“સિંગલ મધર”
(એક સ્ત્રીની સાહસકથા)
લગ્નના ત્રીજા જ વર્ષે સલોની અને મયુરના ડિવોર્સ થયા. બે વર્ષની આરાધ્યાને લઇ અને સલોની પોતાના પિતા સાથે
રહેવા ચાલી ગઈ. મયુર પૈસાની દૃષ્ટીએ સુખી સંપન્ન હતો પરંતુ, વિચારોમાં પૈસાનું અભિમાન. સંબંધો નિભાવવામાં કાચો પડેલો અને રૂપિયાની લાલચમાં અંધ બનેલા મયુરે પોતાની બે વર્ષની આરાધ્યાની પણ ચિંતા ના કરી! તો પોતાની પત્ની સલોનીને કેવી રીતે સાચવી શકવાનો? રોજ રાત્રે અંગ્રેજી દારૂ પી અને ઘરમાં આવે. વગર વાંકે સલોનીને માર મારે. પોતાની દીકરી આરાધ્યાને તો ક્યારેય એને ધ્યાનથી જોઈ પણ નહોતી. અને આ બધી તકલીફોના કારણે સલોનીએ મયુરથી અલગ થવાનું વિચારી લીધું. આરાધ્યાના ભવિષ્ય માટે.

પણ અલગ થવું કાંઈ એટલું સહેલું નહોતું સલોની માટે. એ જાણતી જ હતી કે ભવિષ્યમાં ઘણી તકલીફો આવી શકે છે,
અને એક દીકરીને ઉછેરવી એટલે જાણે સાપનો ભારો સાચવવો. પરંતુ દરેક પરિસ્થિતિનો સામનો કરવા એણે પોતાની જાતને તૈયાર કરી લીધી હતી. કારણ કે હવે મયુર સાથે તેનું જીવન આગળ વધી શકે તેમ નહોતું, પોતે તો ગમે તેમ કરી અને જીવી લેતી પરંતુ દીકરી આરાધ્યાના ભવિષ્યનું શું? તે આ વાતાવરણમાં રહેશે તો તેના ભવિષ્ય ઉપર ખરાબ અસર પડી શકે છે. એમ નક્કી કરી સલોનીએ પોતાનો રસ્તો શોધી લીધો.

સાસરિયાને છોડી સલોની પોતાના પિયર ચાલી આવી. પરંતુ પિતાના ઘરે પણ કેટલો સમય રહી શકે ? સલોનીના પિતા પણ આર્થિક રીતે સધ્ધર હતાં, સલોનીના બીજા લગ્ન માટે મથામણ ચાલી પણ એક જ પ્રશ્ન આવીને ઊભો રહેતો..!! આરાધ્યા સાથે સલોનીને સ્વીકારશે કોણ? સમાજની આ મોટી નબળાઈ સલોનીના બીજા લગ્નની આડે આવતી હતી, જો દીકરો હોત તો કોઈપણ વ્યક્તિ સલોનીનો હાથ પકડી શકતું, પરંતુ દીકરી સાથે એને સ્વીકારવા કોઈ તૈયાર નહોતું. સલોની પોતાના પિતા અને ભાઈઓ ઉપર ભાર બનવા નહોતી માંગતી. પરંતુ તેના માથે એક મુશ્કેલી હતી તેનું ભણતર. કોલેજના શરૂઆતના વર્ષમાં જ તેના પિતાએ તેના લગ્ન નક્કી કરી દીધા હતા અને ભણતર અધૂરું જ રહી ગયું. છતાં પણ ઓછા ભણતરને કારણે મળે એવી નોકરી શોધવા લાગી. સલોની પાસે ભલે ભણતરનું ઓછું જ્ઞાન હતું પરંતુ અનુભવનું વિશાળ જ્ઞાન હૃદયમાં ગરબાયેલું હતું. જેના કારણે કોઈ ખાનગી કંપનીમાં નોકરી પણ મળી ગઈ. સલોની પોતાના કામમાં પણ એટલી જ કુશળ હતી, પોતાની કેટલીક જીવન જરૂરીયાતની વસ્તુઓ અને આરાધ્યાનો ખર્ચો સલોની હવે જાતે જ ઉઠાવવા લાગી હતી.

સલોનીના ભાઈઓ પણ મોટા હતાં એમના પણ લગ્ન થયા, એમના ઘરે પણ પારણા બંધાયા. ભાઈ અને એના
પિતા સલોનીને જીવનભર સાચવી લે એમતો હતાં જ પરંતુ સલોની કોઈ પાર પોતાનું આખું જીવન ભારરૂપ બનવા નહોતી માંગતી એટલે તેને અલગ રહેવાનું નક્કી કરી લીધું. પિતાના ઘરથી થોડે જ દૂર એક મકાન લઈ આરાધ્યા સાથે રહેવા લાગી. આરાધ્યા પણ હવે દિવસે દિવસે મોટી થતી જતી હતી તેના ભણતરથી લઈ અને પાલન પોષણનો તમામ ખર્ચ હવે સલોનીના માથા ઉપર જ હતો. વધતી જતી મોંઘવારી સાથે ખર્ચ પણ વધવા લાગ્યો હતો. પરંતુ સલોની વહીવટ કરવામાં પણ એટલી જ કુશળ હતી. પોતાની જરૂરિયાતોને ભૂલી પોતાની દીકરીની જરૂરિયાતોને મહત્વ આપવા લાગી. પોતાના શોખને હૃદયના કોઈ ઊંડા ખૂણે દફન કરી દીધા.

આરાધ્ય સાથે નવા ઘરમાં એકલા રહેતાની સાથે જ સલોની એ નક્કી કરી લીધું હતું કે હવે જીવનભર લગ્ન નથી કરવા ને કોઈનો સહારો પણ નથી લેવો. જે મળે તેમાં ખુશ રહેવું અને પોતાની જાતે જ મહેનત કરી પોતાની દીકરીનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવું. સલોનીએ તેના જીવનમાં જે સહન કર્યું છે, જે મુશ્કેલીઓનો સામનો કર્યો છે, સંસાર જીવનની જે અગ્નિપરીક્ષાઓ આપી છે એ આરાધ્યાના નસીબમાં ના આવે એનું સમ્પૂર્ણ ધ્યાન રાખવા લાગી હતી.

આરાધ્યાએ ક્યારેય પોતાના પિતાને જોયા જ નહોતા. પિતાનો પ્રેમ શું છે એ તો એને માતા પાસેથી જ જાણ્યું હતું,
આરાધ્યામાં સંસ્કારોનું સિંચન કરવામાં સલોનીએ કોઈ કચાસ રાખી નહોતી. તેના મોજ શોખ પુરા કરવાની સાથે સાથે તેને સારી શિખામણ આપવામાં પણ સલોનીએ ક્યારેય કચાસ રાખી નહિ.

સમય પણ રેતીની જેમ પસાર થતો હતો, પણ સલોનીએ એ સમયના વહેતા વહેણમાંથી ઘણું શીખી લીધું. સમાજની સાચી ઓળખ એને એકલા રહીને મળી. ડિવોર્સ પછી જાણે સલોનીના માથે અવેલીબલનો સિમ્બોલ વાગી ગયો હોય એમ લોકો એને જોવા લાગ્યા, નાનપણમાં સલોનીને બેટા કહીને બોલાવતા વ્યક્તિઓની નજર ઉપર પણ જાણે જવાનનીના ચશ્માં આવી ગયા હોય એમ સલોની સામે તાકી રહેતા. સલોની પોતાની જાત સમાજમાં રહેલા એ વાસનાના ભૂખ્યા પશુઓની નજરથી બચાવીને રાખતી, પરંતુ એ કામ એટલું સહેલું નહોતું! કોઈ કામ માટે ક્યાંક જવાનું થાય અને સામે રહેલી વ્યક્તિને માલુમ પડે કે આ ડિવોર્સી છે એટલે જાણે એ વ્યક્તિનો જોવાનો દૃષ્ટિકોણ બદલાઈ જાય. પરંતુ સલોનીની હિમ્મત ક્યારેય ખૂટતી નહી. દરેક પ્રશ્નનો જવાબ એની પાસે મળી જતો. ક્યારેક વાતથી ના સમજે તો લાતથી પણ સમજાવતા એને શીખી લીધું હતું અને કેટલાય ને ભરબજારે મેથીપાકનો સ્વાદ પણ ચખાડ્યો હતો.

દસમાં ધોરણમાં આરાધ્યા સારા માર્ક્સ સાથે પાસ થઈ. સાયન્સ વિષય સાથે અગિયારમાં ધોરણમાં પ્રવેશ લીધો.
ડોકટર બનવાનું સપનું આરાધ્યાએ જોયું હતું અને આ સપનાને પૂર્ણ કરવાનું કામ સલોનીએ કરવાનું હતું. એ માટે સલોની તમામ મહેનત કરતી. કંપનીના ફિલ્ડવર્ક માટે એ દરેક પરિસ્થિતિમાં પણ બિન્દાસ નીકળી જતી. કોઇપણ ઋતુ હોય એ પોતાના કામમાં ક્યારેય કચાસ રાખતી નહોતી. સારી રીતે પોતાનું જીવન જીવી શકાય એ માટેની તમામ વસ્તુઓ સલોની વસાવી શકે તે માટે તનતોડ મહેનત કરતી હતી. આરાધ્યાને પણ ક્યારેય કોઈ વસ્તુની કચાસ રાખી નહોતી એના બધા મોજ શોખ સલોનીએ હર્ષભેર પુરા કર્યા.

મયુરનું ઘર છોડ્યાના આટલા વર્ષો વીત્યા હોવા છતાં પણ ક્યારેય મયુરે સલોની કે આરાધ્યાની ખબર લીધી નહોતી. છતાં પણ ક્યારેય સલોનીએ એ વાતની ચિંતા કરી નહિ. પોતે હવે જે છે એમાં જ ખુશ રહેવાનું માની લીધું. પોતાના મોજશોખને નેવે મૂકી અને આરાધ્યાને સાચવવામાં અને એને કોઇપણ વાતે પિતાની ખોટ ના વર્તાય તેની કાળજી રાખવા લાગી. આરાધ્યા પણ ખુબ જ સમજદાર હતી, એણે કોઈ દિવસ સલોનીને દુઃખ થાય એવી વાત કે ખોટી જીદ કરી નહિ. સલોનીના પગલે પગલે એ ચાલતી, એનું જ કહ્યું માનતી અને એક કહ્યાગરી દીકરી બની.
એક સ્ત્રીને પુરુષના સાથ વિના એકલું જીવન જીવવામાં તકલીફ તો ઘણી પડી રહી હતી પરંતુ સલોની એ તમામ
તકલીફો સામે પડકારરૂપ હતી. ક્યારેક છાનાં ખૂણે રડી પણ લેતી, પણ ક્યારેય એણે પોતાનું દુઃખ આરાધ્યા સામે કે દુનિયા સામે આવવા ના દીધું. કાયમ આરાધ્યા સામે પોતે પણ ખુશ રહી એને પણ ખુશ રાખતી. પરંતુ એક માની મહેનત અને માનું દુઃખ આરાધ્યાની આંખોથી પણ છૂપું નહોતું રહી શકતું. આરાધ્ય પોતાની મમ્મીને બરાબર સમજતી હતી જેના કારણે તે પણ હંમેશા એક દીકરી કરતા એક મિત્રની જેમ જ રહેતી.

ટેકનોલોજીના જમાના સાથે સલોની એટલી જોડાઈ નહોતી. દીકરી આરાધ્યાએ સલોનીને સ્માર્ટફોન વાપરતા શીખવ્યું. સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા સલોની ઘણી સારી વાર્તાઓ, નવલકથાઓ, લેખ વાંચવા લાગી અને સલોનીને તેમાં રસ પણ જાગવા લાગ્યો, આરાધ્યા જયારે વાંચતી હોય ત્યારે સલોની મોડા સુધી મોબાઈલની અંદર કોઈ વાર્તા વાંચ્યા કરતી. આમ તેને સમય પસાર કરવા માટે પણ આ સોશિયલ મીડિયા ઉપયોગી રહ્યું. પરંતુ સોશિયલ મીડિયામાં એકાઉન્ટ બનાવટની સાથે જ ઘણા લોકો જોડાવવા માંગતા હોય અને સલોની મિત્રો બનાવવામાં બહુ માનતી નહી. કારણ કે આ જમાનામાં લોકોના વિચાર અને જોવાની દૃષ્ટીથી તે સંપૂર્ણ રીતે પરિચિત હતી માટે પોતાના કામ સાથે મતલબ રાખતી. અસલ જીવનમાં પણ અલગ રહેવા છતાં પોતાના પરિવારને શરમથી માથું નીચું કરવું પડે એવું કોઈ કામ કર્યું નહી અને સદાય પરિસ્થિતિઓનો સામનો કર્યો. ક્યારેય પોતાની જાતને સમાજની નજરોમાં એક સ્ત્રી હોવા છતાં લાચાર સમજી નહી.

પ્રેમ શબ્દ સાથે સલોનીને ૩૬ નો આંકડો હતો. પ્રેમ એટલે એ આરાધ્યા જ સમજતી, બીજા કોઈના પ્રેમની સલોનીએ ક્યારેય આશા પણ રાખી નહોતી. સલોની પોતાનામાં એક આદર્શ હતી અને પોતે કરેલી દિવસ રાતની મહેનત અને કઠોર પરિશ્રમ પોતાની દીકરી આરાધ્યાથી ક્યાં છૂપો હતો ? માટે આરાધ્યા માટે પણ સલોની એક રોલ મોડલ બની હતી પરંતુ આરાધ્યાની વધતી જતી ઉંમર સાથે સલોનીની ચિંતા પણ વધતી જતી હતી, હવે ગણ્યા ગાંઠ્યા વર્ષોમાં આરાધ્યાના લગ્ન કરાવવા પડશે. પછી??? આ પ્રશ્ન સલોનીને અંદરને અંદર કોરી ખાતો હતો. ક્યારેક આ પ્રશ્ન તેની આંખોમમાં આંસુ પણ લાવી દેતો. પરંતુ પોતાની જાતને દરેક પરિસ્થિતિમાં સાચવવાનું એ બહુ સારી રીતે જાણતી હતી. ભવિષ્યની ચિંતા હતી પરંતુ ભવિષ્યમાં આવનાર તકલીફો સામે લડવાની હિમ્મત પણ સલોનીમાં ભરેલી હતી.

રોજ રાત્રે સોશિયલ મીડિયામાં વાંચવાના કારણે અવાર-નવાર એકના એક લેખકનું લખાણ વાંચવામાં પણ આવતું. સલોનીને પણ એવા જ એક લેખકનું લખાણ ખુબ જ ગમતું. તેની વાર્તાઓ, નવલકથા, કવિતા વગેરે સલોની અચૂક વાંચતી. તે લેખકની વાતો પણ સલોનીને ગમવા લાગી. એ લેખકનું નામ હતું શેખર. તે ખુબ સારું લખતો હતો એની વાતોને લઈ સલોનીને શેખર ઉપર વિશ્વાસ થવા લાગ્યો અને પહેલી ફ્રેન્ડ રીક્વેસ્ટ શેખરને મોકલી. શેખર લેખક હોવાના કારણે ઘણાં મિત્રો વચ્ચે ઘેરાયેલો માણસ હતો. સલોની શેખરને મેસેજ કરતી પણ શેખર માત્ર કામ પુરતો જ જવાબ આપતો. થોડા દિવસ આમ જ ચાલ્યા કર્યું. સલોનીને શેખર સાથે વધુ વાતો કરવાની ઈચ્છા હતી પરંતુ શેખર એક લેખક હતો બીજા લેખકોની જેમ તેને પણ પોતાનો અહમ હશે એવું માની સલોની બસ વાર્તા વિશેની કેટલીક વાતો જ કરતી.
એક દિવસ આરાધ્યાના જન્મ દિવસની પોસ્ટ સલોનીએ પોતાની ફેસબુકની વૉલ ઉપર પોસ્ટ કરી. શેખરે તે જોઈને કોમેન્ટમાં જન્મ દિવસની શુભેચ્છા પણ પાઠવી. સલોનીએ એ પોસ્ટની અંદર આરાધ્ય તેની દીકરી છે એમ લખ્યું નહોતું. સલોનીએ મેસેજ દ્વારા શેખરનો આભાર વ્યક્ત કર્યો. શેખરે સહજતાથી પૂછ્યું “કોનો જન્મ દિવસ હતો?” ત્યારે સલોનીએ “મારી દીકરીનો” જવાબ આપ્યો.

એ સમયે શેખરે કઈ ખાસ પૂછ્યું નહિ પરંતુ તેને સલોનીની પ્રોફાઈલ જોઈ. આ પ્રોફાઈલમાં મા-દીકરી સિવાય બીજી કોઈ વ્યક્તિના ફોટા ના જોતાં શેખરને કંઈક અજુકતું લાગ્યું અને તેને સલોની પાસે પોતાના જીવન વિશે જણાવવાનું કહ્યું. સલોનીએ પોતાના જીવન વિશે શેખરને જણાવ્યું. પોતાના હૃદયમાં વર્ષોથી દબાયેલી વાતો આજે શેખર સામે ખુલ્લી કરી. શેખરે પણ તેની વાતો ધ્યાન પૂર્વક સાંભળી અને શેખરને સલોની માટે પોતાના બધા જ મિત્રો કરતા વધારે માન જન્મ્યું. સલોનીના જીવન વિષે શેખરે જાણ્યા બાદ હવે બંને વચ્ચે નિયમિત વાતો થવા લાગી. પરંતુ સલોની કે શેખરના મનમાં કોઈ બીજો ભાવ નહોતો. માત્ર એક સારા મિત્રો તરીકે બન્ને રોજ વાતો કરતા.

સલોની શેખરના જીવન વિષે બહુ જાણતી નહોતી અને ક્યારેય એને શેખરના અંગત જીવન વિશે પૂછ્યું પણ નહી, રોજ રોજ શેખર એક નવી રીતે સલોની સામે આવતો એના કારણે સલોની “રહસ્યમય માણસ” એવું નામ શેખરને આપ્યું.
(શું શેખર અને સલોનીનો સંબંધ આગળ વધી શકશે? શું શેખર વિશ્વાસને લાયક હશે? આરાધ્યાની જવાબદારીઓને સલોની કેવી રીતે પહોંચી વળશે? જાણવા માટે વાંચતા રહો વાર્તાનો આગળનો ભાગ…)
Author: નીરવ પટેલ “શ્યામ” GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.