જીવનશૈલી દિલધડક સ્ટોરી નારી વિશે પ્રેરણાત્મક વૈવાહિક-જીવન

એક વહુએ ઉતાર્યું સાસુનું અભિમાન, વાંચો લાગણી સભર વાર્તા- તમારું પણ જીવન બદલાઈ જશે

આ દુનિયા એક દમ અજીબ છે. લોકો પ્રેમ પામવા તો ઈચ્છે છે પરંતુ પ્રેમ ના બદલામાં પ્રેમ આપવા નથી ઇચ્છતા અને પછી જયારે સંબંધોમાં ખટાશ આવવા લાગે ત્યારે એકબીજા ઉપર આરોપો મુકવાનું શરૂ કરી છે. સાસુ વહુ વચ્ચેના સંબંધોમાં આવતી આ ખટાશ બહુ જ સમયથી ચાલી આવી છે. સાસુ અથવા વહુ જયારે પ્રેમથી રહેવા લાગે ત્યારે બંને વચ્ચે મા- દીકરી જેવો સંબંધ હોય છે પરંતુ જયારે એ બંને વચ્ચે ઝગડા શરૂ થઇ જાય ત્યારે એક દુશ્મનને પણ હંફાવી દે છે. એ બંને વચ્ચેના ઝગડા કેટલીક વખત એવું પણ રૂપ ધારણ કરી લે છે કે એક માને પોતાના દિકરાથી અલગ કરી નાખે અથવા તો પતિ પત્ની બંનેને આલગ થઇ જવાનો સમય આવી જાય છે કારણ કે આ બધા ઝગડાનો ભોગ હંમેશા એક પુરુષ જ બનતો હોય છે. સૂડી વચ્ચે સોપારી જેવી હાલત એક પુરુષની થતી હોય છે, ના તે પોતાની પત્નીનો પક્ષ લઇ શકે ના પોતાની માતાનો. દૂર દૂર સુધી આ સમસ્યાનો કોઈ હલ મળતો નથી ત્યારે અમે એકે વાર્તા દ્વારા એનો ઉકેલ લાવવાનો પ્રયાસ કર્યો છે, આશા છે તમને આ વાર્તા પસંદ આવશે અને જીવન ઉપયોગી પણ બની રહેશે.

Image Source

હાલમાં જ નિકિતાના લગ્ન એક સંયુક્ત પરિવારમાં થયા હતા. નિકિતા થોડા આધુનિક જમાનાની હતી જયારે તેના સાસુ જુનવાણી વિચારધારા વાળા. થોડા સમય સુધી તો એમના વચ્ચે સારું ચાલ્યું પરંતુ જેમ જેમ સાથે રહેતા થયા તેમ તેમ તકરારો વધતી ગઈ, ના નિકિતા પોતાની વિચારધારા બદલી શકી ના તેના સાસુ.

સમય સાથે જ બન્નેવચ્ચે ના ઝગડા પણ વધતા ગયા, પરંતુ કોઈ નિરાકરણ મળતું જ નહિ, રોજના ઝગડાના કારણે નિકીતાને તેની સાસુ પ્રત્યે નફરત થવા લાગી, એક દિવસ બંને વચ્ચે મોટો ઝગડો થયો ત્યારે નિકિતાના પતિએ પણ તેની માતાનો જ પક્ષ લીધો આથી નિકીતાને આ વાત ગમી નહિ અને તે પોતાના પિયર ચાલી ગઈ.

Image Source

નિકિતાના પિતા એક ડોક્ટર હતા. નિકિતાએ પોતાના પિતાને બધી જ વાત જણાવી અને એમ પણ કહ્યું કે “મારે આ ઝગડામાંથી કાયમી છુટકારો જોઈએ છીએ.” તેના પિતાએ પણ તેને પૂછ્યું કે “તેના પતિથી કોઈ તકલીફ છે? ઘરમાં કઈ ખૂટતું કરતુ છે? તેના પતિને કોઈ વ્યસન છે?” ત્યારે નિકિતાએ કહ્યું: “મને માત્ર મારા સાસુથી તકલીફ છે, બીજી કોઈ વાતનું મને દુઃખ નથી. તમે મને ઝહેર આપો જેથી હું મારા સાસુને ખવડાવી અને કાયમની શાંતિ મેળવી શકું, નહિ તો હું મારા ઘરે ક્યારેય પાછી નહિ જાઉં.”

નિકિતાના પિતાએ તેને ખુબ સમજાવી પરંતુ તે કોઈ વાત સમજવા માટે તૈયાર નથી. તેના પિતાએ એમ પણ કહ્યું કે: “જો તું આવું કરીશ તો આપણે જેલમાં પણ જવું પડશે” પરંતુ નિકિતાના હૃદયમાં લાગેલી નફરતની આગ એટલી મોટી હતી કે તે કોઈ વાત સાંભળવા કે સમજવા જ માંગતી નહોતી આથી તેના પિતા અંદર જઈ અને એક પાઉડરની નાની ડબ્બી લઇ આવ્યા અને નિકિતાના હાથમાં આપતા કહ્યું કે: “આ પાઉડરમાંથી થોડો થોડો પાવડર સાંજે કે બપોરના જમવામાં ઉમેરતી રહેજે, જેના કારણે થોડા જ મહિનામાં તારા સાસુનું મૃત્યુ થશે અને કોઈને શંકા પણ નહિ જાય કે તેમનું મૃત્યુ ઝેરના કારણે થયું છે, લોકોને લાગશે કે તે આકસ્મિક મૃત્યુ પામ્યા છે.”

Image Source

નિકિતા પાઉડરની ડબ્બી હાથમાં લઈને ખુશ થઇ અને પોતાના સાસરે પાછી જવા માટે નીકળતી હતી ત્યારે તેના પિતાએ બીજી એક સલાહ આપતા એમ પણ કહ્યું કે: “આજથી તારે તારા સાસુ સાથે ઝગડવાનું નહિ, ભલે એ તને કઈ પણ કહે, કઈપણ કરે, તારે એમની સેવા કરવાની, એ જે પણ કહે તે શાંતિથી સાંભળવાનું જેના કારણે લોકોને તારા ઉપર સહેજ પણ શંકા ના આવે અને બધાને લાગે કે તું તો એમની સેવા જ કરતી હતી.” નિકિતા માટે આમ કરવું મુશ્કેલીભર્યું હતું પરંતુ સાસુથી કાયમી છુટકારો મેળવવા માટે નિકિતા આ કરવા પણ તૈયાર થઇ અને પાઉડર લઇ પોતાના સાસરે આવી ગઈ.

નિકિતાએ હવે તેના પિતાના કહ્યા પ્રમાણે તેના સાસુના જમવામાં રોજ થોડો થોડો પાઉડર ઉમેરવા લાગી સાથે સાથે તેમની સાથે એકદમ પ્રેમભાવ પૂર્વક પણ રહેવા લાગી, તેમની બધી જ વાતો માનતી, એક આદર્શ વહુની જેમ તેમની સાથે સંબંધ પણ રાખવા લાગી, તેમની સેવા પણ તે સારી રીતે કરતી.

Image Source

નિકિતાના બદલતા સ્વભાવ સાથે તેના સાસુનો પણ સ્વભાવ બદલાતો ગયો તેઓ પણ હવે નિકીતાને કોઈ વાતે ટોકતા નહિ. એક દીકરીની જેમ જ નિકિતા સાથે વર્તવા લાગ્યા. ધીમે ધીમે સમય વીતતો ગયો. નિકિતા તેની સાસુના જમવામાં હજુ પણ તે પાવડર ઉમેરતી હતી. હવે ઘરનું વાતાવર એકદમ બદલાઈ ગયું હતું. તેના સાસુ પણ તેની પ્રસંશા કરતા હતા, નિકિતા પણ પોતાના સાસુના ગુણગાન કરવા લાગી હતી. નીકિતાનો પતિ પણ આ બદલાયેલા વાતાવરણથી એકદમ ખુશ હતો. તે પણ નિકિતા સાથે પહેલા કરતા ખુબ જ સારું રાખવા લાગ્યો.

એ દરમિયાન નિકિતાના સાસુને અઠવાડિયા માટે જાત્રાએ જવાનું થયું. નિકીતાને ઘરમાં એકલતા સતાવવા લાગી, સાસુ વિનાનું ઘર જાણે એકદમ સૂનું થઇ ગયું, તેનો પતિ તો સવારથી ઓફિસે ચાલ્યો જાય અને નિકિતા ઘરમાં એકલી જ રહેતી. સાસુ વગર તેના માટે એક એક દિવસ વિતાવવો મુશ્કેલ થઇ ગયો. હવે નિકીતાને ચિંતા થવા લાગી કે તે જે પાઉડર ઉમેરે છે તેના કારણે તેના સાસુનું થોડા જ સમયમાં મૃત્યુ થઇ જશે. પછી તો ઘરમાં સાવ શાંતિ વ્યાપી જશે. આજે સાસુના કારણે તે ઘરની અંદર પણ ખુશખુશાલ રહે છે. તેને તો સાસુના રૂપમાં જાણે એક મા મળી હોય તેવું લાગી રહ્યું છે પરંતુ જો તેઓ આ ઘરમાં નહિ હોય ત્યારે શું થશે?

Image Source

નિકિતા તેના પિતા પાસે હવે એ ઝેરની અસર ઓસર ઓછી થઇ જાય અને તેના સાસુને કઈ ના થાય એ માટેની દવા લેવા માટે ગઈ. તેને તેના પિતાને કહ્યું: “પપ્પા, મને એવી દવા આપો કે આ ઝેરની અસર ઓછી થઇ જાય, હું મારા સાસુને ખોવા નથી માંગતી.” તેના પિતા નિકિતાના આ બદલાયેલા સ્વભાવને જોઈને ખુશ હતા, અને તેમને કહ્યું: “કયા ઝેરની તું વાત કરે છે? મેં તો તને કોઈ ઝેર આપ્યું જ નથી, મેં તો તને બસ ગ્લુકોઝનો પાઉડર આપ્યો હતો.”

Image Source

નિકિતા હેરાન હતી. તેના પિતાને પૂછ્યું કે “તમે આવું શું કામ કર્યું?” ત્યારે તેના પિતાએ તેને સમજાવતા કહ્યું: “બેટા, જો તમે કોઈ વ્યક્તિને પ્રેમ કરવા માંગો છો તો પહેલા તેને પ્રેમ આપવો પડશે, સંબંધો એક ગાડી જેવા છે અને આપણે એ ગાડી ઉપર લાગેલા પૈડાં જેવા, જ્યાં સુધી દરેક પૈડું સરખી રીતે નહિ ચાલે ત્યાં સુધી ગાડી પણ સરખી નહિ ચાલે, આ વાતની અનુભૂતિ કરાવવા માટે જ મેં તારી સાથે આવું કર્યું. તું પહેલા એમ જ વિચારતી રહી કે પાઉડરના કારણે તારા સાસુનું મૃત્યુ થવાનું છે અને તેના કારણે જ મેં તને બીજી પણ સલાહ આપી હતી તેમની સાથે પ્રેમથી રહેવાની આ સલાહ ના કારણે તું તારી સાસુને થોડા દિવસના મહેમાન સમજીને તેમની સાથે પ્રેમથી રહેવા લાગી. તારો પ્રેમ જોઈને તેમનું પણ વ્યક્તિત્વ બદલાઈ ગયું. જેના કારણે તમે બંને પ્રેમથી રહેવા લાગ્યા અને પરિવારનું વાતાવરણ પણ સુખ અને શાંતિ ભરેલું બની ઉઠ્યું. આજે તારા સાસુ જાત્રાએ ગયા અને તને એમની ખોટ વર્તાઈ, તને એમ પણ થયું કે તે જો સદાય માટે નહિ હોય તો તું જાણે તારી માને ખોઈ બેસીસ અને એટલે જ તું દોડતી મારી પાસે આવી.”

નિકિતાને તેના પિતાની વાત બરાબર સમજાઈ ગઈ હતી. તે ખુશી ખુશી પોતાના સાસરે પછી ગઈ અને બંને વચ્ચેના સંબંધોમાં પણ મધુરતા છેક સુધી રહી.

Image Source

વાર્તાની શીખ:
દરેક માણસ પરિસ્થિતિઓનો શિકાર જરૂર હોય છે. સંબંધ કોઈપણ હોય જો તેને સાચી સમજણ અને પ્રેમથી નિભાવવામાં આવે તો એ સંબંધોમાં મધુરતા આવી શકે છે. જો તમે પ્રેમ પામવા માંગો છો તો પ્રેમ આપતા પણ શીખો, પછી જુઓ સંબંધ મહેકવા જ નહિ ચહેકવા પણ લાગશે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.