કૌશલ બારડ ખબર લેખકની કલમે

સતાધારના મહંત જીવરાજ બાપુનું અવસાન, શામજી બાપુએ ધરાર આપી હતી ગાદી! જાણો આખી જીવનકથા

જુનાગઢના વિસાવદર શહેરથી સાતેક કિલોમીટર દૂર ગીરનાં જંગલને સીમાડે આંબાઝર નદીને સીમાડે આવેલ સતાધાર ધામના ભાવિકો માટે એક દુ:ખદ સમાચાર છે. આ જગ્યાના સાતમાં મહંત પૂજ્ય શ્રીજીવરાજ બાપુ દેહવિલય પામ્યા છે. ૯૩ વર્ષની ઉંમરે જીવરાજબાપુએ સદાવ્રતના ધામ સતાધારને અને દુનિયાને અલવિદા કહી દીધી છે. ૨૦ ઓગસ્ટ અને સોમવારના રાત્રે દસ વાગ્યે તેમનું નિધન થયું છે.

મુખ્યમંત્રી રવિવારે આવેલા ખબર પૂછવા —

સતાધારની જગ્યાના સાતમા મહંત જીવરાજ બાપુ ઘણા સમયથી બિમાર હતા. અગાઉ બે વર્ષ પૂર્વે તેમને ન્યૂમોનિયા થતા હોસ્પિટલમાં લઈ જવાયેલા. ગત રવિવારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ બાપુની તબિયતના હાલ હવાલ પૂછ્યા હતા.

શામજી બાપુ પાસેથી મળી હતી ગાદી —

૧૯મી સદીમાં આંબાઝર નદીને કિનારે સદાવ્રતનાં ધામ સતાધારનો આપા ગીગાએ પાયો નાખ્યો. એ વખતથી આ સ્થાનકે પોતાનો આશરાધર્મ, દયા-કરૂણા-પ્રેમ, ગૌશાળા બંધાવવી સહિતના ધર્મના અનેક કાર્યો વણથંભ્યા ચાલુ રાખ્યાં છે. પ્રભુની કૃપાથી અહીં અખંડ ચાલતું સદાવ્રત ક્યારેય બંધ નથી થયું. કોઈ માણસ ભૂખ્યો ગયો નથી, ભૂખ્યો સૂતો નથી.

તારીખ ૬ જૂન, ૧૯૭૯ના રોજ શામજીબાપુએ સતાધારની ગાદી જીવરાજબાપુને સોંપી. ગુરૂજી પાસેથી કચવાતા મને તેમણે સતાધારની ગાદી લીધી. ઇચ્છા તો નહોતી પણ શામજી બાપુની તબિયત ખરાબ રહેતી એટલે લેવી જ પડી. પછી એક વહેલી સવારે શામજીબાપુ પ્રયાગરાજની યાત્રાએ ગયા.

સતાધારની ગાદી સંભાળવી એ ખાંડાની ધાર પર ચાલ્યા જેવું છે. આ ધર્મસ્થાન એવું છે જ્યાં પ્રલોભ નહી, ત્યાગ જ સર્વસ્વ છે. અહીઁ દર્શને આવેલો, આશરે આવેલો એક પણ જણ ભૂખ્યો ન જાય એ જોવાનું રહે છે. દાનનો ધોધ વહેતો હોય એની પાઇ-પાઇ સદમાર્ગે જ વાળવાની હોય છે. જીવરાજબાપુએ આ કામ જિંદગીભર કુશળતાથી પાર પાડ્યું. ઇ.સ.૧૯૮૩માં શામજીબાપુનું અવસાન થયું.

સોરઠનો સૌથી વિશાળ ભંડારો —

શામજીબાપુના અવસાન બાદ એમના કહેવા મુજબ જીવરાજબાપુએ આંબાઝર નદીને કાંઠે ‘શ્યામઘાટ’ બનાવ્યો. ભંડારો રાખવામાં આવ્યો. શામજી બાપુની ખ્યાતિ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં તો ઘરોઘર હતી. દૂર-સુદૂરના ઇલાકાઓમાં પણ એકેય વ્યક્તિ એવી નહોતી જેને શામજીબાપુ વિશે ખબર ન હોય. ભંડારામાં હકડેઠઠ માણસ ઉમટ્યું. ૮ થી ૧૦ લાખ જેટલા માણસો એકઠા થયા! આ બધાને ભોજનનો મહાપ્રસાદ આપવામાં આવેલો. ભજન અને ભોજનના મિલનનો આ સોરઠની તવારીખમાં લખાય એવો યાદગાર બનાવ હતો.

વખિણથી દૂર રહેનાર, ગમે તેવા પ્રસંગો અત્યંત સહજતાથી પાર પાડનાર —

પૂજ્ય જીવરાજબાપુના અમુક ગુણો જાણીને એમના ચરણમાં શિશ ઝૂકી પડે. આશરે આવેલાને આપા ગીગાની પ્રાર્થના કરીને આશિર્વાદ આપતા. નાના બાળકથી માંડીને મોટા શેઠિયા સુધી બધા આગળ નિખાલસતાથી વર્તતા. આવનાર કોઈ જીવરાજબાપુનો ‘આવજો’વાળો સાદ સાંભળ્યા વગર ન જાય.

જીવરાજ બાપુનો વધુ એક સદ્ગુણ એ હતો કે તેઓ પોતાના વખાણ કરનાર લોકોથી દૂર રહેતા. ખુશામતીયાથી ઘેરાયેલું તેમને જરા પણ પસંદ નહોતું. હંમેશા પોતાના ગુરૂ શામજીબાપુના રસ્તે જ ચાલવાનો પ્રયાસ કરતા.

અનેક વિકાસ કાર્યોની વણઝાર આરંભી —

શામજીબાપુની દોરવણી હેઠળ જ તેમણે સતાધાર ધામમાં સુધારા-વધારાનું કામ આરંભી દીધેલું. નવી ગૌશાળા બંધાવવાની હોય કે ધર્મશાળા-આવાસોના મકાનોમાં કંઈ ફેરફાર કરવાનો હોય, જીવરાજબાપુ યોગ્ય અને યથા સમયે નિર્ણયો લેતા. આંબાઝરને કિનારે આવેલ ‘શ્યામઘાટ’ તેમણે જ બનાવેલો.

ગુરૂએ શિષ્યને કાંધ આપી! —

સતાધારના ઇતિહાસમાં એવું પહેલીવાર બનેલું કે ગુરૂ તરીકે જીવરાજ બાપુને પોતાના શિષ્ય પૂજ્ય જગદીશબાપુની અસ્થિને કાંધ આપવી પડેલી. સતાધારનો બહુ કરૂણ પ્રસંગ ૨૦૦૪માં બની ગયેલો. જીવરાજબાપુએ પોતે પ્રભુ ભક્તિમાં વધારે ધ્યાન આપી શકે એ માટે જીગદીશબાપુને ધામના લઘુ મહંત ઘોષિત કરેલા. તેઓ અધવચ્ચે જ છોડીને ચાલ્યા ગયા. જીવરાજબાપુના જીવનમાં પણ આ આકરો ઘા હતો.ઉલ્લેખનીય છે, કે સતાધારની જગ્યામાં મહંત તરીકે નિમાયેલા સંત લગ્નગ્રંથિથી જોડાઈ શકતા નથી. તેમની નિમણૂક પણ આદેશથી જ થાય છે.પૂજ્ય શ્રીજીવરાજબાપુ એક ઉમદા સંત હતા. આવા ખુલ્લી કિતાબ જેવું નિખાલસ જીવન જીવનારને વંદન જ હોય!

આવા આત્માનું તો આ ધરતી ઉપર જ થઈ ચૂક્યું હોય! બાપુના ચરણોમાં વંદન! ઈશ્વર તેમને ચિરશાંતિ અર્પે એ જ પ્રાર્થના!

|| ૐ શાંતિ ૐ ||

Author: Kaushal Barad GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks