“30 એપ્રિલે સલમાન ખાનનો ખેલ ખતમ…” સોમવારે રાત્રે 9 વાગે ફોન પર મળી ભાઈજાનને જાનથી મારી નાખવાની ધમકી, જાણો સમગ્ર મામલો

16 વર્ષના ટેણીયાએ સલમાન ખાનને આપી જાનથી મારી નાખવાની ધમકી, કહ્યું “રોકીભાઇ બોલું છું…30 એપ્રિલે ભાઈજાનનો ખેલ ખતમ…”

બોલીવુડના કલાકારો અને ઘણા નામી ગાયકો ઉપરાંત ઘણા બધા સેલેબ્સને જાનથી મારી નાખવાની ધમકીઓ મળતી હોય છે, ઘણીવાર આવી ધમકીઓ અફવા હોય છે તો ઘણીવાર સાચી પણ સાબિત થતી હોય છે. ગયા વર્ષે જ ખ્યાતનામ ગાયક સિદ્ધુ મુસેવાલાને પણ ધોળા દિવસે જાનથી મારી નાખવામાં આવ્યો, ત્યારબાદ સલમાન ખાનને પણ અત્યાર સુધી ઘણીવાર જાનથી મારી નાખવાની ધમકી મળી છે.

ત્યારે હવે સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી ફરી એકવાર આપવામાં આવી છે. સલમાન ખાનને ફરી એક વખત ધમકીભર્યો ફોન આવ્યો. ફોન કરનારે કહ્યું છે કે તે 30 એપ્રિલે સલમાન ખાનને મારી નાખશે. સુપરસ્ટાર સંબંધિત આ ફોન સોમવારે રાત્રે 9 વાગ્યે આવ્યો હતો.

10 એપ્રિલે સલમાન ખાને આગામી ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’નું ટ્રેલર રિલીઝ કર્યું હતું. ટ્રેલર લૉન્ચની રાત્રે મુંબઈ પોલીસના કંટ્રોલ રૂમમાં સલમાનને લઈને ધમકીભર્યો ફોન આવ્યો હતો. ફોન કરનારે ફોન પર પોતાનો પરિચય જોધપુરના ગાયના રક્ષક રોકી ભાઈ તરીકે આપ્યો હતો. તે વ્યક્તિએ પોલીસને ફોન કરીને કહ્યું કે, તે 30 એપ્રિલે સલમાનને ખતમ કરી દેશે.

આ અંગે કાર્યવાહી કરીને પોલીસે ફોન કરનારને પોતાના કબજામાં લીધો છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે ધમકીભર્યો ફોન કરનાર 16 વર્ષનો સગીર છે. કૉલમાં કોઈ ગંભીરતા નથી. તેણે આવું શા માટે કર્યું તેની પોલીસ તપાસ કરી રહી છે. 18 માર્ચ, 2022ના રોજ, સલમાનના મેનેજર પ્રશાંત ગુંજલકરને ધમકીભર્યો ઈ-મેલ મોકલવામાં આવ્યો હતો, જેમાં તેને અભિનેતા સાથે વાત કરવાનું કહેવામાં આવ્યું હતું. આ મેલ રોહિત ગર્ગના નામે મળ્યો હતો.

ઈ-મેલમાં લખ્યું હતું કે, ‘ગોલ્ડી બ્રારને તમારા બોસ એટલે કે સલમાન ખાન સાથે વાત કરવી છે. તેણે ઈન્ટરવ્યુ જોયો હશે, જો તમે ના જોયો હોય તો તેને જોવા માટે કહો. જો તમારે મામલો બંધ કરવો હોય તો મામલો થાળે પાડો, જો તમારે રૂબરૂ મળવું હોય તો તે પણ કહો. મેં તમને સમયસર જાણ કરી છે. આગલી વખતે આંચકો જ જોવા મળશે…’

આ પછી સલમાનના મેનેજરે લોરેન્સ બિશ્નોઈ, રોહિત ગર્ગ અને ગોલ્ડી બ્રાર વિરુદ્ધ બાંદ્રા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તાત્કાલિક કાર્યવાહી કરીને પોલીસે ત્રણેયના નામે એફઆઈઆર નોંધી. બાંદ્રા સ્થિત સલમાન ખાનના ઘરની બહાર પણ સુરક્ષા વધારી દેવામાં આવી હતી.

Niraj Patel