કૌશલ બારડ લેખકની કલમે

સર્પનું ઝેર ચુસીને લોકોને જીવનદાન આપનાર કન્યાની સત્ય વાર્તા

• નાગકન્યા [ટૂંકીવાર્તા] –

“પિતાશ્રી!તો મારી માતા નાગણી હતી?” “ના,બેટા એ નાગકન્યા હતી!”

પૂર્ણિમાની ઉજાસભરી રાતે જેલમ નદીના જળ થંભી જઇને ચંદ્રન પૂર્ણ મુખાકૃતિ જોવામાં મગ્ન બન્યાં હતાં અને બે માનવીને લઇને વિહરી રહેલી નાનકડી નૌકા સમાધિમગ્ન જળની અવસ્થામાં ખલેલ પાડી રહી હતી તે કદાચ એને ગમતું નહોતું એમ ઉછળેલા જલતરંગો નાવ સાથે અથડાઇને પોતાનો રંજ વ્યક્ત કરતા હતાં.

“લોકો શા માટે એને નાગણી કહેતા હતાં બાપુ?”આઠેક વર્ષના એ બાળકના મુખ પર ધીમી ઉત્કંઠા જણાઇ આવતી હતી.ચંદ્રના જાજવલ્યમાન પ્રકાશમાં એનું ધવલ મુખ વધુ ઉજળું લાગતું હતું.

“કામરુદેશમાં એના બાપની જેમ એ પણ સર્પદંશથી પીડાતા લોકોને નવજીવન આપતી,બેટા!લોકોના ઝેર મોઢેથી ચુસી લેતી.અનુભવ હોવાને લીધે એને ઝેર નહોતું ચડતું.”હાથમાં રહેલા હલેસાંથી બે-ત્રણ વાર પાણી ઉપર કરીને બાપે થોડીવાર માટે હલેસું મુકી દીધું.

“તો પછી શા માટે દાદાએ તેને મારી નાખી બાપુ?”છોકરાની આંખના ખુણા ભીના થયા હતાં.

“હું સમાજનો તિરસ્કાર કરી એને પરણી લાવ્યો બેટા.એકાદ વર્ષ થયુંને ગામમાં સર્પદંશથી સાત-આઠ જણ મરી ગયાં.લોકોને લાગ્યું કે તારી માતા જ કાળોતરી છે.તારા દાદા પણ એમાંના એક હતાં.એક રાતે હું ગામતરે ગયેલો અને લાગ જોઇને એણે તલવાર ચલાવી દીધી.તે દિવસે તું વીસેક દિવસનો માંડ હતો દિકરા!”જમણી આંખમાં આવેલા અશ્રુબુંદને ડાબા હાથ વડે લૂછી લઇ બાપે હલેસું હાથમાં લીધું.

થોડીવાર કોઇ અવાજ ન આવ્યો-જેલમના તરંગોના પ્રત્યાઘાતો સિવાય.

“તે હેં બાપુ,હવે મને નાગ કરડી જાય તો મારી માતા ઝેર ચુસવા આવે ખરી?”છોકરાએ પૂછ્યું.

બાપ એના ચહેરા સામું જોઇ રહ્યો.ઘણું જોવા છતાં પણ એ બાળકના ચહેરા પરના ભાવોને કળી શક્યો નહી!કદાચ તેનું કારણ એ હતું કે,ચંદ્રમાં આડે એક વાદળી આવી ગઇ હતી અને ઝાંખા પડી ગયેલા અજવાસમાં બાળકનું મુખાકૃતિ સારી રીતે દેખાતી નહોતી!

લેખક – કૌશલ બારડ
Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.