રમકડાં રમવાની ઉંમરમાં જામનગરના આ ટેણીયાએ હાથમાં પકડી લીધું બેટ, રમત જોઈને તમને પણ સચિન તેંડુલકરની યાદ આવી જશે, જુઓ વીડિયો

આપણા દેશમાં ક્રિકેટપ્રેમીઓ તમને ખૂણે ખૂણે મળી જશે. ક્રિકેટરોની લાઈફ જોઈને ઘણા લોકોના મનમાં ક્રિકેટર બનવાના સપના પણ રોપાય છે, ઘણા લોકો પોતાના બાળકોને ક્રિકેટર બનાવવા માટે મહેનત કરાવતા હોય છે. પરંતુ હાલ ગુજરાતના એક એવા પાંચ વર્ષના ટેણીયાની કહાની વાયરલ થઇ રહી છે જેને જોઈને તમે પણ તેની રમતને સલામ કરશો.

ક્રિકેટર બનવા માટે નાનપણથી મહેનત કરવી પડે છે, ત્યારે જામનગરના આ બાળકને તેના માતા-પિતાએ જન્મતાની સાથે જ સીઝન બોલ આપ્યો, હજુ તો દીકરો પાપા પગલી કરતા પણ નહોતો શીખ્યો ત્યાં જ તેના હાથમાં બેટ પકડાવી દીધું અને તેને સમજણ આવતાની સાથે જ ક્રિકેટમાં રુચિ જન્માવી.

આજે આ ટેણીયું પાંચ વર્ષ નવ મહિનાનું થઇ ગયું છે અને આજે તેની રમત જોઈને ભલભલા દિગ્ગજ રાજકારણીઓ અને મહાનુભવો પણ તેને સલામ કરે છે. આ બાળક છે જામનગરના વતની મિલન પટેલનો દીકરો સમર્થ પટેલ. પાંચ વર્ષમાં સમર્થને ક્રિકેટમાં એટલો રસ પડી ગયો છે કે તે મોટો થઈને વીરેન્દ્ર સહેવાગ જેવો ક્રિકેટર બનવા ઈચ્છે છે.

સમર્થ માત્ર ક્રિકેટના મેદાનમાં જ નહિ પરંતુ ઘરની છત હોય કે શેરી, જ્યાં પણ તેને જગ્યા મળે ત્યાં ક્રિકેટની પ્રેક્ટિસ કરતો રહે છે. સમર્થ સીઝન બોલ, ટેનીસ બોલ, સેન્થેટીક બોલ, રબર, પ્લાસ્ટીક, હોકી બોલ સહીતના વિવિધ બોલથી પોતાના ખાસ બેટથી પ્રેકટીસ કરે છે. ક્રિકેટર બનવા માટે સમર્થ ખુબ જ મહેનત કરતો પણ જોવા મળે છે.

સોશિયલ મીડિયામાં સમર્થના બાળપણથી લઈને અત્યાર સુધીનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં જન્મથી લઈને અત્યાર સુધીનું તેનું ક્રિકેટ સાથેનું જોડાણ બતાવવામાં આવ્યું છે. સમર્થના પિતા મિલનભાઈને ફૂટબોલમાં રુચિ હતી તેમજ તેના માતા ભાવિકા (B.P.Ed.)  સ્પોર્ટ્સમાં શિક્ષિકા હતા. જેના કારણે તે પોતાના દીકરાને સ્પોર્ટ્સ તરફ આગળ વધારવા ઇચ્છતા હતા.

જયારે સમર્થ ઘૂંટણિયા ભરતો થયો ત્યારે પ્લાસ્ટિકના બોલથી બેટથી બોલને સતત હિટ કરતો રહ્યો.મિલનભાઈએ સમર્થ માટે પોતાના ઘરની છત ઉપર જ ખાસ નેટગ્રાઉન્ડ પણ તૈયાર કરી દીધું છે. જેના ઉપર સમર્થ પ્રેક્ટિસ કરે છે, આ ઉપરાંત છેલ્લા કેટલાક સમયથી તે સમર્થને મેદાન ઉપર પણ તાલીમ આપી રહ્યા છે.

સમર્થ એક સારો ક્રિકેટર બને તેના માટે થઈને પરિવાર પણ ખુબ જ સાથ અને સહકાર આપી રહ્યો છે.સમર્થના પિતા મિલનભાઈ પોતે જ તેના કોચ છે અને પોતાની દેખરેખ હેઠળ જ તે દીકરાને તાલીમ આપી રહ્યા છે. ધ ગુજ્જુરોક્સ ટીમ સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે તે આવતા મહિને જ વડોદરા શિફ્ટ થઇ રહ્યા છે,  જ્યાં દર્શનમ ક્રિકેટ એકેડમીમાં સમર્થને તાલીમ માટે મુકશે. ત્યાંના હેડ કોચ મીતેન શાહ છે.

મિલનભાઈએ જણાવ્યું કે હાલ સમર્થની સ્કૂલમાં એડમિશન માટેની પ્રક્રિયા ચાલી રહી છે.વડોદરામાં તેનો પરિવાર તેની સાથે જ રહેશે અને દીકરાને મહેનત કરાવશે. પરિવારનું સપનું સમર્થને એક શ્રેષ્ઠ ક્રિકેટર બનાવવાનું છે. મિલનભાઈએ એ પણ જણાવ્યું કે સમર્થના વીડિયોને લોકોએ ખુબ જ શેર કર્યો છે, સૌ પ્રથમ ESPN સ્પોર્ટ્સ દ્વારા સમર્થના એક વીડિયોને શેર કરવામાં આવ્યો હતો, જેના બાદ લોકોને સમર્થની ક્રિકેટ ખુબ જ પસંદ આવી અને પછી દિગ્ગજ રાજકારણીઓ, મહાનુભાવોથી લઈને મીડિયાના લોકો પણ સમર્થના આ ટેલેન્ટને શેર કરવા લાગ્યા છે.

મિલનભાઈ માટે સમર્થને ક્રિકેટર બનાવવો પણ એટલું સહેલું નથી. તેના માટે થઈને તેમને પોતાનો વ્યવસાય તેમના પિતાને સોંપી દીધો છે અને આખો દિવસ તે સમર્થને ક્રિકેટની તાલીમ આપે છે. સમર્થન મમ્મી બ્યુટી સલૂન ચલાવે છે. તથા તેમન દાદી તેનું ડાયેટનું ધ્યાન રાખે છે. જામનગરમાં પૂરતી સુવિધાઓ ના હોવાના કારણે તે વડોદરામાં શિફ્ટ થવા જઈ રહ્યા છે. .

આ માટે મિલનભાઈ અને તેમનો સમગ્ર પરિવાર આવનારા દરેક પડકારોનો સામનો કરવા તૈયાર છેપાંચ વર્ષના સમર્થ માટે બેટ, પેડ અને હેલ્મેટ જેવા ક્રિકેટને લગતા સાધનો મળવા પણ ખુબ જ મુશ્કેલ હોય છે ત્યારે આ સાધનો ખાસ કારીગરો પાસે તૈયાર કરાવવામાં આવ્યા છે.  રાજકોટથી (જગાભાઈ સોલંકી) બેટ અને અને અન્ય બીજા સાધનો મેરઠ (RAVA Sports)માંથી પણ મંગાવવામાં આવે છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

સમર્થના ફઈ દ્વારા સૌપ્રથમ તમામ સાધનોની પૂજા કરવામાં આવે છે. સમર્થનું ક્રિકેટ પ્રત્યેનું સમર્થન અને જુસ્સો જોઈને ક્રિકેટપ્રેમી, દિગ્ગજ રાજકારણીઓ, મહાનુભવો અને લોકો પણ દંગ રહી ગયા છે. સમર્થનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.ધ ગુજ્જુરોક્સની ટીમના માધ્યમ દ્વારા મિલનભાઈ, સમર્થનના તમામ ચાહકોનું ખુબ ખુબ આભાર માને છે.

Niraj Patel