દિલધડક સ્ટોરી મુકેશ સોજીત્રા રસપ્રદ વાતો લેખકની કલમે

“સાધુતા એજ પ્રભુતા” – સંસારની જવાબદારી માથે હોય અને તમે છટકીને ભગવા ધારણ કરો એ ભગવા નથી ભવાડા જ છે!! વાંચો મૂકેશ સોજીત્રાની કલમે લખાયેલ એક અદભૂત વાર્તા ….

ગીર કાંઠાનું એક ગામ! ગામને પાદર એક નદી હિલોળા મારે! આથમણી બાજુ ગીરની ટેકરીઓ અડીખમ ઉભેલી અને ઉગમણી બાજુ લીલાછમ હરિયાળા મેદાનો. નદીની બાજુમાં જ એક સીમ મારગ. ગામ આમ નાનું ય નહીને મોટુંય નહિ. ગામની પોણા ભાગની વસ્તી પટેલોની અને પા ભાગમાં બીજી જ્ઞાતિના લોકો રહે. સંપીને રેવાવાળું ગામ. ગામના સદભાગ્ય કે ખાખી લુગડું હજી સુધી ગામમાં કોઈ દી આવ્યું નહોતું. તકરાર ને લડાઈ ઝગડાથી ગામ બાર ગાઉં છેટું રહેલું!
ગામને પાદરમાં જ નિશાળ અને નિશાળની સામે જ આઠેક મોટા વડલાના ઘેઘુર ઝાડવા. ગામ આખાના ભાભલાનો જાણે વિસામો જોઈ લ્યો. ભાભલા સવારથી સાંજ સુધી વડલાના ઝાડવા હેઠળ બાંધેલા પથ્થરના ઓટાઓ પર બેઠક જમાવીને બેઠા જ હોય. બપોર ટાણું થાય ત્યારે વારાફરતી ઘરે ખાઈ આવે અને ખાઈને પછી આરામ કરવા પાછા ઓટલા પર આવતા રહે તે છેક ઝાલરટાણું થાય ત્યાં સુધી ઓટલા પર બેસે. રાતે ગામના યુવાનો અને છોકરાઓ મોડે સુધી ઓટલાઓ ધમરોળતા રહે. ગામમાં છેલ્લા બે દિવસ થી ચર્ચા હાલે છે એક સાધુની. પાંચા પટેલની વાડી પાસે જૂનું અને અપૂજ એવું એક શિવાલય!! ત્યાં એક સાધુ બે દિવસથી આવ્યો છે. આમ તો પાંચા પટેલે એને ત્યાં બેશુદ્ધ અવસ્થામાં પડેલો જોયો હતો.પડખે જ એની વાડી હતી.ત્યાંથી બે ડોલ પાણી લાવીને સાધુને માથે નાંખ્યું.થોડી વાર થઇ અને આજુબાજુના વાડી પડા વાળા આવી ગયા. સાધુએ આંખો ખોલી કાઈ બોલ્યો નહિ ભીને લુગડે એમને એમ પડી રહ્યો. ઉમર કાઈ મોટી નહિ લગભગ ત્રીસેક વરસનો હશે એવું અનુમાન પાંચા પટેલે અને બે ત્રણ અનુભવી ખેડૂતોએ લગાવેલું. સાધુ લગભગ એકાદ દિવસ કશું જ ના બોલ્યો. ફક્ત ચકળ વકળ આંખે બધાની સામે જોઈ રહે. સાંજે બાજરાનો રોટલો અને દૂધનું છાલિયું પાંચા પટેલ ત્યાં મૂકી આવ્યા.પાંચા પટેલના ઘરેથી અમરતબેન ત્યાં મંદિરમાં સાફસફાઈ પણ કરી આવ્યા એક પાણીનું માટલું પણ ભરીને મૂકી આવ્યા. સાધુએ એકાદ બે દિવસ તો કશું જ ના ખાધું પણ ધીમે ધીમે એ દૂધનું છાલિયું પીવા લાગ્યો. અને મંદિરે જ આખો દિવસ પડ્યો રહે. બે દિવસ પછી પાંચા પટેલ બે ત્રણ ગોદડા ત્યાં મૂકી આવ્યા.સાધુના ભગવા કપડા સાવ લઘર વઘર અને ઠેક ઠેકાણે ફાટી ગયેલા હતા. બાજુના નજીકના નાનકડા શહેરમાંથી પાંચા પટેલ ભગવા રંગનું કાપડ લઇ આવ્યા અને ત્રણેક ધોતિયા પણ એજ કલરના લાવ્યા.

ગામના જ એક માત્ર દરજી રતું દરજી પાસે રાતો રાત સિવડાવ્યા. અને સાધુને આપી આવ્યા. બે ત્રણ દિવસ વળી પસાર થયા ને પાંચા પટેલે વહેલી સવારે ગાડું લઈને ખેતરે પહોંચ્યા અને કૌતુક જોયું. પેલો સાધુ કુવાના થાળા પાસે નાહીને નવા કપડા પહેરીને શિવાલય તરફ જતો જોયો.પાછા પટેલના મનમાં હાશ થઇ અને ગામમાં વાતો શરુ થઇ!!
“ પોલીસવાળાને જાણ કરી દેવાય આવાનો કોઈ ભરોસો નહિ. કોણ છે?? કેવો છે?? કયા ગામનો છે?? શું કામ સાધુ થયો છે એ જાણ્યા વગર વાડીએ રાખવો એ ગુનો બને છે” તળશીભાભા ચલમ ફૂંકતા ફૂંકતા બોલ્યા.

“ એના મોઢા પરથી એ કોઈ ગુનેગાર લાગતો નથી. શરીર પર અનેક જગ્યાએ ગુમડા થયા છે. હું કાલે જ ગયો હતો. ગુમડાનો ગુલાબી મલમ આવે ને એ પાંચાના બે ય દીકરાઓ એ સાધુને જ્યાં જ્યાં ગુમડા છે ત્યાં લગાડતા હતા. હવે તો પાંચા પટેલ અડધો દિવસ ખેતરે હોય અને અડધો દિવસ એ શિવાલયે હોય.. શિવાલય પહેલા તો ખંડેર જ હતું ને..કોઈ ભોજિયો ભાઈએ શ્રાવણ માસ સિવાય ત્યાં ફરકતું નહિ એને બદલે ચોખ્ખુને ચણાક થઇ ગયું છે. હવે સાધુ લગભગ આશ્રમ જમાવી જ દેશે.. બે વરહમાં આશ્રમ જ સમજી લ્યો!! શિવ તો ત્યાં હતા હવે સાધુનો જીવ પણ આવ્યો!! હવે જીવ અને શિવ બન્ને ભેગા થઈને જમાવટ કરવાના છે” મોટી જીવરાજની મોટી બીડીની સટ મારતા મારતા પરશોતમમુખી બોલ્યા. પરશોતમમુખીના બાપા કલ્યાણઆતા ગામના મુખી હતા એટલે પરશોતમભાભાની છાપ પરશોતમ મુખી પડી ગઈ હતી.

“ ઠીક હવે સાધુ બાધુ.. મૂળ તો ત્યાં રાફડો છે ને ત્યાં માયા દાટેલી છે.. મારા આતાના આતા વાત કરતા કે દર વીસ વરસે ત્યાં મંદિરે આવુંને આવું કોઈ આવતું રહે છે.. માયા અમુકને સપનામાં આવે છે. સપનામાં મંદિર આવે..ગામ દેખાય ને ગોતતા ગોતતા આવા ને આવા સાધુ હાલી આવે છે, પણ રાફડા માં ભોરીંગ બેઠો છે.એ માયાનું રક્ષણ કરે છે. એટલે એકાદ મહિનો આવુંને આવું જ હાલશે.અને આપણા ગામને તમે ઓળખો જ છોને લઇ હાલશે સાધુને દૂધ પીવરાવવા ટબૂડી લઇ લઈને.. છોકરાને કેળા નહિ ખવડાવે અને આવા સાધુને સુંડલોક કેળાનું ફરાળ કરાવશે. પણ પછી માયા એવા એવા ચાબખા મારશે કે આ સાધુ ઉભી પુંછડીએ ભાગશે.. ત્યાં કોઈ ટકી શકે જ નહિ.. બગલામુખી દેવીની તાંત્રિક સાધના કરી હોયને એને જ આવી માયા મળી શકે.. વળી ત્યાં જેવી તેવી માયા નથી..આખી રાત ગાડા ભરી ભરીને ઘરે લાવોને તોય ના ખૂટે એટલું સોનું અને ઝવેરાત ત્યાં છુપાઈને પડેલું છે.પણ બગલામુખી દેવીની વિધિ કરેલ છે એટલે કોઈ લઇ ના શકે.” વશરામ ભુવાએ પોતાની વાત કરી. ગામ આખામાં એક માત્ર સમ ખાવા પુરતો ભૂવો હતો. અને વળી ધાગધાગા ભૂવો હતો. તમામ પ્રકારની અસુરી શક્તિ એના વશમાં હતી. વશરામ ભુવાની વહુ ઓતી પણ વશરામથી ચાર ચાસણી ચડે એવી હતી. નવરાત્રીની ગરબી ગામના ચોકમાં થાવાને બદલે વરસોથી વશરામ ભુવાની ખડકી પાસે જ થતી. ગામમાં મોટાભાગનાને ડેલા બંધ પાકા મકાન હતા પણ આ ભૂવાના ભાગ્યમાં કાચા મકાન ખખડીને જાહલ થઇ ગયેલ ખડકી જ હતી.
પાંચા પટેલને પહેલા ખોળાની દીકરી હતી. નામ હતું ગૌરી. ઉમર સોળ વરસની અને પછી બે દીકરા એક હતો બાર વરસનો અને બીજો દસ વરસનો. મોટાનું નામ અરજણ અને નાનાનું નામ નાનજી!! પાંચા પટેલના બાપા ભીખા પટેલ પહેલેથી જ ધાર્મિક સ્વભાવના હતા સેવા અને ભક્તિ એના લોહીમાં વણાયેલા હતા. ભીખાઆતાનો વારસો સીધો પાંચા પટેલને મળ્યો હતો અને એ સેવાના વારસાના ગુણો અત્યારથી નાના છોકરાઓમાં આવી ગયા હતા. એકાદ મહિના સુધી સાધુની સંભાળ પાંચા પટેલ રાખી ને ધીમે ધીમે સાધુના વલણમાં સુધારો થયો. એ હવે પાંચા પટેલ સાથે વાત કરતો થયો. ધીમે ધીમે સાધુને જગ્યા ફાવી ગઈ.પોતે હવે વાળીને સાફસુફ રાખવા લાગ્યા. ખાવાની તમામ ચીજ વસ્તુઓ પાંચા પટેલ લાવી જ આપતા પણ આ અનોખો સાધુ નીકળ્યો. હવે એ પાંચા પટેલની ખેતીમાં સાથ આપવા લાગ્યો. પાંચા પટેલ ઘણી ના પાડે પણ એ સાધુ માને જ નહીને.. રાત્રે પાણીની મોટર ચાલુ કરીને કપાસમાં પાણી પાઈ દે.. રજકો વાઢી નાંખે.. ગમાણ સાફ કરી નાંખે.. જુવાર વાઢવી હોય કે ખેતરમાં પછીયું કરવું હોય સાધુ બધામાં મદદ કરતો હતો. ખેતીના તમામ કામ આને આવડતા હતા. પણ એક મુશ્કેલી હતી. સાધુ પોતાનું પૂર્વજીવન કે નામ નહોતો બતાવતો.લોકોએ શરૂઆતમાં લોકોએ ઘણું પૂછ્યું પણ બધું જ વ્યર્થ!! આવા પ્રશ્નો વખતે એ એકદમ મૂંગો થઇ જતો. પણ બીજી કોઈ માથાકૂટ નહિ.. હવે એ મંદિરની પૂજા પણ કરવા લાગ્યો હતો.કોઈ પૈસાની કે એવી કોઈ લાલચ નહિ. ખાવાનું પણ સાદું. લોકો એને માન આપે કે ન આપે એની એને કોઈ જ પડી નહોતી. સમય વીતતો ચાલ્યો. સાધુની એક ઝૂંપડી બની મંદિરની સામેજ અને હવે તો રાતે એકાદ બે લોકો સાધુ પાસે બેઠા બેઠા બીડીઓ પીતા હોય અલક મલકની વાતો કરે ક્યારેક કોઈ ગાંજાના બંધાણી પણ ગાંજો લઈને પહોંચી જાય. એ બધા એકલા એકલા પીવે આ સાધુને ચા સિવાય કોઈ જ વ્યસન નહોતું.
આમને આમ ત્રણ વરસ વીતી ગયા. દિવાળી પછી પાંચા પટેલે પોતાની દીકરીના લગ્ન કરવાનું નક્કી કર્યું. બાજુના ગામમાં જ એક સારી શાખ વાળા ખોરડામાં ગૌરીનું સગપણ નક્કી કરેલ હતું. દેવ દિવાળી પછી તરત જ લગ્નનું મુહુર્ત હતું અને એક ઘટના બની નવરાત્રીના દિવસોમાં અને ગામમાં અરેરાટી વ્યાપી ગઈ. ગામમાં પાંચા પટેલના ઘર પાસે જ એક કપાસ ભરવા ખટારો આવ્યો હતો. એ થોડીક સાંકડી શેરી હતી અને સાતમાં નોરતે બપોરે વરસાદ પડ્યો હતો. ખાલી ખટારો તો શેરીમાં આવી ગયો પણ આખો કપાસથી ભરાઈ ગયા પછી ખટારો ચીકણી માટીની કારણે હાલી નહોતો શકતો. સહુ પોતપોતાની ડેલી પાસે ઉભા હતા. ખટારાના પાછલા વ્હીલ ત્યાને ત્યાં જમીનમાં ફરી જતા હતા અને એવામાં એ જમીન એકદમ ત્રણેક ફૂટ નીચે બેસી ગઈ અને ખટારો ખાંગો થયો અને આડો પડ્યો અને એની નીચે પાંચા પટેલ અને એની પત્ની દબાયા!! એ બને પોતાના ડેલાની બહાર જ ઉભા હતા!! અચાનક આ ઘટના એટલે ઝડપે બની ગઈ કે એને બચવાનો કોઈ જ મારગ જ ના મળ્યો!!
ગામ આખામાં હાહાકાર થઇ ગયો. ઘડીના છટ્ઠા ભાગમાં જ એક હસતો ખેલતો પરિવાર નોધારો થઇ ગયો હતો!! એકી સાથે માતા અને પિતા બને આ જગત છોડીને ચાલ્યા ગયા હતા એક ઓગણીશ વરસની દીકરી અને બે દીકરાઓ અચાનક જ અનાથ બની ગયા હતા.સાધુને ખબર પડી એ દોડતા દોડતા ગામમાં આવ્યાં.સાધુ આજ પહેલી વાર ગામમાં આવ્યા હતા. બને બાળકોને આશ્વાસન આપ્યું અને બાથમાં લીધા. બીજા દિવસે વહેલી સવારે એક સાથે બે ચિતાઓ સ્મશાનમાં સળગતી હતી. સાધુ પાંચા પટેલની ઘરની બહાર જ રોકાયો. બાર દિવસ સુધી એ ત્યાં ખડે પગે રહ્યો. પાંચા પટેલ અને એની પત્નિની બધી જ વિધિ પૂરી કર્યા પછી એ પહેલી વાર આટલું બોલ્યો. ઘણાએ એને પહેલી વાર બોલતા સાંભળ્યો!!

“બેટા નાનજી તારે બહેન ગૌરી પાસે જ ઘરે જ રહેવાનું છે. ક્યાય જવાનું નથી ઘરની બહાર!! હું અને અરજણ હવે ખેતી સંભાળી લેશું.. અને બહેન ગૌરી તારે હવે આંસુ નથી પાડવાના ભાઈને સાચવવાનો છે” આટલું કહીને એ સાધુ પાછો પોતાની ઝુંપડીએ ચાલ્યો ગયો.

બે દિવસમાં ગામ લોકોએ બીજું કૌતુક જોયું. સાધુએ હવે ભગવા વસ્ત્રો કાઢી નાંખ્યા હતા અને પાંચા પટેલના કપડા એણે પહેરી લીધા હતા. અને પછી જાણે કંઈ જ ના બન્યું હોય એમ ખેતીકામમાં લાગી ગયો. હવે એ વાડીએ જ રહેતો હતો. અરજણ પણ એની સાથે જ હોય!! બપોરે અને સાંજે અરજણ ઘરેથી ભાત લઇ આવે. એની સાથે એ જમે અને વળી ખેતીકામમાં જોતરાઈ જાય. થાકવાનું નામ જ નહિ આમને આમ દિવાળી નો તહેવાર નજીક આવી ગયો. લાભ પાંચમને દિવસે અરજણ ગામમાં લગભગ વીસેક માણસો પાસે ગયો અને કીધું કે તમને આજે રાતે આઠ વાગ્યે સાધુએ મારી વાડીએ બોલાવ્યા છે. અને જરૂરનું કામ છે એમ કીધું હતું. ઘણા લોકો વિચારમાં પડી ગયા કે કોઈ દિવસ નહીને આજે કેમ બોલાવ્યા હશે. વીસને બદલે લગભગ પચાસ માણસોનું ટોળું પાંચા પટેલની વાડીએ ભેગું થયું!!

બધા માટે સાધુએ પોતે ચા બનાવી. બધાને પાઈને પોતે વાત શરુ કરી. બધા એની વાત સાંભળવા આતુર હતાં.

“હું કોઈ સાધુ કે ભેખ લીધેલ માણસ નથી. તમારી જેમ જ સંજોગોનો શિકાર એક પટેલનો દીકરો છું. ઘણા મને પૂછતાં તમારું ગામ કયું?? તમે કેવા છો?? પણ હું એ ભૂતકાળ ભૂલી ચુક્યો હતો યાદ કરવા માંગતો નહોતો.મને પાંચા પટેલ સાથેની જિંદગી ફાવી ગઈ હતી એટલે હું આમને આમ જિંદગી વિતાવવા માંગતો હતો પણ જે ઘટના બની એના કારણે મારી હવે આ કુટુંબ પ્રત્યેની ફરજ બની જાય છે કે એનો બાપ બનીને આ ત્રણેય સંતાનોને ઘરે બારે કરી દેવા. ત્યાં સુધી હું ક્યાય નહિ જાવ!! તમને કદાચ એમ હશે કે દીકરીના લગ્ન છે એટલે બધાને ફાળો કરવા માટે બોલાવ્યા હશે.પણ મારે તમારો સહકાર જોઈએ છીએ. મારે તમારો એક પણ રૂપિયો નથી જોઈતો. તમે મને સહકાર આપો તો આ ગૌરી અને ત્રણેય ભાઈઓ પરણી જાય એટલા રૂપિયા મને મળી જાય એમ છે!! હું અત્યારે જે વાત કરવા જઈ રહ્યો છું એ એકદમ સત્ય વાત છે.તમારામાંથી કોઈ પણ બે જણા આ વાત સાંભળ્યા પછી એ ગામમાં જઈને કોઈ પણ ને પૂછી આવવાની છૂટ છે અને જો એ વાત સાચી નીકળે તો ગામ આખા એ મને સહકાર આપવાનો છે!! સાધુ વાત કરતો હતો. સહુ તલ્લીનતાથી સાંભળી રહ્યા હતા. થોડી વાર શાંતિ છવાઈ ગઈ પછી ગળું ખંખેરીને એ સાધુ ફરીથી બોલ્યો. એણે પોતાના ગામનું નામ કીધું એ ગામ આ ગામથી લગભગ સો કિલોમીટર જેટલું દૂર હતું.
“ મારું નામ પ્રવીણ. મારા ભાઈનું નામ મગન!! અમે બે જ ભાઈઓ છીએ. મારા બા બાપુજી હયાત નથી. મારો ભાઈ સહકારી મંડળીમાં મંત્રી. બાપદાદાની અમારે ચાલીશ વીઘા જમીન છે. મારા ભાઈના લગ્ન થઇ ગયા પછી મારી કઠણાઈ શરુ થઇ. આમેય પેહેલેથી ખેતીકામ હું જ કરતો મારો ભાઈ મંડળીમાં મંત્રી એટલે લગભગ એ ઘરે ના હોય.. મારો ભાઈ એક સિટીની ફેશનેબલ સ્ત્રીને પરણ્યો. શરૂઆતમાં તો હું મજાક સમજતો પણ મારી ભાભીનો ડોળો મારા પર હતો.અવારનવાર એવા શબ્દો બોલે અને મારી સાથે છૂટ લેવા લાગી. હું હવે ઘરે ઓછો રહેવા લાગ્યો અને એક દિવસ હું ઘરે જઈ ચડ્યો ને મારી સગી ભાભીને ગામના જ એક મવાલી સાથે જોઈ અને મેં મારા ભાઈને વાત કરી. એણે ઘરે જઈને મારા ભાભીને કીધું. ભાભીએ મારા પર આળ નાખ્યું અને સ્ત્રી નાટક આદર્યું. અને બાજી ફરી ગઈ. વગર વાંકે મને ઢોર માર માર્યો મારા ભાઈએ અને એ રાતે હું વાડીયે જતો રહ્યો. રાતે બારેક વાગ્યા હશે ને આઠેક માણસો આવ્યાં. બપોરે ગામનો જે મવાલી મારી ભાભી સાથે હતો એ જ આગેવાન હતો આ ટોળાનો. અને હું ભાગ્યો. એ લોકો મારી પાછળ પડ્યા. હું ગામથી દૂર ભાગી રહ્યો હતો. રસ્તામાં મને પકડીને ઢોર માર માર્યો. વળી હું છટક્યો અને ગાંડાની જેમ દોડવા લાગ્યો. અને અચાનક જ સામેથી આવતા એક ટ્રક સાથે હું અથડાયો. અને મને કશું ભાન નહોતું.!! હું જયારે ભાનમાં આવ્યો ત્યારે જુનાગઢ એક સાધુના આશ્રમમાં હતો. થોડું થોડું ક્યારેક યાદ આવે કયારેક સાવ ભુલાઈ જાય. પછી હું એક વરસ ત્યાં રહ્યો મને કહેવામાં આવ્યું કે આ સાધુઓનો સંઘ ખટારામાં જતો હતો અને તું દોડતો હતો અને ખટારા સાથે ભટકાયો.તારી પાછળ કેટલાક લોકો પડ્યા હતા એ અમને જોઇને ભાગી ગયા. હું ત્યાં ભગવા વસ્ત્રોમાં રહ્યો. મને ગાંજો પીવડાવામાં આવતો જે મને નહોતો ભાવતો. વળી ત્યાં બધાની સેવા ચાકરી કરાવવામાં આવતી. રાત્રે બે વાગ્યા સુધી અમુકની પગચંપી કરવી પડતી હું એક દિવસ કંટાળ્યો અને ભાગી છૂટ્યો. એની પહેલા પણ એક વખત ભાગવાનો પ્રયત્ન કર્યો પણ સફળ નહોતો થયો .મારે સાધુ થવું નહોતું અને એ લોકો પરાણે સાધુ કરવા માંગતા હતા એવું મને લાગ્યું. જોકે મારું મગજ ઠેકાણે નહોતું, એમાં વળી પરાણે ગાંજો પીવડાવવાને કારણે મગજ વધારે છટકતું ગયું. શરીર પર ઠેર ઠેર ગુમડાઓ નીકળ્યા હતા.ખરેખર ત્યાં શું થયું એ મને પણ હજુ પૂરી ખબર નથી. અને પછી એકદમ ત્રણ દિવસ અને ત્રણ રાત ચાલતો ચાલતો હું આ ગામમાં પાંચા પટેલની વાડી પાસે આવીને ઢળી પડ્યો. આ ત્રણ દિવસમાં પાણી સિવાય મેં પેટમાં કશું જ નાંખ્યું નહોતું.અહી આવીને પાંચા પટેલની સેવા ચાકરીને કારણે મારું મગજ શાંત થયું. અને મેં નક્કી કર્યું કે હવે જિંદગી અહીંજ આ રીતે વિતાવી દેવી છે કોઈને પણ કશું કીધા વગર!! પણ આ અચાનક ઘટના બન્યા પછી મને થયું કે હું મારા ગામમાં મારા બાપે લીધેલ ચાલીશ વીઘા જમીનનો કાયદેસરનો અર્ધો ભાગીદાર છું. બસ એ વીસ વીઘા જમીન વેચીને હું આ ગૌરી અને બેય ભાઈઓને પરણાવવા માંગુ છું. પાંચા પટેલ અને એમના પત્ની ભગવાનનું માણસ એમનું ઋણ હું ક્યારેય ચૂકવી ના શકું?? એ મને ના મળ્યા હોત તો હું પાગલ થઈને રખડતો હોત!! કોણ જાણે મારી કેવી દશા હોત પણ આ બાળકોના ભવિષ્ય માટે આટલું તો કરી જ શકું!! બસ તો તમારામાંથી મારે અમુક માણસો નો સાથ જોઈએ છીએ જે મારા ભાઈ પાસેથી જમીનનો ભાગ અપાવે!!” સહુ સ્તબ્ધ થઇ ગયા!! આ સાધુની આવી રસપ્રદ કહાની હશે એતો એમને ક્યાંથી ખ્યાલ હોય!! અને ગામના બધા જ સહમત થયા!!
ગામના ત્રણ લોકો એ ગામમાં જઈ આવ્યા. ગામમાં કોઈને ભેંશ વેચાવ છે કે નહિ એવું બહાનું ધરીને એ ત્રણ લોકો ગામમાં રાતવાસો કરીને પ્રવીણની વાત સિફતપૂર્વક કઢાવી લીધી. બધાનો એક જ મત હતો કે પ્રવીણ જેવો છોકરો આખા ગામમાં બીજો કોઈ થશે નહિ. બિચારો ઘર છોડીને જતો રહ્યો છે તો કોઈ એમ કહેતું કે એના સગા ભાઈએ એને પતાવી દીધો છે. બધા અવનવી વાતો કરતા પણ એક વાત નક્કી હતી કે ગામ પ્રવીણના વખાણ જ કરતુ. એ લોકોએ આવીને વાત કરી કે પ્રવીણ જે કહે છે એ સાચું છે!! અને પછી ચાર ટ્રેકટર ઉપડ્યા.અમુકે તો ધોકા પણ સાથે લીધા હતા!!
“ગામમાં ચાર ટ્રેકટર આવ્યા છે એની સાથે પ્રવીણ પણ છે મગનની ઘર આગળ એ લોકો ઉભા છે અમુકના હાથમાં ધોકા છે. મગન અને એની વહુએ અંદરથી ડેલી દઈ દીધી છે એ લોકો પડખે ભનું દાદાની અગાશી પરથી મગનના ઘરમાં જાય છે” અને આવી વાતો ઉડી અને ગામ થઇ ગયું ભેગું અને થયો હોબાળો!! ગામનાને પ્રવીણે વાત કરી કે રાતે મને મારવા આવ્યા હતા એ મવાલી પણ સાથે હતો અને વીસેક જણા મવાલીને ટીંગા ટોળી કરી લાવ્યા. ગામના આગેવાનો એને ખીજાયા જેલની બીક બતાવી પોલીસની બીક બતાવી એટલે મવાલી એ મો ખોલ્યું.

“મને તો મગને કીધું હતું કે પ્રવીણને પતાવી દેજે નહિતર તારી કે મારી બેયની આબરૂના કાંકરા કરશે એ” અને અંતે ભેદ ખુલી ગયો હતો. લોકો મગન પર થુથુ કરતા હતા. પ્રવીણ બોલ્યો.

“ ઈ જે થયું એ મને મારા હકની વીસ વીઘા જમીન જોઈએ છે.અને એ પણ મારા માટે નહિ.મારે પાંચા પટેલનું ઋણ ચુકવવું છે એટલા માટે”

“ બધી જમીન એણે ખાતે કરી લીધી છે.. આ સરપંચે સહી કરી દીધી કે તું મરી ગયો છે..તને એટેક આવ્યો એવો સરકારી દવાખાનાનો મરણનો દાખલો પણ છે. તારો વીમો પણ મગનાએ લઇ લીધો છે. પંચાયતમાં તારો મરણનો દાખલો પણ પડ્યો છે.. તારા ગયા પછી એક વરહમાં જ આ બધા ખેલ થયા.. એ જમીન તો મગનાએ એના નામે કરી લીધી.” પટાવાળો કાનજી બોલતો હતો.
“ તો મગનની સાથે સાથે સરપંચ, સરકારી દવાખાના વાળા સાહેબને ઘણા બધા જેલમાં જશે હવે તો પોલીસ જ બોલાવવી પડશે!!” પ્રવીણ બોલ્યો અને સરપંચના મોતિયા મરી ગયા. એ બધા થોડે દૂર જઈને ગુસપુસ કરી આવ્યા અને કીધું.

“મગન તને વીસ વીઘાના વીસ લાખ રૂપિયા આપી દેશે..એની ભૂલ છે અમારી ભૂલ છે અમને માફ કરો ભાઈ સાહેબ!! અત્યારે થોડા આપશે અને પછી કટકે કટકે આપશે એકી સાથે તો વીસ લાખ એના ઘરમાં ના હોયને” સરપંચ બોલ્યા.

“ અરે ના શું હોય!! હું બપોરે મંડળીએ ગયો ત્યારે મગના પાસે પૈસા ભરેલ એક થેલો આવ્યો હતો. જેનો હોય એનો પણ આખો થેલો ભરેલો હતો. એ થેલો ઉપાડીને પેલા લાલ કબાટમાં મુક્યો છે.મારી પાસેજ થેલો ઉપાડ્યાવો એણે એ કબાટ ખોલો એટલે એમાં પૈસા નીકળશે! કે દૂનો ઘામાં લેવો તો આજે માંડ મેળ પડ્યો છે ” શાંતિયો બોલ્યો.

અને પછી લાલ કબાટ ખુલ્લો થયો. ગુલાબી નોટોના દસ પેકેટ અલગ તારવ્યા. પ્રવીણને જમીનના પૈસા મળ્યા. ફળિયામાં પડેલા બે ટ્રેક્ટરમાંથી એક નવું ટ્રેકટર પ્રવીણે શરુ કર્યું અને બોલ્યો.

“આ ઘરમાં પણ મારા બે ભાગ પડે જ ને મોટા?? એ ભાગનું આ ટ્રેકટર લઇ જાવ છું.અને તારે હવે બે ટ્રેકટર રાખીને શું કરવા છે?? હાલ્ય તઈ છેલ્લી વારના રામ રામ મોટા” કહીને પ્રવીણ ચાલી નીકળ્યો.એની સાથે આવેલ ચાર ટ્રેકટર પણ ચાલી નીકળ્યા!!
દેવ દિવાળી પછી ધામધુમથી ગૌરીના લગ્ન થયા. પ્રવીણે કન્યાદાન આપ્યું. અને પછી લોકો એને સાધુ નહોતા કહેતા પ્રવીણ બાપુ કહેતા હતા. લગ્નના ખરચ બાદ વધેલી રકમ પ્રવીણે બને છોકરાને ખાતે કરી દીધી. પોતે હવે એકલો જ વાડીએ અને મંદિરે રહેવા લાગ્યો. સમય વીતવા લાગ્યો. બીજા છ વરસ બાદ એકી સાથે અરજણ અને નાનજીના લગ્ન થયા. લગ્નના એક અઠવાડિયા બાદ પ્રવીણે બધાને પાછા બોલાવ્યા અને કહ્યું.

“એકવાર મારે પરાણે ભગવા પહેરવા પડ્યા હતા.. પછી સંજોગોના કારણે પાછા ભગવા ઉતારવા પડ્યા હતા.. હવે મારું કર્મ પૂરું થઇ ગયું છે.. નાનજી અને અરજણ પરણી ગયા છે.. દીકરી ગૌરી સુખી છે. હવે મનમાં ફરી એક વાર વિચાર આવે છે કે આ ખરો સમય છે ભગવા પહેરવાનો!! જ્યાં સુધી તમારી માથે કોઈ જવાબદારી ન હોય બધું જ પૂરું કરી લીધું હોય ત્યારે જ ભગવામાં શાંતિ મળે છે!! બાકી બીજાને દુખી કરીને તમે ભગવા પહેરો તો એ ભવાડા કહેવાય ભગવા નો કહેવાય!!” અને બે દિવસ પછી બધો જ વહેવાર પાંચા પટેલના દીકરાઓને સોંપીને પ્રવીણે ભગવા પહેરી લીધા!!

સંસારની જવાબદારી માથે હોય અને તમે છટકીને ભગવા ધારણ કરો એ ભગવા નથી ભવાડા જ છે!! બધી જવાબદારીમાંથી મુક્ત થઇ ગયા પછી તમે ભેખ ધારણ કરો એ સદગતીનો શિલાલેખ છે!! આવા સાધુઓ વંદનને પાત્ર છે આવી સાધુતામાં જ પ્રભુતા છે!!

Author: મુકેશ સોજીત્રા – GujjuRocks Team
૪૨. “હાશ” શિવમ પાર્ક સોસાયટી , સ્ટેશન રોડ. મુ.પો. ઢસા ગામ તા. ગઢડા જી, બોટાદ પીન ૩૬૪૭૩૦

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks