લેખકની કલમે

સંબંધોનુ મૃત્યુ: સંબંધીઓ અને સ્વજનોના મૃત્યુ વિશે તો આપ સૌ જાણો છો પરંતુ શુ સંબંધોના મૃત્યુ વિશે જાણો છો? મારા અને તમારા જીવનમાં આવા કેટલાય સંબંધોના મૃત્યુ થાય છે તો આવા સંબંધોના મૃત્યુનું સત્ય જાણવા વાંચો આ લેખ

સમય સાથે આવતા બદલાવની સાથે સાથે આપણા જીવનમાં પણ કેટલાંય બદલાવ આવ્યા છે. ભાગદોડભર્યા આ જીવનમાં આપણે કેટલીય વસ્તુઓને સાથે લઈને ચાલતા હોઈએ છીએ જેમ કે સંબંધો,પૈસા,જવાબદારી,સંસ્કારો,વિચારો અને માણસોને. અમુક લોકો આ દરેક વસ્તુઓ વચ્ચે સારુ એવુ બેલેન્સ કરી શકે છે જયારે કેટલાંક લોકો બધુ સાથે લઈને ચાલી શકતા નથી(એનો મતલબ એવો પણ નથી કે આવા લોકો માત્ર પોતાનો જ વિચાર કરે છે એમ) આજકાલની લાઈફસ્ટાઈલ જોતા માણસને લાગણીશીલ બનવા કરતા પ્રેક્ટિકલ બનવું વધારે અનુકૂળ લાગે છે કારણકે આજકાલ તમારી લાગણીઓના ઈન્વેસ્ટમેન્ટ પાછળ ઈન્ટરેસ્ટ રેટ બહુજ ઓછો મળે છે અને તમારી પ્રેક્ટિકલ હોવાની આવડતનો ભાવ દિવસે ને દિવસે વધતો જાય છે.

આજનો માણસ અભાવમાં જ જીવે છે એ પછી સમયનો હોય, પૈસાનો હોય, પ્રેમનો હોય કે સંબધોનો હોય. પૈસા અને સમયને એકવાર બેલેન્સ પણ કરી શકાય પરંતુ સંબધ? સંબધોને બેલેન્સ નથી કરી શકાતા. એક સંબધ બીજા સંબધની જગ્યા નથી લઈ શકતો દરેક સંબધનું પોતાનું આગવું અસ્તિત્વ છે દરેક સંબધની પોતાની વ્યાખ્યાઓ,પોતાની શરતો અને પોતાના નિયમો હોય છે. માણસનો જન્મ થાય ત્યાંથી શરૂ કરીને મૃત્યુ થાય ત્યાં સુધી માણસ સંબધોની આજુબાજુ જ જીવ્યા કરે છે. કયા સંબધનો કયારે ઉમેરો કરવો, કયા સંબધને કયારે બાદ કરવો, કયા સંબધનો ઉપયોગ કઈ રીતે કરવો આ બધી જ ફાવટ માણસને ધીરે ધીરે આવવા લાગે છે.

હા, કદાચ એવુ બને પણ ખરી કે બધા સંબધો નિભાવવામાં આપણે સફળ ન પણ થઈએ અથવા તો સામેવાળાની જરૂરિયાત મુજબ આપણે એડજસ્ટ ન પણ થઈ શકીએ અને એ સંબંધ આપણે તોડી દઈએ અથવા માણસને છોડી પણ દઈએ. આજના આ પ્રેક્ટિકલ યુગમાં માણસના મૃત્યુ પછી શોક મનાવવાનો સમય,આંસુઓ અને પૂરતુ દુઃખ કદાચ આપણી પાસે ન હોય પરંતુ આપણા આવા તુટેલા કે મૃત્યુ પામેલા સંબધોનો શોક આપણે આખી જીંદગી જીવીયે ત્યાં સુધી મનાવીએ છીએ. સંબધ બાંધવાની કે સ્વીકારવાની આપણી પાસે જેટલી ઈમાનદારી હોય છે એટલી તૂટેલા સંબધને ભૂલવાની નથી હોતી. સંબંધ તૂટતાની સાથે જ આપણા અને એ વ્યક્તિની વચ્ચેની પ્રેમ, વિશ્વાસ અને લાગણીઓનું મૃત્યુ થઈ જાય છે. પરંતુ આપણે એ સંબધના મૃતયુ પછી પણ એના મડદાનો બોજ લઈને ફર્યા કરીએ છીએ. સતત એ સંબધના ઘા ને આપણે ખોતરીએ છીએ. આપણને મજા આવવા લાગે છે એને ખોતરવાની એમાંથી લોહી નીકાળવાની અને મૃત્યુ પામેલા એ સંબંધને આપણે નફરત નામનું ઝેર પાઈને આપણી જીંદગીમાં જીવતો રાખીએ છીએ. શરીરનું એકાદ તૂટેલું અંગ આપણને આખીય જીંદગી પીડા આપે છે અને આ પીડામાંથી બચવા આપણે એ અંગને શરીરથી અલગ કરી દેતા હોઈએ છીએ એમ જ આપણી જીંદગીમાં આપણને પીડા આપી રહેલા આવા એકાદ સંબધને જીંદગીથી અલગ કરીને આ પીડામાંથી મુક્ત થવા જેટલી શક્તિ અને સમજદારી બંને આપણામાં હોવી જોઈએ.

સંબંધના તૂટયા પછી પણ વર્ષો સુધી આપણે દરરોજ એ સંબધના નફા-નુકસાનનો હિસાબ માંડતા હોઈએ છીએ. દરરોજ આપણે આવા સંબંધોનું માતમ મનાવીએ છીએ અને આંસુ પાડતા હોઈએ છીએ પરંતુ સંબધ તૂટી ગયા પછી એ વાતને સ્વીકારવા જેટલી હિમંત આપણામાં નથી હોતી અથવા આપણે કરવા નથી માંગતા. જન્મથી મૃત્યુ સુધી કેટલાંય સંબધો બનતા અને તૂટતા હોય છે કેટલાંય માણસો જીંદગીમાં આવતા અને જતા હોય છે દરેક માણસ સમયની એ રેતી પર પોતાના પગના નિશાન છોડીને જતી હોય છે. સંબધોને જેટલી ઝડપથી સ્વીકારવાની આપણી માનસિકતા હોય છે એટલી જ સહજતા તૂટેલા સંબધને ભૂલવાની પણ હોવી જોઈએ. જેમ મૃત્યુ થતી વ્યક્તિ ફરી જન્મ લેતી હોય છે એમ મૃત્યુ થતો સંબધ પણ ફરી જન્મ લેતો જ હોય છે. માણસને કોઈપણ નિયમો,પ્રશ્નો અને અપેક્ષાઓ વગર જો આપણી જીંદગીમાં અપનાવી શકીએ તો કોઈ પણ શરતો અને અપેક્ષાઓ વગર માણસને આપણી જીંદગીમાંથી જવા પણ દેવો જોઈએ.

કદાચ, મારા અનુભવે એટલું જ શીખી છું કે “કોઈ પણ સંબધને તોડવા કરતા છોડી દેવો” કારણ કે તૂટેલો સંબંધ છૂટેલા સંબધ કરતા વધુ તકલીફ આપે છે અને કદાચ એટલે જ જે સંબધમાં હું કે સામેવાળી વ્યક્તિ ફિટ ન થતાં હોઈએ એ દરેક સંબધને છોડી દેવામાં જ સમજદારી હોય છે. તમે પણ કરી જોજો પ્રયત્ન કદાચ તૂટેલા સંબધોના એ મૃત્યુના દુઃખનો ભાર ઓછો થઈ જાય.

ખ્યાતિ ઠકકર
સફર

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks