અમેરિકામાં 13 દિવસ પહેલા સત્સંગી પીનલ પટેલની ગોળીઓ મારીને કરી નાખી હતી હત્યા, હવે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના હાથે આપી મુખાગ્નિ, જુઓ તસવીરો

પીનલ પટેલને ઘનશ્યામપ્રકાશ દાસજી સ્વામીએ આપી મુખાગ્નિ, પરિવારના આક્રંદ વચ્ચે 13 દિવસ બાદ યોજાયા અંતિમ સંસ્કાર

વિદેશમાં રહેતા ગુજરાતીઓ અને ભારતીયોની હત્યાના મામલાઓ સતત સામે આવી રહ્યા છે. આવો જ એક હત્યાનો મામલો 13 દિવસ પહેલા અમેરિકામાંથી સામે આવ્યો હતો. જ્યાં મૂળ કરમસદના વતની એવા 52 વર્ષીય પીનલ પટેલની લૂંટારુઓ દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

આ ઘટનામાં તેમના પત્ની અને દીકરી પણ ઘાયલ થયા હતા અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે હવે આ હત્યાના 13 દિવસ બાદ પીનલ પટેલને અંતિમ વિદાય આપવામાં આવી. જેમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા મુખાગ્નિ આપવામાં આવી હતી.

(તસ્વીર સૌજન્ય: દિવ્ય ભાસ્કર)

દિવ્યભાસ્કરના અહેવાલ પ્રમાણે 2 ફેબ્રુઆરીના રોજ અમેરિકાના સમય પ્રમાણે બપોરે 2 વાગે બ્રુપી-સ્કોટ મેમોરિયલ સ્મશાન ખાતે પિનલભાઇના નશ્વરદેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. જ્યાં પરિવાર અને સંબંધીઓ તેમજ ગુજરાતી સમાજના લોકો ત્યાં હાજર રહ્યા હતા. અંતિમવિધિ દરમિયાન બે કલાક સુધી સ્વામિનારાયણ મહામંત્રનો જાપ કરવામાં આવ્યા હતા.

(તસ્વીર સૌજન્ય: દિવ્ય ભાસ્કર)

પીનલભાઈ અને તેમનો પરિવાર સત્સંગી હોવાના કારણે તેમના સ્વામિનારાયણ સંપ્રદાયના ઘનશ્યામપ્રકાશ દાસજી સ્વામીના હસ્તે તેમને મુખાગ્નિ આપવામાં આવી હતી. આ દરમિયાન ત્યાં શોકનો માહોલ પણ સર્જાયો હતો. પરિવારના સભ્યોના પણ રડી રડીને હાલ બેહાલ થયા હતા. પિનલભાઈના પરિવારમાં દીકરો પૂજન પટેલ, દીકરી ભક્તિ પટેલ, પત્ની રૂપલબહેન પટેલ, બહેન રેશ્માબહેન પટેલ તથા માતા પ્રભાવતીબહેન પટેલ છે.

Niraj Patel