કૌશલ બારડ ધાર્મિક-દુનિયા લેખકની કલમે

સર્વપિતૃ અમાસ : ભૂખ્યાને ભોજન અને કીડીને કણ આપી આટલું કરશો તો પેઢીઓ તરી જશે!

“પુન્નામનરકાત્ ત્રાયતે ઇતિ પુત્ર:”

ઉપરનું સંસ્કૃત વાક્ય આપણાં શાસ્ત્રો કહે છે. જેનો અર્થ થાય છે : નરકથી બચાવે એ પુત્ર! પુત્ર પોતાના પિતૃઓનું શ્રાધ્ધ કર્મ કરીને એનું કલ્યાણ તો કરે જ છે, સાથે પિતૃઓના આશિર્વાદથી ખુદનું પણ ભલું જ થાય છે. ૧૬ શ્રાધ્ધના અંતિમ દિવસે અર્થાત્ ‘સર્વપિતૃ અમાસ’ના દિવસે નીચે જણાવેલાં અમુક કાર્યો કરી નાખજો :

Image Source

નામી-અનામી સૌનું નામ લઈને કાગવાસ નાખો

આપણે વધી-વધીને આપણી ત્રણથી ચાર પેઢીનાં નામ જાણતા હોઈએ છે અને તિથિ પ્રમાણે દરેક પિતૃનું શ્રાધ્ધ નાખતા હોઈએ છે. પણ આપણા વંશના પૂર્વજો તરીકે અમુક પિતૃઓ એવા પણ હોય છે જેને આજે આપણે નામથી પણ ના ઓળખી શકીએ! આથી સ્વાભાવિક છે, શ્રાધ્ધ વખતે એમનું શ્રાધ્ધ આપણે ના કરી શકીએ. સર્વપિતૃ અમાસ એટલે આવા દરેક નામી-અનામી પિતૃઓનું નામ લઈને, હ્રદયથી એમનું સ્મરણ કરીને, એમના પ્રત્યે આભાર વ્યક્ત કરીને શ્રાધ્ધ કરવાનો દિવસ. છેલ્લા દિવસે કાગવાસ નાખતા સમયે એ દરેકનું મનોમન સ્મરણ કરી જ લેવું.

Image Source

પેટભર ભોજન આપો, શક્ય હોય તો દક્ષિણા

સર્વપિતૃ અમાવસ્યાનું મહત્ત્વ આપણાં શાસ્ત્રોએ ઘણું આંક્યું છે. આ દિવસે શ્રાધ્ધકર્મની વિધિ પછી જે પણ અભ્યાગત આંગણે આવે તેનું પેટ ઠારવામાં ઉત્તમ પુણ્ય રહેલું છે. ભૂખ્યાનું પેટ ઠરે એનો મૂંગો આશિર્વાદ સૌથી મોટો ધર્મ છે. બ્રાહ્મણોને દક્ષિણા અને જરૂરિયાતમંદોને જીવન-જરૂરી ચીજોનું દાન કરવું ઉત્તમ માનવામાં આવે છે.

Image Source

પીપળપૂજા

દૂધ, પાણી, કાળાં તલ અને જવ સહિતનું મિશ્રણ તાંબા-પિત્તળના લોટામાં ભરી પીપળાનાં વૃક્ષનાં મૂળમાં રેડવું. પીપળાને આદિકાળથી હિંદુ ધર્મમાં અલાયદું અને ઉત્તમ સ્થાન આપવામાં આવ્યું છે ત્યારે પિતૃપક્ષમાં તો એનું મહત્ત્વ ખુબ વધી જાય છે. પીપળાની પૂજા કરવાથી પિતૃઓ પ્રસન્ન રહે છે.

Image Source

કીડીને પણ કણ આપો

આમ તો શ્રાધ્ધના દરેક દિવસે ખોરડે કાગવાસ નાખ્યા બાદ ગાય કે કૂતરા જેવાં પ્રાણીઓને અન્ન આપવાની પરંપરા છે પણ સર્વપિતૃ અમાસને દિવસે તો એ જરૂરી બની જાય છે. સાથે જ આજના દિવસે કીડીઓ માટે પણ લોટથી કીડીયારું પૂરવાની પરંપરા જાણીતી છે. આટલું કર્યા પછી થાળીમાં ભોજન પીરસવામાં આવે છે!

જેણે જીવતા પૂર્વજોની સેવા કરી હોય એ મર્યા પછી પણ પિતૃઓને હ્રદયથી સંભારીને પૂજવાના જ છે! શરૂઆતમાં ટાંકેલો શ્લોક એ પ્રમાણે દુનિયાદારી અને આત્માની ગતિ એમ બંને રીતે સાર્થક છે. જેનો ગુજરાતી તરજૂમો પણ આપણે ત્યાં કહેવાતો આવે છે : દિ’ વાળે એ દીકરા!

Image Source

આશા છે કે, આપને અંતિમ શ્રાધ્ધદિન વિશેનો આ આર્ટિકલ પસંદ પડ્યો હશે. આપના મિત્રો સાથે લીંક શેર કરી એમને પણ માહિતી આપશો, ધન્યવાદ!
Author: કૌશલ બારડ GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.