડીલોને હવાઇ યાત્રા કરાવવાનું નક્કી કર્યુ હતુ. વડીલો તો વિમાનમાં બેસી ખુશખુશાલ થઇ ગયા હતા.

Shah Jina