ખબર

જાણીતા શેફ સંજીવ કપૂર વિનામૂલ્યે અમદાવાદ સિવિલના કોરોના વોરિયર્સને આપશે ભોજન, જાણો વિગત

ગુજરાત સહિત આખા ભારતમાં કોરોના વાયરસની બીજી ઘાતક લહેર ચાલી રહી છે. દરરોજ હજારોની સંખ્યામાં લોકો મોતને ભેટી રહ્યા છે તથા લાખોની સંખ્યામાં નવા કેસ સામે આવી રહ્યા છે. દેશભરમાં ઑક્સીજનથી લઈને બેડની અછત ઊભી થઈ ગઈ છે, અને દર્દીઓ સુવિધાના અભાવે મોતને ભેટી રહ્યા છે.

ગુજરાતમાં પણ પરિસ્થિતિ ગંભીર છે. ત્યારે દેશના જાણીતા શેફ સંજીવ કપૂર કોરોના વોરિયર્સની મદદે આવ્યા છે. દેશના પ્રખ્યાત શેફ સંજીવ કપૂર અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ભોજન પુરુ પાડશે. આ કામગીરી માટે 12 શેફની નિમણૂક કરવામાં આવી છે. અહીં પૂરતી માત્રામાં પ્રોટીનથી ભરપુર પાંચ સમયનું ભોજન પુરુ પડાશે.

દેશના જાણીતા શેફ સંજીવ કપૂર અમદાવાદ સિવિલ હોસ્પિટલની કોવિડ ડેઝિગ્નેટેડ 1200 બેડની હોસ્પિટલમાં રાઉન્ડ ધ ક્લોક કાર્યરત તબીબો માટે મદદ કરવાનું નક્કી કર્યું છે. તેઓ કેટલીક સેવાભાવી સંસ્થાઓની મદદથી આ સેવાકાર્ય કરવાના છે. જેમાં તેઓ અમદાવાદના વોરિયર્સને વિનામૂલ્યે ભોજન આપવાના છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ ડૉ.જે.વી.મોદીએ આ અંગે કહ્યું હતું કે બે દિવસ અગાઉ સંજીવ કપૂર દ્વારા સિવિલ હોસ્પિટલના તબીબોને ભોજન આપવાની વ્યવસ્થા અંગેનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો. જેને હોસ્પિટલ તંત્રએ સ્વીકાર્યો છે. અમે તેમની ભાવનાઓને બિરદાવીએ છીએ.