સાણંદમાં “મેં મારી પત્નીની હત્યા કરી નાખી છે અને લાશ ઘરમાં પડી છે !” એવું આરોપીએ જાતે જ પોલીસ સ્ટેશનમાં જઈને કહ્યું, પોલીસ પણ હેરાન રહી ગઈ

ગુજરાતમાં રોજ કોઈને કોઈની હત્યાનો બનાવ સામે આવતો રહે છે, પતિ-પત્ની વચ્ચે કોઈને કોઈ વાતે ઝઘડા થતા રહે છે, પરંતુ આ ઝઘડા ઘણીવાર હત્યામાં પરિણમતા હોય છે, ત્યારે આવો જ એક મામલો હાલ સાણંદમાંથી સામે આવ્યો છે, જ્યાં એક પતિએ પત્નીને હત્યા કરી નાખી અને પોલીસ સ્ટેશનમાં જઈને પોતાનો ગુન્હો પણ પોલીસ સમક્ષ કબૂલી લીધો હતો, પોલીસ પણ આરોપીની વાત સાંભળીને ચોંકી ગઈ હતી.

આ બાબતે મળી રહેલી માહિતી અનુસાર મૂળ સુરેન્દ્રનગર અને છેલ્લા 20 વર્ષથી સાણંદમાં ભવનાથ મહાદેવના મંદિર પાછળ આવેલા શ્યામહિલ એપાર્ટમેન્ટમાં રહેતા અશોકભાઈ નારણદાસ રાણા ફોટોગ્રાફીના વ્યવસાય સાઠહે સંકળાયેલા છે અને તેમનો એક સ્ટુડિયો પણ છે. તેમના લગ્ન સાણંદમાં જ રહેનારી ડિમ્પલ નામની યુવતી સાથે થયા હતા અને જેના બાદ તે તેમના વ્યવસાય સાથે જ સાણંદમાં સ્થાયી પણ થઇ ગયા હતા.

લગ્ન બાદ તેમને બે દીકરા પણ છે. પતિ-પત્ની વચ્ચે અવાર નવા કોઈને કોઈ બાબતે ઝઘડા થતા રહેતા હતા. પરંતુ ગત મંગળવારના રોજ અશોકભાઈ અને ડિમ્પલ વચ્ચે કોઈ બાબતને લઈને ઝઘડો થઇ ગયો અને આ ઝઘડાએ વિકરાળ રૂપ ધારણ કરતા અશોકભાઈએ પોલીસ્ટરનું નાડું લઈને ડિમ્પલબેનનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધા હતા અને હત્યા કર્યા બાદ પોતે પોલીસ સ્ટેશનમાં પણ હાજર થઇ ગયા હતા.

પોલીસ સ્ટેશનમાં પહોંચીને અશોકભાઈએ જયારે પોતાનો ગુન્હો કબુલ્યો ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને તાબડતોબ ઘટનાની ખરાઈ કરવા માટે આરોપીના ઘરે પણ પહોંચી હતી, જ્યાંથી ડિમ્પલબેનની લાશ મળી આવી હતી. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી હતી. આ મામલે પોલીસે મૃતકના ભાઈની ફરિયાદના આધારે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આ મામલો ઘરકંકાસનો જણાઈ રહ્યો છે. આ ઘટના વાયુવેગે શહેરમાં પ્રસરાઈ ગઈ હતી. જેના બાદ સમગ્ર પંથકમાં ચકચારી મચી ગઈ.

Niraj Patel