મુકેશ સોજીત્રા લેખકની કલમે

“સાચુ રોકાણ” – દીકરાના ભરોસે રહેવા કરતા બચતને ભરોસે રહેવું એ વધારે વાજબી છે, વાંચો મુકેશ સોજીત્રાની કલમે

કરમશીભાઈ પટેલ!!
તલાટી કમ મંત્રીશ્રી અને છેલ્લે છેલ્લે થોડોક સમય સર્કલ ઓફિસર પણ થયેલા!!

હાલ સાતેક વરસથી નિવૃત થયેલા અને તાલુકાથી બહુ દૂર પણ નહીં અને નજીક પણ નહિ એવા એક ગામમાં હજુ ભાડે રહેતા હતા. સંતાનમાં બે દીકરા અને બે દીકરીઓ!! દીકરીઓ અને દીકરાને પરણાવી દીધા હતા. આમ તો એના કુટુંબમાં એ સહુ પ્રથમ નોકરિયાત હતા. તલાટી મંત્રીની નોકરી આમ તો નાની ગણાય પણ માભો મોટો હતો. જુના જમાનામાં નોકરીએ લાગેલા. અઠવાડિયે બે કે ત્રણ વાર ગામડામાં જાય. સવારની બસમાં એ ગામડામાં ઉતરે!!

“મંત્રી સાહેબ આવ્યા મંત્રી સાહેબ આવ્યા!!” ગામ આખામાં ખબર પડી જાય. કરમશીભાઈનો થેલો જેવા બસમાંથી ઉતરે કે તરત જ કોઈને કોઈ પાદર બેઠું જ હોય!! એ ફટાફટ ઉભા થાય અને મંત્રી સાહેબનો થેલો પકડી લે.. કોઈ વળી પંચાયતના પટાવાળાને ખબર આપે એટલે પટાવાળો ધોડતો ધોડતો આવે. પંચાયત ઓફીસ ખોલે. માટલામાં પાણી ભરે. સફાઈ થાય ત્યાં સુધી. કરમશીભાઈ પંચાયતની બરાબર સામે આવેલ એક વડના મોટા ઝાડ નીચે બેસે. થોડી જ વારમાં ગામમાં ગમે ત્યાંથી ચા આવી જાય.. કરમશીભાઈ અને તેની આજુબાજુ બેઠેલા ચાર કે પાંચ લોકો ચા પીવે!!

અને પછી આવે સરપંચ!! થોડી ઘણી વાતો થાય. ગામમાંથી જેને જેને કામ હોય એ પંચાયત ઓફિસની આજુબાજુ મંડે આંટા મારવા. કોઈને જન્મ તારીખનો દાખલો કઢાવવાનો હોય તો વળી કોઈને મરણ નોંધ કરાવવાની હોય!! કોઈને વળી ક્યાંકથી આછી પાતળી સહાય લેવાની હોય એટલે દાખલો જોતો હોય!! કોઈને વળી સાત બાર અને આઠ અ ના ઉતારા જોતા હોય!! કોઈને ભાયુંની જમીન વેચવી હોય અને ચોપડીઓ અલગ અલગ કરાવવી હોય!! મંત્રી સાહેબ ગામમાં આવે એટલે ઘણા બધા કામ હોય!! બપોર સુધી તો કાઈ થાય નહિ. સરપંચની ઘરે બપોરા કર્યા પછી જ પંચાયત ઓફિસમાં ખરું કામ શરુ થાય!! લગભગ ચાર વાગવા સુધીમાં કામ પતી જાય એટલે લગભગ છેલ્લી અને પાંચ વાગ્યાના ટાઈમ વાળી એસ ટી બસ કે જે કાયમ છ વાગ્યે જ આવતી એમાં કરમશીભાઈ થાય રવાના!! ઈ વખતે પણ ગામના ચાર પાંચ જણા મંત્રીસાહેબને વળાવવા આવ્યા હોય!! વળી આ વખતે મુદામાલ વધુ હોય. સવારે આવ્યા હોય ત્યારે માત્ર એક થેલો જ હોય પણ જયારે મંત્રી સાહેબ જાય ત્યારે બીજા બે ત્રણ થેલીઓ પણ સાથે હોય!! કોક થેલીમાં જીરું ભર્યું હોય તો કોકમાં વળી દેશી મગ હોય અથવા ચણા અથવા તુવેર પણ હોય!!

Image Source

બીજા તલાટી કમ મંત્રીશ્રીની જેમ કામ કરવાના એ કોઈ જ ભાવ નહોતા રાખતા. આપે તો ના નહિ પાડવાની અને ના આપે તો માંગવાનું પણ નહિ.. પણ કહેવત છે ને કે ન માંગ્યું દોડતું આવે!! એટલે જ જે ગામમાં કરમશીભાઈ તલાટી કમ મંત્રી તરીકે મુકાય એ ગામ પોતાને ભાગ્યશાળી ગણતું!! ૩૬ વરસની નોકરીમાં કરમશીભાઈ વિરુદ્ધ એક પણ ફરિયાદ થઇ નહોતી અને નાની ઉમરે એ તલાટી કમ મંત્રીમાં લાગી ગયેલા હતા. એટલે છેલ્લે છેલ્લે સર્કલ પણ થયેલા!! આખી નોકરી એમની વાદ વિવાદ વગર પૂરી થઇ ગઈ હતી. વળી કોઈ ગામમાં મંત્રી અને ગામને વાદ વિવાદ થયો હોય એવા ગામમાં એ વાદ વિવાદ ઉકેલવા પણ જાય.. ઉકેલાય તો ઠીક છે નહીતર એ ગામનો ચાર્જ પણ એને આવતો. એ ચાર્જ લે એટલે વાદ વિવાદ એ ગામમાંથી વિદાય લઇ લે એ વાત ચોક્કસ!!

નોકરીની સાથે શરૂઆતમાં ભણતર પણ શરુ રાખેલું. એમને એમ એ ઘરે બેઠા બી કોમ પણ થઇ ગયેલા. કામની ધગશ અને સદા નવું જાણવાની વૃતીએ એ પોતાના કાર્યક્ષેત્રમાં એ બાહોશ ગણાતા. નવા નવા નિમણુક પામેલા ટીડીઓ કે મામલતદાર આવે એટલે એને કરમશીભાઈ વગર ન ચાલે. તાલુકાના જ નહિ પણ આજુબાજુના તાલુકાના કર્મચારીઓ પણ માનતા કે કરમશીભાઈ પંચાયતી ધારાને ઘોળીને પી ગયા છે..કોઈ પણ નિયમની એને જાણકારી હતી.. કોઈ જમીન નો પ્રશ્ન હોય કે ગૌચરનો સાથણીની જમીનનો પ્રશ્ન હોય કે રાહતકામ!! જ્યાં કોઈ અધિકારી અટવાય કે કરમશીભાઈને યાદ કરે અને કરમશીભાઈ આવી સેવા કરવા સદાય તત્પર હોય!!

આમ તો એ બધાય ભાઈઓમાં સહુથી નાના!! સમજુ પણ ખરા.. એને જયારે સરકારી નોકરી મળી ત્યારે ભાગમાં આવતી એની જમીન બે ય મોટા ભાઇઓને આપી દીધેલી અને કહેલું પણ ખરું!!

“ આ નોકરી છે ને એ વીસ વીઘા જમીન જ છે.. તમે બને મારાથી મોટા છો.. બાપુજીની ગેરહાજરીમાં પણ તમે મને ભણાવ્યો અને પરણાવ્યો અને હવે મને નોકરી મળી છે ત્યારે મારી પણ ફરજ બને છે કે આ જમીન હું તમને આપી દઉં.. કારણ કે હવે હું કે મારા થનારા સંતાનો કોઈ જમીન ખેડવા તો આવવાના નથીને.. તો બેય ભાઈઓ મારા ભાગની જમીન તમે વહેંચી લો” આવી સમજણથી એ વખતે ગામમાં કરમશીભાઈના ખુબ જ વખાણ થયેલા અને ગામ કહેતું..આને ભણતર ચડ્યું કહેવાય બાકી ભણે એટલે કાયદા જાણે અને પછી માણસો એવા કાવાદાવા કરે કે વાત જ ના પૂછો!! એ વખતના જમાનામાં નોકરીને છેલ્લી પાયરી ગણવામાં આવતી..ઉત્તમ ખેતી ,મધ્યમ વેપાર અને કનિષ્ઠ નોકરી એ સુત્ર એ વખતે પ્રખ્યાત હતું.!!

Image Source

કરમશીભાઈને પત્ની પણ સારી અને ઘરરખું મળેલી. શાંતિથી જીવન પસાર થઈ ગયેલું. દીકરીઓ બે ય મોટી એટલે એને પહેલા પરણાવી. બેય જમાઈ પણ નોકરિયાત ગોતેલા વળી બે ય રેલ્વેમાં નોકરી કરતા હતા એટલે દીકરીઓની કોઈ ચિંતા નહોતી!! નાના બેય દીકરા એને પણ મોટા કર્યા અને ઈચ્છા પ્રમાણે એન્જીનીયરનું ભણાવ્યા. બને ને ખાનગી કંપનીમાં નોકરી મળી ગઈ વળી ઊંચા એવા વાર્ષિક પેકેજ સાથે!! નોકરી મળી ગઈ એટલે બેયનું સગપણ પણ ગોઠવાઈ ગયું. લગ્ન પણ કરી દીધા. બસ બેય છોકરાના લગ્ન થયા એટલે બે ય પોતપોતાની જગ્યાએ સેટ થઇ ગયેલા. રાજીવને વડોદરા નોકરી હતી અને સંજયને અંકલેશ્વર!!

કરમશીભાઈનું જીવન પહેલેથી જ આયોજન પૂર્વક હતું. પગાર ખાસ નહિ પણ તોય ચાર સંતાન એ પરણાવી ચૂકયા હતા. પત્ની ગૌરીએ એ કોઈ દિવસ પગાર બાબતમાં માથું મારતી નહોતી કે પુછપરછ કરતી નહોતી. એ કર્મચારી ભાગ્યશાળી કહેવાય કે એની પત્ની કયારેય પગાર બાબતમાં પૂછપરછ ન કરતી હોય!! આ રીતે કરમશીભાઈ ભાગ્યશાળી હતા!! બસ એક કે બે વખત જ એની પત્નીએ એને પૂછ્યું હતું જયારે એના બે ય દીકરાઓ એન્જિનિયરિંગ માં ભણતા હતા!!
“ એય તમને કહું છું સાંભળો છો રાજીવના પાપા!! હવે ક્યાં સુધી આપણે ભાડાના મકાનમાં રહીશું.. આખી જિંદગી તો કાઈ આમને આમ નહિ જાયને..તમે તાલુકામાં ક્યાય સારો પ્લોટ લઈને મકાનનું કેમ વિચારતા નથી”??

“ હજુ બે ને પરણાવવાના બાકી છે.. આપણા છોકરા કયા સેટ થાય એ નક્કી નહિ.. આપણે અત્યારે મકાનમાં પૈસા નાંખી દઈએ અને પછી એના લગ્નમાં કયાંથી પૈસા લાવશું??? બે વરસ પછી ખબર પડે કે બને દીકરાનું ભવિષ્ય શું છે?? અને વળી આ ગામડામાં ખર્ચા પણ ઓછા છે. મકાનનું ભાડું પણ આપણે દેવું પડતું નથી.. ફક્ત લાઈટ બિલ જ આવે છે..એટલે હમણા મકાનનું કશું જ વિચારવું નથી કારણકે મારી પાસે કોઈ બચત તો છે નહિ,, બે દીકરીઓ પરણાવી એમાં જીપીએફ જે હતું એ વપરાઈ ગયું છે. હવે જે જીપીએફ ભેગું થાય છે એ બેય દીકરાના લગ્નમાં વપરાશે!! વળી એક મંડળી પૂરી થાય કે તરત જ બીજી ઉપાડું છું.. હા કયારેય ઘટ પડી નથી એમ ક્યારેય પૈસા વધ્યા પણ નથી અને આમ ને આમ હાલ્યા કરે છે એ બરાબર જ છે ને!! છોકરા લાઈને ચડી જાય પછી હું નિવૃત થાવ!! થોડી ઘણી રકમ એ વખતે આવશે અને થોડું ઘણું છોકરા કમાઈને આપશે પછી એયને છોકરા જ્યાં નોકરી કરતા હશે ત્યાં સિટીમાં મકાન લઈશું. તું છોકરાના છોકરા રમાડજે અને હું હિંચકે બેઠા બેઠા તને જોયા કરીશ” વાત કરતા કરતા કરમશીભાઈ સોનેરી ભવિષ્યમાં ખોવાઈ જતા હતા!!

Image Source

રાજીવ અને સંજય પોતપોતાની રીતે સેટ થઇ ગયા હતા. કરમશીભાઈ પણ હવે નિવૃત થઇ ગયા હતા. નિવૃત્તિ વખતે આવેલ રકમમાંથી એણે બને દીકરા માટે વડોદરા અને અંકલેશ્વરમાં મકાન લઇ આવ્યું. બને મકાન નાના હતા પણ સારા એવા એરિયામાં હતા. પોતે હવે જ્યાં નિવૃત થયા હતા એ ગામમાં જ ભાડાના જ મકાનમાં રહી ગયા હતા. હવે આખો દિવસ એકાદ પુસ્તક વાંચે અને ગામના ભાભલાઓ જોડે ચર્ચાઓ કર્યે રાખે. ગામના ઘણા ભાભલાઓ કહેતા પણ ખરા.
“ મંત્રી સાહેબ હવે છોકરા ભેગા નથી જાવું.. આખી જિંદગી તો ગામડાંમાં કાઢી.. હવે દેવના દીધેલ છે. તમારે તો જ્યાં રહેવું હોય ન્યા તમને તો જલસા છે જલસા!!”

“એ હમણાં નહિ!! હજુ તો બેયને પરણાવ્યા જ છે.. ત્યાં જઈને ક્યાં એના સંસારમાં ખલેલ પાડવી. થોડો સમય ભલે ને એ પોતાની રીતે જીવે..એય ને બેયને ત્યાં પારણું બંધાય ત્યારે જઈશું ત્યાં રહેવા માટે.. એમને પણ અનુકુળતા અને આપણને પણ અનુકુળતા રહે!!” કરમશીભાઈ કહેતા!!

આમ તો જયારે એણે પોતાના બને છોકરાઓને મકાન લેવા પૈસા આપ્યા ત્યારે પાસબુકમાં રહેલી છેલ્લી રકમ પણ ઉપાડી લીધી. અને છોકરાઓને કહેલું. “ બસ જે હતું એ તમને આપી દીધું છે. હવે તો દર મહીને જે પેન્શન આવે એના પર ગુજારો કરવાનો છે. પણ આનંદ એ વાતનો છે કે તમને બનેને લાઈન પર ચડાવી દીધા. પરણાવી દીધા. સિટીમાં ઘર લઇ આપ્યું છે. બસ અમારે હવે બીજું શું જોઈએ” છોકરાઓ કશું બોલ્યા જ નહિ એ ચુપચાપ સાંભળતાં રહ્યા. કરમશીભાઈ અને ગૌરીબેન ને થયું કે બેમાંથી કયો છોકરો એને ત્યાં રહેવા માટે આમંત્રણ આપે છે. પણ બેમાંથી એકેય પહેલ ના કરી!!

“કરમશીભાઈના એક ખાસ ભાઈ બંધ હતા નવનીતભાઈ!! આમ તો એ ટીડીઓ હતા. પણ કરમશીભાઈના એકદમ જીગરી હતા. કરમશીભાઈ જયારે શરૂઆતમાં નોકરીએ લાગ્યા ત્યારે ટીડીઓ સાહેબ પણ નોકરીએ લાગ્યા જ હતા. બને એ ચાર વરસ સાથે નોકરી કરી. પછી તો એની બદલી થઇ. પ્રમોશન પણ મળ્યા અને છેલ્લે એ નાયબ વિકાસ અધિકારી તરીકે નિવૃત થયેલા પણ દર બે મહીને એ કરમશીભાઈને અચુક મળવા આવે જ!! બને પાકા ભાઈ બંધ!! નવનીતભાઈ આવે એટલે કરમશીભાઈ રાજીના રેડ થઇ જતા.. ગામમાં રાતે વાડીઓમાં આખા રીંગણનું શાક અને જુવારના રોટલા સાથે તળેલા મરચાં અને ઘાટી રગડા જેવી છાશ હોય એટલે નવનીતભાઈને જામો કામોને જેઠવો થઇ જતો. બને ભાઈબંધો ગામના રસ્તે ચાલવા જાય અને વાતો કરતાં જાય!! બનેના પ્રસંગોમાં પણ એક બીજાનું કુટુંબ ઓત પ્રોત થઇ જતું.!! બને નિવૃત તો થઇ ગયા હતા. પણ ભાઈબંધીને એવા વળ છડી ગયા હતા કે ભાઈબંધી નિવૃત થવાનું નામ જ નહોતી લેતી!!

Image Source

નિવૃત્તિ પછીના સાતેય વરસ કરમશીભાઈએ અને ગૌરીબેને ગામમાં કાઢયા મનમાં દુઃખ તો હતું જ કે ગામમાં ભલેને એ પોતાનું નાક ઊંચું રાખતા હોય પણ હકીકત એ હતી કે છોકરાને પરણાવી દીધા અને ઘરના મકાન લઇ દીધા પછી બેય દીકરા કે એની કહેવાતી રૂપાળી પત્નીઓએ એક વાર પણ સાચા ખોટે પણ ના કીધું કે તમે અમારી ભેગા શહેરમાં રહેવા આવો!! ઉલટાના એ લોકો અહી ત્રણેક મહીને આંટો મારવા આવે ત્યારે એના બાપને સલાહ આપે!! કરમશીભાઈને સલાહ આપે!! એ કરમશીભાઈને કે જેને પૂછી પૂછીને આખું મહેસૂલ ખાતું પાણી પીવે એને સલાહ આપે.
“તમારી નોકરી ભાગ્યશાળી અને જલસા વાળી હતી બાપુજી!! ગામડામાં જ જલસા છે. શહેરમાં તમે એક દિવસમાં જ થાકી જાવ”” મોટો બોલે ત્યાં નાનો ત્યાર જ હોય!!

“મોટા તારું વડોદરા તો ક્યાંકેય સારું પણ અંકલેશ્વરમાં તો આખો દિવસ કેમીકલની ગંધ જ આવે.. તમારું નસકોરું બંધાય જાય!! આ તો પેટને ખાતર પડયા છીએ બાકી જીંદગીમાં કાઈ છે નહિ શહેરની” નાનો એની રીતે છકાવે” ત્યાં વળી મોટો જરાય ઢીલો ના પડે!!

“ વડોદરા મોંઘુ બહુ!! અહી તો બાપુજી તમને દુધેય મફતમાં મળે અને ત્યાં છાસના પૈસા પણ દેવા પડે!! બધી જ વસ્તુ મોંઘી!! તમારું પેન્શન તો પંદર દિવસમાં વપરાઈ જાય !! અહી તો એક મહિનાનું પેન્શન ત્રણ મહિના હાલે અને વળી શરીર પણ સારું રહે ને???” મોટો બોલતો. કરમશીભાઈએ ગામે ગામના પાણી પીધેલા હતા એ બને દીકરાનો કહેવાનો મતલબ બહુ સારી રીતે સમજી ગયા હતા. બને દીકરા બહુ સ્પષ્ટ કહેવા માંગતા હતા કે તમે બનેએ આખી જિંદગી ગામડામાં કાઢી છે તો હવે મરો ત્યાં સુધી ગામડામાં જ રહેવાનું છે. શહેરમાં અમે તમને સાચવવા માંગતા નથી. છોકરા સાથે જેટલી વાર વાતચીત થાય ત્યારે એનો ધ્વન્યાર્થ તો આજ નીકળતો. બને દીકરાને ઘરે પારણું બંધાયું. ગૌરીબેનને ખુબ જ હરખ હતો. છોકરાને હીંચકાવવાનો!!

આજની સ્ત્રીઓ કારને ભાળીને ખુશ થઇ જાય છે એમ જુના જમાનાની સ્ત્રીઓ ઘોડિયાને ભાળીને ખુશ થઇ જતી. એમાય પોતાના દીકરા કે દીકરીના સંતાનોને ઘોડિયે સુવડાવીને હિંચકો નાંખતી સ્ત્રીના તમે મોઢા સામું જુઓકે તરત જ તમને ખ્યાલ આવી જાય કે આને ને સ્વર્ગને હવે હાથ વેંત છેટું છે!! ગૌરીબેનનો એ ભ્રમ પણ ઠગારો નીવડ્યો. મોટાએ એની પાટલા સાસુને બોલાવી લીધી. છોકરાની સંભાળ રાખવા માટે અને નાનાએ તો પોતાના સાસુ સસરાને જ બોલાવી લીધાં અને વળી પાછો ફોન પર ગૌરી બેનને કહે પણ ખરો!!

“ મમ્મી એમાં એવું છે ને મારી સાસુને આ બધું ફાવે એ પહેલેથી જ શહેરમાં રહેલા ને?? અને આમેય એ આંગણ વાડીમાં નોકરી કરતા ને એટલે બાળકોને કેમ ઉછેરવા એ બધું એને આવડે ને?? અને તું અહી એકલી આવે તો પાપાનું કોણ?? એટલે તમેને પાપા ગામડામાં બરાબર છો. અહી શહેર તમને ફાવે પણ નહિ!! વળી અહી તમે કદાચ બીમાર પડો તો મુસીબતના પણ પાર નહિ. અમે અમારામાંથી ઊંચા નથી આવતા તો તમારી સાર સંભાળ કોણ રાખે” ગૌરીબેનનું કાળજું ચીરાઇ જતું આવી વાત સાંભળીને એને તો મનમાં એમ થતું કે બેટા બાળકો ઉછેરતા તો અમને નથી આવડતું!! પણ પાછા મનમાં જ બોલે કે ખરેખર કંઇક ખામી રહી ગઈ હોય નહીતર આવા તો ના જ પાકે!! મનમાંને મનમાં મુંજાય પણ કરમશીભાઈ આગળ એ કશું જ ના બોલે. જીવનમાં કેવા કેવા સપના જોયા હતાં એ યાદ કર્યા કરે અને કકળતી આંતરડીની વેદના સહન કર્યા કરે!!

Image Source

સાત વરસ તો આમને આમ કાઢ્યા. બને સંતાનો સાથે હવે બહુ ઓછી વાતો થતી. વાત થાય ત્યારે પણ રાબેતા મુજબ જ “કેમ છો મજામાં!! તબિયત સાચવજો. ખ્યાલ રાખજો. કઈ જરૂર પડે તો કહેજો. મને પ્રમોશન મળ્યું છે. હમણા હમણા ખુબ જ કામ રહે છે. આ દિવાળીએ તો અમે મિત્રો સાથે મનાલી જવાના છીએ. બધા જ યંગ છીએ. તમે અને મમ્મી પણ ફરી આવજો. તમે આખી જિંદગી ક્યાય ગયા નથી. હવે તમારે ફરવાના દિવસો છે તોય તમે ફરતા નથી. તમારે ત્યાં ગામડામાં કેવા લહેર છે લ્હેર!! આ સિટીમાં હું તો છ માસમાં જ બોર થઇ જાવ છું. કામનું ભારણ જ એવું છે ને પાપા!! તમારી જોબ તો સારી હતી પણ અમારી જોબમાં બળતરાનો પાર નહિ” વગેરે વગેરે!!

એક દિવસ નિયમાનુસાર નવનીતભાઈ આવ્યા. જમીને કરમશીભાઈ અને નવનીતભાઈએ મોડે સુધી વાતો કરી. બીજે દિવસે સવારે જ ગૌરીબેનને કરમશીભાઈએ કહ્યું. “આજના દિવસમાં તું ગામમાં બધો વહેવાર પતાવી દેજે!! કોઈને કશું આપવાનું બાકી હોય તો આપી દેજે. મકાનમાલિકને હું આજે ભાડું આપી દેવાનો છું. કાલે બપોર પછી આપણે સામાન ભરવાનો છે. ક્યાં જવાનું છે એ તારા માટે સરપ્રાઈઝ છે. પણ તને મજા આવશે એ નક્કી” ગૌરીબેન વિસ્મયપૂર્વક કરમશીભાઈ તરફ જોઈ રહ્યા. શાકભાજીવાળાથી માંડીને દુકાનવાળા અને દૂધવાળાને ત્યાં જઈને હિસાબ સમજી આવ્યાં. એક નાનકડા આઈશરમાં સામાન ભરાયો. ગામ આખું એમના ઘરે ભેગું થયું હતું. ચા પાણી મુકાયા ગામના વડીલોએ કહ્યું.

“મહીને બે મહીને આંટો મારતા રહેજો મંત્રી સાહેબ!! અમને ભૂલી ન જતા!! આ તમારું જ ગામ છે. તમે હવે તમારા દીકરા પાસે જાવ છો એનો આનંદ છે બાકી અમને તો તમારા વગર જરા પણ ફાવશે નહિ!! આવતા રહેજો સાહેબ” સજળ નયને કરમશીભાઈ અને ગૌરીબેને વરસોથી રહેતા એ ગામ છોડ્યું. આઈશર વાળાને જ્યાં જવાનું છે એનું સરનામું આપ્યું અને કરમશીભાઈ અને ગૌરીબેન નવનીતભાઈની કારમાં ગોઠવાયા.

“ગૌરીબેન તમે મારા ભાઈને પૂછ્યું પણ નહિ કે સામાન લઈને કયા જવાનું છે?? મને તો કરમશીભાઈએ કહ્યું કે ગૌરીને કશી જ ખબર નથી એટલે નવાઈ લાગે છે.” નવનીતભાઈ બોલ્યા.

“એમાં પૂછવાનું શું હોય!! ધણી લઇ જાય ત્યાં જવાનું!! વરસો પહેલા એ મને પરણવા આવ્યા ત્યારે આજ રીતે મોટરમાં એની સાથે બેસી ગઈ હતી. વિશ્વાસ હતો કે એ જ્યાં લઇ જાય ત્યાં રહેવાનું. કયારેય મેં એને કશું પુછ્યું જ નથી તો આ જિંદગીની છેલ્લી અવસ્થાએ શું પૂછવાનું??” ગૌરીબેને કહ્યું અને નવનીતભાઈ ના ચહેરા પર સ્મિત આવ્યું. એ બોલ્યાં.
“લ્યો ત્યારે હું જ બધી વાતનો ઘટસ્ફોટ કરી દઉં!! પણ મને એક વાતનો આનંદ છે કે તમારા જેવી સમજદાર પત્ની બહુ ઓછા લોકોના નસીબમાં હોય છે” કહીને નવનીતભાઈએ વાત શરુ કરી.

“ કરમશીભાઈ મારા સહુથી જુના અને સહુથી વિશ્વાસુ છે એ તો તમને ખબર જ છે. તલાટી માં એ લાગ્યા ત્યારે હું ટીડીઓ તરીકે લાગેલો અવારનવાર અમે ભેગા જ થતા. અમારી વચ્ચે વહીવટી સંબંધ કરતા આત્મીય સંબંધ હતો. કરમશીભાઈને એ વખતે જ મેં કહેલું કે તમે તમારું બધું જ આર્થિક રોકાણ સંતાનોમાં ન કરતાં. કોઈ પણ રોકાણકાર એક જ શેરમાં રોકાણ કરે અને એ શેર કદાચ ડૂબી જાય તો પછી એ રોકાણકારને નાવાનો અને રોવાનો વારો આવે. થોડું થોડું પોતાના માટે પણ બચાવવું. એનો મતલબ એવો પણ નહિ કે સંતાનોને અવગણના કરવી. પણ આનો અર્થ એવો કે ભવિષ્યમાં સંતાન તમારા તરફથી મો ફેરવી લે તો તમે તમારી રીતે જીવી શકો એવું સ્વાવલંબન કેળવી લેવું. આપણા બનાવેલા સંતાનો આપણને કોઈ પણ રીતે બનાવી જાય એ કોઈ કાળે પણ મને ના પોસાય !! એટલે કરમશીભાઈની પગાર સિવાયની જે થોડી ઘણી રકમ આવતી એ મને આપી દે!! હું એ રકમનું રોકાણ શેર બજારમાં કરવા લાગ્યો. તમને ખ્યાલ હોય એ તો ઘણી જગ્યાએ નામું લખવા પણ જતા. એની રકમ પણ આવતી. એ બધી જ રકમ એ મારા દ્વારા શેરમાં રોકતા. રોકાણ કરવાનું. પણ પછી એની સામે જોવાનું પણ નહિ. મારા પિતા શેરબજારમાં મોટા ખેલાડી હતા એટલે મને નાનપણથી જ ખ્યાલ કે કયો શેર લેવાય અને કયો ના લેવાય!! કોઈ વખત કરમશીભાઈ ને એરીયસ આવે કે પગાર વધારો થાય તો એ તમામ રકમ શેરમાં જ રોકી દે!! ઘણી વખત અમુક જમીનના કાવાદાવા હોય એમાં કરમશીભાઈની અમુલ્ય સલાહ ને કારણે સામી પાર્ટી એને બક્ષિશ આપે એ પણ એ વખતે વાપરતા નહિ!! બસ એ રોકાણ એ વખતે તો સાવ નાનું ગણાતું પણ એ નિવૃત થયા ત્યારે એક મસમોટી રકમ થઇ ગઈ હતી. કરમશીભાઈની જેમ જ બીજા આઠેક નોકરિયાત મારી સલાહ મુજબ આવી રીતે બચત કરતા. બસ પછી અમે બધાએ સાથે મળીને એક પ્લાન કરેલો. ચોરવાડ બાજુના એક દરિયાકિનારે એ રકમમાંથી સરસ મજાના ઘર બનાવ્યા છે. રસોઈયા રાખી લીધેલા છે. બધાજ પેન્શન વાળા વગર ટેન્શને જીવી શકે એ માટેની તમામ વ્યવસ્થા છે. નિવૃત થયા પછી બેમાંથી એક પણ દીકરા સાથે જો રહેવાનું થયું હોત તો આ કશું કરવાની જરૂર નહોતી. પણ એવું ન થઈ શક્યું એટલે દીકરાના ભરોસે રહેવા કરતા બચતને ભરોસે રહેવું એ વધારે વાજબી છે” નવનીતભાઈ વાતો કરતા રહ્યા અને કાર ચલાવતા રહ્યા!!
વહેલી સવારે એ લોકો ત્યાં પહોંચી ગયા. એક બાજુ ઘૂઘવતો દરિયો અને બીજી બાજુ કેળ અને નાળીયેરના વ્રુક્ષો!! એક લાઈનમાં આઠ સરસ મજાના ઘર હતા!! એક ઘરની ઉપર “ગૌરી” લખેલું હતું તેની તરફ આંગળી ચીંધીને નવનીતભાઈ બોલ્યા.

Image Source

“તમારી ઈચ્છા હતીને કે એક ઘરનું ઘર હોય તો આજે તમારી ઈચ્છા પૂરી!! બસ હું પણ તમારી બાજુમાં જ છું. અહી આઠેય ઘર એ આપણું કુટુંબ છે. રસોઈની કોઈ કડાકૂટ નથી બે રસોઈયા રાખી લીધા છે જે આપણને ત્રણેય ટાઈમ ભોજન બનાવી દેશે.. બાકી આ બગીચો છે. આ બાજુ મંદિર છે એક પુસ્તકાલય છે. પહેલું ઘર છે એક ડોકટરનું છે. એમના સંતાનો વિદેશમાં છે. કોઈ બીમાર પડે તો એ પણ ઉપાધિ નથી. બસ હવે છેલ્લી અવસ્થામાં આ રીતે જીવી લઈએ!! કોઈને દોષ દઈને માનસિક રોષ વહોરવા કરતા આપણે જાતેજ આપણી રીતે જીવી લઈએ એ બહેતર છે. સરસ મજાનું પેન્શન આવી રહ્યું છે. કોઈ આર્થિક તકલીફ નથી.” ગૌરીબેન ઘર જોયું. એકદમ પોતાના સપનાનું ઘર હતું. બપોર સુધીમાં સામાન આવી ગયો. બધાએ ગોઠવી દીધો. બગીચામાં બેસીને સમુહમાં સહુએ જમી લીધું. વાતાવરણ એકદમ આહલાદક હતું.

“કેમ છે ઘર?? તારી ઈચ્છા હતીને ઘરના ઘરની એ પણ પૂરી થઈને અને સાંભળ આ ઘરનું નામ પણ તારા પરથી જ રાખ્યું છે ગૌરી!! બસ હવે કહે તારા મગજમાં શાના વિચાર આવે છે??” કરમશીભાઈએ એ એસી વાળા દીવાનખંડમાં ગૌરીની બાજુમાં બેસતા કહ્યું.

“ બસ મને મારા પિતાજી પર ગર્વ છે!! એણે મને તમારો ફોટો બતાવ્યો હતો આપણો સંબંધ થયો એ પહેલા અને મને કહ્યું હતું કે ગૌરી આ છોકરાની આંખો જોઇને મને થાય છે કે આ છોકરો તને ક્યારેય દુઃખી નહિ થવા દે!! મારા પિતાજીના શબ્દો સાચા પડી રહ્યા છે એનો આનંદ છે” ગૌરી આટલું બોલીકે કરમશીભાઈના ચહેરા પર હાસ્ય રેલાઈ ગયું.!

જમાનો બદલાઈ રહ્યો છે. પોતાના જીવનની શરૂઆતમાં જ સહુએ બધું જ રોકાણ પોતાના સંતાનોમાં કરવા જેવું હવે રહ્યું નથી. એક વિકલ્પની જિંદગી ક્યારેક વૃદ્ધાવસ્થામાં દગો દઈ શકે છે. એક કરતા વધારે વિકલ્પો પહેલેથી જ વિચારવા!! એક વિકલ્પ બંધ થાય ત્યારે આપોઆપ બીજો વિકલ્પ સહારો બનતો હોય છે . અત્યારથી જ એવું આયોજન કરવું કે ભવિષ્યમાં કદાચ સંતાનો સહારો ન બને તો બચત મોટો સહારો બની શકે છે. જાતને એવી ટેવ નાનપણથી જ પાડો કે છેક સુધી એકલું જ જીવવાનું છે. આત્મવિશ્વાસ અને શ્રદ્ધાનો સહારો જ લેવાનો બાકી પેટના જણેલા કે સગાઓ સહારો આપે તો મોસ્ટ વેલકમ પણ એની ઉપર નિર્ભર ના રહેવું!!

લેખક:- મુકેશ સોજીત્રા
૪૨, “હાશ”, શિવમ પાર્ક સોસાયટી, સ્ટેશન રોડ
મુ.પો ઢસા ગામ તા. ગઢડા જી. બોટાદ પીન ૩૬૪૭૩૦
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks