કૌશલ બારડ લેખકની કલમે

સાંજે દોડતા આવીને કોઈકે સમાચાર આપ્યા કે પરીક્ષા રદ થઈ! [વાંચો ઘરની થાપણ વહેંચીને તૈયારી કરતા વિદ્યાર્થીની રડાવી દેતી સ્ટોરી]

ચોતરફ ચાલી રહેલી સરકારી નોકરીની બોલબાલા જોઈને ૧૨મું ધોરણ પૂરું કર્યાં બાદ એ પણ એકાદ-બે વર્ષ માટે બધું છોડીને તૈયારીમાં લાગી ગયો. જો કે, એની પાસે આમ કરવા પાછળને ચોક્કસ કારણો હતાં : મા-બાપ દા’ડીયું કરતા, મોટી બહેનનાં લગ્ન કરવાના હતાં, નાના ભાઈને ભણાવવો હતો…કોલેજ કરીને નોકરી મળે ત્યાં તો કેટલો વખત વીતી જાય? આમેય એનું સ્પર્ધાત્મક પરિક્ષાઓ માટેનું નોલેજ ઠીકઠાક હતું એટલે લાગેલું કે એકાદ ભરતીમાં તો નીકળી જ જઈશ!

Images Source

ગામમાં રહીને તૈયારી નહી થઈ શકે એવું લાગવાથી એ શહેરમાં ગયો. માતાનો બાપને ઘરેથી લાવેલો એકાદ દાગીનો વર્ષો થયે પેટીમાં પડ્યો હતો. એ વેંચીને જે થોડા પૈસા આવ્યા તે લીધા અને એક ગોદડું લઈને એ શહેરમાં આવ્યો. અહીં ટ્યુશન ક્લાસીસવાળાની ફી માંડ ભરી શકાઈ એ દાગીનામાંથી તો! હવે? પાછો ઘરે ગયો અને ભાઈભારુને મળેલી શિષ્યવૃત્તિના જે થોડાઘણા પૈસા હતા એ બેન્કમાંથી ઉપાડ્યા.

Images Source

દસમાંની ચોપડીમાં એણે અબ્દુલ કલામનો પાઠ ભણેલો. કલામસાહેબને આગળ ભણવા માટે બહેનના ઘરેણાંની જરૂર પડેલી. એ વાતને પ્રેરણા બનાવીને એ ભણવા માંડ્યો. રાતને દિ’ એક કરીને ભણ્યો. અનેક ચોપડાઓ વાંચી કાઢ્યા : સમજ્યો, ના સમજ્યો એ ગોખી કાઢ્યું! એક ટંક જમ્યો ને ત્રણ ટંક ભણ્યો!

એવી વાતો તો આવતી હતી કે, સરકાર ૧૨ પાસ ઉપર પરીક્ષા નહી લે…એ વખતે એના હોંશ ઉડી જતા. આવું થશે તો? મારું શું થશે? હશે, સરકાર ભરતીની જાહેરાત કરીને છેવટે આમ વાતનું વતેસર થોડી કરવાની! ગાંધીનગરના સાહેબો સાવ આવા થોડા છે? સંવેદનશીલ છે! – આવું વિચારીને, ઈશ્વરને સ્મરી એ હૈયે ધરપત લાવતો અને ફરીવાર ગણિત, અંગ્રેજી કે સંવિધાન ભણવા બેસી જતો.

Images Source

હવે પરીક્ષા નજીક આવી ગઈ છે. બસ, હવે થોડા જ દિવસ અને પોતાની બે વર્ષની મહેનત લેખે લાગશે! આનાથી બહારનું પૂછાશે? આટલું તો મેં વાંચી જ કાઢ્યું છે. હજુ જોઈ લઈશ. હવે આનાથી વધારે તો ક્લેકટર સાહેબોની પરીક્ષામાં પૂછાય! તોયે જોઈ લેવા દે…શી ખબર રખે ને સરકાર પેપર અઘરું કાઢે! બસ, હવે ગણતરીના જ દિવસો…હવે બે-ત્રણ કલાક જ સૂવું છે. એવું હશે તો રાતે એકાદ ચા પી આવીશ!

એક સાંજે એ વાંચતો હતો ને બે-ત્રણ જણ આવ્યા. આવીને ઘડીભર તો એની સામું તાકી રહ્યા. પછી જોરશોરથી હસવા માંડ્યા. એ નવાઈ પામ્યો.

“ભણેશરી! હવે તારો આ પથારો ઉપાડીને ઘરભેગો થઈ જા. સરકારે પરીક્ષા રદ કરી છે ને હવે પરીક્ષા લેવાશે તો પણ ગ્રેજ્યુએટ હોય એની જ!” એક જણે કહી દીધું.

Images Source

અને એ ભાંગી પડ્યો! ઘડીભર તો બધું અવાસ્તવિક લાગ્યું પણ પછી અંદરથી જોરદાર ધક્કો લાગ્યો. રોજ જે સપનું એને જગાડી રાખતું એ જ આજે કડડભૂસ થતું ભાસ્યું. હવે પોતે પરીક્ષા નહી આપી શકે! – આ વિચાર એના દિલોદિમાગમાં શૂળની જેમ ભોંકાવા માંડ્યો. આવી પરિસ્થિતીમાં વિચારો પણ શાના આવે?

ઓલ્યા તો ઘડીભર હસીઠેકીને ચાલ્યા ગયા પણ હવે પોતાને શું કરવું? ઘેર જવું? જઈને શું કહેવું? શું કરવું? મા-બાપ, ભાઇ-બહેનને દેખાડેલા સપનાનું શું? ‘હવે આવીશ તો સરકારનો કર્મચારી બનીને!’ – આ વચનનું શું? એની વિહવળતાનો પાર ન રહ્યો.

ફરીવાર કોઈ આવ્યું. મકાન માલિક હતો. ભરાયેલી આંખોમાંથી ચહેરો તો સ્પષ્ટ રીતે ના જોઈ શક્યો પણ ધમકીભર્યો અવાજ એના કાનમાં ચોખ્ખો અથડાયો,

“મહીનો પૂરો થયો છે. કાલે ભાડું આપજો બાકી બિસ્તરાં-પોટલાં સંકેલી લેજો…અહીં નવી ભરતી કરવાની છે!”

Author: Kaushal Barad GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.