મિત્રો આપણે દરેક જાણીએ જ છીએ કે જે ઘરમાં ભગવાન સત્યનારાયણની કથા કરવામાં આવે છે એ ઘરમાં હંમેશા પોઝીટીવ એનર્જી બનેલી રહે છે. જો તમારા ઘરમાં નાહકની ચર્ચાઓ અને નાની નાની વાતે મોટા ઝઘડા થતા હોય તો તમારા ઘરમાં નેગેટીવીટી છે તમારે જો આમાંથી મુક્તિ મેળવવી છે તો તમારે સત્યનારાયણ ભગવાનની કથા કરાવવી જોઈએ. સત્યનારાયણ ભગવાનની ઘરમાં સારા મૂર્હતમાં કથા કરાવવાથી ઘર પર આવતું દરેક સંકટ દુર ચાલ્યું જાય છે. આ કથા તમને તમારા દુશ્મનોની ખરાબ નજરથી બચાવે છે. દર ત્રણથી ચાર મહિને એકવાર તો ઘરમાં સત્યનારાયણ ભગવાનની કથા કરાવવી જોઈએ.
સત્યનારાયણ ભગવાન વર્ષોથી પોતાની કૃપા પોતાના ભક્તો પર વરસાવે છે. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે જે પણ વ્યક્તિ સ્તયનારાયણ ભગવાનની કથા કરાવે છે તેની બધી જ મનોકામના પૂરી થાય છે. સામાન્ય રીતે તમે જોયું હશે કે તમારા પરિવારમાં કે પછી કોઈ મિત્રના ઘરે જયારે કોઈ સારું કામ પૂર્ણ થાય ત્યારે જ તેઓ સત્યનારાયણ ભગવાનની કથા કરાવતા હોય છે.

સત્યનારાયણ ભગવાનનો મહિમા –
ભગવાન સત્યનારાયણ એ ભગવાન વિષ્ણુનો જ એક અવતાર છે. ભગવાન સત્યનારાયણનો ઉલ્લેખ સ્કંદ પુરાણમાં જોવા મળે છે. સ્કંદ પુરાણમાં ભગવાન વિષ્ણુએ નારદજીને સત્યનારાયણ કથાની મહિમા અને તેનું મહત્વ જણાવ્યું છે. કલિયુગમાં સૌથી સરળ, પ્રભાવશાળી અને અસરકારક વ્રત એટલે કે સત્યનારાયણની કથા.
કેવી કેવી મનોકામનામાં જલ્દી સફળતા આપે છે આ કથા –
જ્યોતિષશાસ્ત્ર અનુસાર માનીએ તો ભગવાન વિષ્ણુ પોતાના અલગ અલગ રૂપ લઈને પોતાના ભક્તોના દુઃખ દુર કરવા માટે આવતા હોય છે. કળીયુગમાં જો તમે તમારી કોઈ ઈચ્છા કે પછી દુઃખ દુર કરવા માંગો છો તો તમારે સત્યનારાયણ ભગવાનની કથા કરાવવી જોઈએ. હવે વાંચો કેવી પરિસ્થતિમાં તમને મદદ કરશે આ કથા –

ઘરમાં સુખ શાંતિ અને સંપતિ બનાવી રાખવા માટે આ કથા કરાવવામાં આવે છે. જે મિત્રોના લગ્નમાં વિલંબ આવી રહ્યો છે તેઓએ આ કથા કરાવવી જોઈએ જેનાથી તેમના લગ્ન વહેલી તકે થઇ શકે છે. જયારે પણ તમારા ઘરમાં કોઈ સંતાનનો જન્મ થાય કે પછી કોઈ સારા સમાચાર મળે ત્યારે આ કથા કરાવવી જોઈએ.
જયારે પણ ઘરમાં કોઈના લગ્ન નક્કી થાય ત્યારે લગ્ન પહેલા અને લગ્ન પછી આ કથા કરાવવાથી અનેક લાભ મળે છે. જો ઘરમાં કોઈ વડીલ કે પછી બીજા કોઈને લાંબી બીમારી હોય તો આ કથા કરાવવાથી ફાયદો થશે.
સત્યનારાયણ ભગવાનની કથા માટેનો ઉત્તમ સમય –
તમે કોઈપણ પૂજા કે કથા કરાવો તેનો એક ઉત્તમ સમય હોય છે અને ઉત્તમ સમય દરમિયાન કરેલી પૂજા અને કથા જ તમને યોગ્ય ફળ અપાવે છે. તો આવો જાણી લઈએ સત્યનારાયણ ભગવાનની કથા માટે કયો સમય યોગ્ય હોય છે.
કોઈપણ મહિનાની પૂનમે આ કથા કરી શકાય છે. મહિનાના કોઈપણ ગુરુવારે તમે આ કથા કરાવી શકો છો.
જો કોઈ મોટી મુસીબત કે આફત આવી છે ત્યારે પણ તમે આ કથા કરાવી શકો છો.

જો તમે તમારી કોઈપણ ઈચ્છા પૂર્ણ કરવા માંગો છો તો તેના માટે તમારે દરેક મહિનાની પૂનમે સત્યનારાયણ ભગવાનની કથા કરવી જોઈએ આમ કરવાથી તમારી દરેક ઈચ્છા પૂર્ણ થશે.
તો આવો હવે જાણી લઈએ કે કેવી રીતે કરશો સત્યનારાયણ ભગવાનની પૂજા –
જયારે પણ ઘરમાં સત્યનારાયણ ભગવાનની કથા કરવાની હોય છે ત્યારે તેના માટે આપણે અગાઉથી તૈયારી કરતા હોઈએ છીએ. પણ તમે એ તૈયારીમાં લગભગ પૂજા અને પ્રસાદની જ તૈયારી કરતા હોઈએ છીએ પણ હકીકતમાં એવું નથી હોતું. સત્યનારાયણ ભગવાનની કથા ઘરમાં કરાવતા પહેલા કેટલાક કામ એવા પણ હોય છે જે તમારે કથા કરાવતા પહેલા કરી લેવા જોઈએ તો અને તો જ તમને સત્યનારાયણની કથાનું સંપૂર્ણ પરિણામ મળશે.
સત્યનારાયણ ભગવાનની કથાની ખાસ ધ્યાન રાખવા જેવી વાતો –
સત્યનારાયણ ભગવાનની કથાને બે ભાગમાં વહેચવામાં આવી છે જેમાં પહેલા ભાગમાં પૂજા અને અર્ચના કરવામાં આવે છે જયારે બીજા ભાગમાં સત્યનાર્તાયણ ભગવાનની કથા સાંભળવામાં આવે છે. બીજી બધી પૂજા કથા અને વ્રતની સરખામણીએ આ કથા એકદમ સરળ અને પ્રભાવશાળી છે.

સત્યનારાયણ ભગવાનની પૂજા બહુજ ઓછા સામાન સાથે અને સરળતાથી થતી હોય છે.
સત્યનારાયણ ભગવાનની પૂજામાં ગૌરી – ગણેશ, નવગ્રહ અને સમગ્ર દિક્પાલની પૂજા થતી હોય છે.
આ કથા તમે કેળાના ઝાડ નીચે અથવા તો ઘરમાં જ્યાં પૂજા પાઠ કરતા હોવ એવા સ્થાન પર કરવાની રહેશે.
આ કથાના પ્રસાદમાં પંજરી, પંચામૃત, શીરો, ફળ અને તુલસી આટલી સામગ્રીનો સમાવેશ કરવો.
જાણીએ કથા કરતા પહેલા કરવાના કામો વિશે –
૧. ઘરની સાફ સફાઈ:

સત્યનારાયણની કથામાં આપણે ભગવાન વિષ્ણુને આપણા ઘરમાં આવવા માટે આમંત્રણ આપતા હોઈએ છીએ. આવામાં જયારે ભગવાન આપણા ઘરે આવે ત્યારે આપણું ઘર એકદમ સાફ અને સ્વચ્છ હોવું જોઈએ. સામાન્ય રીતે આપણે ઘરમાં જે જગ્યાએ કે પછી જે રૂમમાં કથા કરવાની હોય છે એ જ રૂમ કે એ જ જગ્યાની સફાઈ કરતા હોઈએ છીએ પણ હવે એવું કરતા નહિ. જયારે પણ કથા કરાવો ત્યારે તમારે આખું ઘર સાફ કરવું જોઈએ. ખાસ કરીને કોઈપણ જગ્યાએ ધૂળ અને ગંદકી ન હોવી જોઈએ, ઘરમાં ક્યાંય પણ કરોળિયાના જાળા રહેવા જોઈએ નહિ. જો તમારા ઘરમાં કચરો પણ તમે જમા કરેલો છે તો કથા શરુ થાય એ પહેલા કચરાને ઘરની બહાર ફેંકી દેવો. આમ કરવાથી ભગવાન તમારા ઘરમાં અવશ્ય પ્રવેશ કરશે.
૨. યોગ્ય પ્રસાદ અને ભોજનની વ્યવસ્થા:

સત્યનારાયણ ભગવાનની કથામાં ઘણા લોકો ફક્ત પ્રસાદ વહેંચીને કામ ચલાવતા હોય છે પણ બને ત્યાં સુધી પ્રયત્ન કરો કે ભગવાનને તમે થાળ ધરાવો અને ત્યારબાદ પૂજા અને કથા કરવા માટે આવેલા મહારાજને પણ ભોજન કરાવો. હવે આપણી સંસ્કૃતિમાં જેમ કહેલું છે કે अतिथि देवो भव તો પછી તમારી શક્તિ પ્રમાણે કથા માટે ઘરે આવેલા મહેમાન અને પરિવારજનોને યોગ્ય નાસ્તો અથવા તો જમણવાર કરાવો. ફરજીયાત નથી હોતું આ તો જેવી જેની ભક્તિ અને જેવી જેની શક્તિ.
૩. ઘરનું શુદ્ધિકરણ:
સત્યનારાયણ ભગવાનની કથા પહેલા ઘરને ગંગાજળનો છંટકાવ કરીને પવિત્ર કરી દો. આમ કરવાથી ઘરમાં પોઝીટીવ એનર્જી વધશે અને આ વાતાવરણમાં કરવામાં આવેલી સત્યનારાયણ ભગવાનની કથા યજમાનને અનેક ફાયદા આપે છે.
હવે જાણીએ કથાના દિવસે કથા કરવા માટેની જે તૈયારીઓ છે એ વિશે –
સૌથી પહેલા ઘરમાં યોગ્ય સ્થાન પર કેળાના પાનથી મંડપ બનાવો. ત્યારબાદ તે મંડપમાં ભગવાન સત્યનારાયણના ફોટો અથવા તો મૂર્તિની સ્થાપના કરો. તાંબાનો લોટો અને એક અખંડ દિવાની પણ સ્થાપના કરો.
સૌથી પહેલા ગૌરી ગણેશ અને નવગ્રહોની પૂજા કરો. ત્યારબાદ ભગવાન સત્યનારાયણની પૂજા કરો. ત્યારબાદ તેમને પ્રસાદ અને વસ્ત્ર અને તુલસી અર્પણ કરો.
આટલું કર્યા પછી ભગવાન સત્યનારાયણની કથા બોલો અથવા સાંભળો.
ત્યારબાદ તમારા સ્નેહી અને પડોશીઓમાં ભગવાન સત્યનારાયણનો પ્રસાદ વહેંચો.
પ્રસાદ બને એટલા વધુ લોકો સુધી પહોંચતો કરો.

અહી જણાવેલ રીત તમે જાતે કરો તેના માટે છે તમે ઈચ્છો તો કોઈ મહારાજ કે પુજારીની પણ મદદ લઇ શકો છો. ભગવાન સત્યનારાયણ તમારી દરેક મનોકામના પૂર્ણ કરે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App