...
   

સાળંગપુરમાં હનુમાનજીને દાસ બતાવતા સંતો થયા ધુંવાપુવા, કહ્યું કે 33 કરોડ દેવતાનું અપમાન કરી રહ્યા છો, માફી માંગી લેજો નહીં તો ખેર નથી.

SALANGPUR CONTROVERSY: હાલ ગુજરાતમાં એક મામલો ખૂબ જ ચર્ચામાં છે, સાળંગપુર હનુમાનજી મંદિરમાં આવેલ કિંગ ઓફ સાળંગપુરની ભવ્ય પ્રતિમાની નીચે જે કણપીઠમાં શિલ્પચિત્રો કંડારવામાં આવ્યા છે તેમાં સ્વામીનારાયણ ભગવાન હનુમાનજીને પ્રણામ કરતા હોય તેવા શિલ્પ છે અને આને કારણે હિંદુ સંગઠનો આક્રમક બન્યા છે. વિશ્વ હિન્દુ પરિષદ સહિતનાં સંગઠનોએ આ ભીંતચિત્રો હટાવવા ઉગ્ર માગણી કરી છે.

જણાવી દઇએ કે, સાળંગપુર કષ્ટભંજન હનુમાન મંદિરમાં 54 ફુટ મૂર્તિ નીચે હનુમાનજીની તકતી અને ચિત્રોને લઈને જે વિવાદ સર્જાયો છે તે વકર્યો છએ અને સોશિયલ મીડિયામાં છેલ્લા ઘણા સમયથી વિવાદ જોવા મળી રહ્યો છે. આ મામલે અલગ-અલગ લોકો દ્વારા આ વિરોધ પણ દર્શાવવામાં આવ્યો અને હવે વિવિધ સંતો પણ આ મામલે પ્રતિક્રિયા આપે છે. ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે.

કચ્છના કબરાઉ મોગલધામના મણિધર બાપુએ પણ આ મામલે નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે, ‘તમે સનાતન ધર્મ, આખા રાષ્ટ્ર અને 33 કરોડ દેવતાનું અપમાન કરી રહ્યા છો, માફી માંગી લેજો નહીં તો ખેર નથી. આ ઉપરાંત તેમણે વીડિયોમાં આગળ એવું પણ કહ્યુ કે- આ તેમની મસમોટી ભૂલ છે તેમણે જે થુક્યું છે તે તેમણે જ ચાટવું પડશે. નહીં તો ચારણ સમાજ તેમને છોડશે નહીં. મણિધર બાપુ સિવાય રામેશ્વર બાપુએ પણ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી.

તેમણે કહ્યું કે ઘણા લોકોએ જડતાની સાથે હનુમાનજીને એક સામાન્ય વ્યક્તિની જેમ દર્શાવ્યા અને આ કૃત્ય જેણે કર્યુ છે તે જડત્વના માર્ગ પર ચાલી રહ્યાં છે. તમે જે કરવા જઈ રહ્યાં છો તે સનાતમ ધર્મની વિરૂદ્ધ છે. તેમણે આગળ કહ્યુ કે ચેતી જાવ, પાછા વળી જાવ સનાતન ધર્મ આદીઅનાદી છે. આ ઉપરાંત હનુમાનજીનાં સ્વામિનારાયણ સંતો સાથે ચિત્રોને લઈને ઉપાસક કૌશિક જોશીએ પણ ઉપવાસ પર બેસવાની ચીમકી ઉચ્ચારી હતી.

હનુમાનજીની ભવ્ય પ્રતિમાની નીચે જે કણપીઠમાં શિલ્પચિત્રો કંડારવામાં આવ્યા છે તે મામલે ઋષિ ભરતી બાપુએ પણ પોતાની પ્રતિક્રિયા આપી અને કહ્યું કે આ એક વખતનું નથી. આ પહેેલા પણ ઘણીવાર આ પ્રકારનાં પ્રયત્નો થઈ ચૂક્યા છે. સનાતન ધર્મનાં દેવી દેવતાઓને સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા એક માધ્યમ બનાવવામાં આવે છે. રામ કથાકાર મોરારિબાપુએ કહ્યું કે, હનુમાનજીને સેવા કરતા બતાવવા એ અયોગ્ય છે.

હું બોલ્યો હતો ત્યારે કોઈએ મને સાથ આપ્યો ન હતો. આ વિવાદ બાદ મોરારિબાપુએ સમાજને આ બાબતે જાગૃત થવાની પણ ટકોર કરી છે. ત્યારે હવે આ મામલે સંતોની પ્રતિક્રિયા બાદ લોકોમાં ચર્ચા અને રોષ જાગ્યા છે. હાલ તો વિવાદ વકરવાને કારણે મંદિર પ્રશાસનને એક પીળા પ્લાસ્ટિકથી ભીંતચિત્રો ઢાંકી દીધા છે.

Shah Jina