દિલધડક સ્ટોરી નારી વિશે પ્રસિદ્ધ પ્રેરણાત્મક લવ-સ્ટોરી લેખકની કલમે વૈવાહિક-જીવન

ગરીબ છોકરા સાથે પ્રેમ કરી લગ્ન કરી લેતી એક ધનવાન છોકરીની હૃદયસ્પર્શી વાર્તા, “સપનું” ભાગ-3, વાંચવાનું ભુલાય નહિ…

રસપ્રદ રીતે ચાલતી આ વાર્તાનો બીજો ભાગ વાંચવાનું ચૂકાઈ ગયું હોય તો “ભાગ-2”ઉપર ક્લિક કરો.

તૃપ્તિ અને શિખાએ નક્કી કર્યું હતું, કે જ્યાં સુધી તૃપ્તિ સામેથી ના કહે ત્યાં સુધી શિખાએ ફોન કરવો નહીં. પણ જે ડર હતો એવું કંઈ જ થયું નહીં અને એક મહિનો પૂરો પણ થઈ ગયો. ચેતનના મામાએ કિરીટભાઈને ફોન કરી, બંનેને અમદાવાદ મોકલી આપવાનું નક્કી કર્યું. તૃપ્તિએ શિખાને ફોન કરી ત્યાંની પરિસ્થિતિનો અણસાર લેવા પ્રયત્ન કર્યો. શિખાએ કહ્યું, ”તું ગઈ એ રાત્રે જ તારા મમ્મીનો મારા ઉપર ફોન આવ્યો હતો.. તારા વિશે પછ્યુ હતું..બહુ જ રડતાં હતા..હું તારા વિશે કાઈ જાણતી નથી એમ ખોટું બોલીને મેં એમને સાંત્વન આપવા પ્રયત્ન પણ કર્યો હતો..પછી તારા પપ્પાએ એમના હાથમાંથી ફોન લઇ અને મને કહ્યું,”હું સમજી શકું છું કે તૃપ્તિ વિશે તને બધી જ ખબર હશે છતાં તું કહેવાની નથી… અમે અમારી રીતે તૃપ્તિને ઘણી સમજાવી હતી. છતાં એણે આ પગલું લીધું છે. હવે જ્યારે પણ તું એની સાથે વાત કરે ત્યારે એને એટલું કહી દેજે કે તારા મમ્મી-પપ્પા અને ભાઈઓ હવે આ દુનિયામાં રહ્યા નથી..તો હવે પછી અમને ભૂલી જાય..”આટલું કહીને ફોન મૂકી દીધો હતો. એ પછી એમનો ફોન આવ્યો નથી.”

Image Source

તૃપ્તિને ઘણું દુઃખ થયું પરંતુ એ પોતાના આ નિર્ણયથી પપ્પા-મમ્મીને થયેલા દુઃખને પણ સમજી શકતી હતી. એણે વિચાર્યું કે હું ચેતન સાથેના સુખી સંસારના એક-બે વર્ષ પછી એમને મનાવી જ લઈશ.

તૃપ્તિ અને ચેતન અમદાવાદ આવી ગયા. તૃપ્તિ પહેલીવાર જ ચેતનના ઘરે જઇ રહી હતી. પોતાના નાનકડા ઘરનું સપનું જરાક ઉણું ઉતર્યું. એણે નાનકડું પણ સ્વચ્છ અને સુઘડ ઘરના સપના સેવ્યા હતા.એના બદલે એક જ રૂમનું કાચું મકાન અને એમાં પણ અસ્ત-વ્યસ્ત પડેલી ચીજ-વસ્તુઓને જોઈ અચંબામાં પડી ગઈ. બેસવાની તો જગ્યા જ નહોતી. ચેતને એક ખાટલા ઉપરથી મેલાં-ઘેલાં કપડાં ઉપાડી એક ખૂણામાં નાખ્યા. તૃપ્તિને બેસવાની જગ્યા કરી આપી. ચેતનના મમ્મી થોડી વારમાં જ કામ પરથી આવ્યા, તૃપ્તિને જોઈ હસીને મીઠો આવકાર આપ્યો. પૂજાની થાળી તૈયાર કરી લાવ્યા. બંનેની આરતી ઉતારી ઓવારણાં લીધા.

Image Source

તૃપ્તિને હવે સુખ અને દુઃખની વ્યાખ્યામાં મૂંઝવણ થવા લાગી હતી. આ પરિસ્થિતિ તો એણે વિચારી પણ નહોતી. એણે ફક્ત ફિલ્મોમાં દેખાડાતી ગરીબી જ જોઈ હતી. સાંજે જમવામાં દાળ અને રોટલો મમ્મીએ બનાવ્યા, ચેતન બહારથી થોડા ખમણ લઈ આવ્યો. રાત્રે સુવા માટે મમ્મીએ રૂમની વચ્ચે દોરી બાંધીને રૂમના બે ભાગ કરી આપ્યા. ઘરમાં રહેલો એક માત્ર ખાટલો પણ એમને આપ્યો. જે સવારે બારણાં પાસે બહાર આવી જાય અને રાત્રે અંદર લઇ લેવાતો હતો.

તૃપ્તિની એ રાત પરાણે પુરી થઈ. એ સવારે શિખા પાસે ગઈ, બધી વાત જણાવી.. શિખાને પણ થોડો અફસોસ તો થયો પણ હવે સત્ય સ્વીકારી લેવા જણાવ્યું. અને હંમેશા સાથ આપવા વચન આપ્યું.

તૃપ્તિનું લગ્ન જીવન સુખ-દુઃખના સરવાળે ચાલી રહ્યું હતું..જમવામાં એને ક્યારેય પોતાના ઘર જેવું મળતું નહીં અને અહીંનું એને ભાવતું નહીં. શિખાને મળવાના બહાને ક્યારેક એ બહાર ખાઈ આવતી. ચેતનની કે એના મમ્મીની કોઈ રોક-ટોક ના હતી પણ જ્યાં એ લોકો રહેતા, એ વિસ્તારના લીધે કપડાં પહેરવામાં મર્યાદા રાખવી પડતી. સાડી કે ડ્રેસ જ પહેરી શકાતો. બહાર જમવું હોય ત્યારે એક-બે મહિનાની બચત પછી જ જમવા જઇ શકાતું. ચેતનના પપ્પા બે-ત્રણ દિવસે રૂપિયા લેવા જ ઘરે આવતા. મમ્મી સાથે માર-ઝુડ પણ કરતાં. આ બધા ઉપરાંત પણ ચેતન તૃપ્તિને હંમેશા ખુશ રાખવા પ્રયત્નો કરતો રહેતો. પરંતુ સફેદ ઘોડાવાળા રાજકુમારનું સપનું તૃપ્તિને અસલિયતમાં ઘણું બિહામણું લાગ્યું.

Image Source

તૃપ્તિના લગ્નને ત્રણ વર્ષ પુરા થઈ ગયા. શિખા પોતાનો અભ્યાસ પૂરો કરી પોતાના ઘરે રાજકોટ જતી રહી. હજુ પણ તૃપ્તિ ચેતનના ઘર પ્રમાણે પૂરેપૂરી ઘડાઈ નહોતી. એને એના મમ્મી-પપ્પા, ભાઈઓ અને એ જૂની લાઈફ બહુ જ યાદ આવતી. ત્યાં એનો પડ્યો બોલ ઝીલાતો. એની ઈચ્છા પ્રમાણે ઘરમાં જમવાનું બનતું. ઘરમાં સૌથી નાની અને લાડકી હોવાથી કોઈ પણ બાબતમાં એની ઈચ્છાને જ મહત્વ અપાતું. આજે ત્રણ વર્ષ થવા છતાં કોઈએ એને મળવાનો કે ફોન કરવાનો પ્રયત્ન સુદ્ધાં કર્યો નહોતો.

તૃપ્તિ હવે એક બાળકની માતા હતી. એક વર્ષનો તપન તૃપ્તિના દિવસો પસાર કરવાનો સહારો હતો. પોતે બીજી વખત ચાર મહિનાની ગર્ભવતી હતી. પરિસ્થિતિથી અવળું, ચેતન તૃપ્તિને ખુશ રાખવા બનતા બધા જ પ્રયત્નો કરતો રહેતો.

એક દિવસ તૃપ્તિએ બહાર ફરવા જવાની જીદ પકડી. ચેતને રૂપિયાના અભાવે બીજા બાળકના જન્મ પછી એને ફરવા લઈ જવાનું વચન આપ્યું. તૃપ્તિ હવે દિવસે દિવસે ગૂંગળાઈ રહી હતી. ચેતનનો અઢળક પ્રેમ હવે એના માટે ગૌણ થવા લાગ્યો. કઇ કેટલીય ઈચ્છાઓને માર્યા પછી હવે એ આઝાદ પંખીની જેમ ઉડવા માંગતી હતી…મન પડે એમ રખડવા માંગતી હતી…પોતાના બાળકને જોઈતું રમકડું લઇ આપવા માંગતી હતી…રોજ રાત્રે ચેતન પાસે પોતાનો ગુસ્સો ઠાલવતી… ચેતન પરિસ્થિતિનો માર્યો એને સાંત્વના આપી સમજાવવા સિવાય કંઈ કરી શકતો નહીં. દિવસે દિવસે તૃપ્તિનો સ્વભાવ બદલાવવા લાગ્યો. ક્યારેક મમ્મીને તો ક્યારેક ચેતનને ના બોલવા જેવા વેણ પણ બોલી નાખતી. ચેતન બધું જ સમજતો હતો. આ છોકરીની જિંદગી બરબાદ થઈ રહી હોવાનો અફસોસ પણ કરતો, પણ હવે શું ??

Image Source

ચેતને એકવાર તૃપ્તિને પાસે બેસાડી એક રસ્તો બતાવ્યો,”તું તારે ઘેર ફોન કર, એ લોકો મને તો સ્વીકારશે જ નહીં, પરંતુ તને અને તપન ને સ્વીકારવા રાજી થઈ જાય તો તું ઈચ્છે તો પાછી જઇ શકે છે.” તૃપ્તિએ આ વાત બરાબર સાંભળી, એ અહીંથી હવે છૂટવા જ માંગતી હતી. એણે મમ્મીને ફોન કર્યો. મમ્મીએ અવાજ સાંભળતા જ ફોન મૂકી દીધો. એણે બીજી બે-ત્રણ વાર પ્રયત્ન કરી જોયો પણ મમ્મીએ ફોન ઉપાડ્યો જ નહીં. હવે તૃપ્તિ સમજી જ ગઈ કે જીવનમાં ક્યારેય એ ઘરે હું જઇ શકીશ નહીં. તૃપ્તિની રોજની અકળામણમાં આ ગુસ્સો પણ ભળ્યો. એ રાત્રે ચેતન સાથે બહુ જ બોલાચાલી કરી, ગાળો પણ આપી અને મરી જવાની ધમકી પણ આપી. ચેતન ચૂપચાપ બહાર જઇ ઓટલા પર જ સુઈ ગયો.

ચેતનનું મગજ પણ દિવસે દિવસે સહનશક્તિ ગુમાવવા લાગ્યું હતું. ઘરમાં રોજનો કકળાટ હવે સામાન્ય બની ગયો હતો. એક દિવસ સવારે ચેતન ઘરેથી થોડો વહેલો નીકળ્યો. તપન અને તૃપ્તિને વહાલ કર્યું , તૃપ્તિની માફી માગી, ” માફ કરજે તૃપ્તિ, મારા લીધે તું આ બધું સહન કરી રહી છું, પણ વિશ્વાસ રાખજે તું ખુશ થઈ શકે એવા બધા જ પ્રયત્નો હું કરીશ.” તૃપ્તિ કાઈ બોલ્યા વગર પોતાના કામે વળગી. ચેતન એની મમ્મીને પગે લાગીને નીકળી ગયો.

Image Source

સાંજે જ કોઈનો ફોન આવ્યો, ” હલો, હું લોગાર્ડન પોલીસ સ્ટેશનથી બોલું છું, તમે ચેતનને ઓળખો છો ?”

તૃપ્તિ : ”હા, હું…હું…એની વાઈફ બોલું છું…શુ થયું ચેતનને…?”

સામેથી ફોન પર : ”તમે તાત્કાલિક તમારા વડીલને લઇ, વી.એસ.હોસ્પિટલ પહોંચો..” (ફોન કટ)

તૃપ્તિ : ”મમ્મી….ચેતનને કદાચ એક્સિડન્ટ થયો લાગે છે..પોલીસ સ્ટેશનથી ફોન હતો.. ચાલો, જલ્દી વી.એસ.જવાનું છે.”

તૃપ્તિ, મમ્મી અને તપનને લઇ ફટાફટ રિક્ષામાં વી.એસ.પહોંચી.

પૂછ-પરછ કરતાં એક લેડી કોન્સ્ટેબલ એમને એક રૂમમાં લઇ ગયા. અને કહ્યું, ”ચેતને લોગાર્ડનના એક બહુમાળી બિલ્ડીંગ પરથી કુદી જઇ આત્મહત્યા કરી છે… એના ખિસ્સામાંથી અમને એનું નામ અને તમારો ફોન નંબર મળ્યો છે.”

Image Source

આટલું સાંભળતાં જ ચેતનના મમ્મીએ છાતી કુટતા પોક મૂકી…

તૃપ્તિની નજર સામે સવારે ચેતન નીકળ્યો એ દ્રશ્ય દેખાઈ રહ્યું મનોમન વિચારતી રહી, ” આ મને કેમ ના સમજાયું કે સવારે ચેતન શું કહેવા માંગતો હતો…મને આ બધામાંથી છૂટી કરવા પોતે દુનિયામાંથી વિદાય લઈ બેઠો ??” તૃપ્તિના પગ નીચેથી જમીન સરકી ગઈ. આંખે અંધારા આવવા લાગ્યા.. બેભાન થઈ ગઈ. કોન્સ્ટેબલે નર્સને બોલાવી એની સારવાર કરાવી…

તૃપ્તિના ભાનમાં આવતા જ…અને ચેતનના મમ્મીને થોડી કળ વળતાં, હોસ્પિટલમાં જ તૃપ્તિને જેમ ફાવે તેમ બોલવા માંડ્યા..,”મારા એકના એક દીકરાને ભરખી ગઈ. એ તો તને પૈણવાની ના જ પાડતો’તો.. તું જ વાંહે પડી ગઈ’તી…નો’તું ફાવતું તો વયુ જાવું’તું… રોજ મારા દીકરાનું લોહી પીતી’તી… તારા લીધે મારો જુવાન જોધ દીકરો ખોયો…કાળમુખી…”

Image Source

તૃપ્તિ ભાનમાં આવતાની સાથે જ અચાનક આવેલા આ અપશબ્દોના બાણથી વીંધાઈ રહી…

હવે એ કાંઈ કરી શકે એમ પણ નહોતી… અને મમ્મી સાવ ખોટું તો નહોતા જ બોલી રહ્યા.

તૃપ્તિએ કંઈક વિચાર કર્યો…તપનને લઇ હોસ્પિટલની બહાર નીકળી. રિક્ષામાં બેસી સીધી ઘરે આવી.

ચેતનના મમ્મીને હવે તૃપ્તિ ક્યાં જાય છે કે શું કરે છે ?? એનાથી કોઈ નિસ્બત નહોતી.

તૃપ્તિએ ઘરે આવી બારણું બંધ કર્યું…ગેસ ચાલુ કરી અને તપંનને લઇ ખાટલો ગેસ પાસે લાવીને બેસી ગઈ. ગેસના લીધે શ્વાસ ગૂંગળાવવા લાગ્યો ત્યારે સહન ન થયું એટલે એણે બીજું વિચાર્યું.. તપનને શ્વાસ રૂંધાવાના લીધે તરફડતો જોઈ દીવાસળી લઈ આવી અને સળગાવી…ત્યાંજ એક મોટા અવાજ સાથે એક ધડાકો થયો અને બધું જ સળગી ગયું…આજુબાજુના બધાએ ભેગા થઈ દરવાજો તોડ્યો ત્યારે તૃપ્તિ આગમાં સળગી રહી હતી…ત્રણ-ચાર જણાના પ્રયત્નોથી તૃપ્તિને હોસ્પિટલ પહોંચાડવામાં આવી. સરકારી હોસ્પિટલમાં એક મહિનાની સારવાર પછી તૃપ્તિ આજે હોસ્પિટલની બારી પાસે બેઠી-બેઠી વિચારતી હતી…

Image Source

”એક સપનું-સફેદ ઘોડા ઉપરનો મારો રાજકુમાર… બસ આજ મારી ભૂલ હતી ??? ભલે મારી ભૂલ હતી પણ તોય મમ્મી-પપ્પાની કે ભાઈઓની આટલી નફરત ??? ચેતને ખરેખર મને ખુબ જ પ્રેમ કર્યો ….પણ એનું આમ મને છોડી જવું શું યોગ્ય હતું ??? આટલું ઓછું પડતું’તું ભગવાનને કે એ ધરાયો જ નહીં… મેં છૂટવા પ્રયત્ન કર્યો તો મારા તપનને લઇ લીધો…મારુ ચાર મહિનાનું બાળક પણ લઇ લીધું…તો પછી મને કોના માટે બચાવી ??? ફરી સપના જોવા ????

સપના જોવા માટે એણે આંખ પણ ક્યાં રહેવા દીધી ???”

સમાપ્ત…!!!
જો તમને પણ આ વાર્તા ગમી હોય તો કોમેન્ટ  પ્રતિભાવ જરૂર આપજો જેટી આવી જ રોમાંચક વાર્તાઓ અમે તમારા સુધી હંમેશા લાવતા રહીએ. આભાર!!
Author: Nidhi “Nanhi Kalam” GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.