BREAKING: મશહૂર અભિનેતા સતીશ કૌશિકનું નિધન, 66 વર્ષની ઉંમરે લીધા છેલ્લા શ્વાસ

એક દિવસ પહેલા રમી ધુળેટી, આ મહાન અભિનેતાએ હવે દુનિયા છોડી દીધી- જુઓ તસવીરો

બોલિવુડના મશહૂર અભિનેતા અને જાણિતા ડાયરેક્ટર સતીશ કૌશિકનું નિધન થયું છે. તેમના નજીકના મિત્ર અને અભિનેતા અનુપમ ખેરે ટ્વિટ કરીને આ દુઃખદ સમાચારની માહિતી આપી હતી. તેમણે લખ્યું કે હું જાણું છું કે મૃત્યુ આ દુનિયાનું અંતિમ સત્ય છે. પણ મેં સપનામાં પણ વિચાર્યું નહોતું કે હું જીવતો રહીને મારા ખાસ મિત્ર સતીશ કૌશિક વિશે આ લખીશ. અનુપમ ખેરે લખ્યું કે 45 વર્ષની મિત્રતા પર અચાનક પૂર્ણવિરામ. સતીશ તારા વિના જીવન ક્યારેય સરખું નહીં રહે! ઓમ શાંતિ.

સતીશ કૌશિકે 66 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું. સતીશ કૌશિક બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા, કોમેડિયન, સ્ક્રિપ્ટ રાઈટર, ડિરેક્ટર અને પ્રોડ્યુસર હતા. તેમનો જન્મ 13 એપ્રિલ 1965ના રોજ હરિયાણામાં થયો હતો. બોલિવૂડમાં બ્રેક મળતા પહેલા તેમણે થિયેટરમાં કામ કર્યું હતું. એક ફિલ્મ અભિનેતા તરીકે સતીશ કૌશિકને 1987ની ફિલ્મ મિસ્ટર ઈન્ડિયાના કેલેન્ડરથી ઓળખ મળી. આ પછી તેમણે 1997માં દિવાના મસ્તાનામાં પપ્પુ પેજરની ભૂમિકા ભજવી હતી.

સતીશ કૌશિકને 1990માં રામ લખન માટે અને 1997માં સાજન ચલે સસુરાલ માટે શ્રેષ્ઠ હાસ્ય કલાકારનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. તેમણે 1983માં બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. 1985માં તેમણે શશિ કૌશિક સાથે લગ્ન કર્યા. પરંતુ લગ્ન પછી તેમના જીવનમાં દુ:ખનો પહાડ તૂટી પડ્યો. તેમના પુત્રનું 2 વર્ષની વયે અવસાન થયું. થોડા સમય પહેલા સતીશ કૌશિકે તેમના જીવનની એક ઘટના શેર કરી હતી અને જણાવ્યું હતું કે તેમને ફિલ્મ મંડી માટે કેવી રીતે કાસ્ટ કરવામાં આવ્યા હતા.

આ તેમની કારકિર્દીની શરૂઆતની ફિલ્મોમાંની એક હતી. સતીશ કૌશિક પોતાના લુકને કારણે ઘણી ચિંતા કરતા હતા, પરંતુ તેમને શ્યામ બેનેગલની આ ક્લાસિક ફિલ્મમાં કામ મળ્યું. કપિલ શર્મા શોમાં આ વિશે વાત કરતા અભિનેતાએ કહ્યું હતું કે તે સમયે મને કિડની સ્ટોન વિશે ખબર પડી હતી. હું એક્સ-રે કરાવીને હોસ્પિટલમાંથી પરત ફરી રહ્યો હતો પછી મને શ્યામ બેનેગલ જીનો ફોન આવ્યો, તેમણે મારો ફોટો માંગ્યો. મારી પાસે ફોટો નહોતો અને એ પણ ખબર હતી કે ફોટો જોયા પછી કાસ્ટિંગ નહીં થાય.

એ વાતાવરણમાં મેં થોડો સુધારો કર્યો. મેં તેમને કહ્યું કે મારી પાસે મારા ફોટોગ્રાફ્સ નથી, પણ મારી પાસે એક્સ-રે રિપોર્ટ છે. હું અંદરથી ખૂબ જ સારી વ્યક્તિ છું. આ સાંભળીને શ્યામજી ખૂબ હસ્યા. તેમણે મને કહ્યું કે મને ફિલ્મ મંડીમાં કામ મળ્યું છે. જણાવી દઇએ કે, હિન્દી સિનેમામાં તેમના યોગદાન માટે તેમને હંમેશા યાદ કરવામાં આવશે. સતીશ કૌશિકે ઘણા મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું હતું. ફિલ્મો સિવાય સતીશ કૌશિકે ટીવી ઈન્ડસ્ટ્રીમાં પણ ઘણું નામ કમાવ્યું હતું.

Shah Jina