બ્રેકીંગ ન્યુઝ: સાણંદના SDMએ પોતાની જ સોસાયટીના 5માં માળેથી કૂદીને કરી લીધો આપઘાત

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપઘાતના ઘણા બધા મામલાઓ સામે આવી રહ્યા છે. ઘણા લોકો માનસિક તાણના કારણે તો ઘણા લોકો આર્થિક તંગીના કારણે પણ આપઘાત કરી લેતા હોય છે. તો ઘણીવાર આપઘાત કરવા પાછળ પારિવારિક ઝઘડાઓ પણ જવાબદાર માનવામાં આવતા હોય છે. ઘણા સરકારી અધિકારીઓ પણ આપઘાત કરી લેતા ચકચારી મચી જતી હોય છે, ત્યારે હાલ એવા જ એક આપઘાતની ઘટના સાણંદમાંથી સામે આવી છે.

અમદાવાદ-સાણંદમાં એસડીએમ તરીકે ફરજ બજાવતા અને મૂળ પાલનપુરના રહેવાસી રાજેન્દ્ર કેશવલાલ પટેલે અગમ્ય કારણો સર સાણંદની નિર્મિત ફ્લોરા સોસાયટીના પાંચમા માળેથી કૂદીને મોતને વહાલું કરી લીધું છે. તેઓ 15 દિવસ પહેલા જ સાણંદની નિર્મિત ફ્લોરા સોસાયટીના B 403માં રહેવા માટે આવ્યા હતા અને તેઓ સાણંદ વિધાનસભા સીટના રિટર્નિંગ ઓફિસર હતા.

એસડીએમના આપઘાતની ખબર મળતા જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ ઘટનાને લઈને આસપાસના રહીશોમાં પણ અરેરાટી વ્યાપી ગઈ હતી. તેમના નિધનથી બેડામાં પણ શોકનો માહોલ ફરી વળ્યો હતો. પરિવાર પણ તેમના આ પગલાંના કારણે આઘાતમાં છે.

પોલીસ આ મામલે ઘટના સ્થળે પહોંચી તેમના આપઘાત કરતા પહેલા કોઈ ચિઠ્ઠી લખી છે કે નહિ તે અંગે પણ તપાસ કરી રહી છે. સાથે જ તેમના સંબંધીઓ અને પાડોશીઓ સમેત પરિવારની પણ આ મામલે પુછપરછ કરી રહી છે. આ ઘટના બાદ સમગ્ર સાણંદમાં ભારે ચકચારી મચી ગઈ છે. પોલીસ હાલ આ મામલે તપાસ કરી રહી છે.

Niraj Patel