દિલધડક સ્ટોરી નારી વિશે પ્રસિદ્ધ પ્રેરણાત્મક મુકેશ સોજીત્રા રસપ્રદ વાતો લેખકની કલમે વૈવાહિક-જીવન

એક સસરાએ પોતાના દીકરાની છૂટાછેડાં લીધેલ વહુને ન્યાય અને હક મળે તે માટે આપી એક શિખામણ..!! વાંચો એ શિખામણ ને લાગણીસભર વાત મૂકેશ સોજીત્રા ની કલમે…..

“સસરાજીની અમુલ્ય શિખામણ”

બસ સ્ટેન્ડથી તમે ઉગમણી બાજુ હાલો એટલે ખૂણા પર જ એક ગાંઠીયા અને કળી વાળાની દુકાન આવે. સામે બે લચ્છીવાળા લલચાવતી નજરે ઉભા હોય. થોડેક દૂર એક પોલીસ સ્ટેશન અને બરાબર એની સામે જ મામલતદાર કચેરી અને બાજુમાં જ એક મોટી બેંક આવેલી!!  અને ત્યારબાદ બેય બાજુ દુકાનોની હારમાળા!! એમાં ચોથી દુકાન ડબલ માળની આવે એમાં ચાંદીના ઉપસેલા અક્ષરે લખેલું. “સોની ધીરજલાલ મનસુખલાલ એન્ડ સન્સ” સોના ચાંદીના દાગીના બનાવનાર અને વેચનાર.. મેઈન રોડ.. તાલુકા પંચાયતની બાજુમાં!!

સવારે નવ વાગ્યે દુકાન ખુલી જાય બપોરે બે થી ત્રણ જમવા ટાણે બંધ થઇ જાય વળી રાતના નવ વાગ્યે દુકાનમાં અલીગઢી તાળા દેવાય જાય!! દુકાનની બાજુમાં જ આવેલ એક સોસાયટીમાં ચોટિયાવા દૂર એક ઘર ત્યાં આ સોની પરિવાર રહે.. ધીરજલાલ  મનસુખલાલ સોની એનું નામ!! ધીરજલાલ તો હવે ભાગ્યેજ દુકાને આવે એટલે એનો એકનો એક સુપુત્ર પંકજ જ  હવે દુકાન સંભાળતો.. પેલેથી જાહોજલાલી હતી અને સમય પ્રમાણે જાહોજલાલી વધતી ચાલી હતી. પંકજના લગ્ન હજુ પાંચ વરસ પહેલા જ થયા હતા. બાજુના જ ગામની અને પોતાની નાતની ઓછુ ભણેલી પણ સમજુ અને રૂપાળી એવી છોકરી છાયા સાથે એમના લગ્ન થયા હતા. લગ્ન ત્રણ  વરસે  દિવસે એક દીકરો નાનો થયો હતો. દીકરાનું નામ પાડ્યું તેજસ!!

આમ તો આ તાલુકા મથક હતું એટલે સોનીની બીજી આઠેક દુકાનો ખરી..આજુબાજુના ચાલીશેક ગામનું હટાણું પણ ખરું!! પણ તોય આ દુકાનની એક અલગ જ છાપ હતી. કહેવાય છે કે સોનીની દુકાને લગભગ ભીડ ના હોય,  ભીડ તો શાકબકાલાની દુકાને હોય!! પણ તમે જો આ દુકાને જાવને તો તમને એટલી જ ભીડ જોવા મળે!! ઘણા સોનું વેચવા આવે ઘણા લોકો લેવા આવે.. શુભ પ્રસંગે લોકો અહીંથી સોનું ખરીદવું એને એક જાતના શુકન જ માનતા!! પંકજને તો આ જાહોજલાલી વારસામાં મળી હતી.  દુકાન આઝાદી પછીના બીજા વરસે શરુ થઇ હતી અને અત્યાર સુધી ધમધોકાર ચાલતી હતી.
ધીરજલાલના બાપા મનસુખલાલ સને ૧૯૩૦ ની આસપાસ મુંબઈ ગયા હતા. આમ તો ભાગીને મુંબઈ ભેગા થઇ ગયેલા. ભાગ્યા ત્યારે એની ઉમર માત્ર બાર સાલની હતી. મનસુખલાલના બાપા નરોતમદાસ ત્યારે ચાલીશ વરસના હતા. ગામમાં એક માથાભારે શખ્સ સાથે બોલવાનું થયેલું અને મનસુખલાલથી સહન ના થયું. પેલાને ચોક વચ્ચે મારી મારીને અધમુવો કરી દીધેલો. અને એ વખતે રાજાશાહીનો જમાનો એટલે એક રાજમાં તમે આડા અવળા કામ કરીને બીજા રાજાની હદમાં જતા રહો તો લગભગ તમારું કોઈ બગાડી ના લે!! જેમ અત્યારે યુપી બિહારના અપરાધીઓ ગુજરાતમાં આવીને વસી જાય એમજ!!  ઉમર બાર વરસની પણ મનસુખભાઈમાં ગાઢ જબરા!! તાલુકેથી નાસીને અમદાવાદ! ત્યાંથી સુરત અને પછી છેલ્લે મુંબઈ ધામા નાંખેલા!! સોનીનો દીકરો એટલે જન્મથી જ  કારીગર!! એક સોનીને ત્યાં કામે રહી ગયેલા. અને આ બાજુ આઘાતમાં ને આઘાતમાં નરોતમદાસનું અવસાન થઇ ગયેલું. દસ વરસ પછી મુંબઈમાં જ મનસુખલાલ પરણ્યા. પોતાની જ જ્ઞાતિની એક કચ્છી યુવતી સાથે. લગ્ન પછી પોતે એક નાનકડી સોનીની દુકાન શરુ કરેલી. દાગીના ને રેણ કરવા કે ઘસીને સાફ કરવા અને કોઈ મોટી દુકાનમાંથી ઓર્ડર આવે તો ઘરેણા બનાવી દે!! મનસુખલાલનું જીવન ચાલવા લાગ્યું. ૧૯૪૪માં ધીરજલાલ નો જન્મ થયો અને નસીબ આડેનું પાંદડું ખસ્યું!!!

૧૪ એપ્રિલ ૧૯૪૪ મુંબઈ બંદર પર કરાચીથી એક જહાજ આવ્યું હતું. બીજું વિશ્વયુદ્ધ ચાલી રહ્યું હતું. જહાજમાં આશરે ૧૪૦૦ ટન જેટલો વિસ્ફોટક પદાર્થ હતો. જેમાં તોપ ગોળાઓ, તોપનું દારૂખાનું, રૂ અને ઇંધણ ના પીપ હતા. આ સિવાય એ વખતના સોંઘવારી ના સમયમાં પણ નવ  લાખ ડોલરની કિમતના સોનાના સળીયાથી ભરેલા બોક્સ હતા. ડોકયાર્ડ પાસે બીજું એક બ્રિટીશ જહાજમાં કંઈક ગરબડ થઇ. એમાંથી એક તોપનો ગોળો વછુટ્યો અને આ જહાજમાં આવી ચડ્યો.અને જહાજ ભડભડ સળગ્યું. ભડાકાઓ થયાં!! આ કરુણ દુર્ઘટનામાં એ વખતના સરકારી આંક મુજબ ૮૦૦ કરતા વધુ લોકો ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા. આ આગને કારણે વિમાનમાં એટલી પ્રચંડ ગરમી પેદા થઇ કે સોનાના સળિયા પીગળી ગયા અને એના લાલચોળ ગાંગડા કિનારા તરફ ફેંકાયા!! મનસુખલાલ એ વખતે ત્યાં નજીક જ રહેતા હતા. ઘણા સ્થાનિક માછીમારોએ આવા સોનાના ગાંગડા ભેગા કરી લીધેલા. મુંબઈમાં એ વખતે ઘણા લોકો આપોઆપ જ સમૃદ્ધ થઇ ગયા. આમાંના એક મનસુખલાલ સોની હતા. નાનપણના ગાઢ અને જીગર કામ લાગી. બીજા લોકો આ સોનું રાખતા બીતા હતા પણ મનસુખલાલે અધધ કહી શકાય તેટલું સોનું સાવ મફતના ભાવમાં જ મેળવી લીધું.!! અમુક સોનું તો એને એમને એમ મળી ગયું હતું. આટલું સોનું એણે પોતાના મકાનમાં અંદર દાટી દીધું!!  પછી તે ચાર વરસ જ મુંબઈ રહ્યા અને પછી આઝાદી પછી એણે વિચાર બદલ્યો. એમની પાસે એટલું સોનું હતું કે મુંબઈ હવે તેને અસલામત લાગતું હતું. મુંબઈથી તેઓ  વતનમાં આવીને સતત એક વરસ સુધી મુંબઈના ધક્કા ખાધા અને પોતે મેળવેલું બધું જ સોનું વતનમાં લાવી નાખ્યું. વતનમાં આવી ને તેણે ૧૯૫૦ માં આ સોનીની દુકાન શરુ કરેલી.. ત્યારે તેની ઉમર ૩૫ વરસની હતી અને ધીરજલાલની સાત વરસની હતી!!
દુકાન બરાબર ચાલવા લાગી. મુંબઈનો અનુભવ એને હવે કામ લાગી રહ્યો હતો. મુંબઈમાં ઘણા બંગાળી કારીગરો કે જે સોનાના અદ્ભુત ઘરેણાઓ અને ડિઝાઈન બનાવી જાણતા હતા. તેની પાસેથી મનસુખલાલે કસબ શીખી લીધો હતો. બે ત્રણ બંગાળી કારીગરોને એણે પોતાના વતનમાં તેડાવી પણ લીધા હતા. ધીરજલાલ પણ નાની ઉમરથી જ સોનાના દાગીના બનાવવા અને વેચવાની કુનેહ ઝીણવટભરી નજરે જોઈ રહ્યા હતા. બાપાનો વારસો એણે સુપેરે પોતાના જીવનમાં ઉતાર્યો હતો. પછી તો કાળ ક્રમે મનસુખલાલ નિવૃત થયા. ધીરજલાલ પરણ્યા. એની પત્ની રંભાએ પંકજનો જન્મ આપ્યો. એક માળની દુકાન બે માળની થઇ. સંપતિ વધતી ચાલી. જે સોનું એના પિતાશ્રી મુંબઈ થી લાવ્યા હતા. એ સોનામાં વધારો થયો. લક્ષ્મીજીના ચારેય હાથ આ સોની પરિવાર પર હતા. ધન સંપતી અને આબરૂ સતત વધતી જતી હતી. પણ ગુજરાતીમાં એક ઉકતી છે કે ત્રણ કે ચાર પેઢી પછી ખ્યાતનામ  કુટુંબમાં એક એવો ઓટીવાળ જન્મે કે અગાઉ બાપ દાદાઓએ મેળવેલ બધીજ યશ કલગી , કીર્તિ, આબરૂ અને ખાસ તો વરસોની મહેનતથી મેળવેલી શાખ એ બધું જ પાણીમાં મેળવી દે!! ગુજરાતના ઘણા ખ્યાતનામ કુટુંબોમાં આવું બનતું આવ્યું છે એમ હવે આ સોની પરિવારમાં બનવાનું હતું.!! ધીરજલાલ તો હવે અવસ્થાને કારણે દુકાને આવતા નહોતા. અને એનો પુત્ર પંકજ જ દુકાનનો કારોબાર ચલાવતો હતો. કારોબાર ચલાવતો ચલાવતો પંકજની લાઈન અવળી થઇ ગઈ.. જાણે કે  શુદ્ધ સોનામાં પીતળનો કાટ લાગી ગયો.

પંકજને લગભગ રોજ ને રોજ બેંકમાં જવાનું થતું. અને એ અરસામાં જ બેંકમાં એક તૃપ્તિ કરીને વધારે પડતી રૂપાળી અને બહુજ બોલકી કેશિયર બદલી થઈને આવેલી. પંકજની મુલાકાત બેન્કમાં તૃપ્તિ સાથે થવા લાગી.એક બીજાની આંખોની સાથે સાથે આંગળીઓ મળવા લાગી. પછી તો કાઈ કામ ના હોય તો પંકજ બેંકમાં  સવારે પૈસા ઉપાડવા જાય.. બપોર પછી વળી જમા કરાવવા જાય.. બને જણા એક બીજા સામે જોઇને હસે ને વધારે સમય લે!!
“ આજ તમે સરસ મજાની સાડી પહેરી છે. સાડી પણ ભાગ્યશાળી ગણાય કે એને તમારા જેવું પાત્ર મળ્યું છે.. આવો સંગાથ તો ભાગ્યશાળી સાડીઓને મળે કે આવા સુંદર રૂપ અને યૌવનને ધરાઈ ધરાઈને ચીપકવાનું ગમે!! બાકી સાડીઓ તો લાખોની સંખ્યામાં બને પણ બધી સાડીઓને આવું સૌભાગ્ય નથી મળતું” પંકજ હવે તૃપ્તિના સૌન્દર્ય સાગરમાં ગળાડૂબ જ નહિ માથાઢંક ડૂબી ગયો હતો.

“ એમ ખરેખર ખોટા વખાણ કરો છો કે દિલથી કહો છો” આંખો સાથે સાથે નેણ નચાવતી તૃપ્તિ એક અંગડાઈ લઈને બોલતી. અને પછી ઘણીવાર પંકજ અને તૃપ્તિ વાતો કર્યા કરે!! પૈસાની લેવડદેવડમાં એક બીજા ક્યારે એક બીજાને દિલ આપી ચુક્યા એ ખબર પણ ના રહી. બેંક બંધ થાય પછી તૃપ્તિ સીધી જ પંકજની દુકાનમાં જાય. અવનવા  સોનાના સેટ જુએ. પંકજ એના હાથે એને સેટ પહેરાવે. સોનાની બંગડીઓ પહેરાવે!!  કલાક સુધી વાતો કરે અને તૃપ્તિ પોતાના ઘરે જવા નીકળે. શરૂઆતમાં પંકજ એને પોતાનું રાજદૂત લઈને મુકવા જતો પણ પછી તો એણે તૃપ્તિને વેસ્પા સ્કુટર લઇ દીધું. ધીમે ધીમે સંબંધ ગાઢ થતો ચાલ્યો. તૃપ્તિને ખબર હતી કે પંકજ પરણેલો છે. સબંધોમાં બને ખુબજ આગળ વધી ગયા હતા. મનસુખલાલને ખબર પડી. એક બે વાર કહ્યું પણ ખરું.
“બેટા પંકજ.. હમણા હમણા તારી આડા અવળી વાતો ખુબ સંભળાય છે. આપણે રહ્યા સોનીના દીકરા. આપણે ઉઠીને કોલસાની દલાલી કરીએ તો સમાજ આપણા પર થુંકે!! આપણા ધંધા પર અવળી અસર પડે!! ધન સંપતિ જોઇને પતંગીયા તો અનેક આવે પણ આપણે દૂર જ રહેવાનું. ઘરે પત્ની છે ત્રણ વરસનો દીકરો છે એનો તો વિચાર કર્ય!!” ધીરજલાલ હજુ બોલવાનું પૂરું કરે એ પહેલા જ પંકજ બોલી ઉઠ્યો.

“જમાના પ્રમાણે ચાલવું પડે.. ધંધાનો વિકાસ કરવા માટે એ આપણા શો રૂમની મોડેલ છે. એના શરીર પર આપણા ઘરેણા પહેરાવીને મોટા મોટા બોર્ડ બનાવવા છે. હું મારી રીતે ધંધો કરી રહ્યો છું મને કરવા દો. આવા તો અનેક શો રૂમ હવે અલગ અલગ શહેરમાં ખોલવાના છે.!! હું કરું એમાં તમારે હવે માથું નહિ મારવાનું” અને તૃપ્તિ કાયમ સાથે જ રહે એ માટે પંકજે આબાદ યુક્તિ ગોઠવી કાઢી હતી. તાલુકાના જ એક ખ્યાતનામ કેમેરામેનને બોલાવીને પંકજ અને તૃપ્તિ રજાના દિવસોમાં ફોટો શેશનમાં જતા રહેતા. દુકાનની બહાર હવે અવનવી સાડીઓમાં તૃપ્તિના ઘરેણાથી લથબથ ફોટાઓના હોર્ડિંગ ટીંગાઈ રહ્યા હતા. હવે તૃપ્તિને પોતાના ઘરની બાજુમાં જ એક મકાન લઇ દીધું હતું. પંકજ લગભગ ત્યાંજ પડ્યો પાથર્યો રહેતો હતો. પંકજની પત્નીએ બધું જ સહન કર્યું. પણ પાણી હવે માથા ઉપરવટ જતું રહ્યું હતું. ઘરમાં હવે તિખારા થવા લાગ્યા. અને આમેય આવું બધું કોઈ ખાનદાન સ્ત્રી ક્યાં સુધી સહન કરે!!
“ હવે તમે માઝા મૂકી છે હો!! અત્યાર સુધી તમે બહાર છાનગપતિયા કરતા.. પણ હવે તો તમે હદ વટાવી દીધી છે.. એક કામ કરો તમે એને ઘરમાં બેસાડી દ્યો અને અમને મા દીકરાને કાઢી મુકો એટલે તમારા કાળજે ટાઢક વળે!! પણ એક વાત કહેશો કે મારામાં ખામી શું છે?? મારો શું વાંક??”

“સમય આવ્યે એ પણ કરીશ જ!! એના કરતા ભલી થઈને મૂંગી રહે ને ઘરે ખાઈ પી ને છોકરાને સાચવ!! સાલા ગામડિયા એ ગામડિયા!!” અને પંકજ હાથ ઉપાડતો છાયા ઉપર!! પુરુષ જયારે કોઈ વાતે પકડાય કે એનો પગ કુંડાળામાં પડી ગયો હોય ત્યારે સહુ પ્રથમ એ પોતાની પત્ની પર હાથ ઉપાડતો હોય છે!! ધીમે ધીમે મારકૂટ વધતી ચાલી. સોસાયટી વાળા પણ હવે પંકજના લખણથી ગળે આવી ગયા હતા. એ બધા જ ધીરજલાલ આગળ બળાપો કાઢતા. પણ ધીરજલાલનું પંકજ માને તો ને!! એવામાં ધીરજલાલ પડ્યા બીમાર!! માંદગી વધારે ચાલી. સસરાની તમામ સેવા ચાકરી છાયાએ ઉપાડી લીધી. પંકજને તો ક્યાંથી નવરાશ મળે કે એ એના બાપની બાજુમાં બેસીને એની સેવા ચાકરી કરે. બે મહિનાની માંદગી ચાલી અને એક વહેલી સવારે  હાર્ટ એટેકથી ધીરજલાલનું અવસાન થયુંને પંકજને મોકળું મેદાન મળી ગયું. ધીરજલાલના અવસાન ને એકાદ મહિનો વીત્યો હશે ને તૃપ્તિને પંકજે પોતાના  ઘરમાં જ રહેવાનું ગોઠવી દીધું. અને છાયા પોતાના ત્રણ વરસના છોકરાને લઈને પોતાના ભાઈને ઘેર ચાલી ગઈ. છાયા ના પિતા તો ક્યારનાય અવસાન પામ્યા હતા. સમજુ અને ડાહ્યા  નાતીલા ભેગા થયા.  પંકજ ને સમજાવવાનો પ્રયત્ન કરી જોયો.
“મારે હવે એક થી લાખે એ જોઈતી જ નથી. મારે છૂટાછેડા આપવાના છે એને.. મારે ને એને સંબંધ પુરા થયા છે” પંકજ મદમાં ને મદ બોલતો હતો” છેવટે છાયા અને પંકજના છૂટાછેડા સમાજની રૂએ જ થયા. તેના અને છોકરાના ભરણ પોષણના  ચાર લાખ રૂપિયાની રકમ નક્કી થઇ. અને તૃપ્તિ હવે કાયદેસર પંકજના ઘરમાં બેસી ગઈ.

પણ કહેવાય છે ને કે અમુક માણસો જન્મથી જ દુઃખ સહન કરવાનું ઉધડુ લખાવીને આવ્યા હોય છે એમ છાયા એના ભાઈને ત્યાં તો ગઈ પણ ભાભી માથાભારે નીકળી!! વારે વારે છાયાને સંભળાવે!!

“ધણીને સાચવતા ના આવડે એના આવા જ હાલ થાય!! પોતે તો સુખેથી ના જીવે પણ બીજાને જીવવા ન દે!! સાલાઓ છેક સુધી નડ્યા જ કરે!! પતિને સાચવતા ન આવડે ને તો લગ્ન જ ના કરાય” છાયા બધું સાંભળી લે!! બિચારી બીજું કરે પણ શું!! પોતાના ભાઈને વાત કરે તો ભાઈ પણ વડકું ભરે!! છાયા રોતી રહે પોતાનું દુખ એ કોને કહે!! એ ગામમાં એક નર્સ રહે અમદાવાદ એનું વતન!!  ગામમાં એ ઘણા સમયથી હતી એટલે ગામમાં માન પણ સારું હતું. એનાથી છાયાનું દુખ જોયું ના ગયું એણે કીધું.
“ બહેન તારી જેવી જ એક મારે બહેન હતી. બસ તારા જેવું જ મોઢું!! બસ તારા જેવડી હતીને એ આ દુનિયા છોડીને ચાલી ગઈ છે. બસ તું અમદાવાદ જતી રહે હું બધીજ વ્યવસ્થા કરી દઈશ.કાલ સવારે તારો આ છોકરો મોટો થઇ જશે. હવે જિંદગી સામે લડતા શીખી જા!! આમ રોયે નહિ પાલવે!! જમાના સામે અમુક સમયે શીંગડા ભરાવો તો જ તમે જીવી શકો”

નર્સે છાયાના ભાઈને વાત કરી. અને એ આડો હાલ્યો. એને કોઈ પણ સંજોગોમાં આ વાત સ્વીકાર્ય નહોતી. કારણ કે છાયા જો ચાલી જાય તો છાયાને મળેલ ચાર લાખ રૂપિયા એને આપવા પડે પણ નર્સ પણ ગાંજી જાય એમ નહોતી એણે ગામ ભેગું કર્યું અને છાયાના ભાઈને બરાબરનો ખખડાવ્યો!!

“ કેવો ભાઈ છો તું?? તારી બહેન પર દુખના ડુંગર તૂટી પડયા અને તને નાલાયક પેટનું પાણી પણ હલતું નથી.તમે બેય ધણી ધણિયાણી બહેન અને ભાણીયા ના પૈસા હજમ કરવા માંગો છો.યાદ રાખજો ભાણીયાના પૈસા ક્યારેય કોઈને સદયા નથી કે સદશે પણ નહિ. મહેરબાની કરીને એના પૈસા આપી દો ભાણીયો હજુ નાનો છે. એ બિચારીનું કોઈ નથી” અને પછી જે છાયાના ભાઈ પાસે વધી હતી એ પરાણે લઈને નર્સ છાયાને લઈને અમદાવાદ એના મા બાપ પાસે મૂકી આવી. સોસાયટી સારી હતી. નર્સે સોસાયટી વાળાને ભલામણ કરી.પોતાના માતા પિતાને પણ ભલામણ કરી. છેલ્લે છેલ્લે છાયાનું જીવન ત્યાં સલામત બન્યું. પોતાના દીકરા તેજસ સાથે તે જીવન ગુજારવા લાગી.
આ બાજુ તૃપ્તિ સાથે પંકજે પોતાનો સંસાર માંડ્યો. બે ય જણાએ કાયદેસર લગ્ન તો નહોતા કર્યા પણ સાથે રહેતા હતા. પોતાના ધંધામાં પંકજ હવે ખાસ ધ્યાન નહોતો આપતો. વેપાર પણ ઓછો થતો ગયો હતો. પણ વારસામા બાપા દાદા વખતનું અઢળક સોનું હજુ એમને એમ પડ્યું હતું એટલે પંકજને કોઈ વાતની ઉપાધિ નહોતી. સમય વીતતો ચાલ્યો. ઘરનો અને દુકાનનો બધોજ કારોબાર હવે તૃપ્તિએ પોતાના હાથમાં લઇ લીધો હતો અને પંકજ તો એના હાથમાં ક્યારનોય આવી ગયો હતો. આઠેક માસ આમ ચાલ્યું. એવામાં બીજા સિટીમાં તૃપ્તિની બદલી થઇ. અત્યાર સુધીમાં ભેગો કરેલો દલ્લો લઈને તૃપ્તિ અચાનક જ ચાલી ગઈ.સાંજે તૃપ્તિ ઘરે ના આવી એટલે પંકજે બેન્કના મેનેજરને પૂછતાં ખબર પડી કે એનો ટ્રાન્સફર ઓર્ડર તો બે દિવસ પહેલાનો જ આવી ગયો હતો. એ આજે બપોરે છૂટી થઈને નવા સ્થળે હાજર થવા ગઈ છે!! ઘરે આવી ને પંકજે તિજોરી ચેક કરી!! બધું જ સફાચટ હતું!! પંકજની મતિ મારી ગઈ એ દિગ્મૂઢ થઇ ગયો!!! પતંગીયું એક ફૂલનો રસ ચૂસીને ચાલ્યું ગયું હતું.

મગજ આખું તપેલું અને ગુસ્સાથી શરીર તમતમી ગયેલું એવો પંકજ તૃપ્તિની જ્યાં બદલી થઇ હતી ત્યાં ગયો. ત્યાં જઈને પરિસ્થિતિ જાણી તો પગ તળેથી ધરતી સરકી ગઈ. તે શહેરના એક બીજી બેન્કના મેનેજર સાથે તૃપ્તિએ છ માસ પહેલા જ લગ્ન કરી લીધા હતા.પંકજને યાદ આવ્યું કે પોતાના વતનમાં જવાનું બહાનું કાઢીને તૃપ્તિ આજ થી છ મહિના પહેલા ચાર દિવસ બેન્કમાંથી રજા લઈને ગઈ હતી. પોતે એક ટ્રેપમાં એ ફસાઈ ચુક્યો હતો. તૃપ્તિ સાથે એણે કાયદેસરના કોઈ લગ્ન તો કરેલા હતા નહિ એટલે એ કશું કરી શકે તેમ નહોતો!! તૃપ્તિના ફલેટની બહાર ઉભો ઉભો એ ધ્રુજી રહ્યો હતો!! તૃપ્તિ દરવાજા પાસે ઉભી હતી. એનો બોડી બિલ્ડર પતિ હાથમાં હોકીનો પાઈપ લઈને બાજુમાં ઉભો હતો. પંકજ રડતા અવાજે બોલ્યો.

“તને મેં સાચો પ્રેમ કર્યો છે અને તે મને આવો દગો દીધો???”
“પ્રેમ!! પરણિત પુરુષ કોઈ દિવસ કોઈને પ્રેમ કરતો જ નથી.. એ બધા બહાના હોય છે. જે પતિ પોતાની પત્ની કે જેણે એક સંતાન ભેટમાં આપ્યું હોય એને તરછોડી દે એવો માણસ કોઈ દિવસ પ્રેમી ના હોઈ શકે?? તે મારી સાથે સમય ગાળ્યો એના બદલામાં મારે જે જોઈતું હતું એ હું લઈને આવી ગઈ છું હવે તું તારા રસ્તે અને હું મારા રસ્તે!! તારું શરીર સલામત રાખવા માંગતો હો તો ચુપચાપ ચાલ્યો જા..હું અત્યારે કાયદેસરની આમની પત્ની છું!! એક તો તારા હાડકા ખોખરા થશે અને બીજું પોલીસ કેઈસ થશે તો તારી દુકાન પણ રખડી પડશે!! અને હવે તો તારી પાછળ રોવા વાળું પણ કોઈ નથી” તૃપ્તિ બોલતી હતી અને પંકજનું માથું ફાટતું હતું. એ બોલ્યો લાચાર થઈને

“તારી ખાતર મે મારી પત્નીને છોડી દીધી છે એ યાદ કર”
“મેં તને એક પણ વાર કહ્યું હતું પત્નીને છોડવાનું?? એ નિર્ણય તારો હતો.. મારા માટે તું ફક્ત અને ફક્ત ટાઈમ પાસ હતો..આમ જોઈએ તો મેં તારામાં રોકાણ કર્યું હતું!! અને મને ખબર હતું કે મારું રોકાણ ટૂંક સમયમાં જ પાકી જવાનું હતું!! નાઉ ગેઈમ ઈઝ ઓવર!! ગેટ લોસ્ટ!!” કહીને ધડામ દઈને બારણું બંધ થયું!! અને રડતા મોએ પંકજ પોતાના ઘરે પાછો ફર્યો. આખા નગરમાં વાત વાયુવેગે ફેલાઈ ગઈ.ઘણા રાજી થયા.લોકો જાત જાતની વાતો કરતાં હતાં. બધા જ પંકજની આ સ્થિતિથી અંદરખાનેથી રાજી હતા. તમારી પરિસ્થિતિ પર જયારે આખો સમૂહ હસતો હોય ટીકા કરતો હોય ત્યારે માની લેવાનું કે આ પરિસ્થિતિનું કારણ તમે જ છો.એમાં કોઈને દોષ દેવાનો હોતો નથી.પંકજને સારી પેઠે સમજાઈ ગયું હતું કે પોતાના અપલખણને કારણે એ આવા દિવસો જોઈ રહ્યો છે.

બસ પંકજને હવે જીવનમાંથી રસ ઉઠી ગયો હતો. ઘરેથી દુકાને અને દુકાનેથી ઘરે. સવાર સાંજ એ હોટેલ પરથી જમવાનું મંગાવી લે. એ હવે ન જીવવાની જિંદગી જીવી રહ્યો હતો.

પંદર દિવસ પછી સવારના આઠેક વાગ્યે પંકજના ઘર પાસે છ જેટલી એમ્બેસેડર આવીને ઉભી રહી.એમાંથી હાથમાં સુટકેશ લઈને બે ઓફિસરો ઉતર્યા. બાકી ના બીજા એમને અનુસર્યા.

“મિસ્ટર પંકજ ધીરજલાલ સોની તમે જ” એક રુઆબદાર અફસર બોલ્યો.

“જી હા..આવો શું કામ હતું?? હું પંકજ ધીરજલાલ સોની” પંકજ બોલ્યો.
“અમે ઇન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટ અમદાવાદથી આવીએ છીએ, અમને બાતમી મળી છે કે તમે ગેરકાયદેસર સોનું સંગ્રહ કરો છો. આ છે એના ઓર્ડર અને સર્ચ વોરંટ” બીજો અધિકારી બોલ્યો.

અને પંકજ ઠરીને ઠીકરું થઇ ગયો.

“કમ ઓન બોયઝ!! હરી અપ!! મકાનની પુરેપુરી તલાશી લો, અને તમે ચાર જણા દુકાને જાવ!! ત્યાં સ્થાનિક પોલીસ આવી ગઈ છે!! કામ ડાઉન મિસ્ટર પંકજ તમે શાંતિ થી બેસો!! સહકાર આપશો તો અમારું કામ સરળ બનશે.પ્લીઝ જરાય હોંશિયારી ન મારતા શાંતિથી અમને અમારું કાર્ય કરવા દો.”

કહીને તે ઓફિસર પંકજની સામે બેઠો. અને ઘરમાં તપાસ શરુ થઇ. બીજી બાજુ શો રૂમમાં પણ તપાસ શરુ થઇ ચુકી હતી. શો રૂમમાં જેટલા દાગીના હતા એનું લિસ્ટ બની રહ્યું હતું. ઇન્કમટેક્સના ચોપડાઓમાં બે જણા આંખો ફોડી રહ્યા હતા. શાંતિથી બધી પ્રક્રિયા ચાલતી હતી. ઉપલા માળેથી થોડા સોનાના બિસ્કીટ મળી આવ્યા. બહુ જુના બિસ્કીટ હતા પચાસેક વરસ પહેલા ના જેની ખરીદીના કોઈ બિલ પણ નહોતા. જેટલું સોનું મળતું હતું એટલો દીવાનખાનામાં ઢગલો થતો હતો. બે કલાક પછી અસલી ખેલ શરુ થયો. પાણીની ટાંકીની અંદરથી સોનું નીકળ્યું.કુંડીની નીચેથી નીકળ્યું.રસોડાના તળિયા ખોદી ને સોનું કાઢ્યું. ઘરમાં ફળિયામાં બે બદામના ઝાડ હતા એની નીચેથી લોખંડના બે ટ્રંક નીકળ્યા એમાંથી સોનાના ગાંગડા નીકળ્યા!!
વરસો પહેલા પંકજના દાદા મનસુખલાલે મુંબઈમાંથી ભેગું કરેલું સ્ટીમરવાળું સોનું ઘરમાંથી નીકળી રહ્યું હતું!! રાતના આઠ થવા આવ્યા. આખું ઘર લગભગ ખોદાઈ ગયું હતું. વરસોથી દટાયેલા સોનાએ પોતાનો રસ્તો કરી લીધો હતો. મોટા મોટા વીસેક ટ્રંક ભરાઈ ગયા એટલુ બિલ વગરનું ગેરકાયદેસર સોનું ઝડપાઈ ગયું હતું. તાલુકામાંથી ચાર પ્રતિષ્ઠિત માણસોની હાજરીમાં બધા જ કાગળિયાં પર સહી સિક્કા થઇ ગયા હતા. બધા જ ટ્રંક પર લાખથી સીલ થઇ રહ્યા હતા!! ઇન્કમટેક્સ અમદાવાદ તરફથી આ દાયકાનું આ સહુથી મોટું ઓપરેશન હતું જે સફળતાથી પૂરું થયું હતું!! ટુકડી બધા જ કાગળની એક એક નકલ પંકજને આપીને પોતાના લાવ લશ્કર સાથે રવાના થઇ ત્યારે રાતના દસ વાગી ચૂકયા હતા. સોનાનો શો રૂમ આગળ અને પંકજના ઘર આગળ માણસોના ટોળા વળ્યા હતા!! અને અચાનક પંકજ હસવા લાગ્યો!! જોર જોરથી હસવા લાગ્યો!! પંકજે આંટા મૂકી દીધા હતા!! એ ગાંડો થઇ ગયો હતો!! પાગલ ની જેમ એ હસતો હતો!!

ચાર દિવસ પછી અમદાવાદની એક સોસાયટીમાં એક ઘરની આગળ એક એમ્બેસેડર ઉભી રહી. એમાંથી એક ઓફિસર ઉતર્યો એના બને હાથમાં સુટકેશ હતી. બે ય સુટકેશ ઘરના બારણા આગળ મુકીને એણે ડોરબેલ વગાડી.  છાયાએ દરવાજો ખોલ્યો. તેજસ હજુ સુતો હતો. ઓફિસર અંદર ગયો. એક ખુરશી પર બેઠો અને પેલી બને બેગો છાયાને આપી અને કહ્યું.
“આપે જે બાતમી આપી હતી એના ઇનામ રૂપે સરકાર તરફથી આપને નિયત ટકાવારી મુજબની ઇનામની આ રકમ છે. આપ આ રકમ ઈચ્છો તો આપની પાસે રાખી શકો છો અથવા બેંકમાં મૂકી શકો છો. બેંકમાં મુકવામાં કોઈ માથાકૂટ થાય તો મેનેજરને મારી સાથે વાત કરાવજો. આ તમારી કાયદેસરની રકમ છે. બસ દીકરાને ભણાવજો અને ધીરજલાલની ઈચ્છા પૂરી કરજો.તમારી આ બાતમી વાળી વાત ક્યાય બહાર નહિ જાય એની ઇન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટ વતી ખાતરી આપું છું! ચાલો રજા લઉં છું. કોઈ કામ હોય તો મને મારા ઘરે મળજો!! ધીરજલાલ મારા મિત્ર હતા. મને આનંદ એ વાત નો છે કે હું મારા મિત્રના પુત્રવધુ અને પૌત્રને કામ આવ્યો. ચાલો ત્યારે રજા લઉં છું” કહીને તે ઓફિસર ફટાફટ ચાલ્યો ગયો. છાયાએ બે હાથ જોડ્યા અને ઘરનો દરવાજો બંધ કરી દીધો. પોતાના સુતેલા પુત્ર તેજસની માથે હાથ ફેરવીને એ બે સુટકેશની  સામું જોઈ રહી. પોતાના સસરા ધીરજલાલની શિખામણ યાદ આવી ગઈ હતી.

ધીરજલાલ જયારે બીમાર પડી ગયા અને છાયા તેની સારવાર કરતી હતી. ધીરજલાલને એટેક આવ્યો એની પહેલા એક દિવસ એણે છાયાને અને તેજસને પોતાની પાસે બોલાવીને કહ્યું હતું.
“વહુ દીકરા મારી વાત બરાબર સાંભળો!! મને હવે લાગે છે કે હું લાંબુ નહીં જીવું!! દીકરો જ કપાતર પાક્યો અને હું કશું જ નથી કરી શકતો!! આ નાનકડા તેજસને જોઇને મારું હૈયું કપાઈ જાય છે. હું જ્યાં લગી જીવું છું ત્યાં સુધી તમે આ ઘરમાં છો વહુ દીકરા. મારા ગયા પછી આ ઘરમાં તમારું સ્થાન નહિ જ હોય એની મને ખાતરી છે. તમે ક્યાં જશો?  આ નાનકડા તેજસનું શું થશે.? મારા બાપાએ ભેગી કરેલી સંપતી પર મારો ઓટીવાળ દીકરો જલસા કરે એ મને નહીં પોસાય. કાલ સવારે એ પેલી સાથે લગ્ન કરી લે એના સંતાનો થાય એ આ બધું ભોગવે એ જોઇને મને કંપારી છૂટે છે. ઘણા દિવસથી હું આ બાબતથી પીડાઉં છું એક રસ્તો મને સુઝે છે. મારા મર્યા પછી તમને આ ઘરમાંથી કાઢી મુકે તો તમે જતા રહેજો તમારા ભાઈને ત્યાં. તમે તમારી રીતે જીવશો. પણ મારી એક શિખામણ માનો. અમદાવાદમાં એક શર્મા સાહેબ છે. આ ડાયરીમાં એનું સરનામું છે. મારા મિત્ર છે. તમને નથી ખબર વહુ દીકરા કે આ ઘરમાં કઈ કઈ જગ્યાએ સોનું દાટેલું છે. હું તમને કહું છું એ સાંભળો. એ શર્મા સાહેબને બધી વાત કરજો. એ બધું સમજી જશે. બધું જ સોનું સરકાર લઇ જશે.પણ મારા આ પૌત્ર તેજસની જિંદગી સુધરી જાય એટલો હિસ્સો એને મળી જશે. બસ આ આપણું સાચું ખાનદાન છે. એને ભણાવજો અને સુખેથી રહેજો!! પણ મારી આ શિખામણ ભૂલતા નહિ. હું ધારું તો તમને અત્યારે અમુક સોનું આપીને તમારી જિંદગી સુખી કરી શકું!! પણ પાછળ વધેલી આ સંપતી ઉપર આ કપાતર એશ કરે એ મને નથી પોસાય એમ!! અત્યારે આ નાલાયકને પાઠ ભણાવવાનો આ જ છેલ્લો રસ્તો છે. જે તમે નીભાવજો”

આટલું કહીને ધીરજલાલે કયા કયા સોનું છે એ બધું જ છાયાને કહી દીધું. બીજા જ દિવસે ધીરજલાલને એટેક આવ્યો ને એનું અવસાન થયેલું.

સસરાએ તો કીધેલું પણ છાયાનું મન માનતું નહોતું. એને થતું હતું કે સહુ સહુના પાપે મરશે. મારે કોઈને વાત નથી કરવી પણ અમદાવાદ આવ્યા પછી તેના મનમાં ગડમથલ શરુ થઇ. સસરાએ આપેલ શિખામણ પાળવા માટે એણે મન મક્કમ કર્યું. સસરાએ આપેલ ડાયરી એની પાસેજ હતી. એમાં એને નર્સના શબ્દો યાદ આવી ગયા!!

“હવે જિંદગી સામે લડતા શીખી જા!! આમ રોયે નહિ પાલવે!! જમાના સામે અમુક સમયે શીંગડા ભરાવો તો જ તમે જીવી શકો”

અને સસરાજીએ આપેલ શિખામણ મુજબ એ ઇન્કમટેક્ષ ઓફિસર શર્મા પાસે પહોંચી. બધી જ વાત કરી. ધીરજલાલને શર્મા સારી રીતે ઓળખતા જ હતા. આમેય દરેક ઇન્કમટેક્ષવાળા સોની મહાજનને સારી રીતે ઓળખતા જ હોય છે. બધી જ વાત સાંભળીને શર્મા બોલ્યા.

“કોઈ વાંધો નહિ, આપેલ બાતમી મુજબ કાળું નાણું અને ગેરકાયદેસર સોનું મળશે તો તમને તમારો હિસ્સો મળી જશે”
અને આજે છાયાને એનો હિસ્સો મળી ગયો હતો. પંકજને એનો હિસ્સો મળી ગયો હતો.!! સહુ સહુને પોતાના કર્મોને આધારે હિસ્સો મળી ગયો હતો. ઇન્કમટેક્ષ તરફથી જડબેસલાક કેઈસ કરવામાં આવ્યો હતો. પણ પંકજને કયા એની અસર હતી!! એ તો ગાંડો થઇ ગયો હતો. બસ દુકાને થી ઘરે અને ઘરે થી દુકાને ખડખડાટ હસતો હસતો આવે ને જાય!! બે માળનો સોનાનો શો રૂમ ભેંકાર અને ખંડેર થઇ ગયો છે. એમની સાથે કામ કરતા માણસો જેને જે જોઈએ તેટલું ફર્નિચર ઉઠાવી ગયા. ઘરની પણ એજ હાલત છે. બસ પંકજ પહેરેલ લુગડે  ભાટકયા કરે છે!! કોઈને દયા આવે તો ખવડાવે!!

લોકો વાતો કરતા હતા કે ઇન્કમટેક્ષ વાળાને બાતમી તૃપ્તિએ આપી હતી. એ તૃપ્તિએ એ જ પંકજનો દાટ વાળ્યો. પણ સાચી હકીકતની કોઈને ખબર જ નથી!! કુદરત શતરંજની ચાલનો મોટો ખેલાડી છે. કુદરત  કયારેક  એવી  ચાલ ચાલે કે એક ભલભલા ચેક એન્ડ મેટ  થઇ જાય છે!!!

લેખક :- મુકેશ સોજીત્રા
૪૨ , “હાશ” શિવમ પાર્ક સોસાયટી, સ્ટેશન રોડ.. તા. ગઢડા જી બોટાદ પીન ૩૬૪૭૩૦
Author: GujjuRocks Team
દરરોજ મુકેશભાઈની આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.