લેખકની કલમે

સાસુજીનું જમણ – વાંચો કઈ રીતે કૌશિક સાસુની પસંદગીની વાનગી તેમને જમાડે છે…

કૌશિકનો ફોન વાગ્યો અને હળવેકથી ફોન ઉપાડતા બોલ્યો, “મમ્મીજી કેમ છો ?” “બેટા હું એકદમ મજામાં, તું કેમ છે?” “મમ્મી હું અત્યારે સાઇટ પર છું તો ઘરે પહોંચીને આરામથી વાત કરું?” “સારું બેટા” મમ્મીએ આટલું કહીને ફોન કાપ્યો અને મુંબઈની વ્યસ્ત સાંજે કૌશિક સાઇટ પરથી ઘરે જવાની તૈયારી કરી રહ્યો હતો.

સાઈટથી કૌશિકનું ઘર નજીક હતું એટલે એ દસ મિનિટમાં ઘરે પહોંચી જતો. કૌશિકે ડોર બેલ વગાડી અને દર્શનાએ દરવાજો ખોલ્યો. કૌશિક સાંજ સુધી એટલો થાકી જતો કે દર્શનાની બીજી કોઈ વાત જ ના સાંભળે! જમ્યા બાદ દર્શના કૌશિકની કમર પર મલમ લગાવતી હતી ત્યારે કૌશિક બોલ્યો, “આજે મમ્મીનો કૉલ આવ્યો હતો!” “અચ્છા” દર્શનાએ કહ્યું. “એટલે તારા મમ્મીનો કૉલ હતો.”દર્શના ખુશ થઈ ગઈ અને બોલી, “સાચે…?” “હા, પણ હું સાઇટ પર હતો એટલે બરાબર વાતના થઈ શકી, પછી મારે કૉલ કરવાનો જ રહી ગયો!” દર્શના સ્મિત આપતી હતી અને શરમાતી બોલી, “મારે મમ્મી સાથે વાત થઈ, મમ્મી-પપ્પા કંઈક કામ માટે પરમદિવસે મુંબઈ આવવાના છે.” “ના હોય…!” “ના હોય શું? એ આવવાના છે અને ત્યારે તું સાઇટ પર ના જતો, હજુ લગ્નને બે મહિના થયા છે અને પહેલીવાર મમ્મી-પપ્પા આપણાં ઘરે આવી રહ્યાં છે.”

“હા બાપા એ પરમદિવસે સાઇટ પર નહીં જાઉં.” કૌશિક અને દર્શના વાતો કરતાં કરતાં સુઈ ગયા અને વહેલી સવારે છ વાગ્યે કોઈકે ડૉર બેલ વગાડી! કૌશિક સૂતો રહ્યો અને દર્શના ફટાફટ ઉઠી અને દરવાજો ખોલ્યો અને જોયું તો દર્શનાના મમ્મી-પપ્પા આવ્યા હતાં. દર્શના ખુશ થઈને કૂદવા લાગી અને મમ્મી બોલ્યા, “કૌશિક કુમાર સુતા છે?” “હા મમ્મી, એમને સાઇટ પર જવાનું હોય છે એટલે રાત્રે થાકી જાય છે!” “સારું સારું તો એમને સુવા જ દે….ભલે આરામથી ઉઠતાં.”

દર્શના મમ્મી પપ્પાના બેગને સાઈડમાં મૂકે છે અને બંને નિત્યક્રમ કરીને તૈયાર થઈ જાય છે. દર્શના મમ્મી પપ્પા માટે ચાય બનાવે છે અને ત્યારબાદ બેડરૂમમાં કૌશિકને જગાડે છે. કૌશિક આરામથી સૂતો હોય છે ત્યારે દર્શના બોલે છે,
“કૌશિક…ઉઠો હવે…!”પણ કૌશિક નથી ઉઠતો… દર્શના બોલે છે, “કૌશિક, મમ્મી-પપ્પા આવ્યા, હવે તો ઉઠો?”
કૌશિક તરત ઉભો થાય છે અને બોલે છે, “શું…? મમ્મી-પપ્પા?” “હા કૌશિક, મમ્મી-પપ્પા આજે સવારે જ આવ્યા.”
“પણ એ તો કાલે આવવાના હતા ને?” “હા, પણ એ આપણને સરપ્રાઈઝ આપવા માંગતા હતાં એટલે આજે આવ્યા.” “ઓકે”

કૌશિક ઉભો થાય છે અને બાથરૂમમાં બ્રશ કરે છે અને બ્રશ કરીને હોલમાં જાય છે અને મમ્મી-પપ્પાને મળે છે અને એમના આશીર્વાદ લે છે. કૌશિકના સસરા એટલે કે પપ્પા બોલે છે, “કૌશિક કુમાર નોકરી કેવી ચાલે છે?” “એકદમ મસ્ત અને અત્યારે સાઇટ વર્ક ચાલે છે.” “સારું સારું…! આવો નાસ્તો કરી લો..!”

કૌશિક તેના સારું સસરા સાથે નાસ્તો કરવા બેસે છે અને નાસ્તો કરીને નાહવા જાય છે અને ઓફીસ જવાની તૈયારી કરે છે. દર્શના બેડરૂમમાં જાય છે અને કૌશિકને કહે છે. “સાંભળો… આજે ઓફીસથી થોડા વહેલા આવજો અને પોસીબલ હોય તો આજે ઓફીસ જવાનું જ રેવા દો..!” “પણ કેમ?” “કેમ શું? તમને ખબર છે ને કે તમે જ મમ્મી-પપ્પાને કહ્યું હતું કે તમે મુંબઈ આવો એટલે ફરવા જઈએ.” “ઓકે… તો હું એક કામ કરું, બપોર સુધી સાઇટ પર જાઉં છું અને બપોર બાદ આપણે ક્યાંક ફરવા જઈશું!”“સારું.. પણ જલ્દી આવજો..” “હા…” કૌશિક સાઇટ પર જવા નીકળે છે અને દર્શના ઘરનું કામ કરે છે અને મમ્મી-પપ્પા બાલ્કનીમાં હીંચકા પર ઠંડી હવા ખાતાં હોય છે. દર્શના બપોરે જમવામાં શું બનાવું એ વિચારે છે અને મમ્મી બોલે છે, “બેટા દર્શના… કાંઈ મદદ જોઈએ તો કે’જે…” દર્શના બોલે છે, “ના મમ્મી… તમે આરામથી બેસો જમવાનું તો હું જ બનાવીશ!” બપોરે એક વાગ્યે કૌશિક આવે છે અને બધા જ સાથે જમવા બેસે છે. કૌશિક મમ્મી પપ્પા માટે શ્રીખંડ લઈ આવ્યો હોય છે. મમ્મી બોલે છે, “કૌશિક કુમાર શ્રીખંડ તો ખૂબ જ સરસ છે, ક્યાંથી લાવ્યા?

“મમ્મીજી મારી સાઈટની બાજુમાં એક ડેરી છે ત્યાં એ લોકો જાતે જ બનાવે છે.” “બરાબર..!” “તમે જમીને આરામ કરી લો, બપોર પછી આપણે ક્યાંક ફરવા જઈએ.” મમ્મી બોલે છે, “એમાં શું આરામ કરવો કૌશિક કુમાર, જમીને તરત જઈએ. એમ પણ સવારના અહીંયા આરામ જ તો કરીએ છીએ!” કૌશિક મમ્મી-પપ્પા સામે જોઈને સ્મિત કરે છે. કૌશિક ટેક્ષી બુક કરે છે અને બધા જ ફરવા માટે જાય છે. પહેલા ગેટ વે ઓફ ઇન્ડિયા અને કોલાબા ફરે છે, ત્યારબાદ હેગીંગ ગાર્ડન અને હાજીઅલી બાબાની દરગાહ પર જાય છે. સાંજ પડતાં જ સૌ જુહુ બીચ પર ફરે છે અને કૌશિક બોલે છે, “મમ્મી-પપ્પા બોલો શું જમવું છે?” “બેટા મારે તો કાઠિયાવાડી જ ખાવું છે!” “સારું તો આપણે વળતાં બોરીવલી રોકાઈને જમી લઈશું!” કૌશિક અને દર્શના મમ્મી પપ્પાને લઈને બોરીવલી જાય છે. બોરીવલીમાં એક કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં જાય છે અને મમ્મી-પપ્પા કાઠિયાવાડી મેનુ જુએ છે અને મમ્મી બોલે છે, “બેટા કૌશિક, અહીંયા તો કાઠિયાવાડીમાં ખાલી સેવ ટમેટાં જ છે!” “મમ્મી અહીંયા કાઠિયાવાડીમાં મોટાભાગે આ જ હોય છે!” “બેટા અમારે તો ચાપડી ઊંધિયું અને દહીં તીખારી અને ભાખરી ખાવી હતી..!”

કૌશિક આ વાતથી મુશ્કેલીમાં મુકાઈ જાય છે, કારણ કે તેના સાસુજી જમવાની બાબતમાં બહુ જ ચુસ્ત હતાં, એમને જે ખાવું હોય એજ ખાય! મુંબઈમાં દેશી કાઠીયાવાડી ક્યાંથી? કૌશિકના સાસુ સસરા પહેલીવાર મુંબઈ આવ્યા હતાં એટલે કૌશિકની ઈજ્જતનો સવાલ હતો. કૌશિક મમ્મી પપ્પાને બીજી બે ત્રણ રેસ્ટોરન્ટમાં લઈ ગયો અને ત્યાં પણ આવી જ હાલત હતી. કૌશિકે આખરે થાકી ગયો અને બોલ્યો, “મમ્મી પપ્પા એક મસ્ત આઈડિયા છે!”“શું…?” “પેલા સૌ ઘરે ચાલો…!” મમ્મી-પપ્પા કૌશિક અને દર્શના સાથે ઘરે આવે છે અને દર્શના બોલે છે, “શું થયું કૌશિક…? જમવાનું શું કરવાનું છે?” ત્યારે ડોર બેલ વાગે છે અને દર્શના દરવાજો ખોલે છે અને જુએ છે તો વિજય અને ભૂમિ આવ્યા હોય છે. દર્શના બોલે છે, “વિજયભાઈ તમે..? આવો આવો ભાભી કેમ છે? ભૂમિ બોલે છે, “એકદમ મજામાં…!” કૌશિક બધાને વાત કરે છે અને કૌશિકના પ્લાન પ્રમાણ ભૂમિ અને દર્શના કાઠિયાવાડી જમવાનું બનાવે છે અને મમ્મી-પપ્પાને પ્રેમથી જમાડે છે. આવી રીતે કૌશિકે પોતાના સાસુજીનું જમણ યાદગાર બનાવ્યું અને પોતાની ઈજ્જત પણ સાચવી.

Author: પ્રદિપ પ્રજાપતિ GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks