હાલમાં સંપન્ન થયેલ ૧૭મી લોકસભા માટેની ચૂંટણીના પરીણામ આવ્યાં એ પછી વિજયી સાંસદોની ઉજવણીઓ તો પોતપોતાના વિસ્તારમાં બધાએ જોઈ હશે. ફટાકડા ફોડવામાં કોઈ સીમા રહેતી નથી, બેન્ડવાજા અને ડીજેના તાલે લાખો રૂપિયાનો ધૂમાડો થાય છે અને આ બધું કરીને પછી એનો ખર્ચો તો સામાન્ય જનતાએ જ આપવાનો થાય!
પણ બધા સાંસદો એવા નથી હોતા. ‘નથી હોતા’ એ કહેવા પાછળનું વજૂદ મળ્યું છે તેલંગાણાની સિકંદરાબાદ લોકસભા સીટ પરથી. લોકસભાની આ ચૂંટણીમાં અહીંથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ વિજેતા બન્યા. કિશન રેડ્ડી નામ છે એમનું.

કિશન રેડ્ડીએ જીતની જે ખુશી મનાવી તે નોખી હતી. નોખી એટલા માટે કે તે ખુશીમાં તેલંગાણાના હજારો બાળકોની પણ ખુશી સમાયેલી હતી. જીત મળ્યા બાદ કિશન રેડ્ડીએ પોતાના સમર્થકો અને કાર્યકરો ઉપરાંત જે પણ મળવા આવે તેમને ખાસ અનુરોધ કર્યો, કે તેઓ શાલ કે ફૂલોનો દસ્તો ના લાવે. એની જગ્યાએ રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ સબંધિત સ્કુલમાં ભણાવાતા પુસ્તકની એક કોપી લેતા આવે!

પહેલ અનોખી હતી. સાંસદના નવતર કાર્યાલયમાં મોટી સંખ્યામાં કાર્યકરો, સમર્થકો અને સ્વ-સહાયતા કરનાર લોકો ભેગા થયા. આ બધાના હાથમાં પુસ્તકની એક-એક પ્રત હતી. કોઈએ ગુલદસ્તો કે શાલ લાવી ન હતી. કિશન રેડ્ડીએ પણ પુસ્તકો ખરીદ્યાં. આમ, કુલ મળીને ૮૦૦૦ પુસ્તકો ભેગાં થયાં!
જેવું તેલંગાણામાં નવું શૈક્ષણિક છત્ર શરૂ થયું કે આ પુસ્તકોને એ બધા બાળકોમાં વહેંચી દેવાયા કે જેના મા-બાપ એટલા સધ્ધર નહોતા કે બાળકો માટે પુસ્તક લઈ શકે. ન જાણે કેટલાંય બાળકોનું ભણતર બચી ગયું, ભણતરને પ્રતાપે જીવન બચી ગયું.

આ પ્રયાસ પછી તો બીજા પણ સ્થાનિક રાજકારણીઓએ કિશન રેડ્ડી સાથે મુલાકાત કરી અને આ દિશામાં આગળ વધારે કંઈક કરવા માટે ચર્ચા-વિચારણા પણ કરી. એક સામાન્ય પહેલ કેટલું પરિવર્તન લાવે છે! ટ્વીટર પર પણ કિશન રેડ્ડીના કાર્યની ભારોભાર પ્રશંસા થઈ.
તેલંગાણામાં ભારતીય જનતા પાર્ટીએ ૧૭માંથી ૩ બેઠકો જીતી હતી, જેમાંની એક સિકંદરાબાદમાં કિશન રેડ્ડીએ જીત મેળવી હતી. તેમણે ટીઆરએસના ઉમેદવાર તલસાની સાઇ કિરણને ૬૨,૧૧૪ મતોથી પરાજય આપ્યો. ઉલ્લેખનીય છે, કે આ પહેલા કિશન રેડ્ડી હૈદરાબાદની અંબરપેટ ઉપનગર સીટ પરથી ત્રણ વખત વિધાનસભ્ય તરીકે પણ ચૂંટાઈ આવેલ છે.

“કોઈ બાળક પુસ્તકના અભાવે ભણતર ના છોડવું જોઈએ.” આ નિર્ધાર સાથે કિશન રેડ્ડીને આ નવતર પહેલ કરવાનો વિચાર આવેલો. વિચાર શાનદાર રહ્યો. આ કાર્યથી ઘણા બાળકોને ફાયદો થયો, તો સામે પક્ષે કિશન રેડ્ડીની પણ વગ મજબૂત બનશે!
Author: કૌશલ બારડ – GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks