અરવલ્લી : બે કાર સામ-સામે અથડાતા હાઈસ્કૂલના શિક્ષિકાનું થયું કમકમાટી ભર્યુ મોત, કારના બોલાઇ ગયા ભૂક્કા

મોડાસામાં પ્રજાસત્તાક પર્વમાં ભાગ લેવા નીકળેલા હાઈસ્કૂલના શિક્ષિકાની ગાડીના ભુક્કા બોલી ગયા, દુઃખદ અવસાન થયું

ગુજરાતમાંથી ઘણીવાર અકસ્માતના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણા લોકો સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવવાના કારણે અકસ્માતનો ભોગ બનતા હોય છે તો ઘણા લોકો બ્રેક ફેલ થઇ જવાને કારણે અકસ્માતનો ભોગ બનતા હોય છે અને ઘણીવાર ટાયર ફાટવાને કારણે અકસ્માત સર્જાતો હોય છે. ઘણીવાર એવું બનતુ હોય છે કે કારની અથવા તો કોઇ અન્ય વાહનની તેજ ગતિને કારણે કોઇ પરિવાર કે કોઇ વ્યક્તિ આવા અકસ્માતનો ભોગ બની જતુ હોય છે. હાલ આવો જ એક કિસ્સો ગુજરાતના અરવલ્લી મોડાસામાંથી સામે આવ્યો છે, જેમાં એક શિક્ષક પોતાની કાર લઇને રાયગઢથી સરડોઇ જઇ રહ્યા હતા ત્યારે કારનું ટાયર ફાટ્યુ અને કાર પલટી મારી ગઇ અને ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

ઘટનાની વિગત તપાસીએ તો,મોડાસાની સરડોઈની એ. એમ. શાહ હાઇસ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા અને હિંમતનગરના હુંજના રાગિણીબેન ધવલભાઈ પટેલ 26 જાન્યુઆરીના રોજ 73માં પ્રજાસત્તાક દિનની ઉજવણી માટે વહેલી સવારે હુંજથી સરડોઈ હાઈસ્કૂલમાં પહોંચવા અલ્ટો કાર લઇને નીકળ્યા હતા અને આ જ દરમિયાન તેઓ ખંભીસર નજીકથી પસાર થતા હતા ત્યારે મોડાસા તરફથી આવતી કારના ચાલકે શિક્ષિકાની કારને ધડાકાભેર ટક્કર મારી જેના કારણે શિક્ષિકાની કારના આગળના ભાગનો ખુરદો બોલાઇ જતાં કારચાલક શિક્ષિકા રાગિણીબેનને ગંભીર ઈજાઓ પહોંચતા શિક્ષિકાનું કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, કેટલાક રીપોર્ટ અનુસાર શિક્ષિકાની કારનું ટાયર ફાટ્યુ હતુ જેના કારણે કાર પલટી મારી ગઇ અને અકસ્માત સર્જાયો. આ અકસ્માતને પગલે કારના ભૂક્કા બોલાઇ ગયા હતા અને શિક્ષિકાનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યુ હતુ. ઘટનાની જાણ થતા જ પોલિસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી.

આ શિક્ષિકાને 8 વર્ષનો દીકરો છે, જેણે માતાના મોત બાદ માતાની છત્રછાયા ગુમાવી છે. આ બાબતે સાબરકાંઠા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. આ અકસ્માતનો વીડિયો પણ સામે આવ્યો છે,જેમાં જોઇ શકાય છે કે, કાર કેવી રીતે ધડાકાભેર અથડાય છે.

Shah Jina