મુકેશ સોજીત્રા લેખકની કલમે

“સાહેબ તમે નહીં માનો પણ આ વાત સો ટકા સાચી છે” – એક પ્રામાણિક સરકારી અધિકારી પર અપ્રામાણિકતાની લાગી ફરિયાદ – વાંચો આ હૃદયસ્પર્શી વાર્તા

બી ડી પટેલ સચિવની ચેમ્બર્સમાં પ્રવેશ્યા. સચિવ પોતાના પીએ સાથે કશીક ફાઈલને લઈને મથામણ કરતાં હતાં. સચિવે હાથથી ઈશારો કરીને બેસવાનું કહ્યું અને બી ડી પટેલ સચિવશ્રીની સામેની ખુરશીમાં બેઠાં. દસેક મિનીટ પછી સચિવશ્રીના પી એ બહાર ગયાં અને સચિવે એક પીળી ફાઈલ બીડી દવે ને આપીને કહ્યું.

“ આ કર્મચારી વિરુદ્ધ ફરિયાદ આવી છે. મંત્રીશ્રીએ પણ અંગત રસ લીધો છે. આમ તો તમારે બીજા જીલ્લાના કર્મચારીઓ વિરુદ્ધ જે ફરિયાદો આવે એની તપાસ ના કરવાની હોય પણ એક સ્પેશ્યલ કેઈસ તરીકે હું તમને આ તપાસ કરવાની જવાબદારી આપું છું. તમારી સિવાય બીજા કોઈ મને ધ્યાનમાં ન આવ્યાં એટલે બને તેટલી કાળજી લઈને તમે નિષ્પક્ષ અને સત્યની નજીક રહીને તપાસ કરશો તો મને ગમશે. જોકે આમાં લાંબુ કશું નથી મૌખિક ફરિયાદો છે. જે કર્મચારી વિરુદ્ધ તપાસ કરવાની છે એની સામેની આ પ્રથમ જ તપાસ છે. અત્યાર સુધી એની વિરુદ્ધ નકારાત્મક ટીપ્પણીઓ એના સી આર માં પણ આવી નથી. પણ મંત્રીશ્રીનો હઠાગ્રહ છે એટલે તપાસ તો કરવી જ રહી. તમે જે રીપોર્ટ આપશો એ ફાઈનલ ગણાશે. હું ફક્ત નીચે સહી જ કરીશ એટલે ગંભીરતાથી તપાસ કરજો. બહુ સમય આપણી પાસે નથી. આમ તો આવી ખાતાકીય તપાસોમાં ઓછામાં ઓછા છ મહિના તો જતાં રહે પણ આપણે આ કામ વીસ જ દિવસમાં પૂરું કરવાનું છે. તમે ઘરે જઈને ફાઈલ વાંચશો એટલે તમને આખો આઈડિયા આવી જ જશે. ડોકટર જેમ એક્ષ રે જોઇને દર્દીનો રોગ પારખી લે એમ આપણે ફાઈલ વાંચીને સો ટકા કહી શકીએ કે કર્મચારી દોષિત છે કે નહિ”

Image Source

“ જી સાહેબ “ કહીને વિનયપૂર્વક બી ડી પટેલ ઉભા થયા અને પીળી ફાઈલ પોતાના હાથમાં લીધી. નીચે પાર્ક કરેલ ગાડી લઈને પોતાના ઘરે પહોંચ્યા. રાતે જમીને પોતાના સ્પેશ્યલ રૂમમાં બેઠા અને ફાઈલ ખોલી. તેમની પત્ની એમની મનપસંદ કોફી આપી ગઈ. કોફીનો ઘૂંટ મારીને એણે ફાઈલ વાંચવાનું શરુ કર્યું. જે કર્મચારી સામે તપાસ કરવાની હતી એ કર્મચારીનું નામ વાંચીને એ ચોંકી ગયાં.!! ફાઈલ પર નામ હતું. આર ડી શુક્લ!! એનું મન માનતું જ નહોતું કે આ ક્રમચારી વિરુદ્ધ એને તપાસ કરવાની આવશે. એણે ફાઈલ બંધ કરીને આંખો બંધ કરી અને દસ વરસ પહેલાના ભૂતકાળમાં એ જતા રહ્યા!!

બી ડી પટેલ જીપીએસસી પરીક્ષા પૂરી કરીને એ એક તાલુકામાં ટીડીઓ તરીકે નિમણુક પામ્યા હતા. પોતે ખુબ જ પ્રમાણિક અને સિધ્ધાંતવાદી માણસ હતાં. આમ તો એ નાયબ વિકાસ અધિકારી તરીકે પસંદગી પામ્યા હતા પરંતુ ટ્રેઈનીંગના ભાગ સ્વરૂપે એકાદ વરસ સુધી એ ટીડીઓ તરીકે એ તાલુકામાં મુકાયા હતા. શિક્ષણ શાખામાં એક અધિકારી માથાભારે હતાં. એના સાથી મિત્રોએ કહ્યું હતું કે પટેલ પ્રોબેશનનો પીરીયડ મહત્વનો હોય છે એ સંભાળી લેજો..પ્રથમ પાંચ વરસ મહત્વના હોય છે. બહુ સીસ્ટમ સામે ન પડતાં નહિતર કોઈ રાજકારણીના ખંભે બંદુક રાખીને ફોડશે ને તો શરૂઆતમાં જ સર્વિસની દેવાઈ જશે. એટલે તેઓ એ શિખામણ માનીએ પોતે બને એટલી નિષ્ઠા પૂર્વક પોતાની ફરજ બજાવતા.

એક બાંધકામ વિભાગ અને બીજો શિક્ષણ વિભાગ એના માટે માથાનો દુઃખાવો સમાન બની ગયો હતો. બનેના વડાઓને તાલુકા પંચાયતના પ્રમુખ સાથે ઘર જેવો સંબંધ!! તાલુકા પ્રમુખને જીલ્લા પ્રમુખ સાથે ઘર જેવો સંબંધ અને જીલ્લા પ્રમુખને સહકારના મંત્રી સાથે વેવાઈ વેલાનો સંબંધ એટલે બને ખાતામાં કરપ્શન ભરડો લઇ ગયું હતું. પૈસા વગર કોઈ કામ જ ના થાય ને. એણે ઘણી વાર બને ને ટોક્યા પણ બેમાંથી એક પણ અધિકારી ગાંઠે જ નહીં ને!! એમાં શિક્ષણ વિભાગમાં રહેલ અધિકારીની વતનમાં બદલી થઇ અને એની જગ્યાએ આર ડી શુક્લ સાવ ફ્રેશ તરીકે નિમણુક પામ્યા અને બી ડી પટેલ ને નવ નિરાંત થઇ.

Image Source

આર ડી શુક્લ ને કામ કરવા સિવાય બીજો કોઈ જ વ્યવસાય નહિ.પોતાનું પાણી પણ ઘરેથી લાવે. ક્લાર્ક ન હોય અથવા બે કલાક બહાર ગયો હોય તો આર ડી શુક્લ પોતે ક્લાર્કનું કામ કરી નાંખે. શિક્ષકોના ઘણાં સમયથી અભેરાઈ પર ચડી ગયેલા પ્રશ્નો બે મહિનામાં સોલ્વ કરી નાખ્યા. અને એ પણ હસતા હસતા અને એક પણ રૂપિયો લીધા વગર. આર ડી શુક્લ અને બી ડી પટેલને દેશી મળી ગઈ. વળી બેયના ક્વાર્ટસ પણ સામે સામે. રોજ રાતે બને રોડ પર ફરવા જાય. આર ડી શુક્લ વાતોના જબરા!!બી ડી પટેલના મોઢામાં પાન ખૂટી જાય ચાવી ચાવીને પણ શુક્લની વાતો ન ખૂટે શુક્લ કહે!!

“તમે નહિ માનો સાહેબ હું એમ એ એમ એડ.. એક ખાનગી શાળામાં મામૂલી પગારથી નોકરી કરતો. અને ત્યારે ટ્રસ્ટીઓની ગાળો સાંભળતો અને મનોમન નક્કી કરતો કે એક વાર સરકારી નોકરી મળી જાય પછી મારે શ્રેષ્ઠ કામ કરવું છે. મારા પિતા પણ ભગવાનને પ્રાથના કરતાં કે મારા રમલાને નોકરી મળી જાય ને તો હાલીને હરિદ્વાર જાવું છે.. તમે નહિ માનો સાહેબ મારો ઓર્ડર આવ્યો અને હું હાજર થયો કે બીજે દિવસે મારા બાપા બીજે જ દિવસે હાલીને હરદ્વાર જવા રવાના થયા અને તમે નહિ માનો સાહેબ એ ત્રીસ દિવસે હાલીને હરદ્વાર પહોંચી ગયા.આમ મારે પહેલો પગાર આવ્યો ને આમ મારા બાપા હરદ્વાર પહોંચી ગયાં”

વળી બીજે દિવસે વળી બીજી વાત કરે.
“ તમે નહિ માનો સાહેબ પણ મારા બાપાએ મારી પાસે પ્રતિજ્ઞા લેવડાવી છે કે રમલા કોઈનો પણ રૂપિયો લેતો નહિ.અને કદાચ ભૂલે ચુકે આવી જાય ને તો કયાંક દાન કરી દેજે. અણહકનો રૂપિયો મનમાં અહંકાર લાવે છે અને અહંકાર એ વિનાશનું મૂળ છે!! તમે નહિ માનો સાહેબ પણ મારા બાપા એક વાત કહેતા કે તમે ભરપેટ જમ્યા હો લાડુ ખાધા હોય ગાંઠિયા ખાધા હોય આખા મરચાંના ભરેલા ભજીયા ખાધા હોય બરફી અને ગુલાબ જાંબુ ખાધા હોય અને ઉપરથી દાબી દાબીને ભાત ખાધા હોય ને તમારું પેટ એકદમ ગોળ માટલા જેવું થઇ ગયું હોય અને એમાં તમે બાઈક પર જતાં હો અને એક નાનકડું જીવડું તમારા મોઢામાં જાય ને તો સાહેબ તો પછી તમારું બધું ખાધેલું બહાર ઓકાવી કાઢે.પેટમાં જેટલું ગયું હોય ને એ બધું બહાર કઢાવી નાંખે એમ તમે જે સંપતિ ભેગી કરી હોય એમાં એક સો રૂપિયા પણ જો અનીતિના આવી ગયાને તો એ સો રૂપિયા તમારા લાખો રૂપિયાને બગાડી મારે બોલો આવું મારા બાપા કહેતા હતાં બોલો પણ સાહેબ તમે નહિ માનો”

વળી કોઈ દિવસ આર ડી શુક્લ કઈ ઓર જ વાત કરે.
“ સાહેબ તમે નહિ માનો મારા બાપા કાશી ભણવા ગયા હતાં. બનારસ વિશ્વ વિદ્યાલય છે ને ત્યાં એ વખતે એ મલ્લ કુસ્તીમાં ચેમ્પિયન હતાં. અહી આવ્યા પછી એને પી એસ આઈની નોકરી મળતી હતી પણ એણે ના લીધી અને શિક્ષકની જ નોકરી લીધી. એ એવું કહેતા હતા કે પોલીસની નોકરી લઈએ ને તો સંતાનો પછી ખટારા અને જીપો જ હાંકે!! મારે માર છોકરાને કલીનર અને ડ્રાઈવર બનાવવા જ નથી. મારે તો એવો ધંધો પસંદ કરવો છે એમાં આશીર્વાદ યશ શાંતિ મળે એટલે જ એ શિક્ષક થયા. અને આજે એના પ્રતાપે અમે બે ય ભાઈઓ વેલ સેટ છીએ સાહેબ પણ તમે નહિ માનો. મારા બાપા એ મારા ભાઈને કહેલું એ સરકારી હાઈસ્કુલમાં નોકરીએ લાગેલોને ત્યારે કે દીકરા તું હાઈસ્કુલમાં નોકરીએ લાગી ગયોને તો ફૂલીને ફાળકો ન થઇ જાતો. જેમ જીવ નવ માસ માતાના ગર્ભમાં ઉંધો લટકે છે અને કષ્ટ ભોગવે છે અને એ વખતે જીવ પ્રભુને પ્રાર્થના કરતો હોય છે કે ઈશ્વર મને તું આમાંથી છોડાવ હું તારું ભજન આખી જિંદગી કરીશ. પણ જેવો જીવ માતાના ગર્ભમાંથી બહાર આવે કે મારો બેટો બધું જ ભૂલી જાય અને મંડે ગુલતાન કરવા પછી જેમ જેમ જ્ઞાન વધતું જાય એમ ઈશ્વરને પણ કહી દે કે કોણ તું અને કોણ હું!! એવી જ રીતે બધાય પ્રાઈવેટમાં નોકરી કરતાં હોય ત્યાં સુધી ભગવાનને પ્રાર્થના કરતાં હોય કે હે ભગવાન એક વાર વિદ્યા સહાયક તો વિદ્યા સહાયક પણ સરકારી નોકરી અપાવી દે હું નિષ્ઠાથી કામ કરીશ અને જેવી સરકારી નોકરી મળે એટલે મારા બેટા બધાને ભૂલી જાય અને મંડે કામ ચોરી અને કરપ્શન કરવા!! સાહેબ તમે નહિ માનો મારા બાપા વિદ્વાન અને મહા જ્ઞાની હતાં. એ કોઈ પણ વિષય પર કલાકો બોલી શકતાં” બીડી પટેલને મજાકમાં કહેવાનું મન થઇ જતું કે એ વારસો તો તમારામાં પણ ઉતર્યો છે તમે પણ કલાકો સુધી બોલી શકો છો!!

પણ પછી તો એ જ્યાં સુધી ટીડીઓ તરીકે રહ્યા ત્યાં સુધી શિક્ષણ વિભાગમાં શાંતિ રહી હતી. આર ડી શુક્લના કામકાજથી એ ખુશ હતાં. પછી તો એ બીજા જીલ્લામાં જતા રહ્યા નાયબ વિકાસ અધિકારી તરીકે પણ એના મગજમાં આર ડી શુક્લ એટલે નિષ્ઠાવાન અને પ્રામાણિક ની છાપ તો અકબંધ રહી.પછી તો સમાચાર પણ મળ્યા કે આર ડી શુકલની બદલી બીજા તાલુકામાં થઇ છે પણ બીડી પટેલને મનમાં ધરપત હતી વરસાદ જ્યાં જાય ત્યાં એનું કામ સારું જ કરવાનું હોય એમ આર ડી જ્યાં જશે ત્યાં શિક્ષકોનુ કલ્યાણ જ કરશે!! પણ આજ અચાનક જ એની જ ફાઈલ તપાસ માટે આવી અને એ આંચકો ખાઈ ગયા!! એણે આંખો ખોલી અને સામે જ આર ડી શુક્લ એને કહેતો હોય એવો ભાસ થયો.

Image Source

“સાહેબ તમે નહિ માનો પણ એક વખત તમારે જ મારી તપાસ કરવાની થાશે એમ મારા બાપા કહેતાં હતા” કોફી ઠરી ગઈ હતી. એણે પત્નીને બોલાવીને બીજી કોફી લાવવાનું કહ્યું અને પીળા રંગની આર ડી ફાઈલ વાંચવાનું કહ્યું ઘણાં બધા આરોપો હતાં.પણ કોઈ આરોપોમાં સહેલાઈથી તથ્ય સાબિત થાય એમ નહોતું!!

કોઈના ઉચ્ચતર માટે પાંચ હજાર માંગ્યા એવી વિગત હતી તો કોઈની કારણ વગરની કપાત કરી હતી અને બાદમાં વહીવટ માટે ૧૦૦૦ માંગ્યા હતા એવી વિગત હતી. કોઈનું એલ ટી સી મંજુર કરાવવા માટે ૨૦૦૦ માંગ્યા હતા. કોઈની મેડીકલ રજા પહેલા નામંજૂર કરીને પછી મંજુર કરવાના ૫૦૦ રૂપિયા માંગ્યા હતા. કોઈની પુરવણી બિલ પાસ કરાવવા ૨૫૦૦ માંગ્યા હતા એવા બધા આક્ષેપો લેખિત સ્વરૂપમાં હતાં. પણ ખરેખર આ પૈસા લેવાણા છે એના કોઈ સાક્ષી કે પુરાવા હતા નહિ. મોડી રાત સુધી એ ફાઈલની એક એક વિગતો વાંચતા રહ્યા અને છેલ્લે એ નિષ્કર્ષ પર નીકળ્યા કે ભલે પુરાવા નથી પણ વાતમાં દમ છે. એને એક વિધાન યાદ આવી ગયું કે “પ્રામાણિક માણસ જયારે કરપ્શનના રવાડે ચડે ત્યારે એ રેકર્ડ બ્રેક કરપ્શન કરતો હોય છે” મનોમંથન કરતા કરતા મોડી રાતે એ માંડ માંડ સુઈ શક્યા.

આમ તો એને પાંચ દિવસ પછી આર ડી શુક્લને ત્યાં જવાનું હતું પણ એ માંડ માંડ બે દિવસ ખેંચી શકયા અને ત્રીજે દિવસે સવારમાં દસ વાગ્યે એ આર ડી શુક્લ જ્યાં નોકરી કરતા હતા એ તાલુકા પંચાયતની બહાર જ બીડી પટેલની પ્રાઈવેટ ગાડી પાર્ક થઇ. સચિવશ્રીએ તપાસની ગુપ્તતા જાળવવા માટે કહ્યું હતું એટલે એ સરકારી ગાડી લઈને નીકળ્યાં જ નહોતા.

બી ડી પટેલે સીધી જ શિક્ષણ શાખામાં એન્ટ્રી લીધી એને જોઇને આર ડી એકદમ ઉભા થઈને બોલ્યાં.
“સાહેબ તમે નહિ માનો પણ અઠવાડિયે પંદર દિવસે હું તમને રોજ સંભારતો હોવ છું. પૂછો આ પાઠકને!! પાઠક આ મારા સાહેબ પહેલા હું જ્યાં હતો ત્યાં એણે નોકરીની શરૂઆત કરેલી અત્યારે તો નાયબ જીલ્લા વિકાસ અધિકારી છે સાહેબ અને ટૂંક સમયમાં જ જીલ્લા વિકાસ અધિકારી પણ બની જશે કેમ સાચું ને સાહેબ” થોડી આડા અવળી વાતો થઇ પોતે શા માટે આવ્યાં છે એનો ઉલ્લેખ બી ડી પટેલે ટાળ્યો. આ બાજુ નીકળ્યો હતો એટલે મન થયું એટલે મળતો જાવ એમ કહ્યું. અને પછી આર ડી શુક્લે રોકવાનો આગ્રહ કર્યો અને બીડી પટેલ એના ક્વાર્ટસમાં રોકાઈ ગયા. પણ બી ડી ની ચકોર નજર એ પારખી ગઈ કે સમય ની થપાટો ખાઈને ખાઈને એક વખતનું શુદ્ધ દેશી ઘી હવે ડાલડા ઘી બની ગયું છે પાક્કું!!

સાંજે જમીને બને જુના સહ કર્મચારીઓ સાથે બેઠા અને હળવેક દઈને પોતાની બ્રીફ કેઈસમાંથી પીળી ફાઈલ કાઢીને બી ડી પટેલે આર ડી શુક્લના હાથમાં મૂકી અને કહ્યું.

“ખાસ તો આ કામ માટે જ આવ્યો હતો” આર ડી શુક્લે ફાઈલ ખોલીને એક બે પાનાં વાંચ્યા. એની આંખમાં ચમક આવી ગઈ અને પછી એ દ્રઢતાથી બોલ્યો.

“ સાહેબ તમે નહિ માનો પણ આ વાત સો ટકા સાચી છે” કશી જ ગભરામણ વગર આર ડી શુકલે જવાબ આપ્યો. અને પછી હાથના ઇશારાથી કહ્યું કે ચાલો ઘરે નહિ પણ આપણે બહાર રસ્તા પર ફરવા જઈએ અને આ અંગે વાતો કરીએ. ક્વાટર્સમાંથી બને બહાર નીકળીને મેઈન રોડ પર આવ્યાં અને આર ડી શુક્લે એના આગવા અંદાજમાં શરુ કર્યું.

“ સાહેબ તમે નહિ માનો પણ આ બધું એક વટ ને કારણે થયું છે. હું એક પણ રૂપિયો લેતો નહિ અને ફટાફટ કામ પણ કરતો. પણ પછી મારી સાંભળવામાં આવ્યું અને પછી પ્રત્યક્ષ અનુભવ કર્યો સાહેબ. શિક્ષકો મારી પીઠ પાછળ વાતો કરતાં કે સાલો ગાંડો છે આને કાઈ જ ખબર નથી પડતી. ગમે એવું કામ લઇ જાવ ઊંધું ઘાલીને સહી જ કરી દે છે. આ ભૂલથી અધિકારી બની ગયો છે બાકી અધિકારીના લક્ષણો નથી. અરે કલાર્ક બહાર આંટા મારે અને એ અધિકારી થઈને અંદર પત્રક બનાવતો હોય. કોઈને કશું કહેતો જ નથી. નિશાળમાં આવે તો કોઈની ચા પણ ન પીવે. બસ બાળકો સાથે જ વાતો કરે. આનામાં કોઈ અધિકારીના લક્ષણો નથી જ. બધાના કામ મફત કરે છે. આને જેટલો દોવાઈ ને એટલો દોઈ લેવાનો છે. બીજા તાલુકામાં પણ અહીના શિક્ષકો વાત કરતા કે અમારા અધિકારીમાં તો આંટા જ નથી. અમારે તો એમને એમ ચાલે. અને સાહેબ તમે નહિ માનો મારો આત્મા કકળી ઉઠ્યો અને નક્કી કર્યું કે હવે આ જમાતને અધિકારી શું કહેવાઈને એની ખબર પાડી દઉ.. જે લોકો મને એમ સમજતા કે આને કાઈ ખબર નથી પડતી એને બધાયને હું હવે ખબર લઉં છું અને સાબિત કરું છું કે મનેય બહુ ખબર પડે છે. સાહેબ તમે નહિ માનો પણ લોકોને મફતની કોઈ કીમત જ નથી. આ બધાને તો ત્રણ ત્રણ ધક્કા ખવરાવો, પૈસામાં સરખાઈના સોરી નાંખોને તો જ સાહેબ સાહેબ કરતાં દોડતાં આવે!! મફતનું એટલું નકામું એવું જ આ વર્ગ સમજે છે. પછી સાહેબ કાપો વાળીને શરુ કર્યું છે. જેવી કેપેસીટી એવી કાતર!! કાકા કઈને , પૈસા દઈને , સલામ ભરે છે મારા બેટા!! અને હવે છાપ એવી છે કે હું નિયમનો જાણકાર છું એટલે રસ્તામાં ભાળી જાયને તો પણ અમુક ધ્રુજી જાય છે એ પણ ખુશ!! હું પણ ખુશ!! ખબર છે આ બધું ખોટું છે પણ મારી પાસે આ લોકોએ ફરજ પાડી છે કરપ્શન કરવાની” આર ડી શુક્લે વાત અટકાવી.

Image Source

“ પણ તમારો અંતરાત્મા ડંખતો નથી. તમે તમારા પિતાશ્રીને વચન આપ્યું હતું કે અનીતિનો એક પૈસો પણ ઘરમાં નહિ આવે એનું શું”? બી ડી પટેલે મૂળમાં જ ઘા કર્યો.

“ સાહેબ તમે નહિ માનો પણ એનો ઉકેલ પણ છે જ” કહીને આર ડી એ ખિસ્સામાંથી ડાયરી કાઢી અને બી ડી પટેલને આપતાં કહ્યું.

“ જે વધારાની રકમ હું લઉં છું એ બધી જ અનાથાશ્રમમાં અને ગૌશાળામાં દાન કરી દઉં છું. આમાં તમામ વિગતો છે જ.. એક પણ રૂપિયો ઘરમાં લાવ્યો નથી કે અંગત આનંદ માટે વાપર્યો નથી. પણ સાહેબ તમે નહિ માનો મનમાં ડંખ તો છે જ અને હોવો જોઈએ. સાહેબ તમે નહિ માનો મારા બાપા વિદ્વાન અને બહુ જ જ્ઞાની હતાં એ એમ કહેતાં કે ઘણા લોકો કરપ્શન કરીને પૈસા ભેગા કરે છે અને પછી ગરીબ લોકોને દાન કરે છે. સમાજ સેવા કરે છે આ લોકો પણ અપરાધી તો છે જ એને ગરીબ લોકોને ખવરાવવાથી પાપ બળી ન જાય!! ઈશ્વરને ત્યાં સરવાળા સીસ્ટમ છે બાદબાકી સીસ્ટમ નથી. પાપનોય સરવાળો થાય અને પુણ્યનો ય સરવાળો થાય. આવા લોકો બીજા જન્મે થાય તો કુતરા જ પણ શેરીના નહિ મહેલના કુતરા થાય. સારી જગ્યાએ રહે. શેઠ એ કુતરાને લઈને ફરવા નીકળે. આવા કુતરા મોટરમાં ફરતાં હોય છે. કુતરાને સુખ સગવડ પૂરી મળે પણ અંતે ખોળિયું તો કુતરાનું જ ને!! સાહેબ સાચું કહું તમે નહિ માનો પણ જયારે જયારે કોઈ શ્રીમંતના કુતરાને જોઉં છું ને હું તો તરત એ કૂતરાની જગ્યાએ હું હોવને એવું લાગે છે!! “ આર ડી શુક્લની આંખ થોડી ભીની થઇ ગઈ હોય એમ લાગ્યું.

“ ઓકે હવે અત્યારથી જ તમે મને વચન આપો તો તમારી તપાસનું ફીંડલુ વાળી દઉં. ફીંડલુ એટલા માટે વાળી દઉં કે શરુઆતની નોકરીમાં તમે જે પ્રામાણીકતા દેખાડી હતી એનાથી હું પ્રભાવિત છું. બીજું તમને એ વાતનું દુખ છે ને કે પ્રમાણીકતાની કોઈએ કદર ન કરી તો એ પ્રમાણિકતા ની હું કદર કરીને તપાસ બંધ કરું છું. અને છેલ્લે તમારા પિતાજીના આદર્શોને માન આપીને પણ હું આ તપાસનું ફીંડલુ વાળી દઈશ. વચન એ આપવાનું છે મારે એ આર ડી શુક્લ જોઈએ છે કે જે શરૂઆતના વરસોમાં હતો. બોલો આપવું છે વચન” બી ડી પટેલે કહ્યું અને આર ડી એ વચન આપ્યું. તપાસ ત્યાને ત્યાંજ પૂરી થઇ ગઈ. છેલ્લે વિદાય લેતી વખતે બી ડી પટેલે કહ્યું.

Image Source

“ એક વાત યાદ રાખવી, જોકે તમારા પિતાજી જેટલો હું પાવરફુલ નથી પણ તોય એક વાત કહું છું કે કુતરા આપણું મોઢું ચાટે તો આપણે એનું મોઢું ચાટવાની કોઈ જ જરૂર નથી, પ્રમાણિકતા અને નિષ્ઠા એક એવો માર્ગ છે કે એક વખત તમે ચુક્યા પછી ફરીથી માર્ગે ચડવું બહુ જ કઠીન હોય છે.” ફરીથી આર ડી શુક્લે વચન આપ્યું અને સાહેબ રવાના થયા.
ત્રણ દિવસ પછી સચિવશ્રીને તપાસ બાબતનો રીપોર્ટ આપતાં બી ડી પટેલે કહ્યું

“ સાહેબ એવું કશું જ ના મળ્યું કે જેની આ ફાઈલમાં વિગતો છે. આક્ષેપો પાયા વિહોણા છે . મેં પૂરી તપાસ કરી લીધી છે. એ માણસ સજ્જન છે. અને સાહેબ તમે નહિ માનો હવે પછી એની કોઈ જ ફરિયાદ નહિ આવે એની પણ હું ખાતરી આપું છું.”

છેલ્લી લીટીમાં સચિવશ્રી ને કાઈ ખબર ના પડી તો ય એ હસ્યા. અને આર ડી પટેલ ચેમ્બરમાંથી બહાર નીકળ્યા. બહાર પાર્ક કરેલી ગાડી એણે પોતાના ઘર તરફ હંકારી મૂકી.
અને સાહેબ તમે નહિ માનો પણ આ વાત સો ટકા સાચી છે.

લેખક:- મુકેશ સોજીત્રા
૪૨, “હાશ”, શિવમ પાર્ક સોસાયટી, સ્ટેશન રોડ, મુ.પો ઢસા ગામ તા. ગઢડા જી. બોટાદ પીન ૩૬૪૭૩૦
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks