લેખકની કલમે

પોતાના સંતાનના ઉજ્જવળ ભવિષ્ય માટે અને પરિવાર માટે કરેલ એક સ્ત્રીના સંઘર્ષમય જીવનની વાત..!!

“સંઘર્ષ : એક નારીનો…

“સાંભળ મારી સંઘર્ષ કથા, મારા વ્હાલા દીકરા.
કેમ કરી મેં સાંભળી હતી, તમારી જીવન ધરા.
મારા મનની વાત કદી, જો જાણી લઈશ તું,
કદી નહિ ઉચ્ચારે મને, બેટા તું શબ્દો આકરા…”
– અલ્કેશ ચાવડા ‘અનુરાગ’

“બેટા, આ વખતે ખેતરે મોલ પાણી કેવાક છે…? આ વખતે તો ભગવાન રીઝે ને તો તારી મોટી બેન ને મારે આવેલ ખેતીના મોલ માંથી ભગવાન જે દેવડાવે એ રાજી કરવી છે…”

“તમે ચાર ભાઈ બહેન માં એ સૌથી મોટી છે. ભગવાને એના આણા માં જે દેવડાવ્યું એ મેં દીધું અને રાજી થઈને લઈ એના સાસરે જતી રહી. કોઈ દિવસ એને કોઈ વસ્તુ માંગી નથી. હું કઈ આપવાનું કહું તો પણ ના કહે છે અને કહે છે કે…
‘મારા નાના ભાઈ બહેનને આપો. મારે નથી જોઈતું…’ ”
એ દિવસે સવારે એ ચાર સંતાનોની મા, સિત્તેર વર્ષના માજી એ પોતાના મોટા દીકરાને આ એકની એક વાત ચાર થી પાંચ વખત કરી અને દીકરા એ જવાબ આપેલો કે…

“મા, તમ તમારે આટલી ઉંમરે હરિ ભજન કરો ને, તમારે શુ આ બધી માથાકૂટ… અને તમને આમાં કાઈ ખબર ન પડે… તમે દર વખતે મોટી બહેનને કઈક ને કઈક આપવાની વાત કરો છો. મારી રીતે હું બહેનને રાજી કરતોજ રહું છું… અને તમને ખબર છે કે ખેતીમાં કેટલી મહેનત મજૂરી અને સંઘર્ષ કરું ત્યારે આ પરિવાર નું પૂરું થાય છે…”

દીકરાના આવા ઉધ્ધડ જવાબ થી એ માજી ચૂપ થઈ ગયેલા. પછી આખો દિવસ દીકરાના એ જ શબ્દો એમના કાનમાં ગુંજતા રહ્યા કે… “કેટલો સંઘર્ષ કરું છું… તમને આમાં ખબર ન પડે…”
રાતનું વાળું કરી એ સિતેરેક વર્ષના માજી ખાટલે આડા પડ્યા અને દીકરાના “સંઘર્ષ” વાળા શબ્દો ફરી યાદ આવી ગયા… દીકરાએ વર્તમાનમાં કહેલા એ શબ્દો જાણે માજીના ભૂતકાળ સાથે અનુબંધિત થતા હતા. માજી નું આખું માનસ જાણે ભૂતકાળમાં ગરકાવ થઈ ગયું. યાદ આવી ગયો માજીને પોતાનો જીવન સાથે, ઈશ્વર સાથે, સમાજ સાથે અને પોતાના મોટા પરિવાર ને માટે કરેલો એ સંઘર્ષ…માજીને યાદ આવી ગયું કે જ્યારે પોતે પચીસેક વર્ષની બાપના ઘરની કોડ ભરી કન્યા હતી અને લગ્ન કરી મનમાં ભાવિ જીવનને સજાવવાના સ્વપ્ન સાથે વહુવારું બની આવી હતી સાસરે…
સાસરે મોટી જમીન જાગીરી ન હતી પણ પતિનો પ્રચુર પ્રેમ હતો. સાવ થોડી મિલકત હતી પણ પોતાની હોશિયારી થી એનો પતિ ખેતીમાંથી ખૂબ સારી કમાણી કરી લેતો… જેથી સાસરે ખાવા પૈસે ટકે કોઈ ખેંચતાણ ન હતી. પોતાને દીકરીની જેમ સાચવતા સસરા હતા. ખૂબ આનંદથી મહેનત કરતા કરતા જીવન પસાર થઈ રહ્યું હતું. લોકો સંતાન સુખ માટે તરસતા હોય છે ત્યારે એના પરિવાર ને ભગવાને એક નહિ પણ બે દીકરી અને બે દીકરાનું સંતાન સુખ પણ આપી દીધું હતું. કુટુંબમાં કોઈ તકલીફ જેવું હતું નહીં.

પણ જેમ દિવસ પછી રાત અને રાત પછી દિવસ નું પરિવર્તન થયા કરે છે એમ એના સુખી પરિવાર માં પણ પરિવર્તનનો સમય શરૂ થયેલો. પાકટ ઉંમરે સસરા સ્વર્ગે સિધાવ્યા. સસરા ઉંમર લઈને ગયા હતા , દુઃખ હતું પણ એટલો આઘાતજનક ન હતું… સાહિઠેક વર્ષ પહેલાં પરિવારમાં આવેલ સસરાના મૃત્યુના એ દુઃખ સમયે પોતે વિચાર્યું પણ ન હતું કે એ એના “સંઘર્ષ” નો આરંભ છે. સસરાના મૃત્યુના દસ મહિના બાદ ખેતરના હદ ની બોલાચાલીમાં એના પતિનો પડોષના ખેડૂત સાથે થયેલો. બોલાચાલી એટલી ઉગ્ર થયેલી કે સામેના ભાઈએ એમના ખેતરમાં ઉભેલા મોલમાં ખૂબ નુકશાન કર્યું. પોતાના ખેતરમાં થયેલા નુકસાનનો આઘાત એના પતિને એટલી હદે થયો કે સીધી મગજ ઉપર અસર થઈ ગયેલી અને એ પાગલ થઈ ગયો. બસ આખો દિવસ બોલ બોલ કરે.
ઘરમાં બચેલી થોડી ઘણી મૂડી પતિના દવા દારૂમાં વપરાઇ ગઈ. આખા પરિવારના ગુજરાનની જવાબદારી પોતાની પર આવી પડેલી. એકબાજુ નાના સંતાનોને મોટા કરવાના , સમાજના વહેવારો સાચવવાના, ખેતી વાડી જોવાની અને પોતાના ગાંડા થઈ ગયેલા પતિની સેવા ચાકરી કરવાની એને સાચવવાનો…

આટલો ભૂતકાળ યાદ આવી જતા આજે ખાટલામાં પડ્યા પડ્યા એ માજી ની આંખો ભરાઈ આવી. પોતાના સાડલા થી આંખો લૂંછી અને પાછા ભૂતકાળના તાર મેળવવા વિચાર મગ્ન બની ગયા.
પતિનો દવાખાનાનો ખર્ચ ખૂબ વધી ગયેલો પણ ફરક સહેજ પણ નહીં. જમીન જાગીરી વેચવી પડી અને વધ્યું માત્ર એક નાનકડું ઘર અને પિતાજીએ લગ્ન વખતે આપેલ થોડા દાગીના. તાણી તોષી , મહેનત કરી, સમાજની ટીકા ટિપ્પણી સહન કરી સાચવતી ગઈ એ પાગલ પતિને અને મોટા કરતી ગઈ પોતાના વહાલસોયા ચાર સંતાનોને. દીકરીઓ ઉંમર લાયક થઈ. એમના લગ્નનો સમય થયો. મજૂરી કરી બચાવેલ થોડી મૂડી અને પિતાએ આપેલ થોડા દાગીના માંથી અડધા વેચી ને જે પૈસા આવ્યા એમાંથી દીકરીઓ પરણાવી. એ દિવસના દીકરીઓના લગ્ન પ્રસંગની એ ઘટનાથી માજીને છાતીએ ડૂમો ભરાઈ ગયો કે…દિકરીઓનો બાપ જીવતો હોવા છતાં એના પાગલપણાને લીધે એને ઘરમાં પુરી રાખવો પડ્યો હતો. સગો બાપ હોવા છતાં પડોશી દ્વારા દિકરીઓનું કન્યાદાન કરવું પડ્યું હતું.

દીકરીઓના લગ્ન પત્યા ત્યાં દિકરાઓના લગ્નનો વખત આવ્યો. આપણે કલ્પના પણ ન કરી શકીએ કે એ માજીએ કઈ રીતે આ બધા વ્યવહારો પાર પાડ્યા હશે…!!! જાત તૂટી જાય એટલી હદે મહેનત કરી થોડી ઘણી મૂડી ભેગી કરે અને પોતે પોતાના ભાગે અને નસીબે આવેલ જીવન સંઘર્ષ કરતી જાય. પોતાની જાત પર વિશ્વાસ રાખી, ભગવાન પર શ્રદ્ધા રાખી…
માજીને એ પ્રસંગ પણ યાદ આવી ગયો કે મોટો દીકરો બીમાર પડ્યો અને પાછા એના દવા દારૂના ખર્ચ માટે પોતે પોતાના વધેલા દાગીના પણ વેચી માર્યા હતા અને દીકરાની દવા કરાવેલ…

સતત ચાલીસ ચાલીસ વર્ષથી કોઈ ફરિયાદ વિના પરિશ્રમ કરતી , જાણે જીવનરૂપી કુરુક્ષેત્રમાં પરિવારના જીવનની જીત માટે સંઘર્ષરત એનું આખું જીવન, એ દિવસે દીકરાના બોલાયેલા બે કડવા શબ્દો થી એની ઊંડી ઉતરી ગયેલી આંખોમાં જીવિત થઈ ઉઠ્યું… માજી ખાટલામાં બેઠા થઈ ગયા અને પોતાના ઓરડામાં દરવાજા બંધ કરી સુતેલા દીકરા ને માજી જાણે મનોમન કહી રહ્યા હતા કે…

“દીકરા, તે તારા સંઘર્ષની વાત મને કહી દીધી કારણ હું તારી ‘મા’ છું પણ બેટા મેં…પરિવારને સાચવવા ,તમને મોટા કરવા,તારા ગાંડા થઈ ગયેલા પિતાને સાચવવા, તમારા વ્યવહાર પુરા કરવા કરેલા જીવ સાટેના એક વિરાંગનાની જેમ કરેલા સંઘર્ષ ની વાત હું કોને કહું… તને ન કહી શકું કારણ તું મારો ‘દીકરો’ છે…

… અને બરાબર એજ સમયે મેઘલી રાતે આકાશમાં મેઘગર્જના થઈ જાણે ઉપર ભગવાન માજીના મનની વાત સાંભળી હોંકારો દઈ રહ્યો હતો…

Author : GujjuRocks – અલ્કેશ ચાવડા ‘અનુરાગ’ (શંખેશ્વર)
દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.