દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં શિવજીના અર્ધાંગિની સતીએ કૂદીને પોતાના પ્રાણ હોમ્યા એ પછી ભગવાન શિવે નટરાજરૂપે ક્રોધાયમાન બની, સતીના દેહને પોતાના ખભે મૂકીને તાંડવારંભ કર્યો હતો. આ સમયે સતીના દેહના વિવિધ ટુકડાઓ ભારતના વિવિધ ભાગો પર પડ્યા અને આમ ૫૧ શક્તિપીઠોની સ્થાપના થઈ.

કહેવાય છે, કે સતીની જીભનો ભાગ હિમાચલ પ્રદેશનાં કાંગડાથી લગભગ ૩૦ કિલોમીટર દૂરના સ્થળે પડ્યો હતો. આજે ત્યાં જ્વાળાદેવીનું મંદિર આવેલું છે. ૫૧ શક્તિપીઠોમાં તેનો સમાવેશ થાય છે. માતાનું આ મંદિર રહસ્ય અને શ્રધ્ધાની ભૂમિ છે. અહીં દર વર્ષે લાખોની સંખ્યામાં યાત્રાળુઓ આવે છે. નવરાત્રીમાં તો સંખ્યા અનેકગણી વધી જાય છે. મંદિર સાથે જોડાયેલાં કેટલાંક રહસ્યો એવાં છે જેનો તાગ આજ સુધી નથી મળ્યો.

પાતાળમાંથી નીકળતી જ્વાળાઓ પર ઊભેલું મંદિર
આશ્વર્યની સૌથી પહેલી વાત તો એ છે, કે અહીં કોઈ મૂર્તિની પૂજા નથી થતી, જ્વાળાઓની થાય છે! આખું મંદિર પૃથ્વીના ગર્ભમાંથી નીકળતી નવ જ્વાળાઓ પર ઊભું છે! અહીં ભૂગર્ભમાંથી જ્વાળા નીકળે છે : ન જાણે કેટલાંય વર્ષોથી! આ સદાયને ધધકતી જ્વાળા પાછળનું કારણ શું છે? કોઈ નથી જાણતું! વૈજ્ઞાનિકોએ પણ આ બાબતમાં સંશોધન કર્યું છે પણ પરિણામ શૂન્ય જ આવ્યું છે.

આપમેળે વર્ષોથી પ્રગટી રહેલી જ્વાળા
હિમાચલ પ્રદેશમાં આવેલ જ્વાળાદેવીનાં મંદિર જ્વાળા ભક્તો માટે અખૂટ શ્રધ્ધા અને વિસ્મયનો વિષય છે. સદીઓથી આ જ્યોત સદાય પ્રજ્વળે છે. કોઈ નથી જાણતું કે એમાં કોણ તેલ પૂરે છે! કોઈ પ્રકારના દીવાબત્તી વગર સતત તેજમાન આ જ્વાળા માતાજી પ્રત્યે ભક્તોની શ્રધ્ધામાં અપાર વધારો કરે છે.

અકબરે કરી હતી જ્વાળા બુઝાવવાની કોશિશ
અહીં પ્રજ્વલિત નવ જ્યોતિઓને બુઝાવવાનો પ્રયાસ અમુક ધર્મઝનૂનીઓ દ્વારા કરવામાં પણ આવ્યો હતો! અકબરે બાજુમાં નહેર ખોદાવી આખા મંદિરને ડૂબાવી દઈને જ્વાળાઓ હોલવવાની કોશિશ કરેલી પણ શક્તિને કોણ પહોંચી શકે! ચમત્કાર જ કહો, કે એક પણ જ્વાળાની જ્યોતને અસર પણ ના થઈ. કહેવાય તો એવું પણ છે, કે આ પછી અકબરને દેવીની મહાનતાનું ભાન થયું અને મંદિરમાં સોનાનું છત્ર અર્પણ કરેલું. પણ સ્વાભાવિક રીતે જ એ છત્ર માતાજીને અર્પણ થયું નહી અને નીચે પડી ગયું.

નવ જ્વાળાઓનાં નામ
જ્વાળાદેવીનું આ અદ્ભુત મંદિર નવ જ્વાળાઓ પર બંધાયેલું છે. આ જ્વાળાઓનાં નામ મહાકાળી, અન્નપૂર્ણા, ચંડી, હિંગળાજ, વિંધ્યવાસિની, મહાલક્ષ્મી, અંબિકા, સરસ્વતી અને અંજીદેવી છે. મંદિરનું નિર્માણ ભૂમિચંદ નામના રાજવીએ કરેલું છે. ૧૮૩૫માં સંસારચંદ અને શેર-એ-પંજાબ કહેવાતા મહારાજા રણજીતસિંહ દ્વારા જીર્ણોધ્ધાર કરવામાં આવેલો.

હિંદુ સંસ્કૃતિના જ્યોતિર્ધર સ્થાનોમાં જેને એક ગણી શકાય તેવું જ્વાળાદેવીનું મંદિર એક વાર તો દર્શને જવા જેવું ખરું જ!
Author: કૌશલ બારડ GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.