સોખડા સ્વામિનારાયણ મંદિરમાં સંતોએ મંદિરમાં જ કામ કરતા એક યુવકને ફટકાર્યો, વીડિયો પણ થયો વાયરલ, જાણો શું હતો સમગ્ર મામલો ?

વડોદરા નજીક આવેલા હરિધામ સોખડા ફરી એકવાર વિવાદોમાં સપડાયું છે, આ વખતે મંદિરનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં મંદિરના સંતો દ્વારા એક યુવકને માર મારવામાં આવી રહ્યો છે, આ ઘટનાએ સોશિયલ મીડિયામાં પણ ચર્ચા જન્માવી છે, કે આખરે શા કારણે સાધુ સંતો યુવકને માર મારી રહ્યા છે ?

પ્રાપ્ત માહિતી અનુસાર સાધુ સંતો જે યુવકને માર મારી રહ્યા હતા તે યુવકનું નામ અનુજ ચૌહાણ છે અને ખાસ વાત તો એ છે કે તે મંદિરના એકાઉન્ટ વિભાગમાં કામ કરે છે. અનુજ છેલ્લા 6 વર્ષથી મંદિરની અંદર એકાઉન્ટ વિભાગમાં સેવા આપતો હતો. પરંતુ બે દિવસ પહેલા 4 સંતોએ ભેગા થઈને અનુજને માર મારતા મોટો હોબાળો મચ્યો છે.

આ ઘટનાને લઈને મંદિરના અન્ય સેવકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે, મીડિયા રિપોર્ટ અનુસાર બે સંતો વચ્ચેના વિવાદને લઈને યુવકને માર માર્યો હોવાની વાત પણ ચર્ચાઈ રહી છે, આ ઘટના અંગેની જાણ અનુજના પિતાને થતા તે પણ અનુજને લેવા માટે સોખડા મંદિરમાં દોડી આવ્યા હતા અને પુત્રને ઘરે લઈને ચાલ્યા ગયા.

તો મીડિયા રિપોર્ટ અનુસાર એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે મંદિરમાં મહિલાઓનો એક સમૂહ દર્શન માટે આવ્યો હતો, ત્યારે બે સંતો મહિલાઓ સાથે વાત કરી રહ્યા હતા, જેનો વીડિયો અનુજે પોતાના મોબાઈલમાં બનાવી લીધો હતો, અનુજને વીડિયો બનાવતા એક સંતે જોયા હતા જેના બાદ અનુજને વીડિયો ડીલીટ કરવા દબાણ કર્યું.

અનુજે વીડિયો ડીલીટ કરવાની ના પાડી જેના બાદ સંતોએ તેને માર મારવાનું શરૂ કર્યું હતું, સિક્યુરિટી ગાર્ડ પણ આ જોઈને આવી ચઢ્યો હતો જેના બાદ તેને પણ અનુજને માર માર્યો હતો, આ ઘટનાનો વીડિયો કોઈને તેના મોબાઈલમાં બનાવી લીધો અને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો.

Niraj Patel