સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ અને સ્પષ્ટવક્તા તરીકે જાણીતી અભિનેત્રી સોમી અલી પર તાજેતરમાં જીવલેણ હુમલો થયો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. 48 વર્ષીય સોમી અલીએ પોતે જણાવ્યું કે, તે માનવ તસ્કરીનો શિકાર બનેલી એક મહિલાને બચાવવાનો પ્રયાસ કરી રહી હતી, જે દરમિયાન તેના પર હુમલો થયો અને તેના હાથમાં ગંભીર ઈજાઓ થઈ. હાલ ડોક્ટરે તેમને 8 અઠવાડિયા સુધી સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી છે.
બોલીવૂડની પૂર્વ અભિનેત્રી અને સલમાન ખાનની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ સોમી અલી ફરી એકવાર ચર્ચામાં છે. નવેમ્બરમાં લૉરેન્સ બિશ્નોઈ સાથે મુલાકાતની વાત પછી, હવે તેમના પર થયેલા હુમલાના સમાચાર સામે આવ્યા છે. સોમી અલી, જે સામાજિક કાર્યકર્તા તરીકે પણ કાર્યરત છે, તેમના પર માનવ તસ્કરીના એક પીડિતને બચાવવાના પ્રયાસ દરમિયાન હુમલો થયો હતો.
48 વર્ષીય સોમી અલી છેલ્લા 17 વર્ષથી ‘નો મોર ટિયર્સ’ અભિયાન ચલાવી રહ્યા છે અને આ તેમના પર થયેલો નવમો હુમલો છે. તેમણે જણાવ્યું કે તેઓ પીડિતોને બચાવવા માટે પોલીસ સાથે સહયોગથી કામ કરે છે. “જ્યાં સુધી પીડિતને ઘરની બહાર ન કાઢવામાં આવે અને હુમલાખોરોને પકડવામાં ન આવે ત્યાં સુધી મને કારમાંથી બહાર નીકળવાની મંજૂરી નથી, કારણ કે તેઓ હથિયારો પણ રાખે છે,” તેમણે ઉમેર્યું.
ઘટના વિશે વિગતવાર માહિતી આપતા સોમી અલીએ કહ્યું કે તેઓ પીડિત અને તસ્કરોની એક સાથે રાહ જોઈ રહ્યા હતા. પીડિતાને જાણ નહોતી કે જે ઘરમાં તે કામ કરવા જઈ રહી છે, ત્યાં માનવ તસ્કરો છે. જ્યારે સોમી કારમાંથી ઉતર્યા, ત્યારે તસ્કરોએ તેમનો હાથ મરડી નાખ્યો, જેના કારણે તેમને હેરલાઇન ફ્રેક્ચર થયું.
સોમીએ જણાવ્યું કે નસીબજોગે તેમને વધુ ઈજા નથી થઈ, પરંતુ તેઓ હજુ પણ પીડામાં છે અને પથારીવશ છે. સ્વસ્થ થવામાં 6થી8 અઠવાડિયાનો સમય લાગશે. તેમનું ડાબું કાંડું અને હાથ ખૂબ સૂજી ગયા છે અને તેઓ તેને હલાવી શકતા નથી. વર્ષ 2013માં પણ એક તસ્કરે તેમના માથા પર બંદૂક તાકીને ધમકી આપી હતી.