વધુ એક ગુજરાતીની વિદેશમાં હત્યા, મૂળ નવસારીના અને USમાં મોટલ ચલાવતા યુવક પર ફાયરિંગ

નવસારીના યુવકની અમેરિકામાં હત્યા, મોટેલ ચલાવતા 46 વર્ષિય ગુજરાતી પર ફાયરિંગ બાદ શખ્સે પોતે પણ ગોળી મારી કરી આત્મહત્યા

છેલ્લા ઘણા સમયથી વિદેશમાંથી ગુજરાતીઓ અને ભારતીયોની હત્યાના મામલા સામે આવે છે, ત્યારે હાલમાં અમેરિકામાંથી એક યુવકની હત્યાનો મામલો સામે આવ્યો છે. મુળ નવસારીના અને હાલ અમેરિકામાં મોટેલ ચલાવતા સત્યેન નાયક પર એક શખ્સે ફાયરિંગ કર્યું અને તેને કારણે તેનું મોત નિપજ્યું. જો કે, ફાયરિંગ કરનાર શખ્સે પોતાને ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી.

ગુજરાતી યુવકની અમેરિકામાં હત્યા

પ્રાપ્ત જાણકારી અનુસાર, નવસારીના ગણદેવીમાં આવેલાં સોનવાડી ગામના 46 વર્ષીય સત્યેન નાયક પર પણ ગોળીબારીની ઘટના બાદ પરિવાર સહિત ગામમાં શોકનો માહોલ છે. સત્યેન નાયકની હત્યા બાદ હવે પત્ની અને તેમના બાળકો એકલા થઈ ગયા છે. સત્યેન નાયકની કેમ ગોળી મારી હત્યા કરવામાં આવી તે કારણ હજુ અકબંધ છે.

હત્યારાએ પિસ્તોલ કાઢી કર્યુ ફાયરિંગ

સત્યેન નાયક નોર્થ કેરોલિનામાં ન્યુ પોર્ટ શહેરમાં હોસ્ટેસ હાઉસ નામથી મોટેલ ચલાવે છે, તેઓ જ્યારે મોટેલની અંદર હતા ત્યારે સાજે કેલમ નામનો હોમલેસ યુવાન ઘૂસ્યો અને તેને બહાર કાઢવા જતા સંભવિત અસ્થિર મગજના યુવાને એકાએક તેની પાસે રહેલ પિસ્તોલ કાઢી સત્યેન નાયક પર ફાયરિંગ કરી દીધું.

પોતાને ગોળી મારી આત્મહત્યા કરી

ત્યાં હત્યારો યુવક અન્ય રુમમાં ભાગી ગયા બાદ પોલીસે આવી તેને સમજવાના ખૂબ પ્રયત્ન કર્યા અને SRT (સ્પેશ્યલ રિસ્પોન્સ ટીમ) પણ આવીને તેને સમજવવાનો પ્રયત્ન કર્યો પણ તે બહાર ન આવ્યો અને પિસ્તોલથી રુમમાં પોતાને ગોળી મારી આત્મહત્યા કરી લીધી. ઉલ્લેખનીય છે કે, સત્યેન નાયકનો પરિવાર વર્ષોથી અમેરિકા સ્થાયી છે અને તેઓ ત્યાંની નાગરિકતા પણ ધરાવે છે.

Shah Jina